જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોની સંખ્યા વધારે હોવાથી ધારા ૩૭૦ હટાવવામાં આવી છે - ચિદમ્બરમ

    ૧૨-ઓગસ્ટ-૨૦૧૯

 
 
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે ધારા ૩૭૦ હટાવવા બદલ મોદી સરકારની આલોચના કરી છે અને કહ્યું કે જો જમ્મુ – કાશ્મીરમાં હિન્દુઓની સંખ્યા વધારે હોત તો ભગવા પાર્ટી આ રાજ્ય પાસેથી તેને મળેલો ‘વિશેષ દરજ્જો’ પાછો ન લેત.
 
ચિદમ્બરમે આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપે પોતાની શક્તિ દેખાડી ઘારા ૩૭૦ને નાબૂદ કરી છે. જમ્મુ-કાશ્મીર અસ્થિર છે અને આંતર-રાષ્ટ્રીય ન્યુઝ એજન્સીઓ આ અશાંત સ્થિતિને કવર કરી રીપોર્ટ પ્રકાશિત કરી રહી છે પણ ભારતીય મીડિયા આવું કંઇ કરી રહ્યું નથી.
 
પીટીઆઈ ન્યુઝ એજન્સીના રીપોર્ટ પ્રમાણે ચિદમ્બરમે વધુમાં જણાવ્યું કે તે લોકોનો દાવો છે કે કાશ્મીરમાં સ્થિતિ સારી છે. શું ભારતીય મીડિયા અશાંત જમ્મુ-કાશ્મીરની સ્થિતિને કવર ન કરે તો શું એનો મતલબ એવો થાય કે સ્થિતિ કાબૂમાં છે? જે લોકોએ સંસદમાં ૩૭૦ હટાવવા ભાજપનો સાથ આપ્યો છે એ ભયના કારણે આપ્યો છે.
 
વિપક્ષી દળના અસહયોગ પર અસંતોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે અમને ખબર છે કે લોકસભામાં અમારી પાસે બહુમતી નથી પરંતુ બીજા સાત દળોએ સહયોગ આપ્યો હોત તો વિપક્ષ રાજ્યસભામાં બહુમતની સ્થિતિમાં હોત. આ નિરાશાજનક છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સૌરા વિસ્તારમાં લગભગ ૧૦ હજાર લોકોએ વિરોધ કર્યો અને આ એક સત્ય ઘટના છે. પોલીસે કાર્યવાહી કરી, ફાઈરિંગ કર્યુ… એ પણ સત્ય છે. ભાજપના આ નિર્યણની નિંદા કરવા માટે અહીં એક જનસભા થઈ હતી.
 
તેમણે કહ્યું એક કોઇ રાજ્યને અચાનક કેન્દ્રશાસિત બનાવી દેવાયું છે દેશના ૭૦ વર્ષના ઇતિહાસમાં આવું ઉદાહરણ પહેલીવાર સામે સામે આવ્યું છે. તેમણે ગંભીર આરોપ બગાવતા જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર હુન્દુ બહુલ વિસ્તાર હોત તો ભાજપ ક્યારેય આવું ન કરેત. કેમ કે અહીં મુસ્લિમ વધારે છે માટે જ તેમણે આવું કર્યું છે.
 
ચિદમ્બરમે વધુમા જણાવ્યું કે જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલ વચ્ચે કોઇ સંઘર્ષ ન હતો. સરદાર પટેલ ક્યારેય સંઘના પદાધિકારી રહ્યા નથી. આ લોકો પાસે કોઇ નેતા નથી. તે અમારા નેતાને ચોરી રહ્યા છે.