યુવા મેનેજરોને બ્રાન્ડ મેનેજમેન્ટનો પાઠ શીખવે છે કૃષ્ણ

    ૨૩-ઓગસ્ટ-૨૦૧૯

 
 
જાણીતા કટારલેખક ભાવિન અધ્યારુ એક સરસ વાત લખી છે કે, કથાકારો હોય કે નેતા, કોઈ જુવાનિયો હોય કે મેનેજમેન્ટ ગુરુઓ ! બધાએ ક્યાંક ને ક્યાંક કૃષ્ણની અસીમ પ્રતિભાનો સહારો લીધો છે. ખાસ કરીને કૃષ્ણ પોતાની લીડરશિપ સ્કિલ્સ માટે ખૂબ જાણીતા અને માનીતા રહ્યા છે ! અર્જુનનું ડેવલપમેન્ટ હોય કે નિરાશામાંથી બેઠા થવાની પ્રેરણા હોય, ભગવદ્ગીતામાં કૃષ્ણ એટલું કહી ગયા છે કે હવે આજે એ IIM અને દેશની દરેક જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ફુલ ફ્લેજ્ડ સબ્જેક્ટ બન્યો છે. 4G-4Gના આ જમાનામાં કૃષ્ણ જેવું મલ્ટિ-ડાયમેન્શલ વ્યક્તિત્વ કેટલું બેજોડ રીતે ફિટ બેસે છે !
 

સંબંધોનું મેનેજમેન્ટ :

 
સુદામા સાથેની એમની દોસ્તી, સરખી જ પરિસ્થિતિમાં રહેવાની એમની જીદ, રાજા બન્યા પછી પણ કોઈ ઈગો, સ્ટેટસ અને પાવર જેવાં દૂષણો નહીં ! દોસ્તી અને પ્રેમ બંનેમાં કૃષ્ણનું સમર્પણ અને વફાદારી એક મિસાલ હતાં ! કંપની પણ કર્મચારીને ખુશ રાખી શકશે તો જ એ ગ્રોથની ટ્રેન પકડી શકશે !
 

ઝડપી નિર્ણયશક્તિ :

 
પ્લાનિંગ ગમે એટલું સખત હોય, પણ એક્શન અને ત્વરિત નિર્ણય બધું નક્કી કરતા હોય છે ! કર્ણનો રથ જ્યારે યુદ્ધમાં ફસડાઈ પડ્યો ત્યારે કૃષ્ણે જ અર્જુનને આદેશ આપ્યો કે એને બાળીને ખતમ કરી દે. ક્યારેક નિર્ણય લેવો કઠિન હોય, પણ સાચા સમયે લેવો બહુ જ જરૂ‚રી થઈ પડતો હોય છે !
 

 
 

સ્ટ્રેટેજી પ્લાનર :

 
દૂર્યોધન આતતાયી હતો, પણ પુત્રપ્રેમને વશ થઈ તેના માતા ગાંધારીએ તેને એક વખત સંપૂર્ણ નગ્ન થઈ બોલાવ્યો. ગાંધારી આંખની પટ્ટી ખોલી તમામ શક્તિથી પોતાના પુત્રનું શરીર વજ્રનું કરવા માંગતા હતા, પણ કૃષ્ણએ સ્ટ્રેટેજી રચી અને દુર્યોધનને કહ્યું, "ભાઈ, આ રીતે માતા સામે નગ્નાવસ્થામાં જવું યોગ્ય નથી. દુર્યોધને વાત માની લીધી અને પાંદડાથી પોતાની કમર ફરતેનો હિસ્સો ઢાંકીને માતા પાસે ગયો. જેથી જાંઘના ભાગ સિવાયનો હિસ્સો જ વજ્રનો થયો. વરસો બાદ દુર્યોધન જ્યારે કોઈનાથી નહોતો મરતો ત્યારે કૃષ્ણએ જાંઘ પર પ્રહાર કરવાનું કહી તેનો નાશ કરાવ્યો. છેલ્લે તો કૃષ્ણ કુનેહથી એમનું ધાર્યું જ પાર પાડે છે. આમ કૃષ્ણ સ્ટ્રેટેજી પ્લાનર તરીકે યુવાનોને દૂરંદેશી વિચાર કરી કાર્ય કરવાનું સૂચવે છે.
ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ બેલેન્સ : નેતા એ છે જેનો પોતાની બધી જ ઇન્દ્રિય પર કાબૂ છે. કૃષ્ણને દેવકી અને યશોદામાં ક્યારેય કોઈ ફરક રાખ્યા વગર એકસરખાં વહાલાં હતા. શેષનાગવાળો કિસ્સો તો કૃષ્ણનો ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ બંને આસ્પેક્ટ ક્લિયર કરે છે !
 

 
 

પરિસ્થિતિને કંટ્રોલ કરવાની શક્તિ :

 
કૃષ્ણ જ્યારે યુદ્ધમેદાનમાંથી ભાગ્યા ત્યારે ‘રણછોડ’ ઘોષિત કરાયા, પણ જરાસંધને મારવા માટે એમણે કેટલાંક વર્ષો પછી ભીમના હાથે બદલો લીધો, એ પણ કોઈ દયા રાખ્યા વગર ! કેમ, ક્યારે અને કોના પર વાર કરવો એ કૃષ્ણ બખૂબી જાણતા !
  

ઇનસાઇડ ક્લેરિટી :

 
એક વખત ભોજન બાબતે એક ઋષી ગોપીઓ પર અત્યંત ક્રોધિત થયા અને રીસાઈને ભોજન કર્યા વિના જ યમુના નદીને સામે કાંઠે ચાલ્યા ગયા. ગોપીઓ કૃષ્ણ પાસે ગઈ અને મુંઝવણ વ્યક્ત કરી કે, "અમારે આ ધસમસતી નદી કેમ પાર કરવી ?
 
કૃષ્ણએ કહ્યું, "આપ યમુના માતાજીને વિનંતી કરો કે જો કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો તમને મારગ આપે. કૃષ્ણની વાત સાંભળી ગોપીઓ હસી પડી. અંદરો અંદર ચર્ચા કરવા લાગી કે, આટલી બધી ગોપીઓ સાથે રાસલીલાં કરનારા વળી બ્રહ્મચારી ક્યાંથી હોય ?
 
કૃષ્ણ મર્માળુ હસી બોલ્યા, "ગોપીઓ તમે જાવ તો ખરી !
આખરે ગોપીઓએ યમુના માતાજીને વિનંતી કરી અને આશ્ર્ચર્ય વચ્ચે યમુનાજીએ તરત જ ગોપીઓને સામે કાંઠે જવા માર્ગ કરી આપ્યો. આ ઘટના પોતે જ શ્રીકૃષ્ણના એક નવા સ્વ‚પનો પરિચય આપે છે.
 

સહનશક્તિ :

 
શિશુપાલે શ્રીકૃષ્ણનું ખૂબ અપમાન કરેલું. કૃષ્ણની સહન કરવાની તાકાત એટલી કે ૯૯ વખત અપમાન થયા બાદ ૧૦૦મી ગાળે સુદર્શનચક્ર છુટ્ટું મૂકીને શિશુપાલને ખતમ કરીને જ જંપ્યા ! યુવાન માટે આ મહત્ત્વની વાત છે કે પોતાનું મગજ ગુમાવ્યા વિના કામ લેવું.
 

 
 

સામાજિક જવાબદારી :

 
જ્યારે ૧૬૧૦૦ મહિલાઓને નરકાસુરની કેદમાંથી આઝાદ કરાવી ત્યારે સવાલ થયો કે તેમનો નાથ કોણ બનશે ? ત્યારે કૃષ્ણે એમના નાથ બની એમની સામાજિક આબ‚ને સાચવી.
દૂરંદેશી : દ્રોણ, ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ જેવા વડીલો સાથે જે રીતે કૃષ્ણે કામ લીધેલું અને કંસ, જરાસંધ અને શિશુપાલ સાથે જે રીતે બદલો લીધેલો એ એક લીડરનાં જ લક્ષણ હતાં.
 

ડિફરન્ટ સ્ટ્રોક્સ અને ફોક્સ :

 
દરેક વ્યક્તિમાત્ર સાથે કેમ અલગ રીતે કામ લેવું. એવી જ રીતે કૃષ્ણે દુર્યોધન સાથે કડક હાથે અને સુદામા સાથે હંમેશાં પ્રેમથી કામ લીધેલું ! કૃષ્ણ વ્યક્તિના મહત્ત્વને સમજતા એટલે જ જાણતા કે બધાને એકસરખી રીતે ટ્રીટ ન કરી શકાય !
નફા અને નુકસાનની બેલેન્સશીટ : દોસ્તો બન્યા, દુશ્મનો બન્યા, કોઈક મળ્યું તો કોઈ વિદાય લઈ ગયું ! સહેજ પણ ફ્રસ્ટ્રેટ થયા વગર કૃષ્ણે પોતાના જીવનની બેલેન્સ શીટને મેચ કર્યે રાખી ! કૃષ્ણ એક જ વાત કહે છે કે જિંદગીમાં મધ્યમ માર્ગને જાળવી રાખો.
 
ક્યારેક દુ:ખ આવે તો ક્યારેક સુખ આવશે ! એ પ્રેમ જ છે, જે દુ:ખના દહાડામાં એક દવા બનીને રહેશે ! હિંમત ન હારો ક્યારેય. કૃષ્ણ વોઝ અ રિયલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) !
 
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન અને કવન આ પૃથ્વી પરનું ઉત્તમોત્તમ જીવનભાથું છે. કૃષ્ણ મુખે ગીતા જીવનના દરેક તબક્કે માર્ગદર્શક દીવાદાંડી સમાન બની રહે છે. ગીતામાં જ ભગવાન શ્રીકૃષ્ણ ઉવાચ : ‘મામેકં શરણં વ્રજ...’ અર્થાત્ બધુ છોડીને મારા શરણે આવો. ચાલો આપણે સૌ શ્રીકૃષ્ણને શરણે જઈએ.