માનસમર્મ । ભાર વગરનો ભગવાન । મોરારિબાપુ

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
પૃથ્વી ઉપરની આપણી સ્થિતિ ભારે વિચિત્ર છે. આપણામાંનો દરેકેદરેક ટૂંકી મુલાકાતે અહીં આવ્યો છે. તેનું પ્રયોજન કોઈ જાણતું હોતું નથી. જો કે કોઈ વાર કશુંક પ્રયોજન સમજાતું હોય તેમ દેખાય છે. પરંતુ રોજિંદા જીવનના દૃષ્ટિબિંદુથી જોઈએ તો આપણે એક વસ્તુ બરાબર જાણીએ છીએ કે માણસ અહીં બીજા માણસો માટે છે. ખાસ કરીને તો જેમના હાસ્ય અને સ્વાસ્થ્ય ઉપર આપણું પોતાનું સુખ નિર્ભર છે તેમને માટે, તેમ જ બીજા લાખો અને કરોડો અસંખ્ય અજાણ્યા જીવો માટે, જેમના નસીબ સાથે આપણે સહાનુભૂતિના બંધને જોડાયેલા છીએ. દિવસના કેટલીયે વાર મને સમજાય છે કે મારું બાહ્ય તેમ જ આંતરિક જીવન જીવંત તેમ જ મૃત એવા માનવબંધુઓના પરિશ્રમ ઉપર રચાયું છે. અને તેથી મેં જેટલું મેળવ્યું છે તેટલું બદલામાં પાછું આપવા માટે મારે કેટલો તીવ્ર પ્રયત્ન કરવો જોઈએ.
 
આ શબ્દો છે વિશ્ર્વની મહાન વિભૂતિ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના. વિશ્ર્વની આવી કેટલીય પૂજનીય વ્યક્તિઓએ લોકકલ્યાણ માટે અથાગ પ્રયત્ન અને પરિશ્રમ કર્યો છે. આજે આપણે ધર્મને ગૂંચવી નાખ્યો છે. એને સરળ બનાવવાની જરૂર છે. આજે એક ‘ધર્મ સ્વચ્છતા અભિયાન’ પણ થવું જોઈએ. ભાર વગરનો ભગવાન હોવાની જરૂર છે. ગુરુદક્ષિણામાં મારે કોઈની પાસે કશું લેવાનું નથી. પણ તમારે મને કૈંક આપવું જ હોય તો આટલું ન આપો ? તમે થોડીક અંધશ્રદ્ધા ન છોડી શકો ? તમે થોડોક વહેમ ન છોડો ? આમાંથી હવે બહાર નીકળી જાવ, બાપ ! બલિપ્રથા બંધ ન થાય ? અસ્પૃશ્યતા બંધ ન થાય ? સમયસર ચેત્યા નથી તો આ અંધશ્રદ્ધાનો અજગર આભડી જાશે. કુરિવાજના કાંટાઓ વાગે ત્યારે જ છોડવાના ? પ્લીઝ, વ્યસનને ગુડબાય કહો. નવ દિવસનું અમૃત પીવડાવું છું પછી જે તે પીવાનું બંધ કરજો. માનવસેવા એ સૌથી મોટો ચમત્કાર છે અને પ્રેમ એ સૌથી મોટો પરચો છે.
 
એકવાર એક મહારાજ પ્રવચન આપી રહ્યા હતા. એમણે કહ્યું કે જે ખૂબ દાન કરે એમને સ્વર્ગમાં મર્સિડીઝ મળે. એક શ્રોતાએ ઊભા થઈને પૂછ્યું કે ઓછું દાન કરે તો ? તો મહારાજે કહ્યું કે એમને બી.એમ.ડબલ્યુ. મળે. પછી દાનના ડબ્બા સામે જોઈ કહ્યું કે એનાથી પણ ઓછું દાન કરો તો ટોયોટા ગાડી મળે. બીજા એક શ્રોતાએ જિજ્ઞાસા વ્યક્ત કરી કે સાવ જ ઓછું દાન કરીએ તો ? મહારાજે એના હાથમાંથી પાંચસોની નોટ લેતાં કહ્યું કે સ્કૂટર મળે.
 
સભામાં દાન કરનાર વ્યક્તિઓનાં મૃત્યુ થયાં. બાદ બધા સ્વર્ગમાં મળ્યા. ખૂબ દાન કરનાર મર્સિડીઝ લઇ આવ્યો. બાકીના બીજા ક્રમ પ્રમાણે બી.એમ.ડબલ્યુ., ટોયોટા, સ્કૂટર લઈ આવ્યા. ત્યાં જ બધાની નજર આશ્ર્ચર્યચકિત થઈ ગઈ. સામેથી પ્રવચન આપનાર મહારાજ સાઇકલ લઈ જતા હતા. શોભિત દેસાઈ યાદ આવે છે.
 
ધાગા ગણતરીના કદી પણ ના પહેરીએ, માનવતા માત્ર આપણી યજ્ઞોપવીત હોય.
 
વિનોબાજી એક નાની ઝૂંપડીમાં રહેતા હતા. પણ એમના વિચારોમાં હવેલી જેવી ઊંચાઈ હતી. તેઓ કહેતા કે ચાર પ્રકારના માણસો હોય છે. અધમ, મધ્યમ, ઉત્તમ અને ઉત્તમોત્તમ. જે માત્ર બીજાના દોષ જ જુએ એ અધમ વ્યક્તિ છે. જે ગુણ અને દોષ બંને જુએ એ મધ્યમ વ્યક્તિ છે. જે માત્ર ગુણ જ જુએ એ ઉત્તમ વ્યક્તિ છે. તો પછી ઉત્તમોત્તમ કોણ ? જે ગુણ જુએ અને એનો વિસ્તાર કરે એ ઉત્તમોત્તમ વ્યક્તિ છે. એક સારો વિચાર જો તમે બીજા સુધી પહોંચાડો છો તો તમે એ ક્ષણ પૂરતા ઉત્તમોત્તમ છો. શ્રોતા પણ ચાર પ્રકારના હોય છે. એક માત્ર ભૂલ કાઢવા જ આવ્યા હોય. બીજા દહીં-દૂધમાં પગ રાખે. ત્રીજા વ્યાસપીઠને સમર્પિત હોય અને ચોથા તુલસીના શુભ વિચારોને જીવનમાં ઉતારી, શુદ્ધ અને બુદ્ધ બનવાનો પ્રયત્ન કરે, સાથે સાથે માનસની મહેક પણ ફેલાવે. માણસને માણસ બનાવે. રાજેશ રેડ્ડી કહે છે કે...ગીતા હૂં, કુરઆન હૂં મૈ, મુઝકો પઢ, ઇન્સાન હૂં મૈં. જેમ નારંગી અને મોસંબી મિક્ષ્ચરમાં નાખી રસ કાઢીએ પછી કોઈ કહી શકતું નથી કે કયો રસ નારંગીનો અને કયો રસ મોસંબીનો. આપણે પણ એકરસ થઈ, જ્યાંથી શુભ મળે એને ગ્રહણ કરવું ઘટે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી