કઠોર અનુશાસનનો આગ્રહ કેમ રાખો છો ?

    ૧૭-ઓગસ્ટ-૨૦૧૯

 
 

અનુશાસનનું મહત્ત્વ 

 
આચાર્ય સુમેધ કડક અનુશાસનના આગ્રહી હતા. એક દિવસ પાઠ સમાપ્તિ બાદ તેમના વરતંતુ નામના પ્રિય શિષ્યે તેમને પૂછ્યું, ‘આચાર્યવર ! વિદ્યાનો આધાર તો બૌદ્ધિકતા પર રહેલો છે. તો પછી તમે અમારી પાસે કઠોર અનુશાસનનો આગ્રહ કેમ રાખો છો ?’ આચાર્ય સુમેધે જવાબ આપ્યો, ‘સમય આવ્યે તારા આ પ્રશ્ર્નનો જવાબ તને મળી જશે.’ થોડા દિવસ બાદ આચાર્ય સુમેધ પોતાના શિષ્યો સાથે ગંગાતટે વિહાર માટે નીકળ્યા. ત્યારે તેઓએ વરતંતુને પૂછ્યું, ‘વરતંતુ, તને ખબર છે કે ગંગાની યાત્રા ક્યાંથી શ‚ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે ?’ વરતંતુએ તરત જ જવાબ આપ્યો, ‘હા ગુરુદેવ ! ગંગા ગૌમુખથી નીકળી ગંગાસાગરમાં તેની યાત્રા પૂર્ણ કરે છે.’ આચાર્યએ ફરી પૂછ્યું, ‘જો ગંગાના આ બે કિનારા ન હોત તો શું તે આટલી લાંબી યાત્રા કરી શકત ?’ વરતંતુએ જવાબ આપ્યો, ‘બિલકુલ નહીં ગુરુદેવ, ત્યારે તો ગંગાનું પાણી આમ તેમ ફંટાઈ જાત. એટલું જ નહીં ગંગાનો જે લાભ લોકોને મળે છે તેનાથી પણ લોકો વંચિત રહી જાત, કારણ કે કિનારા જ ન હોત તો ક્યાંક પૂર તો ક્યાંક ભયંકર દુષ્કાળ પડત.’
 
વરતંતુના જવાબથી સંતુષ્ટ આચાર્ય સુમેધે કહ્યું, ‘વત્સ, બસ આ જ તારા તે દિવસના પ્રશ્ર્નનો જવાબ છે. અનુશાસનના અભાવમાં જે રીતે ગંગાનું પાણી વિખરાઈ જાત, તે રીતે અનુશાસનના અભાવમાં વિદ્યાર્થીઓના જીવનની ઊર્જા પણ વેરવિખેર થઈ જાય છે. તેમનું શરીર નિસ્તેજ, નિષ્પ્રાણ થઈ જાય છે અને તેમના માટે જીવનપ્રાપ્તિનું લક્ષ્ય અસંભવ બની જાય છે. અનુશાસનમાં રહીને જ કોઈ પણ વસ્તુને આત્મસાત્ કરી શકાય છે.’