વરસાદ માટે તૈયાર રહેજો । આગામી ૯ અને ૧૦ તારીખે ગુજરાતમાં આ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થવાના છે

    ૦૮-ઓગસ્ટ-૨૦૧૯

 
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આજથી ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. આજથી આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે NDRFની 17 ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.
 
૬૩ ટકા વરસાદ પડી ગયો છે
 
ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં સીઝનનો સરેરાશ 63.38 ટકા વરસાદ નોંધાયો છે. આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સૂરતમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૧૦ તારીખે સૌરષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
 
ભારે વરસાદની આગાહીના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ખેડવા ન જવાનું કહી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે NDRFની 17 ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.
 
હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે આ મુદ્દે જણાવ્યું હતું કે ૮ અને ૯ તારીખે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અને ૯ તારીખ પછી સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં ૬૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસમાં વરસાદ આખા ગુજરાતને આવરી લેશે. અહે કૂલ વરસાદમાં હારો એવો વધારો નોંધાશે.