વૈશ્ર્વિક સમસ્યાઓ ઉકેલવામાં G-7 શિખર સંમેલન કેટલું સફળ કેટલું નિષ્ફળ

    ૧૧-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
ફ્રાંસના સાગરકિનારાના પ્રવાસીઓમાં લોકપ્રિય બિયારિત્ઝ શહેર ખાતે સાત સૌથી શક્તિશાળી દેશોનો સમૂહ G-7ની વાર્ષિક શિખર બેઠક યોજાઈ, તેમાં વૈશ્ર્વિક સમસ્યાઓના મુદ્દાઓ છવાયેલા રહ્યા. ૧૯૭૫ના આર્થિક સંકટ પછી વિશ્ર્વની છ મહાસત્તાઓએ ભેગા થવાનો નિર્ણય કરેલ, જેમાં અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ, બ્રિટન અને ઈટાલી હતા. એક વર્ષ બાદ તેમાં કેનેડા ય ઉમેરાયું અને G-7નો પ્રારંભ થયો. નેવુંના દાયકામાં સોવિયેત સંઘનું પતન થયા બાદ G-7સમૂહમાં રશિયાનો સમાવેશ કરવાના પ્રયાસો થવા લાગ્યા. આખરે ૧૯૯૮માં રશિયા ય જોડાયું અને G-7સમૂહ G-8 બની ગયો. ૨૦૧૪માં ક્રિમિયા સંકટ બાદ રશિયાની ૠ-૮ સંગઠનમાંથી હકાલપટ્ટી થઈ અને ફરી પાછું આ સંગઠન G-7બની ગયું.
 
હાલ G-7સમૂહમાં પ્રારંભમાં જે દેશો હતા તે જ સામેલ છે. આ ઔદ્યોગિક ગ્રુપને ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાની મહાશક્તિઓના સમૂહ‚પે જોવા-મૂલવવામાં આવે છે. ગ્રુપ ઓફ સેવનને કમ્યૂનિટી ઓફ વેલ્યૂઝ એટલે કે મૂલ્યોનો આદર કરતો સમૂહ પણ કહેવાય છે. સ્વતંત્રતા, માનવાધિકારની રક્ષા, લોકશાહી અને કાયદાનું શાસન અને સમૃદ્ધિ તેમજ વિકાસ G-7ના મુખ્ય સિદ્ધાંતો છે. G-7દેશોના મંત્રીઓ અને અધિકારીઓ પરસ્પરનાં હિતોના મામલે ચર્ચા કરવા દર વર્ષે મળે, દરેક દેશ વારાફરતી આ સમૂહની બેઠકની અધ્યક્ષતા કરે. આમાં સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખો, યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ તથા અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થાય. આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ય આમંત્રણ અપાયું. વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય ફોરમ પરથી ભારત-પાકિસ્તાનનો મામલો દ્વિપક્ષીય હોવાની વાત કરી ભારતનો અવાજ મજબૂત કર્યો એ આવકાર્ય.
 
પાછલા બે વર્ષના સંમેલનોમાં ઊર્જા નીતિ, જળવાયુ પરિવર્તન, એઇડ્સ, ટી.બી. અને વૈશ્ર્વિક સુરક્ષા જેવા વિષયો મુખ્ય રહ્યા. છેલ્લાં થોડા વર્ષમાં એઇડ્સ, ટી.બી. અને મેલેરિયા માટે વૈશ્ર્વિક ફંડ એકઠું થયુ અને વિશ્ર્વના અંદાજે ૨.૭ કરોડ લોકોનો જીવ બચાવાયો એ આ સંમેલનની મહત્ત્વની ફળશ્રુતિ. ૨૦૧૬ની પેરિસ જળવાયુ સમજૂતી લાગુ કરવામાં ય આ સમૂહની મહત્ત્વની ભૂમિકા રહેલી, જો કે અમેરિકા સમજૂતીમાંથી અલગ થઈ ગયુ એ ન થવું જોઈએ.
 
આ વખતે યજમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોંએ વિવાદાસ્પદ પરમાણુ સંધિના કારણે બંધ પડી ગયેલી મંત્રણાને ફરી ચાલુ કરવાના પ્રયાસ રૂપે ઈરાનને આમંત્રણ આપ્યું હતું પણ આશા નહોતી કે આવશે. પરંતુ ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફ અચાનક જ આવી જતાં સોપો પડી ગયો. ઉલ્લેખનીય કે ગત વર્ષે ઈરાન સાથેની પરમાણું સંધિ ફોક કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાદી અન્ય દેશોને પણ ઈરાન સાથે વેપાર-વિનિમય બંધ કરવા દબાણ કરેલું. આ તણાવ ઘટાડવા જ ઈરાનને આમંત્રણ અપાયું હતું. અમેરિકાની નારાજગી છતાં ઈરાન સાથેના સંબંધો જાળવી રાખવા પાછળ કારણ એટલું જ કે ફ્રાંસ, જર્મની સહિતના અનેક યુરોપિયન દેશોના ઈરાન સાથે ચાલી રહેલા અનેક પ્રોજેક્ટો અમેરિકાના પ્રતિબંધોને કારણે મુસીબતમાં પડ્યા છે.
 
સંમેલન અગાઉ જ ટ્રમ્પે ચીન સાથેના વેપારમાં ટેરિફ ફરી પાછું વધાર્યું. યુરોપિયન યુનિયનના નેતાઓએ ટ્રમ્પ પર દબાણ કરવાના પ્રયાસો કર્યા કે તેઓ ટ્રેડ વોરનો અંત લાવે. પણ કંઈ વળ્યું નથી. રાજકીય માધાંતાઓના મતે અમેરિકાની આ જીદ દુનિયાને ફરી એક ઔર મંદી તરફ લઈ જઈ શકે છે. G-7માં સામેલ બધા જ દેશો વેલ્ધી છે, રીસર્ચ અને ડેવલપમેન્ટ પણ ખૂબ કરે છે. સમગ્ર દુનિયાને કમાન્ડ કરે છે તેમ કહેવું પણ અતિશ્યોક્તિ નથી. છતાં પોતાનો સ્વાર્થ જુએ છે, એ ના જોવો જોઈએ. G-7ની આવી બેઠકો થાય ત્યારે તમામ સભ્ય દેશોએ લોકોના વેલ્ફર અને માનવતા માટે વિચાર કરવો જોઈએ.
આ શિખર સંમેલનમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને તો અમેરિકા સાથે વેપારમાં પ્રગતિની આશા વ્યક્ત કરી, બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ થઈ રહ્યું છે ત્યારે બ્રિટનની અર્થ વ્યવસ્થાને સંભાળી રાખવા માટે તેને અમેરિકાના સાથની જરૂર છે. તો એશિયામાં ચીનના વધી રહેલા પ્રભાવને ખાળવા માટે જાપાને પણ અમેરિકા સાથે મહત્ત્વની વ્યાવસાયિક સમજૂતીઓ કરવાની દિશામાં પહેલ કરી.
 
ટ્રેડ વોર ઉપરાંત G-7શિખર સંમેલનમાં એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગનો મુદ્દો છવાયેલો રહ્યો. યજમાન ફ્રાંસે કડક વલણ દાખવતાં બ્રાઝિલની સરકાર પર દબાણ કરતાં કહ્યું કે, જ્યાં સુધી બ્રાઝિલ એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ કાબૂમાં નહીં લે ત્યાં સુધી બ્રાઝિલ સાથેની વ્યાપારિક સમજૂતીને મંજૂરી નહીં મળે. ઉપરાંત ઊર્જાનીતિ, ક્લાઈમેટ ચેન્જ, વેપાર, વૈશ્ર્વિક સુરક્ષા જેવા મુદ્દાઓની ય ગંભીર ચર્ચા થઈ. ભારત અને ચીનની સમસ્યાઓના પડકાર આ સમૂહ સામે અડીખમ ઊભા હતા તો બીજી તરફ યુરોપિયન સંઘનો સૌથી મોટો દેશ જર્મની અને તેનું મુસ્લિમ શરણાર્થીઓ પ્રત્યે ઉદાર વલણ પણ મુદ્દો બન્યું. સંમેલનમાં રશિયાના હોવા, ન હોવાનો મુદ્દો ગંભીર બન્યો જે સભ્ય દેશો વચ્ચેના વિરોધાભાસને વધારી રહેલો દેખાય છે. આ સમૂહના દેશોની પરસ્પરની અસહમતીઓનું આક્રમક કૂટનૈતિક પ્રદર્શન પણ પડકારજનક રહ્યું. દુનિયાના વિકસિત અને અગ્રણી રાષ્ટ્રોના આ સમૂહમાં એક તરફ આર્થિક, સામાજિક, રાજકીય, કૂટનૈતિક અને રાષ્ટ્રીય નીતિઓને લઈને ઊંડા મતભેદો સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ યુદ્ધ, રાષ્ટ્રવાદ, દક્ષિણપંથના ઉભાર, મુક્ત બજાર સાથે પરમાણુ હથિયારોના ભંડાર ભરવાની હોડ વચ્ચે શાંતિ અને સમગ્ર વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધતામાં ય ઊંડો આંતરદ્વંદ્વ ચોખ્ખો દેખાઈ રહ્યો. આશા રાખીએ G-7સમૂહ ખરા અર્થમાં મૂલ્યોનો આદર કરતો સમૂહ બની રહે, સ્વતંત્રતા અને માનવ અધિકારોની રક્ષા કરે, લોકશાહીને મજબૂત કરે અને વિશ્ર્વવિકાસનો પ્રહરી બની વિશ્ર્વના હેપીનેસ ઈન્ડેક્ષને શિખરે પહોંચાડે ત્યારે આ શિખર મંત્રણાઓ સાર્થક થાય.