કેટલીક સારી પ્રવૃત્તિને કોઈની નજર ન લાગે એટલે કાળી ટીલી કરવી પડે છે સાહેબ... ખાડા ખોદનારની કમી નથી...

    ૧૧-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
 
 
જુઓ અને દેખાય નહીં, સાંભળો અને સંભળાય નહીં, પાસે જાવ અને હાથમાં આવે નહીં, ઉપર તે અંધકાર નથી અને નીચે તે પ્રકાશિત નથી. સાંધા વગરના તેને નામ જ ન આપી શકાય, અસ્તિત્વ વિહીનતાના રાજ્યમાં તે પાછો ફરે છે, એ ઘાટ જે બધા જ ઘાટનો સમાવેશ કરે છે. પડછાયા વગરનો પડઘાયો, કલ્પનામાં ન આવે એવા રહસ્યમય તેની પાસે જાવ અને એની કોઈ શરૂઆત નથી. પાછળ જાવ તો એમાં કોઈ અંત નથી, તમે એને ઓળખી ન શકો. પણ તેના જેવા થઈ શકો, તમારી જિંદગીમાં સ્વસ્થતા રાખો, જરાક વિચારો તમે ક્યાંથી આવ્યા છો. તે બધા જ ડહાપણનો ગુણધર્મ છે.
 
આ શબ્દો છે ચીનના મહાન ફિલોસોફર લાઓત્ઝેના. ચીની સાહિત્ય પર આ વિચારકની ઊંડી અસર છે. ઉપરના વિચારોમાં લાઓત્ઝે જ્ઞાનની વાત કરે છે. આપણે આપણા ચપટીક જ્ઞાન પર ડુંગર જેટલું અભિમાન કરતા હોઈએ છીએ. એ અહં ઓગાળવાનું કામ રામકથા કરે છે. નવ દિવસમાં એનો મહિમા થઈ ન શકે, હા, ઝલક મળી શકે. માનસ શ્રદ્ધાનો સાગર છે.
 
મહિમા તાસુ કહૈ કિમિ તુલસી ।
ભગતિ સુભાઉં સુમતિ હિય હુલસી ॥
આપુ છોટી મહિમા બડી જાની।
કબિકુલ કાનિ માનિ સકુચાની ॥
 
રામકથાનો નવમો દિવસ ક્યારે આવી જાય છે એ ખબર જ નથી પડતી. ખૂબ આનંદ આવે છે. જે કામમાં તમને ખૂબ આનંદ આવતો હોય એ કામ પૂજાની કક્ષાનું છે. સમાજમાં સેવા જેટલી સેવાસુગંધ પ્રસરાવી શકો એટલા તમે વધુ વિકસશો. સેવાનો મોકો રોજ નથી મળતો. જિન્દા રહને કી મોસમ બહોત હૈ મગર, જાન દેને કી ઋત રોજ આતી નહીં... લોકો શું કહેશે, એ વિચાર ઉપર વિચાર કરીએ તો ક્યારેય શુભ પ્રવૃત્તિ થાય જ નહીં. કેટલીક સારી પ્રવૃત્તિને કોઈની નજર ન લાગે એટલે કાળી ટીલી કરવી પડે છે સાહેબ... ખાડા ખોદનારની કમી નથી...
 
ડોંગરે બાપા સરસ કહેતા - કોઈ પણ વ્યક્તિ સાધુ થયા પછીના વર્ષ બાદ એનામાં એ લાગણી નથી રહેતી. આશ્રમ વધારવાની ઇચ્છા થાય છે. આરંભે શૂરા હોઈએ છીએ પણ સમય જતાં એ ઉત્સાહ ઓસરી જાય છે. આખું જગત સામે હોય અને પછી જીતીએ એની મજા કંઈ ઓર હોય છે. યા હોમ કરીને પડો, ફતેહ છે આગે...
 
મુખ્ય ડોક્ટર હોસ્પિટલમાં સવાર-સાંજ એક રાઉન્ડ મારી લે અને પછી આખો દિવસ બીજા ડોક્ટર ધ્યાન આપે એમ કથા દરમિયાન નવ દિવસનો મારો રાઉન્ડ હોય છે. અમે તો અંગુલિનિર્દેશ કરીએ, કામ તો તમારે જ કરવાનું હોય છે. આ હરતી ફરતી હોસ્પિટલ લઈને ફરું છું કે થોડું ઘણું ય અંધશ્રદ્ધાનું નિવારણ થાય, વહેમ અને પરચામાંથી સમાજ બહાર નીકળે. શુદ્ધ સત્ત્વને સરળ માર્ગે ધર્મને પામવાની કોશિશ કરે અને આ બધી માનસિક બીમારીમાંથી બહાર નીકળે એવી મારી નેમ છે. દરેક કથામાં મને સારા અનુભવ થાય છે. કોઈ કહે મેં વ્યસન છોડ્યું, કોઈ કહે મેં તૂટેલા સંબંધ જોડ્યા, કોઈ કહે મેં ધર્મકાર્યમાં પ્રદાન આપ્યું... આવું સાંભળું છું ત્યારે બહુ રાજી થાઉં છું. મારો રામ પણ રાજી થાય છે. કોઈ વાતમાં મારું કદી દબાણ હોતું નથી, તમને અનુકૂળ અને સાચી વાત લાગે તો જ સ્વીકારો. મોરારિબાપુએ કહી છે એટલે વાતને ના સ્વીકારો પણ તમારું હૃદય માને તો જ સ્વીકારો. અમે સાધુકૂળના, ભિક્ષાવૃત્તિમાંથી જે મળે એમાંથી ખાઈએ અને બીજાને ખવડાવીએ. થોડામાં ઘણું કરીને જીવવાની ટેવ...
 
બાવા રે અમે બાવા રે, હાથમાં માળા ને ગોવિંદના ગુણ ગાવા રે...
નરસિંહ મહેતા કહે છે તેમ ‘એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે,
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે...’
અમેરિકામાં એરપોર્ટ પર મને પૂછ્યું કે તમે ક્યા ગ્રુપના ?
 
મેં કહ્યું કે ઓ ગ્રુપના.
એટલે ઝીરો ગ્રુપ. મારું કોઈ ગ્રુપ નથી. બધામાં હાલું. ઓ ગ્રુપનું જેને બ્લડ હોય એ બધે ચાલે. સંકુચિત ગ્રુપોએ દેશને બહુ નુકસાન પહોંચાડ્યું છે. એમાંથી સત્વરે બહાર નીકળવાની જરૂર છે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી