ધારા ૩૭૦ મુદ્દે નેતાઓનાં હળાહળ રાષ્ટ્રવિરોધી નિવેદનો | વાંચો માત્ર ૨ મિનિટ લાગશે!

    ૨૮-ઓગસ્ટ-૨૦૧૯   

 
 
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ થયા બાદ અત્યાર સુધી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું છે. જે ઈદ દર વખતે લોહિયાળ બનતી તે ઈદ પણ શાંતિપૂર્ણ રીતે પસાર થઈ છે, પરંતુ કેટલાંક પાકપરસ્ત નેતાઓને લાગતું હતું કે કલમ ૩૭૦ હટતાં જ જમ્મુ-કાશ્મીરમાં ભારે ખૂનખરાબો થશે. તે લોકોને જમ્મુ-કાશ્મીરની શાંતિથી પેટમાં તેલ રેડાયું છે. આવાં કેટલાક નેતાઓ પાકિસ્તાનના નેતાઓને આનંદ આપે તેવા નિવેદનો કરી રહ્યાં છે. તેમણે આપેલા નિવેદનો જોઈએ.
 
 
નિવેદન : ૧ - મણિશંકર ઐયર
 

મોદી - શાહે કાશ્મીરને ફિલિસ્તિન બનાવી દીધું

નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની જોડીએ દેશની ઉત્તરી સરહદ પર એક ફિલિસ્તિન બનાવી દીધું છે અને મોદી-શાહે આ શિક્ષણ પોતાના ગુરુ બેન્જામિન નેતન્યાહૂ અને યહૂદીઓ પાસેથી લીધું છે. મોદી-શાહ તેમની પાસેથી શીખ્યા છે કે કાશ્મીરીઓની આઝાદી, ગરિમા અને આત્મસન્માનને કેવી રીતે રગદોળવું. તેઓ બેશરમીપૂર્વક લખે છે કે અચ્છે દિનને બદલે સંસદે જે નિર્ણય લીધો છે તે ઘાટીમાં લાંબી અને અંધારી રાત છે. શાયદ દેશના બાકી ભાગોમાં પણ આવું જ થશે.
 

 
 
નિવેદન : ૨ - મમતા બેનરજી

અફસોસ કે હું જમ્મુ-કાશ્મીરના લોકોની મદદ નથી કરી શકતી

જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવી સરકારે ખોટું કર્યું છે. જમ્મુ-કાશ્મીરના ત્રણ પૂર્વમુખ્યમંત્રીઓની સ્થિતિ અંગે જાણવાનો અધિકાર પણ મારી પાસે નથી. જ્યારે તેઓને જનતાએ ચૂંટ્યા હતા. અફસોસ કે હું જમ્મુ-કાશ્મીરના લોકોની મદદ નથી કરી શકતી.
 

 
 
નિવેદન : ૩ - વૃંદા કરાત

એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયું છે જે નિંદનીય છે

જમ્મુ-કાશ્મીરમાં ધારા ૩૭૦ રદ્દ કરતાં પહેલાં ત્યાંની જનતાની લાગણીઓ સમજ્યા વગર જ રાજ્યનું વિભાજન કરી દેવામાં આવ્યું છે. એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયું છે. જે નિંદનીય છે.
 

 
 
નિવેદન : ૪ - દિગ્વિજયસિંહ

કાશ્મીર હાથમાંથી જતું રહેશે

વિશ્ર્વના આતંકવાદી નં. ૧ ઓસામા બિન લાદેનને ઓસામાજી કહીને સંબોધનાર અને ભગવા આતંકવાદના નામે હિન્દુઓને બદનામ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરનાર બદનામ કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે દેશવિરોધી પોતાની માનસિકતાને પુન: એક વખત સરેઆમ પ્રગટ કરતાં નિવેદન કર્યું હતું કે કાશ્મીર આપણા હાથમાંથી નીકળી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહે અને અજિત ડોભાલે પોતાના હાથ આગમાં નાખ્યા છે. યાદ કરો, મહેબૂબા મુફ્તીનું એ નિવેદન જેમાં તેઓએ ધમકી આપી હતી કે જો કલમ ૩૭૦ને હાથ લગાડ્યો તો હાથ જ નહીં, તેને હાથ લગાડનારનું આખેઆખું શરીર બળીને રાખ થઈ જશે. લાગે છે કે, દિગ્ગિરાજાએ મહેબૂબા મુફ્તી પાસેથી દેશવિરોધી નિવેદનો કરવાનું ટ્યુશન લીધું છે. દિગ્ગિરાજાએ અન્ય એક નિવેદનમાં કહ્યું હતું કે, આનાથી ખતરો વધશે. કાશ્મીર ભડકે બળી રહ્યું છે. ભારતે એ ન ભૂલવું જોઈએ કે તેની એક બાજુ ચીન, બીજી બાજુ પાકિસ્તાન અને એક બાજુ અફઘાનિસ્તાન છે. હવે દિગ્વિજયસિંહ ભારતને ચીન અને પાકિસ્તાનને નામે ડરાવી ચમકાવી રહ્યા છે.
 

 
 
નિવેદન : ૫ - પી. ચિદમ્બરમ્

મુસ્લિમો બહુમતીમાં છે માટે કલમ ૩૭૦ હટાવી

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરે તો દેશની અખંડિતતા સાથે જોડાયેલી આખી ઘટનાને કોમી રંગ આપવાની નિર્લજ્જતા બતાવી. તેઓએ કહ્યું હતું કે, જો જમ્મુ-કાશ્મીર હિન્દુ રાજ્ય હોત તો ભાજપ એ રાજ્યનો વિશેષ દરજ્જો રદ કરત નહીં. ભાજપે આવું એટલા માટે કર્યું છે, કારણ કે જમ્મુ-કાશ્મીર મુસ્લિમ રાજ્ય છે.
 

 
 
નિવેદન : ૬ - રાહુલ - પ્રિયંકા

આ ગેરબંધારણીય કૃત્ય છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આ પ્રકારનાં નિવેદનો કરવાની લાઇનમાં છે. તેઓએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કેટલીક હિંસાત્મક ઘટનાઓના અહેવાલ છે. હવે શી ખબર કોંગ્રેસી નેતાઓ પાસે મહાભારતનો એવો કયો સંજય છે જે તેમને જમ્મુ-કાશ્મીરના આંખો દેખ્યા અહેવાલ જણાવી રહ્યો છે.
પ્રિયંકા ગાંધીએ પણ ધારા ૩૭૦ રદ કરવાને ગેરબંધારણીય ગણાવી સરકારની ટીકા કરી હતી.
 

 
 
નિવેદન : ૭ - વાયકો

આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠે કાશ્મીર ભારતનો ભાગ નહીં હોય

રાજ્યસભાના સાંસદ અને એઆઈડીએમકેના પ્રમુખ વાયકોએ તો મર્યાદાઓની તમામ હદો વટાવતું નિવેદન આપ્યું હતું. તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન હળાહળ દેશદ્રોહી નિવેદન આપતાં કહ્યું હતું કે, જ્યારે ભારત આઝાદીની ૧૦૦મી વર્ષગાંઠ મનાવશે ત્યારે કાશ્મીર ભારતનો ભાગ નહીં હોય. ધારા ૩૭૦ હટાવી ભાજપે કાશ્મીરને માટીમાં ભેળવી દીધું છે. આ મહાશયે કેવા આશીર્વાદ આપ્યા ?
 

 
 
નિવેદન : ૮ - અધીર રંજન ચૌધરી

કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં છે

ધારા ૩૭૦ મુદ્દે કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરી તો એ હદે આગળ નીકળી ગયા કે સોનિયા ગાંધી પણ તેમનાથી નારાજ થઈ ગયાં હતાં. તેઓએ કહ્યું હતું કે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં છે અને સંયુક્ત રાષ્ટ્ર તેના પર દેખરેખ રાખી રહ્યું છે, ત્યારે કાશ્મીર કેવી રીતે આપણો આંતરિક મુદ્દો હોઈ શકે ? મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં છે ત્યારે સરકાર જમ્મુ-કાશ્મીર પર કેવી રીતે કોઈ બિલ લાવી શકે ?
 

 
 
અલગ-થલગ પડેલા પાકિસ્તાનને હવે આ ભારતીય નેતાઓનો સહારો
 
આતંકવાદ અને જમ્મુ-કાશ્મીર મુદ્દે વિશ્ર્વભરમાં અલગ-થલગ પડેલા પાકિસ્તાનને હવે ભારતના જ કેટલાક નેતાઓ પર આશા બંધાઈ છે. આર્ટિકલ ૩૭૦ પર કોંગ્રેસ નેતાઓએ જે વિવાદિત નિવેદનો આપ્યાં છે ત્યારબાદ પાકિસ્તાની માધ્યમોમાં છવાયેલાં છે અને આ નેતાઓને પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ દાખવનાર તરીકે જોવાઈ રહ્યા છે.
 
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ્સમાં એક ડિબેટમાં ત્યાંના નેતા અને પત્રકાર મુશાહિદ હુસેન કહે છે કે, ભારત એ ખૂબ જ મોટો દેશ છે અને ત્યાં હર કોઈ પ્રધાનમંત્રી મોદીનું સમર્થન નથી કરી રહ્યા માટે પાકિસ્તાને ધૈર્ય રાખવું પડશે, કારણ કે ભારતમાં અરુંધતિ રોય, મમતા બેનર્જી, મણિશંકર ઐય્યર, દિગ્વિજયસિંહ સહિતના કોંગ્રેસી નેતાઓ પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ રાખે છે. હુસેન ડિબેટમાં પોતાના એન્કરને સ્પષ્ટ કહે છે કે આ બધા લોકો આપણી સાથે છે અને એ લોકો પાકિસ્તાનના હિતમાં મદદગાર સાબિત થઈ શકે છે. પાકિસ્તાની વિદેશમંત્રી પણ કોંગ્રેસી નેતાઓનાં નિવેદનો ટાંકી વિશ્ર્વભરમાં કહી રહ્યા છે કે ત્યાંના નેતાઓ જ ભારત સરકારના ૩૭૦ કલમ હટાવવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવી રહ્યા છે, તે જ સાબિત કરે છે કે જમ્મુ-કાશ્મીરને લઈ પાકિસ્તાનની ચિંતા છે તે સંપૂર્ણ વાજબી છે.
 
ધારા ૩૭૦ને લઈને કોંગ્રેસી નેતાઓનાં હવાતિયાં એ વાત સાબિત કરે છે કે જમ્મુ-કાશ્મીરમાં બદલાયેલી આ પરિસ્થિતિ તેઓને હજમ થઈ રહી નથી, માટે જ તેઓ એવાં સતત નિવેદનો અને કાર્યક્રમો આપ્યા કરે છે, જેનાથી જમ્મુ-કાશ્મીરમાં હાલત બગડે અને બગાડી શકાય. જમ્મુ-કાશ્મીરની શાંતિ ડહોળવા અત્યારે બધા જ રીતસરનાં હવાતિયાં મારી રહ્યા છે.
અને છેલ્લે...
 
આશ્ર્ચર્યજનક રીતે કોંગ્રેસી નેતાઓ જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોમાં ધારા ૩૭૦ હટાવવા અંગે નારાજગી અને ગુસ્સાની વાત કરે છે ત્યારે તેમના કેન્દ્રમાં માત્ર કાશ્મીર ઘાટી જ હોય છે. શું આ લોકોને એટલી પણ ખબર નથી કે જમ્મુ-કાશ્મીર એટલે માત્ર કાશ્મીર ઘાટી જ નહીં, લેહ-લદ્દાખ અને જમ્મુ પણ છે. આ લોકોને કાશ્મીર ઘાટીની નારાજગી દેખાઈ રહી છે, પરંતુ ધારા ૩૭૦ હટ્યા બાદ જમ્મુ અને લદ્દાખમાં થઈ રહેલી ઉજવણી દેખાઈ રહી નથી. રાહુલ ગાંધી પોતાના પ્રતિનિધિમંડળને જમ્મુ અને લદ્દાખમાં પણ મોકલે અને જે ચિદમ્બરમ્ એમ કહે છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ એટલા માટે હટાવી કારણ કે ત્યાં મુસ્લિમ રાજ્ય છે, તો પછી જમ્મુમાં કોણ રહે છે ? લદ્દાખમાં કોણ રહે છે ? અને હા, તમે પણ સરકારના આ કદમનો વિરોધ માત્ર એટલા માટે જ કરો છો, કારણ કે તે મુદ્દો મુસ્લિમોને સ્પર્શે છે. જો હિન્દુઓને સ્પર્શતો હોત તો ડાહ્યાડમરા બની જાત... એનો ઇતિહાસ સાક્ષી છે.