કાલથી શરૂ થતા રામદેવપીર નોરતાં - પ્રારંભ નિમિત્તે રણુજાના રાજા રામદેવપીરની કથા...

    ૩૦-ઓગસ્ટ-૨૦૧૯

 
 
રાજસ્થાનની મરુભૂમિ પોખરણ - રણુજાના ધર્મપાલક રાજા - જે કૃષ્ણ, નકલંકજી કે કલ્કિ અવતાર હોવાની શ્રદ્ધા છે
 

રાજા રામદેવપીરની જન્મકથા

 
રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા, રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવપીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંકજી કે કલ્કિ અવતાર માનનાર અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ - ભક્તો તેમનાં મંદિરોમાં દર્શનાર્થે યાત્રાપ્રવાસ કરે છે. રામદેવપીરનું વ્રત-નોરતાં રાખે છે. નિજિયા ધર્મના સ્થાપક રામદેવપીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે.
 
ચૌદમી સદીમાં રામદેવપીરના પિતા અજમલજી પોખરણના રાજા હતા. તેઓ રણુજાની ગાદીના રાજા પણ કહેવાતા હતા. રાજા અજમલજી તન્વર અંગપાલ તોમર-II દિલ્હીના વંશજ હતા. તેમના લગ્ન જેસલમેરના રાજાની પુત્રી રાણી મીનળદેવી સાથે થયાં હતાં. તેમને સગુણા તથા લાસા નામની બે પુત્રીઓ હતી. રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાયું નહોતું. રાજા અજમલજી પ્રજાની હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા. એક સમયે ચોમાસાની ઋતુમાં રાજા એક ખેતરમાં જઈ ચડ્યા. રાજાને જોઈ ખેડૂતોએ વાવણી કરવાનું બંધ કર્યંુ. ખેડૂતો રાજાથી મુખ ફેરવી ઘેર પાછા ચાલ્યા ગયા. રાજા અજમલજીને આશ્ર્ચર્ય થયું. આમ કેમ ? ખેડૂતો પાસેથી વિગત જાણી. તેઓ વાંઝિયા હોવાથી અર્થાત્ પોતાને ત્યાં પુત્ર ન હોવાથી તેમનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઊગશે નહીં અને તેમનો પાક નિષ્ફળ જશે ! ખેડૂતોના આ વાંઝિયાપણના મહેણાથી રાજા અજમલજીને આઘાત લાગ્યો. આ મેણું ભાંગવા તેમણે દ્વારકાધીશનું શરણું લીધું. દ્વારકા પહોંચી કૃષ્ણભક્તિમાં લીન થયા. દ્વારકાધીશના મંદિરમાં તેઓ રોજ કૃષ્ણની મૂર્તિ આગળ લાડુનો ભોગ ધરાવતા હતા. એક દિવસ તેમની ધીરજ ખૂટી. તેમણે લાડુનો પ્રસાદ કૃષ્ણની મૂર્તિના મોં પર માર્યો.. આ દૃશ્ય જોઈ ત્યાંના પૂજારીઓએ માન્યું કે રાજા અવશ્ય ગાંડા થઈ ગયા છે. પૂજારીઓએ રાજાને કહ્યું, ‘હે રાજાજી ! તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે. તેથી કૃષ્ણ હવે ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે. તમે તેમને ત્યાં મળી શકશો.’
 
રાજા અજમલજી કૃષ્ણભક્તિમાં એટલા લીન હતા કે તે દેહનું પણ ભાન ભૂલી ગયા ગયા હતા. તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારી. તેમના પ્રાણનું પણ ભાન રહ્યું નહીં, પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ તેમના પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે ! ચમત્કાર થાય છે. એક મોટું લાકડું રાજાના હાથ લાગે છે. રાજા આ લાકડાને સહારે પાણીની બહાર તરે છે. રાજા આ ચમત્કારથી ભાનમાં આવ્યા. જાણે ભગવાન કૃષ્ણે તેમને ત્યાં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું ન હોય ! રાજા પુન: રણુંજાની ગાદી સંભાળે છે. પ્રજાની સેવા કરે છે. દીન-દુ:ખિયાનો સહારો બને છે. રણછોડરાય, કૃષ્ણની ભક્તિ સાથે સાધુ-સંતોની સેવા કરી રાજધર્મ બજાવે છે. સમય જતાં રાજાને ત્યાં પારણું બંધાય છે. રાણી મીનળદેવીની કૂખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે, જેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે. ત્યારબાદ દંતકથા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ રાણી મીનળદેવીની કૂખે બીજા પુત્ર સ્વ‚રૂપે જન્મે છે. તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે. આ રામદેવ જેમણે નાનપણમાં - બાલ્યકાળમાં જે પરાક્રમે કર્યાં છે તેનાથી પિતા અજમલજી તથા માતા મીનળદેવીને ખાત્રી થાય છે કે તેમને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત્ અવતર્યા છે. રાજા અજમલજીને કૃષ્ણભક્તિ ફળી હોવાનો અહેસાસ થાય છે.
 

રામદેવપીરની બાળકથા

 
ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ રાજા રામદેવપીરની બાળપણની અનેક ચમત્કારિક બાળકથાઓ છે. તેમાંની એક બાળકથા ખૂબ જ પ્રચલિત છે. રામદેવપીર નાના હતા ત્યારે તેમને લાકડાના ઘોડા પર સવારી કરવાનું મન થયું. તેથી પુત્રની ઇચ્છા પૂરી કરવા અજમલજી લાકડાનાં રમકડાં બનાવનાર ખરાદીને બોલાવી સુખડ-ચંદનના લાકડામાંથી સુંદર ઘોડો બનાવે છે તથા દરજીને બોલાવી મુખ્ય લીલા રંગનાં રંગબેરંગી વસ્ત્રો વડે ઘોડાને શણગારવામાં આવે છે. આ શણગારેલ ઘોડા પર અજમલજી પુત્ર રામદેવની ઇચ્છા પૂર્ણ કરવા ઘોડા પર સવારી કરાવે છે. જેવા રામદેવ ઘોડા પર બેસે છે કે ઘોડો રામદેવને લઈ આકાશમાર્ગે દોડી ગયો. ઘોડો તથા રામદેવ આકાશમાં અદૃશ્ય થયા. આ ચમત્કારથી રાજા અજમલ વિષાદમાં પડી ગયા. તેમને લાગ્યું કે ચોક્કસ આ ખરાદી તથા દરજીએ કંઈક કર્યું છે. રામદેવ ઘોડા સાથે પરત ન આવે ત્યાં સુધી ખરાદી તથા દરજીને કેદમાં પૂર્યા. પણ સૌના આશ્ર્ચર્યની વચ્ચે સમય જતાં રામદેવ ઘોડાને લઈ પરત ફર્યા. ખરાદી તથા દરજીને મુક્ત કર્યા. રાજા અજમલજી તથા રાજપરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ.

રામદેવ પીર શાથી કહેવાયા ?

 
પિતા અજમલજી પોખરણના રાજા તરીકે કુંવર રામદેવને ગાદીએ બેસાડે છે. રાજા રામદેવ રાજધર્મનું પાલન કરે છે. પ્રજાને પણ ધર્મનું રક્ષણ કરવાનું શિક્ષણ આપે છે. રાજ્યમાં ગાયો તથા સાધુ-સંતોની સેવા થાય છે. રાજદરબારમાંથી કોઈ ભૂખ્યું જતું નથી. સર્વેને ન્યાય મળે છે. સમાજના તરછોડાયેલ ગરીબ તથા નાના પ્રકારના દુ:ખોથી પીડાતા પ્રજાજનોની સેવામાં રાજા રામદેવ અહર્નિશ વ્યસ્ત રહે છે. તેમનો યશ દેશ-વિદેશમાં ફેલાય છે. ચારે દિશાઓમાં રાજા રામદેવનો જયજયકાર થાય છે. તેમની આ પ્રસિદ્ધિ મુસ્લિમોના યાત્રાધામ મક્કા સુધી પહોંચે છે. ત્યાંના પાંચ પીર રાજા રામદેવનું પારખું કરવા દેવરા આવે છે. રાજા રામદેવ તેમનો આદર-સત્કાર કરે છે. તેમને ભોજન માટે આમંત્રણ આપે છે. પણ પેલા પાંચે પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે કે અમે તો અમારા ભોજનના પાત્ર વાડકાઓમાં જ અમારું ભોજન કરીએ છીએ, જે અમે મક્કામાં ભૂલી આવ્યા છીએ, તેથી અમે જમીશું નહીં, ભૂખ્યા રહીશું. અતિથિ દેવો ભવની ભાવનાવાળા રાજા રામદેવ પાંચે પીરને કહે છે : ‘હે અતિથિ પીર ! તમે ભૂખ્યા રહો તો મારો રાજધર્મ લાજે ! પણ જુઓ, આકાશમાંથી તમે મક્કામાં ભૂલી આવ્યા છો તે વાડકા આવી રહ્યા છે. તેમાં તમે ભોજન કરો. ભૂખ્યા રહેશો નહીં.’ ચમત્કાર થાય છે. પાંચે પીરની આગળ આકાશમાંથી ભોજનપાત્ર - વાડકા ગોઠવાઈ ગયા. આ જાણી પાંચે પીર રાજા રામદેવના ભક્ત બની ગયા. મક્કા-મદીના તથા મુલતાન વિસ્તારના પીર - ઓલિયા પણ શ્રી રામદેવજીને ‘હિંદવાપીર’ તરીકે પૂજવા લાગ્યા. રામદેવરામાં સ્થિર થઈ આ પાંચે પીર પ્રજાની સેવા કરવા લાગ્યા તથા કૃષ્ણભક્ત બની ગયા. હાલમાં આ પાંચે પીરની સમાધિ રાજા રામદેવની સમાધિની પાસે છે. તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે. આ ઘટના પછી રાજા રામદેવને પીરના પીર માનવામાં આવ્યા. ત્યારથી લોકસાહિત્યમાં રાજા રામદેવને રામદેવપીર તરીકે પ્રસિદ્ધિ મળી છે.

રામદેવપીરનું વ્રત - રામદેવપીર નોરતાં

 
ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવપીરના ભક્તો રામદેવપીરનું વ્રત - રામદેવપીરનાં નોરતાં રાખે છે. તેની પૂર્વતૈયારી શ્રાવણ માસની અમાસે થાય છે. ભક્તો નવ દિવસ માટે જવારા ઉગાડે છે. અખંડ દીવો કરે છે. ઉપવાસ તથા એકટાણાં પણ કરે છે. નોમે રામાપીરના નેજા કાઢવામાં આવે છે. ભક્તો શ્રદ્ધા સાથે આ નોરતાં રાખે છે કે રણછોડરાય, શ્રીકૃષ્ણ, નકલંકજી કે ભગવાન કલ્કિ અમારી પીડાનું શમન કરશે. અકલ્પ્ય ભય દૂર કરશે તથા શત્રુઓનો સંહાર કરશે. સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન શ્રી રામદેવપીર અમારી ખેતી, નોકરી ધંધા તથા સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સાચવશે. અમારો સમાજ તથા દેશ સુખી સમૃદ્ધ થાય તથા શત્રુઓથી તેમનું રક્ષણ થાય તેવી શ્રદ્ધા તથા મનોકામનાથી તેમના ભક્તો પોતાના ઘરે તથા રામદેવપીરનાં મંદિરોમાં રામદેવપીરના નોરતાંનો ઉત્સવ ઊજવે છે. કાપડમાંથી બનાવેલ તથા માટીમાંથી બનાવેલ ઘોડાઓ તથા ગરબા-ગરબીઓ તેમના સ્થાનકમાં પધરાવે છે. નોરતાના પ્રત્યેક દિવસે નૈવેદ્ય ધરાવી તેમની આરતી થાય છે. રામદેવપીરના પરમભક્ત હરજી ભાટીએ અનેક જગ્યાએ રામાપીરના કાપડના ઘોડાની પધરામણી કરી તેમના નોરતાંનો પ્રારંભ કરાવ્યો હોવાનું મનાય છે. તેમની આરતી ગવાય છે.
 
હરજી ભાટી જુએ તમારી વાટ રે, રણુજાના રાજા,
આરતી ટાણે વેલેરા આવજો, એવા ધૂપને ધુમાડે વ્હેલા આવજો.
રામદેવપીરના નોરતાંમાં રામદેવપીરનો હેલો ખાસ ગુંજી ઊઠે છે :
રણુજાના રાજા, અજમલજીના બેટા,
વિરમદેવના વીરા, રાણી નેતલદેના ભરથાર
મારો હેલો સાંભળો... હો... હો...જી.
 
રામદેવીરના નોરતામાં ભક્તો તેમણે માતા મેલણદે, દરજી, લાખો વણઝારો, બોહિતા વાણિયો, બહેન સગુણાદેના સાસરિયાં, દિલ્હીના બાદશાહ વગેરેને જે પરચા આપ્યા હતા. તે અંગેના સાહિત્યનું વાંચન તથા પાઠ કરે છે. આ નોરતામાં રામદેવપીરના જીવન આધારિત ફિલ્મો પણ દર્શાવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી તથા શારદીય આસો નવરાત્રીની જેમ જ તેમના ભક્તો રામદેવપીરનાં નોરતાં ભક્તિ-ભાવથી ઊજવે છે. શ્રી રામદેવ બાબા ચાલીસાના પાઠથી ભક્તો ભક્તિમાં લીન થાય છે.