કલેક્ટર પાસે દિવ્યાંગોએ રોજગારી માંગી તો આખે આકુ કૈફે જ ઊભું કરી દીધું

    ૧૪-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
તમિલનાડુનાં થુથુકુડી જિલ્લા કલેક્ટર કચેરીમાં સ્થિત કૈફે છે તો અન્ય સામાન્ય કેફે જેવું જ પરંતુ તેના શરૂ થવા પાછળની કહાની સાંભળનાર હર કોઈને ખુશ કરી દે છે અને અહીંના કલેક્ટરને સલામો ભરવા મજબૂર કરી દે છે. કલેક્ટર ઓફિસ પરિસરમાં એક કેફે છે. તેનું સંચાલન દિવ્યાંગો કરી રહ્યા છે અને આ કેફે શરૂ કરવાનો શ્રેય જિલ્લા કલેક્ટર સંદીપ નંદૂરીને જાય છે. તેઓએ નોકરી માંગવા આવેલા દિવ્યાંગો માટે ન માત્ર આખે આખુ કેફે ઊભું કરી દીધું સાથે સાથે 45 દિવસ હોટલ મેનેજમેન્ટની તાલિમ પણ અપાવી.
 

હેડ શેફથી માંડી સફાઈ કર્મી સુધી તમામ દિવ્યાંગો

 
ધ બેટર ઇન્ડિયા નામની વેબસાઈટ મુજબ કેફે એબલ નામના આ નાના અમથા કેફેમાં હાલ રોજનો દસ હજાર જેટલો વકરો થાય છે અને અહીં કામ કરનાર ૧૨ લોકોમાંથી ૧૧ લોકો દિવ્યાંગ એટલે તેઓના પગ હલવા-ચાલવાની સ્થિતિમાં નથી. જ્યારે એક કર્મચારી કાને સાંભળી શકતો નથી. આ કૈફેના હેડ શેફથી માંડી જ્યૂસ માસ્ટર, ટી માસ્ટર, બિલિંગ ક્લાર્કથી લઈ સફાઈ કર્મી સુધી તમામ લોકો દિવ્યાંગ છે.
 

તેમને સરકારી નોકરી આપવી સંભવ ન હતી માટે આવ્યો આ વિચાર

 
જિલ્લા કલેક્ટર સંદીપ નંદૂરી કહે છે કે મને હંમેશા અલગ અલગ દિવ્યાંગ નાગરિકો તરફથી નોકરી અપાવવા માટે અરજી મળતી હતી. પરંતુ તમામ લોકોને સરકારી નોકરી આપવી એ શક્ય નહતું. માટે એક કેફે શરૂ કરી તેમના ખુદના પગ પર ઊભા કરી રોજગારી આપવાનો વિચાર કર્યો.
 

 

આ રીતે થઈ કેફેની શરૂઆત

 
આ શુભકામની શરૂઆત આઈએએસ સંદીપ નૂરીએ એક સ્વયંસેવી સંગઠન બનાવીને કરી. એમાં તે તમામ દિવ્યાંગોને સદસ્ય બનાવવામાં આવ્યો જેઓએ રોજગારી માટે અરજી કરી હતી. હવે પ્રશ્ન એ હતો કે આ દિવ્યાંગોને કૈફેનું સંચાલન કરવાનું શીખવવું કેમ તેને માટે તેઓએ રાજાપલાયમના ઓસ્કર હોટલ મેનેજમેન્ટ કોલેજ સાથે વાત કરી અને તે તમામ દિવ્યાંગોને 45 દિવસના હોટલ મેનેજમેન્ટના તાલીમી અભ્યાસક્રમમાં પ્રવેશ કરાવી દીધો. ત્યાર બાદ ત્રણ ખાનગી કંપનીઓના સીએસઆર ફંડ અને જિલ્લાપ્રશાસન દ્વારા ફંડ એકત્રિત કરી કલેક્ટર પરિસરમાં જ એબલ કેફેની શરૂઆત કરવામાં આવી.
 

 

કલેક્ટર પરિસરમાં જ કૈફે ખોલવા પાછળ પણ એક કારણ છે.

 
જિલ્લા પ્રશાસન મુજબ રોજગારી માંગવા આવેલા દિવ્યાંગોની આર્થિક પરિસ્થિતિ એવી ન હતી કે તે અન્ય કોઈ સ્થળે ભાડા પર કેફે ચલાવી શકે અને પ્રસાસનનો આશય પણ આ લોકોને પગભર બનાવવાનો હતો. તેવામાં કલેક્ટર કાર્યાલયના પરિસરમાં જ કેફે ઊભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને તેને કેફે એબલ નામ આપવામાં આવ્યું. હાલ અહીં આવનાર ગ્રાહકોને દક્ષિણ ભારતીય નાસ્તા બપોરે અને રાત્રે ભોજન અનેક પ્રકારના જ્યુસ અને ગરમાગરમ ચા અને કોફી પણ પીરસવામાં આવે છે.
 

 

કેફેમાં જ મીટિંગ કરવાનો કલેક્ટરનો આગ્રહ

 
કલેક્ટર સંદીપ નંદૂરીની આ પહેલ માત્ર કેફે શરૂ કરવા પૂરતી જ સીમિત નથી. તેઓ દિવ્યાંગો તરફ લોકોની વિચારધારા બદલવા માટે તેઓ ખુદ આ કેફેમાં બેસે છે. અને મોટાભાગની ચર્ચા અને મીટીંગો અહીં જ યોજાય તેવા આગ્રહ રાખે છે. સંદીપ કહે છે કે અમે સ્ટાફ મીટિંગ માટે ખાવાની ચીજવસ્તુઓ પણ ત્યાં જ મંગાવીએ છીએ અને જિલ્લા અધિકારીઓને અહીં ભોજન માટે આગ્રહ કરીએ છીએ.
 

 

કમાણી સીધી જ બેન્કમાં જમા થાય છે.

 
આ કેફે દ્વારા થતી કમાણીનો અડધો ભાગ બેન્કમાં જમા થાય છે. જેમાંથી દિવ્યાંગ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે. બાકીની અડધી આવક કેફેની સામગ્રી ખરીદવા અને સંચાલન પાછળ વપરાય છે. સંદીપ નંદૂરી કહે છે કે કેફે શરૂ થયાને બે મહિના થવા આવ્યા છે. પરંતુ કેફેના સંચાલનમાં કોઈ જ ફરિયાદ આવી નથી. બધુ જ ખૂબ જ સામાન્ય ઢબે ચાલી રહ્યું છે. જ્યારે આ દિવ્યાંગોને તાલીમ આપવાની શરૂઆત થઈ ત્યારે શરૂ શરૂમાં તેમનામાં આત્મવિશ્વાસની કમી જરૂર જણાતી હતી. પરંતુ આજે તેઓ ન માત્ર ખુદ પર વિશ્વાસ કરતા થયા છે સાથે સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે આ સમગ્ર કેફેનું સંચાલન પણ કરી રહ્યા છે.