દુનિયાને ૨૦ ટકા ઓક્સિજન આપનારું ૫૫ લાખ ચોરસ કિલોમીટરમામ ફેલાયેલું આપણું ઘર ૧૫ દિવસથી સળગી રહ્યું છે!

    ૨૩-ઓગસ્ટ-૨૦૧૯   

 
 
અમેઝોનના બ્રાઝિલના જંગલમાં છેલ્લા ૬ દિવસમાં ૫૦૦૦ કિલોમીટરના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ છે. ૫૫ લાખ ચોરસ કિલોમીટરમામ ફેલાયેલ અમેઝોનના જંગલોનો ઇતિહાસ, તથ્યો, ત્યાની દુનિયા રોચક અને રોમાંચક છે. આવો અમેઝોનના જંગલની કેટલીક વાતો જાણીએ…
 
આખી દુનિયાને ૨૦ ટકા ઓક્સિકન આપનારું અમેઝોનું જંગલ છેલ્લા બે અઠવાડિયાથી સળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકાના બ્રાજિલમાં આવેલ દુનિયાનું સૌથી મોટું આ જંગલ વર્ષાવન અને “દુનિયાના ફેંફસા” તરીકે ઓળખાય છે. પણ છેલ્લા ૧૫ દિવસથી તે સળગી રહ્યું છે. અહીંની આગ વિકરાળ બની છે. આગ ઓલવાવાની જગ્યાએ આગળ વધતી જાય છે. ઉલ્લેખનીય વાત એ છે કે અહીં આગ લાગવી સામાન્ય વાત છે પણ આ વખતે જે આગ લાગી છે તે અત્યાર સુધીની સૌથી ભયાનક આગ છે. આ આગના કારણે અમેઝોન, રોડાંનિયા અને સાઓ પાઓલોમાં તો રીતેસરનું અંધારું છવાઈ ગયું છે. અહીં લાગેલી આગના કારણે બ્રાઝિલનો ૨૭૦૦ કિલો મીટરનો વિસ્તાર પ્રભાવિત થયો છે.
 

 
 

આગની ઘટનાઓમાં ૮૩ ટકાનો વધારો

 
અંતરિક્ષ સ્પેસ સ્ટેશનને જે ફોટા નાસાને મોકલ્યા છે તે મુજબ ગયા વર્ષ કરતા આ વર્ષે ૮૩ ટકા વધારે આગ લાગી છે. નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ રિસર્ચના મતે છેલ્લા આઠ મહિનામાં અહી ૭૩૦૦૦ વાર આગ લાગી છે. આ વખતે આ આગનો આંકડો રેકોર્ડ બ્રેક છે. છેલ્લા ૬ દિવસમાં અહી ૯૬૦૦ સ્થાન પર આગ લાગી છે. જે અંદાજે ૫૦૦૦ કિ.મી વિસ્તારમાં ફેલાયેલી છે. ઉલ્લેખનીય વાત એ છે કે બ્રાઝિલે આ ઘટનાઓને લઇને કટોકટી જાહેર કરી દીધી છે. .
 

ટ્વિટર પર ટ્રેન્ડ #PrayforAmazonas

 
ટ્વિટર પર #PrayforAmazonas ટ્રેન્ડ ચાલી રહ્યો છે. #PrayforAmazonas ના માધ્યમથી લોકો બ્રઝિલ અને વિશ્વના દેશોને, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અમેઝોનના જંગલોને બચાવાવાની અપીલ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૩ લાખથી વધારે ટ્વીટ આ હેજટેગ સાથે થઈ ગઈ છે.
 
 
 
 

 
 

લોકો બ્રાઝિલના રાષ્ટ્રપતિને માને છે જવાબદાર

 
હાલ તો એવું લાગી રહ્યું છે કે સ્થાનિક વિવાદો અમેઝોનના જંગલોને નુકસાન પહોંચાડી રહ્યા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારાનું કહેવું છે કે મેં પર્યાવરણ સંગઠનોનું ફંડ ઘટાડી દીધું છે માટે તેમણે જ આ આગ લગાવી છે. પર્યાવરણ સંગઠનોનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ વોટબેન્ક માટે લાકડાના દાણચોરો, જમીન હડપનારાઓને ખુલ્લી છૂટ આપી છે. જેયર જ્યારથી રષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી બ્રાઝિલમાં ૩૪૪૫ ચોરસ કિ.મી જંગલ ઘટી ગયું છે. ઉલ્લેખનીય વાત એ છે કે વર્ષ ૨૦૧૮માં જંગલનો વ્યાપ વધ્યો હતો. રાષ્ટ્રપતિ જેયરે પણ જંગલના ઝાડ કાપવાની ગણતરી કરતી મુખ્ય સંસ્થાના પ્રમુખને કાઢી મૂક્યા છે. એટલે લોકોને પણ જેયરની મંશા પર શક પેદા થયો છે. પર્યાવરણવાદી સંગઠનોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ અહીંના સ્થાનિક લોકો- ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા છે.
 
 
 
 

 
 

કેમ ખાસ છે અમેઝોનનું જંગલ!!

 
અમેઝોનના જંગલોનું રહસ્યા જૂની વાર્તાઓમાં આજે પણ જોવા મળે છે. અનેક રહસ્યથી ભરેલું છે આ જંગલ. આજની પેઢીને અમેઝોન એટલે ઓલી ઓનલાઈન ઇ-કોમર્સની કંપની જ યાદ આવતી હશે પણ અમેઝોન નદીના બન્ને કાંઠે વસેલુ વિશ્વનું સૌથી મોટા જંગલ વિશે બહું ખબર નહી હોય. તેની વિગતો ચોકાવનારી છે. વાંચો…
 
 
# અમેઝોનનું જંગલ ૫૫ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. યુરોપીય સંધના જેટલા દેશો છે તેના ક્ષેત્રફળથી દોઢગણું મોટું આ જંગલ છે.
 
# અમેઝોન નદી સાથે જોડાયેલું આ જંગલ લગભગ ૫.૫ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું અને આ વર્ષોમાં અહી અનેક પરિવર્તન આવ્યા છે.
 
# દક્ષિણ આફ્રિકાના નવ દેશોની સરહદમાં ફેલાયેલું આ જંગલ છે, જેનો ખૂબ મોટો ભાગ બ્રાઝિલમાં આવેલો છે.
 
#આ જંગલ બ્રાઝિલ, પેરુ, ગુયાના, કોલંબિયા, વેનેઝુએલા, ઇક્વાડોર, બોલિવિયા, સુરિનામ અને ફ્રેન્ચ ગુયાના એમ દક્ષિણ આફ્રિકાના નવ દેશોમાં ફેલાયેલું છે.
 

 
 
# વિશ્વભરના રેઇનફોરેસ્ટસમાંથી અંદાજે ૪૦ ટકા હિસ્સો એમેઝોનનો છે.
 
# અમેઝોન ઉપરાંત વિશ્વમાં કોંગો, વાલિદિવિયન અને ટોંગાસના જંગલો જ એક લાખ ચો.કિ.મી. માં ફેલાયેલા છે.
 
# અમેઝોનના જંગલને દુનિયાનું ફેફસું ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે આખી દુનિયામાં જેટલો ઓક્સિજન છે તેમાંથી ૨૦ ટકા ઓક્સિજન અહીંથી જ પેદા થાય છે.
 
# એવું કહેવાય છે કે અમેઝોનના જંગલોમાં ૧૬ હજાર જેટલી જુદી-જુદી જાતીના ઝાડ – છોડ છે. અંદાજે ૩૯ હજાર કરોડ ઝાડ અહી છે.
 
# લગભગ ૨૫ લાખ જેટલા જંતુઓ-કીડા-મકોડાની વિભિન્ન પ્રજાતિઓ અહીં જોવા મળે છે.
 
# અમેઝોનનાં જંગલોમાં ૪૦૦ કરતા વધારે સ્વદેશી આદિવાસીઓની જાતિ રહે છે. આ લોકોની સંખ્યા ૪૦ લાખની છે એવું કહેવામાં આવે છે. આ એવા લોકો છે જેને બહારી દુનિયાથી કોઇ લેવા દેવા નથી.
 

 
 

અમેઝોનના જંગલમાં ખજાનો ભરેલો છે….

 
અમેઝોનનું જંગલ હવે ખતરામાં છે. કેમ કે માણસની એમાય ચીનેની નજર હવે તેના પર પડી છે. હમણા ચીને બ્રાઝિલ અને પેરુના અમેઝોનના જંગલમાંથી પસાર થતી ટ્રેન તૈયાર કરવાનો પ્રોજેક્ટ સામે મૂક્યો હતો. આ સાથે દુનિયાભરમાં હડકંપ મચી ગયો હતો. ચીનની આ મહત્વકાંક્ષી યોજના છે. તેને ખબર છે કે અહીં દુનિયાની કુદરતી સંપતિનો ખજાનો છે. અહીંના દેશોની નજર અહીંના ખજાના પર છે. અનેક પ્રોજેક્ટ અહી શરૂ થઈ ગયા છે.
 

 
અમેઝોન નદી સાથે જોડાયેલું આ જંગલ લગભગ ૫.૫ કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું અને આ વર્ષોમાં અહી અનેક પરિવર્તન આવ્યા છે. માણસ નામનું પ્રાણી હવે આ જંગલોને ખાઈ રહ્યું છે. એક રીપોર્ટ પ્રમાણે જંગલોનો અહી આડેધડ સફાયો થઈ રહ્યો છે અને એમાય છેલ્લા બે જ વર્ષમાં અહીં ૧૦૦ કરોડ કરતા વધારે વૃક્ષો સળગી ગયા છે.
 

 
 

દર વર્ષે કપાય છે કરોડો ઝાડ…

 
દુનિયાની આર્કિયોલોજિસ્ટની ટીમનો દાવો છે કે અહીંની જમીન કુદરતી છે. જેવી કુદરતે બનાવી હતી તેવી જ ફળદ્રુપ છે. બહારી દુનિયાથી અજાણ અહી રહેતી પ્રજાએ પણ તેને ફળદ્રુપ રાખી છે. પણ છેલ્લા ૪ દાયકામાં આ જંગલોનો જે રીતે નાશ કરવામાં આવ્યો છે તેનો રીપોર્ટ ચોકાવનારો છે. અહીંના જંગલો કાપવાની શરૂઆત ૭૦ના દયકામાં થઈ. વર્ષ ૧૯૭૭ થી લઈને ૨૦૦૫ સુધીમાં અમેઝોનના જંગલોમાં દર વર્ષે ૧૦ હજાર વર્ગ કિલોમીટરના જંગલોનો નાશ થઈ રહ્યો છે. એટલે કે જંગલો કપાઈ રહ્યા છે. સોનુ અને પેટ્રોલિયમ જેવા ખનીજોની અહીં ભરમાર છે. જેને મેળવવા બહુરાષ્ટ્રીય કંપનીઓ તલપાપડ થઈ રહી છે. અહીં સરકારો સાથે કામ પણ કરી રહી છે. ખોદાણ પણ કરી રહી છે. રીપોર્ટ કહે છે કે અમેઝોનના જંગલોને લૂંટવાનો પ્લાન ઘડાઈ ગયો છે. પણ આ બધાની વચ્ચે આજ સુધી ક્યારેય ન લાગી હોય તેવી આગ અહી લાગી ગઈ છે. દુનિયા આખાની નજર રહી રહીને આ આગ પર ગઈ છે. જો આમને આમ આ જંગલોમાં આગ તેનું કામ કરતી રહેશે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે લડી રહેલી આ દુનિયાને વધુ એક ઝટકો લાગશે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચવાની મીટિંગો કરવા કરતા અમેઝોનના જંગલોને બચાવવાની જરૂર છે…
 

 
 
દુનિયાભરમાં જે વરસાદ પડે છે તેના પર અમેઝોનના જંગલની અસર હોય જ છે. જો આ જંગલોનો નાશ થસે તો તેની સીધી અસર દુનિયામાં પડનારા વરસાદ પર પડશે. જેની સીધી અસર જળવાયુ પરિવર્તન પર પડશે. ઓક્સિજનનું પ્રમાણ ઘટશે, કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધશે, જેનાથી ઓઝોનના સ્તર પર તેની ખરાબ અસર પડશે અને સૂર્યના સીધા ઝેરી કિરણો પૃથ્વી પર પડશે. ગર્મી વધશે….આવું તો ધણું બધુ થશે. પણ માણસને આ વાતની ચિંતા નથી. વિકાસ નામના પૈંડા પહેરીને તે વિનાશની તરફ ફૂલ ઝડપે દોડી રહ્યો છે. આના પર બ્રેક મારવાની જરૂર નથી જણાતી? આ વિચારી કઈક નક્કર પગલા ભરવાનો સમય છે.
 
 
જુવો આગનો વિડીઓ...