યુથ આઈકોન ભગવાન શ્રીકૃષ્ણ ‘મન, મોહન, મોરલી અને મોરપિચ્છનાં યુવા રંગો’

    ૨૩-ઓગસ્ટ-૨૦૧૯   

  
 
જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મનો પાવન અવસર. એક એવો અવસર જે આબાલથી વૃદ્ધ સૌ એકસરખા ઉત્સાહ અને ઉમંગથી ઊજવે છે, પણ યુવાનોને એનું વધારે ઘેલું. શ્રીકૃષ્ણ એને જીવનના દરેક તબક્કે પોતીકો લાગે. આફતના અંધારામાં એ અજવાળું થઈને પ્રગટે અને ઉમંગના અવસરે ગુલાલ થઈને ઊડે. શ્રીકૃષ્ણ યુવાનો માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ હોય એવા ભગવાન છે. માત્ર ગોકુળ, મથુરાની જ નહીં, સમગ્ર ભારતની દરેક યુવતીના હૃદયનો ધબકારો બની ગયેલો આ અનોખો મોરલીવાળો જિંદગીમાં એક અપૂર્વ સુગંધ ભરે છે. આ જન્માષ્ટમીએ કૃષ્ણને એક જુદા સંદર્ભે સમજીએ. જીવનમાં દરેક તબક્કે શ્રી કૃષ્ણ યુવાનોને કંઇક પ્રેરણા આપે છે તે જાણીએ. મન, મોહન, મોરલી અને મોરપીંછનાં યુવા રંગો અહીં પ્રસ્તુત છે.
શ્રીકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. સીમાઓ ઓળંગીને, ભાષાઓ ભૂલીને સમગ્ર વિશ્ર્વના લાડકા બની ગયેલા કૃષ્ણનું જીવન માત્ર ઉપદેશ ગઠરિયાં નથી, ઉમંગ ગઠરિયાં પણ છે. કૃષ્ણના જીવનમાં જેટલી વૈવિધ્યતા અને શીખ છે એટલા કોઈમાં નથી. શ્રીકૃષ્ણનું બાળપણ શ્રેષ્ઠ બાળપણનો બેજોડ નમૂનો છે. કૃષ્ણની કિશોરાવસ્થા કદંબની ડાળી પર ઝૂલા ખાવા જેવી આનંદમય છે, એમની યુવાની રોમાન્સનું રજવાડું અને પ્રેમની શાશ્ર્વતતાનો સમન્વય છે. કૃષ્ણ મૈત્રીની સુગંધ છે અને સખાભાવની ઊર્મિ છે. તેઓ સંસારમાં ઊતરે ત્યારે કર્મ અને ધર્મના ‘મેનેજમેન્ટ નિષ્ણાત’ બની જાય છે અને રણમેદાનમાં ઉતરે ત્યારે ‘યુદ્ધત્વ’ની સાથે સાથે ‘બુદ્ધત્વ’નો પણ પરિચય કરાવે છે. જીવનની એક એક ક્ષણે આદર્શ ઉદાહરણ પૂરું પાડતા ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ યુવાનો માટે તેમના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બની ગયા છે. એટલે જ આ એક જ વિરાટ વ્યક્તિત્વમાં યુવાનોને ‘મેનેજમેન્ટ ગુરુ’, ‘લવ ગુરુ’, ‘ફેમિલી ફિલોસોફર’, ‘વર્ક આઇડોલ’ ‘બિઝનેસ બાદશાહ’ જેવા અનેક માર્ગદર્શકોનાં દર્શન થાય છે.

યુથ આઈકોન શ્રીકૃષ્ણ

 
આજના જુવાનિયાઓ મોડર્ન છે છતાં વારસામાં મળેલાં ભારતીય મૂલ્યોને સરસ રીતે પકડી રાખ્યાં છે.
આજના યુવાનોમાં પૂર્વની સંસ્કૃતિનાં અને પશ્ર્ચિમનાં શ્રેષ્ઠ તત્ત્વો અપનાવતા જવાની આંતરસૂઝ છે. ફેસબુક અને વોટ્સએપ પર બિઝી રહેતા યુવાનો, ભગવાનમાં પણ એટલાં જ રમમાણ છે.
 
યંગસ્ટર્સને ‘પારિવારિક ભગવાન’ ઉપરાંત કૃષ્ણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. કૃષ્ણ અલ્ટિમેટ યુથ આઇકોન છે. કૃષ્ણ આજ સુધીની તમામ યુવાપેઢીઓના આદર્શ હતા અને ભવિષ્યમાં પણ રહેવાના. જુવાનિયાઓ-પુરુષ અને સ્ત્રી બન્ને કૃષ્ણ સાથે સંભવત: સૌથી વધારે આઈડેન્ટિફાય કરી શકે છે. લેખક ચિંતક શીશીર રામાવત લખે છે કે, કૃષ્ણ એ તમામ અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયા હતા, જેમાંથી આજના યુવાનોએ પસાર થવું પડે છે. મસ્તી, તોફાન, દોસ્તી, પ્રેમ, પીડા, મહત્ત્વાકાંક્ષા, લક્ષ્યપ્રાપ્તિ, લગ્ન, બદલાની ભાવના, કાવાદાવા, વાર્ધક્ય અને છેલ્લે સ્વધામ.
 
બાળકૃષ્ણે કંસને હણ્યા હતા, ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડ્યો ને પછી આજીવન અશુભ તત્ત્વોનો નાશ કરતા રહ્યા. કૃષ્ણ પાસેથી યુવાને શીખવાનું છે કે જીવનરસથી છલછલતા રહેવું, પ્રચંડ હિંમત અને સામર્થ્ય કેળવવા દૂરંદેશી બનવું, વજ્ર જેવું મનોબળ વિકસાવવું, પોતાના વિચારોને અત્યંત અસરકારક રીતે વ્યક્ત કરવા. વાત સુદામાની હોય કે દ્રૌપદીની, કૃષ્ણ કરતાં ચડિયાતો ‘સખા’ બીજો કયો હોવાનો? ઉત્તમ પ્રેમી બનવાની પ્રેરણાય કૃષ્ણ આપે છે. તમામ સંબંધોને શ્રેષ્ઠતાની કક્ષા સુધી લઈ જવાની કોશિશ કરવી, વિવિધ કળા અને શાસ્ત્રોમાં વિદ્ધત્તા કેળવવી, ઉત્તમ એડમિનિસ્ટ્રેટર બનવું. એ વખતના દ્વારકાને સર્વકાલીન શ્રેષ્ઠતમ નગર કહેવામાં આવ્યું છે. એ કૃષ્ણના જ શ્રેષ્ઠ એડમિનિસ્ટ્રેશનની કમાલ હતી. સૌ પ્રત્યે સમાન આદરભાવ અને પ્રેમભાવ રાખવો, સમય આવ્યે મુત્સદ્દી બનવું એને બદલે જ‚ર પડ્યે સામ-દામ-દંડ-ભેદ અજમાવવાની તૈયારી સુધ્ધાં રાખવી એ પણ મુરલીધરની જ દેન.
 

 
 

અલ્ટીમેટ લવર ‘કાનો’

 
શ્રીકૃષ્ણ અલ્ટિમેટ લવર છે. સર્વાંગસંપૂર્ણ પ્રેમી. ‘શૃંગાર’ શબ્દનો સંબંધ શણગાર અને પ્રેમની અભિવ્યક્તિ બન્ને સાથે છે. કૃષ્ણ અને ગોપીઓએ શૃંગાર રસના કુદરતી વહાવનો સ્વીકાર કર્યો ને રાસલીલા સર્જાઈ. રાસલીલાનાં અનેક અર્થઘટનો થયા છે. ઓશો રજનીશ રાસને સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિઓના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે કે, રાસલીલા એ કૃષ્ણ અને ગોપીઓનું સામાન્ય નર્તન નથી. આ તો સમષ્ટિમાં ચાલી રહેલા વિરાટ રાસની એક નાની અમથી ઝલક માત્ર છે. કૃષ્ણ-ગોપીની રાસલીલામાં સેક્સ્યુઅલ અર્થછાયાઓ શોધવાની નથી. પણ આ સ્થિતિ બહુ પાછળ છૂટી ગઈ છે. કૃષ્ણ અહીં કૃષ્ણની જેમ નહીં, પણ પુરુષ તત્ત્વ બનીને નર્તન કરે છે.
 
ગોપીઓ સ્ત્રીની જેમ નહીં પણ પ્રકૃતિ બનીને નર્તન કરે છે. રાસલીલા પુરુષ અને પ્રકૃતિનું નૃત્ય છે.
પ્રેમીઓમાં કૃષ્ણ અને રાધાની જોડી આદર્શ છે. તેઓ પતિ-પત્ની નથી, પ્રેમીઓ છે. એકબીજાના સોલ-મેટ્સ છે. સોલ એટલે આત્મા. માણસનું હૃદય અને આત્મા એક ખાસ વ્યક્તિને ઝંખ્યા કરતાં હોય છે. જે વ્યક્તિ પર આ શોધ આવીને અટકે એ એનો (કે એની) સોલ-મેટ. કૃષ્ણ આજના યુવાનોને આંખોના પ્રેમથી આત્માના પ્રેમ તરફ દોરી જાય છે. ગીતામાં કહેવાયું છે કે જે આત્મા ‘સ્વ’ની સાધના કરે છે અને ‘સ્વ’થી સંતુષ્ટ રહે છે એને બીજું કશું સિદ્ધ કરવાની કે હાંસલ કરવાનીજરૂર પડતી નથી !
 

કદી સ્થિતિની ફરિયાદ ન કરનાર મુરલીધર

 
ભગવાન શ્રીકૃષ્ણને ક્યારેક એક સામાન્ય માણસ તરીકે જોઈ અને સમજશો તો સમજાશે કે એમણે કેવા પડકારો ઝીલ્યા અને જીવ્યા છે. ભગવાનને ક્યારેય તમે એવી ફરિયાદ કરતા સાંભળ્યા છે કે, મને કેમ જન્મતાંવેંત જ મારી માતાથી દૂર કરી દેવાયો ? સગા મામાને મારવાનું મારા નસીબમાં કેમ લખાયું ? પણ ના. એમણે કોઈ દિવસ કોઈ ફરિયાદ કે કોઈ અફસોસ ન કર્યો. તમે વિચાર કરો કે જે માણસ ભરીસભામાં દ્રૌપદીનાં ચીર પૂરી શકે છે એ માણસ દુર્યોધનને રોકી કે મારી ન શકે ? ના, જે સમયે જે થવાનું હોય એ ત્યારે જ થાય છે. આજના યુવાને આ બારીકાઈ કૃષ્ણકાર્ય દ્વારા આત્મસાત કરવાની છે.
કૃષ્ણની ‘લાલા’થી માંડીને ‘ઠાકોરજી’ થવાની યાત્રા સહેલી નહોતી. કારાવાસથી કુરુક્ષેત્ર સુધીની સફરમાં પડાવે પડાવે પરીક્ષા હતી. પડકારો હતા. કુરુક્ષેત્રની એક ઘટના છે. હતાશ થઈ ગયેલા અર્જુનને કૃષ્ણએ આખી ગીતા કહી. છેલ્લે અર્જુને કહ્યું કે, ‘કરિષ્યે વચનમ્ તવ’ મતલબ કે તમે જે કહેશો તે કરીશ. ભગવાન કૃષ્ણે ત્યારે જવાબ આપ્યો કે ‘યથેચ્છસિ તથા કુરુ’ મતલબ કે તને જે યોગ્ય લાગે તે કર. ભગવાન કૃષ્ણએ ક્યારેય કંઈ દબાણપૂર્વક નથી કરાવ્યું. માત્ર માર્ગદર્શન કર્યું છે. સાચું શું છે, સારું શું છે, વાજબી શું છે, યોગ્ય શું છે એ હું કહું છું, પછી તમારે જે કરવું હોય એ કરો એમ કહ્યું છે. આજના યંગસ્ટર્સ માટે આ મેસેજ લાઈફ ચેઇન્જર બની શકે છે.
 

 

સ્થળાંતરને સ્વાભાવિક રીતે લેવાનું કૃષ્ણ જ કરે અને શીખવે

 
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે દુષ્ટ છે એ દુષ્ટ છે. દુષ્ટ ક્યારેય સગો નથી હોતો, સગો હોય તો પણ એ દુષ્ટ જ છે. દુષ્ટને ખતમ કરવામાં પાપ નથી. અર્જુનને કુરુક્ષેત્રમાં આ વાત કરી એ પહેલા જ તેમણે પોતાના પાપી મામા કંસનો વધ કર્યો હતો. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. પુરુષમાં ઉત્તમ છે અને બધામાં એ પૂર્ણ છે. રણછોડ બનીને કૃષ્ણને ભાગતાં પણ આવડે છે અને કુરુક્ષેત્રમાં રથનું પૈડું ઉપાડી દુશ્મનોને ભગાડતાં પણ આવડે છે.
 
કૃષ્ણનું જીવન જોઈ જાવ. એ કોઈ સ્થળ છોડી ગયા પછી ત્યાં પાછા ગયા નથી. સ્થળાંતરને સ્વાભાવિક રીતે લેવાનું તો કૃષ્ણ જ કરી શકે. ગોકુળથી મથુરા, મથુરાથી દ્વારકા અને દ્વારકાથી દેહોત્સર્ગ સુધી કૃષ્ણે ક્યારેય પાછું ફરીને જોયું નથી. યુવાનોએ પણ આજ વિચારસરણી અપનાવવી. જીવનમાં સ્થળ અને સ્થિતિ બદલાયા કરે એને અનુકૂળ થઈને રહેવું. કૃષ્ણ શ્રેષ્ઠ મિત્ર હતા. ઉમદા પ્રેમી હતા અને મહાન યોદ્ધા હતા. સુદામાની દોસ્તી એમણે શ્રેષ્ઠ રીતે નિભાવી જાણી. રાધા અને ગોપીના પ્રેમમાં પરમતત્ત્વ હતું. જે આંગળીઓથી વાંસળી વગાડી એ જ આંગળીમાં સુદર્શનચક્ર ઘુમાવ્યું. દરેક કાર્યમાં જ્યારે ધર્મ અને મર્મ ભળે છે ત્યારે એ કર્મ લીલા થઈ જાય છે.

ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઇડ એવા ભગવાન

 
દરેક માતાએ ક્યારેક ને ક્યારેક તો એના દીકરાને લાલો કે કાનુડો કહીને બોલાવ્યો જ હોય છે. યંગસ્ટર્સ માટે કૃષ્ણ દોસ્ત છે, એક લીડર છે અને ગ્રેટ રોલ મોડેલ છે. કૃષ્ણ એઝ એ ફ્રેન્ડ, કૃષ્ણ એઝ એ લવર, કૃષ્ણ એઝ એ લીડર, કૃષ્ણ એઝ એ વિનર, કૃષ્ણ એઝ એ પ્લાનર અને કૃષ્ણ એઝ એન એક્ઝિક્યુટિવ એવા પાઠ ભણાવાય છે અને શિખવાડાય છે, હકીકતમાં તો ભગવાન કૃષ્ણને ‘કૃષ્ણ એઝ એ કોમનમેન, તરીકે જોવાની જ છે. કૃષ્ણ ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ હોય એવા ભગવાન છે. એક સામાન્ય માણસને હોય તેનાથી અનેકગણાં દુ:ખ તેમણે ભોગવ્યાં છે. અઢળક વેદના સહી છે, ઘણું ગુમાવ્યું છે અને છતાં ક્યારેય હાર્યા કે ડર્યા નથી. એમણે જે કર્યું એ જોઈએ તો એવું જ લાગે કે આનાથી ઉત્તમ, આનાથી શ્રેષ્ઠ બીજું કંઈ હોઈ જ ન શકે.