શીતળા સાતમનું વ્રત અને મહત્વ - શીતળા સાતમની કથા અને વિધિ

    ૨૧-ઓગસ્ટ-૨૦૧૯
 
 
 
શીતળા સાતમ

વ્રતની વિધિ :

 
પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ (વદસાતમ)ના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું. ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ચુલો સળગાવવો નહીં. ચુલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે. ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી. આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે. ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

વાર્તા :

 
ઇશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જબરી. કજીયાખોર અને ઇર્ષાની ભરેલી હતી. વાત વાતમાં વાંકુ પાડતી. જ્યારે નાની વહુ ઘણી ભળી, ભોળી અને પારકાના દુ:ખે દુ:ખી થનારી હતી.
પવિત્ર શ્રાવણ માસ આવ્યો. રાંધણછઠ્ઠનાં દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી. પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી. ત્યાં પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો. સાતે કામ પડતાં મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો. જરા આડા પડખે થઈ. દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો.
 
અર્ધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યાં. ફરતાં ફરતાં નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યાં. ત્યાં તો શરીરને ઠંડક વળવાનો બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા. આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો. તરત જ નાની વહુને શ્રાપ દીધો. ‘હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો.’
નાની વહુ સવારે ઊઠી. ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો.
 
નાની વહુની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે. માતાએ શ્રાપ આપ્યો છે. એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ. બધી વાત કરી, સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતાં કહ્યું, ‘વહુ ધીરજ ધર, શીતળામાં પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે. મા તો દયાળુ છે. જરૂર તારા પર કૃપા કરશે ?’
નાની વહુ સાસુના આશીર્વાદ લઈ, છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય. રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી. કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં. મનુષ્ય કે પશુ-પક્ષી કે પારેવાં, જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું.
 
નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી ?
નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું. એમ કહ્યું ત્યારે તલાવડી બોલી.
બહેન ! અમારું પણ એક કામ કરજે. અમારા એવાં તે શા પાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે. મા મળે તો અમારા દુ:ખનું નિવારણ પૂછજે.
 
નાની વહુએ શીતળામાંના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યાં, અમારું ય એક કામ કરજે. અમે સદાય લડ્યા જ કરીએ છીએ. અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી. તો અમારા એવા તે શું પાપ હશે ? તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે.
 
નાની વહુએ હા પાડી. પછી આગળ ચાલી. થોડેક આગળ ચાલી ત્યાં બોરડીનાં ઝાડ નીચે એક ડોશી દીવેટું જેવા વાળ બેય હાથે ખંજવાળતી બેઠેલી. વહુને જોઈ ડોશી બોલી – ‘બાઈ રે બાઈ, આમ હાંફળી-ફાંફળી ક્યાં હાલી ?’ વહુએ શીતળામાંના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી, ‘અલી ! જરાક મારું માથું તો જોઈ દેતી જા.’
 
નાની વહુને ઉતાવળ હતી, પણ એ ઘણી દયાળું હતી. તેણે સંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના કોળામાં આપી એ તો મંડી માથું જોવા. જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા. તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાનાં શરીર ઉપર ફરવા માંડ્યા. થોડીવારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, “હાશ…બહેન… દીકરી ! તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે. તો તેમ તારું પેટ ઠરજો.”
 
જ્યાં ડોશીમા આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉંવા ઉંવા કરી રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુતો હરખઘેલી થઈ અને એના મનમાં આનંદ સમાતો નથી, પણ થોડીવારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાના પગે આળોટી પડી. “બસ, મા ! હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી ! મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત ?” આમ, કહી રડવા લાગી.
 
ત્યારે શીતળામાં બોલ્યા, “રડ નહીં દીકરી ! મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ. વિધિ પ્રમાણે વર્તવું જોઈએ, એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા.. સુખી થા મારા આશીર્વાદ છે.”
શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલાં છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, “માતાજી, ! રસ્તામાં આવતાં બે તલાવડી છે.”
 
“નિર્મળ જળ છલોછલ પાણી છે,
ટોપરાં જેવું મીઠું પાણી છે,
પણ કોઈ છાલકું પાણી પીતું નથી,
કોઈ તલાવડી સામે જોતું નથી.”
 
તેના પાપનું નિવારણ શું ? તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળી શીતળામાંએ કહ્યું, “બેટા ! આગલા ભવમાં એ બેય શોક્યો હતી. બેયની વચ્ચે એવું વેર-ઝેર હતું કે રોજ લડે ! ઘેર દૂઝણાં હતાં તેથી વલોણું હતું. એટલે છાસ થાય અને છાશ કોઈ આડોશી પાડોશિ અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાંખીને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમનાં પાપોનો નાશ થશે.”
 
પછી તો… તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું, “માતાજી ! ત્યાર પછી રસ્તામાં આવતાં બે આખલા મળ્યાં. બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડીયા લટકે છે. એમના પાપનું નિવારણ શું છે તે કહો.”
 
શીતળામાંએ કહ્યું, “સંભાળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતાં. બેય ટૂંકા મનવાળી, ઘરમાં ખાંડણિયું (ખાણિયો) અને ઘંટી હતા, પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે તેમને નડે છે. તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેયનો છૂટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં.” આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યાં.
 
બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યાં ?
અમારા પાપના નિવારણ જાણ્યા ?
 
વહુ કહે, “હા ગયા જનમમાં તમે બેય દેરાણી જેઠાણી હતાં. ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતાં અને છણકા કરી કાઢી મૂકતાં હતાં. તે પાપ આજે તમને નડે છે, અને તેથી તમે બંને આખો દિવસ લડ્યાં કરો છો.” આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા.
 
વહુ તો આગળ વધી આગળ જતાં રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીએ આગલાં જનમની વાત કહી અને કહ્યું, “બહેન ! ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે. કે…”
જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં.
ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં.
દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં.
 
માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુઃખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું, “ભગવાન તારું ભલું કરે.”
 
અને આટલું બોલતાં આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું. પશુઓ પાણી પીવા આવવા લાગ્યાં. આ જોઈ બેય તલાવડીઓ આનંદિત થઈ ઊઠી.
 
ઘેર જવામાં મોડું થઈ જશે. એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું.
સાસુમા ઓ સાસુમા,
શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા.
માએ અમને વહાલ કર્યો, નાના બાળ જીવતા કર્યા.
શીતળામાના વ્રત અમને ફળ્યા.
સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષઘેલી થઈ ગઈ. વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા.
આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાંખી શીતળામામાં પાસે ગઈ અને સજીવન થયો. એ તો ઇર્ષાની મારી બળી ઊઠી પણ થાય શું ?
 
આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વિતવા લાગ્યાં. વળી પાછો રાંધણછઠ્ઠનો દિવસ આવ્યો. એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણીની જેમ શીતળામાનાં આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયાં. રાત્રે ફરવાં નિકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યાં. રસોડામાં જઈને જુએ છે. તો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા. અને શરીરે દાઝ્યા. તેથી શાપ આપ્યો, “જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો.”
 
સવારે ઊઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી. સાસુમા એ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે, “તને નક્કી શીતળામાંએ શાપ આપ્યો છે, માટે તું શીતળામાં પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહે જે કે, માડી ! મારી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો.”
 
દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામાં પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું, “બહેન ! આટલો અમથો અમારો સંદેશો શીતળામાંને આપજે ને !”
 
જેઠાણી બોલી, “જા…જા… મારી બાઈ હું તો મારી ફીકરમાં છું. એમાં તારી પંચાયતમાં ક્યાં પડું ? સંદેશો શેનો ને વાત શેની જોતી નથી શીતળામાંના શાપથી છોકરો ભડથું થઈ ગયો છે. હં સંદેશો આપજે ને” એમ કહી એતો ચાલી.
આગળ જતાં પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું, “હે બહેન ! તમે શીતળામાં પાસે જાવ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને.”
 
જેઠાણીએ છણકો કરતાં કહ્યું, “મરને મારા રોયા, કોઈ નવરી નથી. તે તમારા સંદેશા લઈ જાઉં.” આમ પગ પછાડીને એ તો ચાલી.
 
જતા જતા રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું, “બહેન ! આમ ક્યાં ચાલી ?”
શીતળામાં પાસે જાઉં છું. દીકરો સજીવન કરવા જેઠાણી બોલી, “ભલે માડી ભલે જા… પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જુ કાઢતી જાને. ભગવાન તારું ભલું કરશે.” ડોશીમાં બોલ્યા.
 
પણ આ તો અભિમાનનું પૂતળું. ઈર્ષાનો ભંડાર હતો એ તો કાંઈ સેવા કરે ? એટલે તુરત જ બોલી, “એ…ય ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળ્યે રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા.” આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું, “ઓ બાઈ ! માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા.” પણ કોણ સાંભળે છે. આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાંની શોધ કરી પણ એમ શીતળામાં મળે ?
 
માટે બહેનો ! દેખા દેખી કે કોઈની ઇર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે. કોઈનુંય સારું થતું હોય તો ટાપું ટીપું કરીને કામ કરી છૂંટવું પણ નકારો ન કરવો. બને તો દાન-દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે.
જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકળતી ઘેર પાછી આવી. સાસુ પાગે ઢગલો થઈને પડી. સાસુએ તેને શીખામણ આપી કે, “વહુ ! અજાણતાં થઈ ગયેલી ભૂલ માફ થાય છે. પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી. અને એમાં વળી તારો સ્વભાવ ! જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં.”
(જય શીતળામાં ! જેના નાની વહુને ફળ્યાં તેવાં વ્રત કરનારે, સાંભળનારને, લખનારને અને વાંચનારને સૌને ફળજો.)