પાથેય પ્રસંગ । સંત કબીર સમજાવે છે સુખી ગૃહસ્થીનો મૂળમંત્ર

    ૧૧-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 
સંત કબીર પાસે સત્સંગ માટે દૂર-દૂરથી લોકો આવતા. એક દિવસ સત્સંગ પૂર્ણ થયો છતાં એક વ્યક્તિ ત્યાં જ બેસી રહ્યો. કબીરજીએ તેને બેસી રહેવાનું કારણ પૂછ્યું તો પેલા વ્યક્તિએ જવાબ આપ્યો, ‘હું એક ગૃહસ્થ છું. ઘરના તમામ લોકો સાથે મારે નાની-નાની વાતે ઝઘડા થતા રહે છે. મારે દરરોજના ઝઘડાઓથી છુટકારો મેળવવો છે.’ કબીરજી થોડો સમય શાંત રહ્યા પછી અચાનક જ તેમની પત્નીને કહ્યું, ‘જરા દીવો સળગાવી લાવજો.’ તેમની પત્નીએ તેમ કર્યું.
 
પેલાને આશ્ર્ચર્ય થયું. ધોળા દિવસે તો વળી દીવાનું શું કામ ? થોડા સમય પછી કબીરજીએ વળી પાછું પત્નીને કહ્યું, ‘કંઈક મીઠાઈ હોય તો લાવજો ને.’ આ વખતે તેમની પત્ની મીઠાઈને બદલે નમકીન લઈ આવી. પેલા વ્યક્તિને લાગ્યું કે અરે આ તો પાગલોનું ખાનદાન લાગે છે. ધોડા દહાડે દીવો, મીઠાઈ માંગે તો નમકીન - આ બધું શું છે ? તે ઊભો થઈ ચાલવા લાગ્યો. કબીરે તેને પૂછ્યું, ‘ભાઈ, તારી સમસ્યાનું નિરાકારણ થયું કે નહીં ?’ વ્યક્તિએ અણગમા સાથે કહ્યું, ‘મને તો આમાં કાંઈ જ સમજાયું નહીં.’ સંત કબીર હસ્યા અને કહ્યું, ‘જો ભાઈ, મેં મારી પત્નીને આટલા પ્રકાશમાં દીવો સળગાવવાનું કહ્યું, ત્યારે તે કહી શકત કે તમે પાગલ થઈ ગયા છો. ખરા બપોરે વળી દીવાની શી જરૂર ? પરંતુ એણે તેમ ન કર્યું. કારણ કે તેને વિશ્ર્વાસ હતો કે જરૂર કાંઈ કામ હશે, ત્યારે જ મેં તેની પાસે દીવો સળગાવડાવ્યો હશે. એવી જ રીતે મેં જ્યારે મીઠાઈ મંગાવી તો તેણે નમકીન આપ્યું. ત્યારે હું સમજી ગયો કે ઘરમાં મીઠાઈ નથી માટે તે નમકીન લાવી હશે. આ જ તારા સવાલોના જવાબ છે ભાઈ.’
 
પરિજનો વચ્ચે વિશ્ર્વાસ હોય તો વિષમમાં વિષમ પરિસ્થિતિ પણ આપમેળે જ દૂર થઈ જાય છે. માટે ગૃહક્લેશનાં રોદણાં રોવાથી કંઈ જ વળવાનું નથી. પરિવારમાં એકમેક પર વિશ્ર્વાસ રાખવાથી જ મનમેળ સધાય છે. એકની ભૂલ બીજો સંભાળી લે અને બીજાની ત્રુટિ પહેલાએ નજરઅંદાજ કરવી એ જ સ્વસ્થ ગૃહસ્થીનો મૂળમંત્ર છે.