છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? સૌથી વધારે ક્યાં પડ્યો? જાણો

    ૦૯-ઓગસ્ટ-૨૦૧૯

 
 
 
રાજયના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ : છોટા ઉદેપુરમાં સાડા તેર ઈંચ વરસાદ
૧૪ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો
ક્વાંટ તાલુકામાં ૧૧ ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ
 
 
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી અને હવામાન વિભાગ સાચુ પડતું દેખાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ હાલ વરસી રહ્યો છે.. તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે.
 
મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં છોટાઉદેપુરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં 13.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીમાં 8 ઈંચ પાવી જેતપુર 7 ઈંચ, દાહોદમાં ૬ ઇંચ, પંચમહાલમાં ૪.૫ ઇંચ, દેવગઢ બારિયામાં 4 ઈંચ, લીમખેડામાં 4 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, જાંબુઘોડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
 
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. તો બીજી તરફ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે NDRFની 17 ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.
 

 
 
હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે આ મુદ્દે જણાવ્યું હતું કે ૮ અને ૯ તારીખે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં અને ૯ તારીખ પછી સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અત્યાર સુધી ગુજરાતમાં ૬૩ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસમાં વરસાદ આખા ગુજરાતને આવરી લેશે. અહે કૂલ વરસાદમાં હારો એવો વધારો નોંધાશે.
 
૧૪ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો 
 
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ ૦૯/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં, છોટા ઉદેપુર તાલુકામાં ૩૩૬ મી.મી. એટલે કે સાડા તેર ઈંચ વરસાદ, ક્વાંટ તાલુકામાં ૨૮૨ મી.મી. એટલે કે ૧૧ ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં ૨૦૭ મી.મી. એટલે કે ૮ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
મળતા અહેવાલ મુજબ રાજયના ૧૪ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જેમાં છોટા ઉદેપુર, ક્વાંટ, કુકરમુંડા ઉપરાંત જેતપુર-પાવીમાં ૧૭૪ મી.મી., નિઝરમાં ૧૭૩ મી.મી., નસવાડીમાં ૧૫૬ મી.મી., ધાનપુરમાં ૧૨૦ મી.મી., ગોધરામાં ૧૧૨ મી.મી., દાહોદમાં ૧૧૧ મી.મી., સંજેલીમાં ૧૧૦ મી.મી., દેવગઢ બારિયામાં ૧૦૪ મી.મી., લીમખેડા અને ઉમરપાડામાં ૧૦૩ મી.મી. તથા જાબુઘોડામાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
 
રાજયના ૧૦ તાલુકાઓમાં ૩ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વિજયનગરમાં ૯૬ મી.મી., ડેડિયાપાડામાં ૯૫ મી.મી., ફતેપુરામાં ૮૯ મી.મી., સુબિરમાં ૮૬ મી.મી., સિંઘવાડમાં ૮૩ મી.મી., ડભોઈ, બોડેલી અને સાગબારામાં ૮૨ મી.મી., શહેરામાં ૮૦ મી.મી., કડાણામાં ૭૯ મી.મી. અને ગરબાડામાં ૭૮ મી.મી. એટલે કે ૩ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
જયારે રાજયના ૧૦ તાલુકાઓમાં ૨ થી ૩ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે જેમાં ઉચ્છલ, માંગરોળ, હાલોલ, મોરવાહડફ, ગરૂડેશ્વર, સોનગઢ, સંખેડા, ઝાલોદ, નેત્રંગ, તિલકવાડા અને વડોદરા તાલુકાઓનો સમાવેશ થાય છે. ૧૩૧ તાલુકાઓમાં ૨ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
 
રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૬.૪૪ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૯.૭૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૩.૫૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૫૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૩.૨૬ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.