@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ઇતિહાસ નહેરુને આ ભૂલો માટે કદી માફ નહીં કરે.

ઇતિહાસ નહેરુને આ ભૂલો માટે કદી માફ નહીં કરે.


 
 

કાશ્મીર મુદ્દે નહેરુએ ભૂલોની પરંપરા સર્જી, કિંમત દેશે ચૂકવી
 

અકલ્પનીય કુદરતી સૌંદર્ય અને અમાપ કુદરતી સ્રોત હોવા છતાં કાશ્મીરીઓ સુખેથી ના જીવી શક્યા. આઘાતની વાત એ કહેવાય કે, નહેરુએ માત્ર ને માત્ર પોતાના અંગત ગમા-અણગમાના કારણે મનસ્વી નિર્ણય લીધા અને તેની કિંમત કાશ્મીરી પ્રજાએ ચૂકવી.
 
નહેરુની ભૂલોની શરૂઆત દેશની આઝાદી પહેલાં જ થઈ ગઈ હતી. દેશ આઝાદ થયો એ પહેલાં કાશ્મીરમાં ડોંગરા વંશના મહારાજા હરિસિંહનું શાસન હતું. દેશ આઝાદ થયો એ પહેલાં જ કાશ્મીરમાં હરિસિંહ સામે બગાવત શ‚રૂ થઈ ગયેલી ને તેની આગેવાની શેખ અબ્દુલ્લાએ લીધી હતી. નહેરુને અબ્દુલ્લા માટે લગાવ હતો તેથી ૧૯૪૬માં નહેરુ લડતમાં ભાગ લેવા કાશ્મીર ગયેલા પણ રાજા હરિસિંહે તેમને શ્રીનગરથી પાછા મોકલી દીધા હતા. આ કારણે નહેરુને હરિસિંહ તરફ અણગમો હતો ને ઘણાના મતે નહેરુએ તેનો બદલો કાશ્મીર મુદ્દો ગૂંચવીને લીધો.
 
દેશ આઝાદ થયો એ પછી જવાહરલાલ નહેરુ વડાપ્રધાન બન્યા. કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાએ પહેલાં જ લોકોને હરિસિંહ સામે ભડકાવી રાખેલા. મુસ્લિમોને હિંદુ રાજા સામે વાંધો હતો તેથી આ આંદોલન ઉગ્ર બન્યું હતું. આ માહોલમાં હરિસિંહે ભારત સાથે ભળી જવાની જ‚રૂર હતી પણ તેમણે સ્વતંત્ર રહેવાની મૂર્ખામી કરી તેનો લાભ લઈને પાકિસ્તાન તરફી મુસ્લિમોએ બગાવત કરી નાંખી. પૂંચમાં તેમણે બગાવતનો ઝંડો ઉઠાવ્યો અને શ્રીનગરમાં પાકિસ્તાન સાથે જોડાવાની માગ સાથે દેખાવો શરૂ‚ થયા. પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર હતું ને ત્યાં સુન્ની મુસ્લિમોની બહુમતી હતી તેથી મુસ્લિમોને લાગતું કે પાકિસ્તાન આપણું સાચું સાથી છે. મહારાજાએ તેમને દબાવી દેવા લશ્કરને છૂટો દોર આપેલો પણ પાકિસ્તાન તેમની મદદ કરતું હતું તેથી તેમને દબાવી શકાયા નહીં.
 
આપણા ગુપ્તચર તંત્રે આ બધાં પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની ને પાકિસ્તાન હુમલો કરશે તેવી ચેતવણી આપી હતી. સરદાર વલ્લભભાઈ પટેલે એ વખતે જ ભારતીય લશ્કરને કાશ્મીરમાં મોકલીને ઓપરેશન હાથ ધરીને કાશ્મીર પર કબજો કરવા સૂચન કરેલું. આ કાર્યવાહી થાય તો રાજા હરિસિંહને જશ મળે, જ્યારે નહેરુ શેખ અબ્દુલ્લાને મહત્ત્વ મળે એવું ઇચ્છતા હતા તેથી તેમણે લશ્કર ના મોકલવા દીધું. એ વખતે લશ્કર ગયું હોત તો પાકિસ્તાનના પીઠ્ઠુઓને પહેલાં જ દબાવી દેવાયા હોત પણ નહેરુની મનમાનીના કારણે એ તક રોળાઈ.
 

સરદાર પટેલના ઉગ્ર વિરોધને ગણકાર્યો નહીં

 
પાકિસ્તાનના પીઠ્ઠુઓએ ૨૨ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ કાશ્મીર પર હુમલો કર્યો. ગભરાયેલા હરિસિંહે સરદાર પટેલના પગ પકડ્યા ને કાશ્મીરનું જોડાણ ભારત સાથે કરવાના કરાર પર સહી કરી. સરદારે તરત ભારતીય લશ્કર મોકલ્યું. આ ઓપરેશન ચાર મહિના ચાલ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની વ્યૂહરચના પ્રમાણે ભારતીય લશ્કર પાકિસ્તાની સૈનિકો અને તેના પીઠ્ઠુ કબાલીઓને શોધી શોધીને મારી રહ્યા હતા ને જે ડરીને ભાગતા હતા તેમને ખદેડી રહ્યા હતા. ભારતીય જવાનો કાશ્મીરના એક પછી એક ભાગ પર કબજો કરી રહ્યા હતા. તેના કારણે બે ભાગનું કાશ્મીર આપણા હાથમાં આવી ગયું હતું. થોડો પ્રદેશ જ બાકી રહ્યો હતો.
 
નહેરુએ એ વખતે બીજી મોટી ભૂલ કરી. નહેરુ ઉતાવળા થઈને યુનાઈટેડ નેશન્સમાં ગયા ને કાશ્મીર મામલે દરમિયાનગીરી કરવા વિનંતી કરી. આ વિનંતી મૂર્ખામીની ચરમસીમા જેવી હતી. સરદાર પટેલે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો પણ નહેરુ લોર્ડ માઉન્ટબેટનની વાત માનીને યુ.એન.માં ગયા. નહેરુને ભારતીયો કરતાં અંગ્રેજો પર વધારે વિશ્ર્વાસ હતો. બાકી હતું તે જમ્મુ અને કાશ્મીરમાં જનમત લેવાની ઓફર કરી નાંખી. નહેરુની આ બંને વાતો ભૂલભરેલી હતી. રાજા હરિસિંહે કાશ્મીરનું ભારત સાથે જોડાણ કર્યું હતું. આ કારણે જમ્મુ અને કાશ્મીર ભારતનો પ્રદેશ બની ગયો હતો. પાકિસ્તાને ભારતના પ્રદેશ પર આક્રમણ કર્યું તેથી ભારતને લશ્કરી કાર્યવાહી કરવાનો પૂરો અધિકાર હતો. બીજું એ કે, રાજાએ જોડાણ કર્યું પછી જનમત લેવાનો સવાલ જ ઊભો નહોતો થતો. નહેરુએ લશ્કરી કાર્યવાહીને આગળ ધપાવવાના બદલે કાશ્મીરને વિવાદાસ્પદ પ્રદેશ ગણવાના નિર્ણયને પણ સ્વીકારી લીધો. યુનાઈટેડ નેશન્સે પાકિસ્તાને કરેલા આક્રમણ સામે કશું ના કર્યું ને ઊલટાનું યુદ્ધવિરામ કરવા કહ્યું.
 
ભારતનું લશ્કર એ વખતે મુઝફ્ફરાબાદ તરફ આગળ વધતું હતું. થોડા દિવસોમાં કાશ્મીર ભારતના કબજામાં હોત. સરદાર પટેલ અને લશ્કરી અધિકારીઓ યુદ્ધવિરામની વિરુદ્ધ હતા. તેમણે નહેરુને થોડા દિવસ ખમી જવા કહ્યું પણ નહેરુએ કોઈની વાત ના માની. ભારતે ૧ જાન્યુઆરી ૧૯૪૯થી યુદ્ધવિરામ સ્વીકાર્યો તેમાં બંને દેશોનો જેટલા વિસ્તાર પર કબજો હતો એટલો વિસ્તાર બંને દેશો પાસે રહી ગયો ને ત્રીજા ભાગનું કાશ્મીર આપણા હાથથી ગયું.
 
સરદાર પટેલની વ્યૂહરચનાના કારણે ભારતીય લશ્કરે ત્યારે જ પાકિસ્તાનનો ખેલ ખતમ કરી નાંખીને આખા કાશ્મીર પર કબજો કરી લીધો હોત. પાકિસ્તાની લશ્કરની એ વખતે આપણી સામે કોઈ હેસિયત જ નહોતી ને આપણું લશ્કર જે રીતે આગળ વધતું હતું તે જોતાં પાકિસ્તાનનો ઘડોલાડવો કરવો સરળ હતો પણ નહેરુની ખોટી નીતિ આપણને ભારે પડી ગઈ.
નહેરુને એ પછી પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કાશ્મીરનો મુદ્દો વિદેશ મંત્રાલયને સોંપ્યો. સરદાર પટેલ ગૃહમંત્રી હતા ને ખરેખર આ મુદ્દો ગૃહ મંત્રાલયનો હતો. સરદાર પટેલ ગૃહમંત્રી તરીકે કાશ્મીરને પાછું લેવા કોઈ પગલું ના ભરી બેસે એટલે તેમણે કાશ્મીર દેશનું એક રાજ્ય હોવા છતાં તેનો હવાલો વિદેશ મંત્રાલયને આપ્યો. સરદાર પાસે આ મુદ્દો હોત તો યુ.એન.માં મુદ્દો હોવા છતાં તેનો ઉકેલ આવી ગયો હોત પણ નહેરુની ગલત નીતિને કારણે એ શક્યતા ના રહી. નહેરુએ આ નિર્ણય પણ શેખ અબ્દુલ્લાના લાભાર્થે કર્યો હતો એવું કહેવાય છે. આખું કાશ્મીર ભારત પાસે હોત તો કાશ્મીર ખીણના નહીં પણ મૂળ પંજાબી એવા મીરપુરી મુસ્લિમોનું વર્ચસ્વ હોત. એવું ના થાય એટલે નહેરુએ આ યુદ્ધવિરામ સ્વીકારેલો એવું કહેવાય છે.
 
નહેરુએ એ પછી વધુ એક મૂર્ખામી કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ દાખલ કરાવીને કરી. એક દેશમા બે બંધારણ, બે ધ્વજ ને બે વડાપ્રધાનની શરમજનક વ્યવસ્થા નહેરુએ શેખ અબ્દુલ્લાને રાજી કરવા ગોઠવી. નહેરુએ અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીરના વઝીર એ આઝમ એટલે કે વડાપ્રધાન બનાવી દીધા. આ કલમ કામચલાઉ હતી પણ નહેરુએ ૧૬ વર્ષ સત્તામાં રહેવા છતાં કદી તે નાબૂદ ના કરી. બલ્કે ૧૯૫૪માં કાશ્મીરીઓને વિશેષ અધિકાર આપતી કલમ ૩૫ એ દાખલ કરાવી દીધી. આઘાતની વાત એ છે કે, નહેરુએ આ વાત સંસદથી પણ છુપાવી હતી ને રાષ્ટ્રપતિ પાસે ઓર્ડર બહાર પડાવીને તેનો અમલ કરાવ્યો હતો.
 

પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો પણ ઊભા રાખ્યા ન હતા

 
જમ્મુ અને કાશ્મીરમાં પહેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે તમામ ૭૫ બેઠકો જીતી હતી. આ પૈકી ૭૩ બેઠકો બિનહરીફ જીતી હતી, કેમ કે નહેરુ અબ્દુલ્લાના પગમાં આળોટી ગયા હતા ને કોંગ્રેસના ઉમેદવારો જ ઊભા રાખ્યા નહોતા. પાછું આ પરિણામોને સંસદમાં સ્વીકારવાનો ઠરાવ લાવ્યા હતા. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીએ તેનો વિરોધ કર્યો હતો પણ નહેરુએ તેમને ગણકાર્યા વિના આ ઠરાવ પસાર કરાવ્યો હતો.
 
નહેરુને શેખ અબ્દુલ્લા સાથે વાંધો પડ્યો એ પછી તેમને જેલમાં પૂરી દેવાયેલા. જો કે ૧૯૬૪માં શેખને મુક્ત કરીને નહેરુએ વધુ એક ભૂલ કરી. જેલમાંથી બહાર આવતાં જ અબ્દુલ્લા પાકિસ્તાનના સરમુખત્યાર અય્યુબખાનને મળ્યા ને પછી ભારતના દુશ્મન ચીનની મુલાકાતે જઈને વડાપ્રધાન ચાઉ એન લાઈને મળ્યા હતા. શેખે ભારતવિરોધી પ્રવૃત્તિઓ શ‚ કરી હતી. પાકિસ્તાને ૧૯૬૫માં ભારત પર આક્રમણ કર્યું તે માટે શેખ અબ્દુલ્લાની ચડવણી જવાબદાર હતી. કાશ્મીરમાં ભારતવિરોધી માહોલ છે તેથી પાકિસ્તાન આક્રમણ કરે તો કાશ્મીરીઓ પાકિસ્તાનને સાથ આપશે એવી પટ્ટી શેખે પઢાવી હતી.
 
નહેરુ સત્તર વર્ષ લગી વડાપ્રધાન રહ્યા ને એ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દે કોઈ નક્કર પગલાં ના ભર્યાં. બંધારણની કલમ ૩૭૦ કામચલાઉ હતી, તેને કાયમી કરી દીધી. ઉચ્ચ અદાલતોને તેને નાબૂદ કરવાના ચુકાદા આપતાં રોકી ને બીજી ઘણી ભૂલો કરી.
 
ઇતિહાસ નહેરુને આ ભૂલો માટે કદી માફ નહીં કરે.
 
 

 
 
 

કલમ ૩૭૦ સામે ડૉ. બાબાસાહેબને સખત વાંધો હતો

 
જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ સામે ડૉ. બાબાસાહેબ આંબેડકરને વાંધો હતો. બાબાસાહેબે ૩૭૦મી કલમનું તૂત ઊભું કરનારા શેખ અબ્દુલ્લાને બહુ ખરીખોટી સુણાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે, જમ્મુ અને કાશ્મીર રાજ્યને ભારતની સમકક્ષ દરજ્જો આપવો એ ભારતનાં હિતો સાથે ગદ્દારી હશે ને હું ભારતનો કાયદા પ્રધાન છું ત્યાં લગી એ નહીં થવા દઉં. બાબાસાહેબે ૩૭૦મી કલમને બંધારણમાં સામેલ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. અબ્દુલ્લાએ તરત નહેરુને પકડ્યા પણ નહેરુ બાબાસાહેબથી ડરતા હતા તેથી તેમણે શેખ અબ્દુલ્લાને ગોપાલસ્વામી આયંગર પાસે મોકલ્યા. નહેરુ વતી આયંગરે સરદાર પટેલને આ કલમ સમાવવા માટે આજીજી કરી.
 
જો કે સરદાર પટેલ પોતે આ કલમના વિરોધી હતા.
 
સરદાર પટેલે કહેલું કે, શેખ અબ્દુલ્લા કે ગોપાલસ્વામી કંઈ કાયમી નથી પણ બંધારણ કાયમી છે. તેમાં આવી કલમ ના હોઈ શકે.
 
નહેરુને લાગ્યું કે, આ કલમ બંધારણમાં નહીં સમાવાય ત્યારે તેમણે ત્રાગાં શરૂ કર્યાં. આ ત્રાગાંના કારણે પછી સરદાર અને બાબાસાહેબે નાછૂટકે તેમની વાત સ્વીકારી. જો કે બાબાસાહેબે તો બંધારણની આ કલમ પર ચર્ચા શ‚રૂ થઈ ત્યારે ચર્ચામાં ભાગ પણ નહોતો લીધો.
 
બાબાસાહેબે ૨ સપ્ટેમ્બર, ૧૯૫૩ના દિવસે રાજ્યસભામાં રાજ્યોના રાજ્યપાલોને અપાયેલી સત્તાઓ અંગે ચર્ચા દરમિયાન આક્રોશ પણ ઠાલવેલો કે, મને ઘણું બધું એવું કરવાનું કહેવાયું હતું ને એ મેં મારી મરજી વિરુદ્ધ પણ કર્યું હતું. આ બંધારણને બાળી નાંખનારી હું પહેલી વ્યક્તિ બનવા માટે તૈયાર છું. મને આ બંધારણ જોઈતું નથી. આ બંધારણ કોઈના પણ કામનું નથી...