તાકતવર ચીન સામે હોંગકોંગ ક્યાં સુધી ઝીંક ઝીલી શકશે ? જાણો હોંગકોંગની સંઘર્ષગાથા

    ૩૧-ઓગસ્ટ-૨૦૧૯

 

હોંગકોંગ વિશ્ર્વમાં સૌથી સ્વચ્છ દેશ પણ ચીન અહીં પ્રદૂષણ ફેલાવે છે

થોડા દિવસની શાંતિ પછી હોંગકોંગમાં ફરી અશાંતિ ઊભી થઈ છે અને લોકો રસ્તા પર આવી ગયા છે. હોંગકોંગ અત્યારે ચીનના તાબા હેઠળ છે અને હોંગકોંગના લોકોએ ચીની શાસન સામે બાંયો ચડાવી છે. આ ચળવળમાં યુવાનો મોખરે છે. ચીન લશ્કરી તાકાતના જોરે આ ચળવળને દબાવી દેવા મથે છે. સામે યુવાનો પણ મચક આપતા નથી ને એક પછી એક ઇમારતો તથા સરકારી મિલકતો કબજે કરીને ચીનને હંફાવી રહ્યા છે. જૂન મહિનામાં આ દેખાવકારોએ હોંગકોંગની સંસદ પર કબજો કરી લીધો હતો. હવે મેટ્રો સ્ટેશનો તથા ટ્રેનો પર કબજો કરવાની વ્યૂહરચના તેમણે અપનાવી છે. હોંગકોંગ વિશ્ર્વમાં સૌથી સ્વચ્છ દેશ ગણાતો, કેમ કે ૯૦ ટકા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે છે. ચીનના કારણે પ્રદૂષણ વધ્યું પણ હજુ મેટ્રો ટ્રેન હોંગકોંગની લાઇફ લાઇન છે જ. દેખાવકારો તેના પર કબજો કરીને ચીનના લશ્કરની હાલત બગાડી રહ્યા છે.
 
 

 
 

આ કારણે હોંગકોગના લોકો ભડક્યા છે 

 
હોંગકોંગમાં આ ભડકો થયો છે તેનું કારણ ચીનની સામ્રાજ્યવાદી માનસિકતા છે. હોંગકોંગ ચીનનો જ પ્રદેશ છે પણ સ્વાયત્ત છે. હોંગકોંગ પહેલાં બ્રિટનના તાબા હેઠળ હતું પણ બંને દેશો વચ્ચે થયેલા કરાર હેઠળ ૧૯૯૭માં હોંગકોંગ બ્રિટનના તાબા હેઠળથી ચીનના તાબા હેઠળ આવી ગયું. એ વખતે શરત હતી કે, પચાસ વર્ષ લગી એટલે કે ૨૦૪૭ સુધી હોંગકોંગમાં સામ્યવાદી શાસન નહીં આવે. હોંગકોંગમાં જે મૂડીવાદી વ્યવસ્થા છે તે ચાલુ રહેશે. ચીને ૨૦ વર્ષમાં જ આ કરારની ઐસીતૈસી કરીને હોંગકોંગને હડપવાના કાવાદાવા શરૂ કરી દીધા છે તેના કારણે હોંગકોગના લોકો ભડક્યા છે.
 

 
 

હોંગકોંગના લોકો પોતાની ઓળખ બચાવવા મેદાને પડ્યા છે 

 
ચીન છેલ્લાં ચારેક વર્ષથી હોંગકોંગને પોતાના રંગમાં ઢાળવા મથે છે. જે રીતે તેણે ધીરે ધીરે તિબેટને ચીનની ઝેરોક્સ બનાવી દીધું એ રીતે હોંગકોંગને પણ એ બદલવા માંગે છે. ચીનમાં સામ્યવાદ છે તેથી અભિવ્યક્તિની આઝાદી નથી. ચીન હોંગકોંગમાં પણ એ નિયંત્રણો લાદીને લોકોની સ્વતંત્રતા છીનવી રહ્યું છે. ચીન પોતાના લોકોને હોંગકોંગમાં ઘુસાડી રહ્યું છે. ચીનાઓમાં પણ ભૂખ્ખડ કહેવાય એવા લોકો આવીને ઝૂંપડપટ્ટીઓ બનાવવા માંડ્યા છે. ચીને હોંગકોંગની પાસેના વિસ્તારોમાં મોટાં કારખાનાં બાંધવા માંડ્યાં છે. તેના કારણે પ્રદૂષણ ખતરનાક હદે વધ્યું છે. આ ઉપરાંત મજૂરો આવીને હોંગકોંગમાં ઠલવાવા માંડ્યા છે તેથી પણ હોંગકોંગ પોતાનો ચળકાટ ગુમાવી રહ્યું છે. હોંગકોંગ દુનિયાના સૌથી સમૃદ્ધ દેશમાંનો એક છે ને ચીન એ સમૃદ્ધિ કબજે કરવા હવાતિયાં મારે છે. આ હવાતિયાંના કારણે હોંગકોંગ તેની ઓળખ ગુમાવી બેસશે એવું લોકોને લાગે છે. આ કારણે હોંગકોંગના લોકો પોતાની ઓળખ બચાવવા મેદાને પડ્યા છે.
 

 
 
જો કે હોંગકોંગના લોકોના આ પ્રયત્નો કેટલા ફળશે એ સવાલ છે. ચીન પાસે લશ્કરી તાકાત છે ને તેનો ઉપયોગ કરીને ચીન તેમને દબાવી દે છે. જૂન મહિનામાં દેખાવકારો હોંગકોંગની સંસદમાં ઘૂસી ગયા ને તેના પર કબજો કરી લીધો ત્યારે ચીને તાકાતનો ઉપયોગ કરીને તેમને ભગાડી મૂક્યા હતા. એ પછી પણ ચીન એ જ કરી રહ્યું છે.
 

હોંગકોંગના લોકોએ પોતાના જોરે જ લડવાનું છે

 
હોંગકોંગના લોકોની લડાઈ સાચી છે પણ ચીન એટલું તાકતવર છે કે તેને રોકવાનું હોંગકોંગના લોકોનું ગજું નથી. અમેરિકા સહિતના દેશો પણ ચીનથી ફફડે છે અને તેની વાતમાં માથું મારતા નથી. હોંગકોંગના મુદ્દે પણ એવું જ થયું છે. આ સંજોગોમાં હોંગકોંગના લોકોએ પોતાના જોરે જ લડવાનું છે. અત્યાર લગી તો હોંગકોંગના લોકો મરદ સાબિત થયા છે, આગળ શું થશે તે ભવિષ્ય કહેશે.