@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ૪ ઓગસ્ટ - ‘ફ્રેન્ડશીપ ડે’ અને તેવા જ કેટલાક ‘ડે’ વિશે વિશેષ છણાવટ

૪ ઓગસ્ટ - ‘ફ્રેન્ડશીપ ડે’ અને તેવા જ કેટલાક ‘ડે’ વિશે વિશેષ છણાવટ


 

પાશ્ર્ચાત્ય ‘ડે’ (DAY) પાછળ ભોગવાદ અને બજારીકરણ !

 
જેમણે પાશ્ર્ચાત્ય ‘ડે’ પાછળ રહેલી ખ્રિસ્તી પરંપરાઓ, અમેરિકાનું રાજકારણ અને બજારવાદ સમજવો હોય તેમણે અમેરિકાના મેરિલીન કોલેમન, લોરેન્સ ગેનોંગ અને કેલી વાર્ઝિનિક લિખિત ‘ફેમિલી લાઇફ ઇન ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી અમેરિકા’ વાંચવું જોઈએ.
 
આ અંક તમારા હાથમાં આવશે ત્યારે રવિવારે દેશમાં કેટલોક વર્ગ ફ્રેન્ડશિપ ડે ઊજવશે. આપણે ત્યાં ૯૦ના દાયકા પછી કેટલાક દિવસો ઘૂસી ગયા છે અને કેટલાક ઘુસાડવામાં આવી રહ્યા છે. આ બધા પાછળ આપણી સંસ્કૃતિ રહેલી નથી. તમે યાદ કરશો અને જો તમારી પાસે દસ-પંદર વર્ષ પહેલાંના સમાચારપત્રોનો સંગ્રહ હોય તો તેમાં તમે જોઈ શકો છો કે આ દિવસોની ઉજવણી સમાચાર નહોતી બનતી. સહુ પહેલાં શરૂઆત કદાચ વેલેન્ટાઇન્સ ડેથી થઈ. ત્યાર પછી ધીમેધીમે બીજા દિવસો આપણા દેશમાં ઊજવવાનું શરૂ થયું. પરંતુ જો ન્યૂઝ મીડિયા અને સિનેમા-સિરિયલો વગેરેએ તેને મહત્ત્વ આપ્યું ન હોત તો આટલી ઉજવણી થતી હોત કે કેમ તે પ્રશ્ર્ન છે.
 
જોકે એ વાત પણ એટલી જ સત્ય છે કે આ ન્યૂઝ મીડિયા અને સિનેમા-સિરિયલોના લીધે જન્માષ્ટમી, ગણેશચતુર્થી, નવરાત્રિ, દિવાળી, મકરસંક્રાંતિ, હોળી જેવા આપણા કેટલાક તહેવારોની ઉજવણી પણ વધી છે, પરંતુ તેમાં પણ નોંધ કરવાનું પાસું એ છે કે આ તહેવારોની નોંધ મીડિયામાં કઈ રીતે લેવાય છે? દા.ત. એક મીડિયાજૂથ દર હિન્દુ તહેવારની પહેલાં એક ઝુંબેશ શ‚ કરે છે કે શ્રાવણમાં શિવલિંગ પર દૂધ ઓછું ચડાવો. જો કોઈ આવું કરે તો તેને પ્રસિદ્ધિ પણ એટલી જ આપે છે. ગણેશચતુર્થીએ માટીના ગણપતિ બેસાડવાની વાત કરાય છે. નવરાત્રિએ ક્ધયાઓની લગભગ અભદ્ર કહી શકાય તેવી તસવીરો મોટી જગ્યામાં છપાય છે.
 
મકરસંક્રાંતિ પૂર્વે પતંગોથી કેટલાં પક્ષીઓનાં મૃત્યુ થાય છે તેની અરેરાટી ઉપજાવતી તસવીરો છપાય છે. હોળીએ પાણીનો વેડફાટ ન કરવા સૂફિયાણી સલાહ આપતી ઝુંબેશ ચલાવી તિલકહોળીનો પ્રચાર કરાય છે, પરંતુ ગણેશચતુર્થીએ કે નવરાત્રિએ ડીજેમાં કાનના પડદા ફાટી જાય તે હદે ઊંચા અવાજે ફિલ્મી ગીતો ન વગાડવાની સલાહ આપતી ઝુંબેશ કોઈ મીડિયા ચલાવતું નથી. એનું કારણ છે કે તેમને હિન્દુ ધર્મ સુધારવામાં રસ નથી. હિન્દુ તહેવારોની ઉજવણી કાં તો બંધ થાય, કાં તો વિકૃત થાય તેમાં જ રસ છે.
 
આ મીડિયા ૩૧ ડિસેમ્બરે દારૂ પીને અકસ્માત કેટલા થયા, દારૂ પીને કેટલા લોકો હોસ્પિટલમાં ભરતી થયા, કેટલા લોકોએ ગરીબોમાં નાણાં વહેંચવાના બદલે બેલે ડાન્સર બોલાવીને પોતાનું મનોરંજન કરવા પાછળ વેડફી નાખ્યા તે નહીં છપાય. ૩૧ ડિસેમ્બરે દુનિયાભરમાં ફોડાતા ફટાકડાથી કેટલું પ્રદૂષણ થાય છે તે નહીં કહેવામાં આવે. આ જ રીતે બકરી ઈદ પર બકરીઓની હત્યાની અરેરાટીભરી તસવીરો નહીં છપાય, જે મકરસંક્રાંતિ પર છપાય છે.
 

 
 

પશ્ર્ચિમ તહેવારોનો ધૂમ પ્રચાર

 
એટલે એક તરફ આ મીડિયા હિન્દુ તહેવારોની ઉજવણી બંધ થાય તે પ્રકારે ઝુંબેશ ચલાવશે તો બીજી તરફ, આ જ મિડિયા વેલેન્ટાઇન્સ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, વીમેન્સ ડે, ફ્રેન્ડશિપ ડે વગેરે ડેએ અલગ-અલગ પૂર્તિ બહાર પાડશે. ન્યૂઝ ચેનલોમાં તેના વિશે સ્ટોરીઓ ચલાવાશે. સિરિયલોમાં તેના ખાસ એપિસોડ બનશે. શ‚આતમાં ઉજવણી માટે એવું પણ ઠસાવાશે કે તેમાં ભારતીય દૃષ્ટિકોણથી વાંધો શું છે ? દા.ત. વેલેન્ટાઇન્સ ડે તો પ્રેમીઓનો તહેવાર છે. પરંતુ ધીમેધીમે સ્થિતિ એ આવી ગઈ કે પ્રેમીઓ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બની ગયાં. તેમાંથી લિવ ઇન રિલેશનશિપ આવી ગઈ. તેમાંથી છૂટાછેડાની વાત આવી. તેમાંથી સિંગલ પેરન્ટની અવધારણા આવી ગઈ. આપણને ખબર જ ન રહી કે ભારતમાં તો પ્રેમનો સદા મહિમા રહેલો છે.
 

પરંતુ પ્રેમ એટલે શું દૈહિક? શું વાસના જ?

 
રાધાકૃષ્ણના પ્રેમને કે દ્રૌપદી-કૃષ્ણના પ્રેમ કે સખાપણાને પાશ્ર્ચાત્ય દૃષ્ટિકોણથી સમજી શકાશે ખરો? સીતારામના પ્રેમને પશ્ર્ચિમી દેશના ભોગવાદી ચશ્માંથી સમજી શકાશે ? જનકના લાડપ્રેમથી ઊછરેલાં સીતા લગ્ન કર્યા પછી પતિને વનવાસનો આદેશ મળ્યો તો તેની પાછળ ચાલી નીકળ્યાં એ વાત આજે સમજી શકાશે ? લક્ષ્મણ પોતાના ભાઈ રામ માટે ચૌદ વર્ષ સતત જાગે, ભાભી સામે નજર પણ ન મેળવે તે આજે સાવધાન ઇન્ડિયાથી લઈને યૂટ્યૂબ પર અનેક શોર્ટ ફિલ્મો, વેબ સીરિઝોમાં દેખાડાતી અભદ્ર કથાના વાતાવરણમાં લોકોને સમજાવવી મુશ્કેલ છે. આજે તો સીતાની જેમ કોઈ યુવતીના પતિને વનવાસનો આદેશ મળ્યો હોય તો તે છૂટાછેડા જ લેવા પહોંચી જાય. ફેમિનિઝમના નામે મીડિયા પણ તેને સાથ આપે.
 

શ્રીકૃષ્ણ અને સુદામાએ એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધેલા ?

 
આવું જ ફ્રેન્ડશિપ ડેનું છે. ફ્રેન્ડશિપ એટલે મિત્રતા. મિત્રતાનું ભલા પ્રદર્શન હોય ? શું શ્રીકૃષ્ણ અને સુદામાએ એકબીજાને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધેલો ? શું અર્જુને શ્રીકૃષ્ણને ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા પાઠવી ગિફ્ટ આપેલી? મિત્રતા બોલકી હોય કે અબોલ ? અને શું ફ્રેન્ડશિપ બેલ્ટ નહીં બાંધવામાં આવે તો મિત્રતા મરી પરવારશે? અને જો તેમ હોય તો તેને મિત્રતા કહી શકાશે?
આપણને ખબર પણ નથી કે છેલ્લાં એક-બે વર્ષથી હવે આપણા દેશમાં મીડિયા દ્વારા હેલોવીન ડે ઘુસાડાઈ રહ્યો છે. હેલોવીન ડે એટલે તમારાં મૃત સગા, સંતો, શહીદો અને તમામ એવા લોકો જેના પર તમને શ્રદ્ધા હોય તેને યાદ કરવા. પરંતુ આપણે ત્યાં તો પહેલેથી ભાદરવા મહિનામાં કૃષ્ણ (એટલે કે વદ) પક્ષમાં પિતૃઓને શ્રાદ્ધ નાખવાનો રિવાજ છે જ. ચૈત્ર મહિનામાં પણ પિતૃતર્પણ કરાય છે. આપણે પિતૃઓના તર્પણ માટે શું કરીએ છીએ?
 
તેમના તર્પણ માટે શાસ્ત્રોક્ત વિધિથી પિંડદાન કરીએ છીએ. પીપળે જળ ચડાવીએ છીએ જેથી પીપળો લીલોછમ રહે, ઑક્સિજન આપે, વટેમાર્ગુઓને છાંયડો આપે. પિતૃઓને ભાવતું ભોજન બનાવીને રાંધીએ અને ભાઈ-બહેનને જમવા બોલાવીએ. તેમની સાથે આનંદ કરીએ. આ રીતે પિતૃઓને યાદ કરીએ. પરંતુ હેલોવીનમાં ભૂતડાં કે ડાકણ જેવા વેશ અને મેકઅપ કરાય છે. પછી બાળકો ઘરની ઘંટડી વગાડે છે. જ્યારે દરવાજો ખોલવામાં આવે ત્યારે તેઓ પૂછે છે, Trick or treat? Give me something good to eat. તે પછી કહેવાય છે, if you dont, I dont care, I'll pull down your underwear!આનો અર્થ ગુજરાતીમાં સમજાવવાની જરૂર નથી. આપણા કોઈ પણ તહેવાર લો, તેમાં પરિવાર સાથે ઉજવણીની વાત આવશે, ચાહે તે દિવાળી હોય કે હોળી, મકરસંક્રાંતિ હોય કે નવરાત્રિ. આપણે ત્યાં રક્ષાબંધનનો તહેવાર છે તેવો ભાઈ-બહેનનો એકેય તહેવાર વિદેશમાં છે? ભાઈબીજ કે પોષીપૂનમનો તહેવાર પણ ભાઈબહેનના પ્રેમનું પ્રતીક છે. ઊલટું, રક્ષાબંધનના તહેવારો પહેલાં એવા વોટ્સએપ મેસેજ વહેતા કરાય છે જેમાં છોકરાઓને છુપાઈ જવાનું કહેવાય છે, જેથી શાળામાં કે પડોશમાં કોઈ છોકરી રાખડી ન બાંધે.
 

 
 

વિદેશી ડે મોટા ભાગે ચર્ચ સાથે સંકળાયેલા છે

 
વિદેશના આ ડેમાં પરિવાર સાથે ઉજવણીની કોઈ વાત આવી ? વેલેન્ટાઇન્સ ડે તો પ્રેમના નામે વાસના બહેકાવવાનો ડે. વીમેન્સ ડેમાં પણ મહિલાઓના સશક્તિકરણની વાત કરાય છે. ભાઈ! આપણે ત્યાં સ્ત્રીને શક્તિના નામે પૂજવાનો તહેવાર નવરાત્રિ છે જ. પરંતુ વીમેન્સ ડેના નિમિત્તે જે પરિસંવાદો થાય છે, જે લેખો સમાચારપત્રોમાં છપાય છે તેમાં હિન્દુ નારીને હિન્દુ ધર્મથી વિમુખ કરવાના પ્રયાસો થાય છે. શું ક્યારેય કોઈ મીડિયામાં આ દિવસ નિમિત્તે મુસ્લિમ મહિલાઓને ત્રિતલાક કે હલાલાથી શું તકલીફો પડે છે, કે પછી બુરખાના લીધે તેમને ધોમધખતા તાપમાં ગરમી થાય છે કે વિટામિન ડીની ઊણપ રહી જાય છે તેવું ક્યાંય અવલોકન પ્રસ્તુત થયું?
 
હકીકતે આ ડે મોટા ભાગે ચર્ચ સાથે સંકળાયેલા છે. વળી, તેની પાછળ બજાર અને ઉપભોક્તાવાદ મોટા પાયે સંકળાઈ ગયો છે. આ એકેય ડેની નિ:શુલ્ક ઉજવણી થઈ શકશે ખરી? વળી, આ એકેય ડે પાછળ વિજ્ઞાન કે આરોગ્યશાસ્ત્ર જોડાયેલું છે? મકરસંક્રાંતિએ સૂર્ય સામે જોવાથી શિયાળામાં તેનાં કોમળ કિરણો આપણને મળે છે. સૂર્યસ્નાન થાય છે. ભાદરવામાં દૂધપાક ખાવાથી પિત્તનું શમન પણ થાય છે. હોળી પ્રગટાવવાથી બેક્ટેરિયા અને વાઇરસનો નાશ થાય છે. વળી, દરેક તહેવાર પાછળ એક કથા છુપાયેલી છે અને દરેક તહેવારે આપણે આ કથાને સ્મરીને તેમાંથી બોધ લેવાનો-પ્રેરણા લેવાનો પ્રયાસ કરીએ છીએ.
 
હકીકતે જેઓ ડેની ઉજવણીનો વિરોધ કરનારાને ધર્માંધ કહે છે તેમણે અમેરિકાના મેરિલીન કોલેમન, લોરેન્સ ગેનોંગ અને કેલી વાર્ઝિનિક લિખિત ફેમિલી લાઇફ ઇન ટ્વેન્ટીએથ સેન્ચ્યૂરી અમેરિકા પુસ્તક વાંચવું જોઈએ. આમ તો ભારતીય ચીજોનો મહિમા સાબિત કરવા કોઈ આધારની જ‚ર નથી, પરંતુ કેટલાક બુદ્ધુજીવી લેખકો પશ્ર્ચિમનો આશરો લઈને પશ્ર્ચિમની વિકૃતિ થોપીને ભારતીય સંસ્કૃતિ ભૂંસાડવા પ્રયાસરત છે ત્યારે આ જરૂરી બને છે. આ પુસ્તકમાં દરેક ડેની શરૂઆત કેવી રીતે થઈ તેની વાત કરવામાં આવી છે.
 
પુસ્તકના પાના નંબર ૧૨૧ પર મધર્સ ડે વિશે લખાયું છે : એન્ના જાર્વિસ નામની ખ્રિસ્તી મહિલાએ પોતાની માતાની સ્મૃતિમાં તેની માતૃભૂમિમાં મેથોડિસ્ટ ચર્ચમાં આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. તેણે બીજાં ચર્ચોને અને સાંપ્રદાયિક સંગઠનોને પણ આ દિવસ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા. રાજકારણીઓએ આ તક ઝડપી લીધી. ઈ. સ. ૧૯૧૪માં અમેરિકા પ્રમુખ વૂડ્રો વિલ્સને મે માસના બીજા રવિવારને મધર્સ ડે તરીકે જાહેર કરી દીધો ! શરૂઆતમાં આ તહેવાર ‚ઢિવાદી પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ જ ઊજવતા. પરંતુ પછી તેમાં ઉપભોક્તાવાદ જોડાઈ ગયો. જાર્વીસે આની સામે જિંદગીભર લડત આપી. શરૂઆત ફૂલ અને ગ્રીટિંગ કાર્ડ આપવાથી થયેલી પરંતુ પછી માતાને ચર્ચ પછી બહાર હોટલમાં જમવાનું તેમાં ઉમેરાઈ ગયું. પછી મોલ અને સ્ટોર મધર્સ ડેના સેલ રાખવા માંડ્યા. ૧૯૭૦ના દાયકા સુધીમાં, મધર્સ ડે નિમિત્તે હવે ચર્ચમાં હાજરી આપવી જરૂરી ન રહી. અર્થાત્ આ દિવસ શરૂ તો સાંપ્રદાયિક રીતે કરાયો હતો પરંતુ તેમાં સાંપ્રદાયિક ઉજવણીનું મહત્ત્વ જ ન રહ્યું! વિશુદ્ધ કોમર્શિયાલેઝનનો રંગ તેમાં ચડી ગયો. સાચા ખ્રિસ્તીઓ પણ આ ડેની ઉજવણીથી દુ:ખી છે.
 
પશ્ર્ચિમમાં આવા ડે એટલે ઉજવવા પડે કે ત્યાં પરિવારની વિભાવના ટકી નથી. ત્યાં એક વ્યક્તિને કેટલા પિતા, સાવકા પિતા કે સાવકી માતા છે, સાવકાં ભાઈ-બહેન છે, તેને પોતાને કેટલી વ્યક્તિ સાથે લફરાં છે તે કહેવું મુશ્કેલ હોય છે. ભારતમાં આપણે આ વાત સમજીએ અને નવી પેઢીને પણ સમજાવીએ. આપણા તહેવારો ઓછા ખર્ચે, સાત્વિક રીતે ઊજવીએ.
 
- જયવંત પંડ્યા
( લેખક ગુજરાતના રાજકિય વિશ્લેષક, ચિંતક અને વરિષ્ઠ ગણમાન્ય પત્રકાર છે.)