કોઈ પણ કાયદો સારા સમાજના નિર્માણ માટે જ હોઈ શકે !

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૯   

 

કાયદાઓનો ખરેખર કેવો ઉપયોગ થાય છે તે પ્રશ્ર્ન છે

 
જમ્મુ-કાશ્મીરમાં ધારા ૩૭૦ હટ્યા બાદ પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) અંતર્ગત કેટલાક લોકોની ધરપકડ થઈ. પીએસએ ૧૯૭૮માં કાશ્મીરમાં લાગુ કરવામાં આવ્યો હતો. શ‚આતમાં આ કાયદો લાગુ કરવાની સરકારની મંશા ટીમ્બર સ્મગલિંગ પર રોક લગાવવાની હતી, પરંતુ બાદમાં સંશોધન કરી આ કાયદાનું અધિકારક્ષેત્ર વધારીને ઉગ્રવાદ અને આતંકી ઘટનાઓ પર કાર્યવાહી કરવા સુધી વધારી દેવામાં આવ્યું. પીએસએ કાયદો રાજ્ય સરકારને કોઈ પણ વિશેષ વિસ્તારને સંવેદનશીલ ઘોષિત કરવાનો અને જનતાને ત્યાં જતાં રોકવાનો અધિકાર આપે છે. ઉપરાંત રાજ્ય સરકારના આદેશ પર પોલીસ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકે છે. થોડા દિવસો અગાઉ જ પૂર્વ આઈએએસ અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ શાહ ફૈસલની ધરપકડ થઈ. વર્તમાનમાં ૩૭૦ કલમની નાબૂદીને લઈને આ કાયદો કદાચ ઉપયોગી, પરંતુ રાજ્યમાં લાગુ થતાં કેટલાક કાયદાઓનો ખરેખર કેવો ઉપયોગ થાય છે તે પ્રશ્ર્ન છે.
 

આતંકવાદને નાથવા અનેક રાજ્યો એ કાયદા બનાવ્યા છે

 
ઉત્તર પ્રદેશમાં યુપીકોકા - ઉત્તર પ્રદેશ કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એક્ટ લાગુ કરવામાં આવ્યો. આ કાયદાનો ઉપયોગ ભૂ-માફિયા, ખાણ માફિયા, કિડનેપિંગ જેવા સંગઠિત અપરાધો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનો છે અને પોલીસને ગુનાખોરી વિરુદ્ધ વિશેષ અધિકારો અને પાવર્સ આપે છે. મહારાષ્ટ્રમાં મકોકા - મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ એક્ટ, ૧૯૯૯માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારે વધતી માફિયા શક્તિઓને નિયંત્રિત કરવા માટે લાગુ કર્યો, કર્ણાટકમાં કકોકા - કર્ણાટક કંટ્રોલ ઓફ આર્ગેનાઈઝ્ એક્ટ ૨૦૦૦માં આતંકવાદીઓથી માંડીને જુગારીઓ સુધીના ગુનેગારોને કંટ્રોલ કરવા માટે કર્ણાટક સરકારે લાગુ કર્યો. એ જ રીતે થોડા થોડા ફેરફાર કરીને અરુણાચલ પ્રદેશે એપીકોકા, ગુજરાતે ગુજકોક જેવા કાયદાઓ ય પસાર કર્યા છે.
 

વિશેષ રાજ્યો જ્યાં આંતકની દહેશત વધુ છે 

 
આફસ્પા (આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ એક્ટ) ૧૯૫૮માં સંસદ દ્વારા પારિત આ કાયદો આરંભમાં વિશેષ રાજ્યો જ્યાં આંતકની દહેશત વધુ છે તેવા જમ્મુ-કાશ્મીર (લેહ લદ્દાખ સિવાય), અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરામાં જ લાગુ કરાયો, ૨૦૦૪માં મણિપુર સરકારે આ કાયદો દૂર કરી દીધો અને મિઝોરમના કેટલાક વિસ્તારો ય મુક્ત છે. એમ જ ૧૯૮૫-૧૯૯૫ વચ્ચે ટાડા (ટેરરિસ્ટ ઍન્ડ ડિસરેપ્ટિવ એકિટવિટીઝ એકટ - ૧૯૮૫) અને ૨૦૦૨ સંસદ પરના હુમલા બાદ પોટા (પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ) આતંકવાદી પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે લગાવવામાં આવ્યા. ટાડા અંતર્ગત સંજય દત્ત જેવા ગુનેગારોનો ગાળિયો કસાયો તો સામે એવું પણ બન્યું કે માત્ર ૪ ટકા લોકો જ આ કાયદા અંતર્ગત અપરાધી સાબિત થયા. બાકીનાઓએ લાંબી જેલ અને હેરાનગતિ ભોગવી.
 

જો વ્યક્તિ નિર્દોષ હોય તો તેણે ખૂબ હેરાન થવું પડે છે

ક્યારેક રાજ્ય સરકારો એવા કાયદા બનાવે છે જેમાં રાજકીય કાવાદાવાનો ઉપયોગ વધુ હોય છે. રાષ્ટ્ર કરતાં રાજકીય અદાવતો ધ્યાનમાં લઈ વિરોધીઓને નુકસાન કરવાના ઈરાદે થતા કાયદાઓનો દુરુપયોગ થાય છે. ભારતનું ફેડરલ સ્ટ્રક્ચર છે તેથી ઘણાં રાજ્યો પોતાની મુનસફીથી નવા નવા કાયદાઓ ઘડીને એને પાસ કરાવી શકે છે. ખાસ કરીને રાષ્ટ્રવિરોધી માનસિકતા, અલગાવવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદ, આતંકવાદને પ્રોત્સાહન મળતું હોય તેવાં રાજ્યોમાં આવા કાયદાઓ ઉપયોગી નીવડી શકે છે, પરંતુ જ્યાં સત્તાધીશો યોગ્ય ન હોય, સ્વાર્થી રાજકારણ હોય અને રાષ્ટ્ર કરતાં અંગત હિતો માટે લોકો ગમે તે કરવા તૈયાર હોય ત્યાં આવા કાયદાઓનો ૧૦૦ ટકા દુરુપયોગ થઈ શકે છે. સરકારી બાબુઓ કે અધિકારીઓ પણ રાજનીતિજ્ઞોને ગેરમાર્ગે દોરી સ્વબચાવ માટે ય નવા કાયદાઓ બનાવડાવે તે નવું નથી. આવા કાયદાઓની કલમ જેના પર લાગે તેના પર મોટો ભાર આવી જાય છે. તેણે સાબિત કરવું પડે છે કે તે ટેરરિસ્ટ નથી, અથવા તો જે તે કાયદા અંતર્ગત જે આરોપ લાગ્યો છે તે ગુનો તેણે નથી કર્યો, તે માટે તેને બે-ત્રણ-પાંચ કે વધારે વર્ષ પણ લાગી જતાં હોય છે. એ સમયગાળા દરમિયાન જો વ્યક્તિ નિર્દોષ હોય તો તેણે ખૂબ હેરાન થવું પડે છે અને જેલમાં ય રહેવું પડે છે.
 

આ ધ્યાન રાખવું જરૂરી છે 

 
કાનૂન વ્યવસ્થા સામાજિક રીતે બહુ જ મહત્ત્વપૂર્ણ હોય છે. કોઈ પણ કાયદો એક સારા સમાજ અને માહોલનું નિર્માણ કરનારો હોવો જોઈએ. કોઈ પણ રાજ્ય, શહેર કે વિસ્તારમાં શાંતિ જાળવી રાખવી, અપરાધોને ઓછા કરવા અને નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવી એ કાનૂન વ્યવસ્થાનું મુખ્ય અંગ છે. જ્યાં રાજનૈતિક કે સામાજિક મતભેદો અને ઝઘડા ઊભા થાય ત્યાં કાયદાનો દુરુપયોગ શ‚રૂ થાય છે. માહોલ તણાવગ્રસ્ત બની જાય છે અને અંતે માત્ર પ્રજાએ જ ભોગવવાનું આવે છે. ભારતનું ગૃહમંત્રાલય દેશની આંતરિક સુરક્ષાથી જોડાયેલા મામલાઓ માટે જવાબદાર જરૂ‚ર છે, પરંતુ રાજ્ય સરકારે ય એ વિશેષ ધ્યાન રાખવું ઘટે કે પોતાનો કોઈ પણ કાયદો પ્રજાને પીડનારો ના હોય. ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે પોતાનું અલગ પોલીસબળ છે અને તેમની પાસે કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવાની જવાબદારી છે. ભારતીય સંવિધાનની સાતમી અનુસૂચિ અનુસાર પોલીસ અને લોકવ્યવસ્થા બંને રાજ્યના વિષયો છે. અપરાધ રોકવા, તેની તપાસ કરવી, ગુનેગારોને પકડવા અને સજા જાહેર કરવી આ બધી જવાબદારીઓ રાજ્ય સરકારોની છે. એટલે જ કોઈ પણ કાયદો લાગુ કરતા પહેલાં રાજ્ય સરકારોએ વિશેષ ધ્યાન આપવાની જ‚ર છે. પોતે કે અન્ય કોઈ એનો દુરુપયોગ ના કરે અને તેના છીંડામાંથી ગુનેગાર છટકી ના જાય તે ય ધ્યાન રાખવું જરૂરી છે.
 

ન્યાયની દેવીનો સંદેશ

 
નવા કાયદાઓથી ક્યાંય પણ સત્તાધારી પક્ષ, વિરોધ પક્ષના લોકોને દબાવમાં લાવે, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર વધે, સામાન્ય નાગરિકને હાલાકી ભોગવવી પડે તેવી કોઈપણ વ્યવસ્થા કે ઉભરતા કાયદાકીય કેસોમાં ન્યાયતંત્રએ પણ ખૂબ સચેતતા રાખવી જ‚રૂરી છે. ગુનેગાર ભલે છૂટે પણ નિર્દોષને સજા ન થવી જોઈએ. તે ન્યાયિક ઉક્તિ યોગ્ય જ છે. સાથે જ રાજ્યોના પથદર્શક કાયદાઓ ભલે ઉભરે, નિખરે, દેશદ્રોહી અને ખૂંખાર ગુનેગારો કે આતંકીઓને યોગ્ય સજા કરતા કાયદાઓ આવકાર્ય જ. ન્યાયની દેવીનો ય આ જ સંદેશ છે.