પાકિસ્તાન જેમાંથી જન્મ્યું તે માનસિકતાનો ઇલાજ જરૂરી

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૧૯

 
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી તેને કેટલાક લોકો મુસ્લિમોનો મુદ્દો ગણી રહ્યા છે. આ જ રીતે આસામમાં એન.આર.સી.ની પ્રક્રિયા કરાઈ રહી છે તેને પણ મુસ્લિમોનો મુદ્દો ગણાવાઈ રહ્યો છે. પાકિસ્તાનને તો આપણે ત્રણેય યુદ્ધમાં પરાજિત કર્યું છે અને આજે તો વધુ મજબૂત રીતે કરી શકીએ છીએ, પરંતુ પ્રશ્ર્ન ભારતની અંદરના કેટલાક લોકોનો છે જે મુસ્લિમોને સતત અલગાવવાદ તરફ લઈ જઈ રહ્યા છે...
 
પાકિસ્તાન કંગાળ થઈ ગયું. તેના વડા પ્રધાન ઈમરાન ખાનને ભેંસો વેચવી પડી રહી છે. તે દુનિયાના દેશો સમક્ષ ભીખ માગી રહ્યા છે. તેમના સચિવાલયનું લાઇટનું બિલ ન ભરાતાં વીજળી ગુલ થઈ ગઈ છે. પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લે છે ત્યારે (સાચે જ) તેમને વાયરમાંથી કરંટ લાગે છે! અમેરિકા, રશિયા, ફ્રાન્સ સહિત તમામ દેશોએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપ કરવા ના પાડી દીધી.
 
પાકિસ્તાન (એટલે પૂર્વ પંજાબ વાંચો, કારણ કે પાકિસ્તાન પર પૂર્વ પંજાબના લોકોનો જ દબદબો રહ્યો છે, બીજાં રાજ્યોનું કંઈ ચાલતું નથી)ના વહીવટથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. એક વૃદ્ધ મહિલા તો શૌચક્રિયા પછી સફાઈ માટે પાણી પણ નથી તેવો પોકાર કરી રહી છે. તાલિબાને પણ પાકિસ્તાનને કહી દીધું છે કે કાશ્મીર એ અફઘાનિસ્તાન નથી. ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ નામની સંસ્થાએ પાકિસ્તાને ત્રાસવાદીઓ સામે કડક પગલાં ન લેતાં તેને બ્લેક લિસ્ટમાં મૂકી દીધું છે. મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રોએ વૈશ્ર્વિક ત્રાસવાદી જાહેર કર્યો છે. ભારતે નવા કાયદા યુએપીએ હેઠળ મસૂદ અઝહર, હાફીઝ સઈદ, દાઉદ ઈબ્રાહિમ વગેરેને ત્રાસવાદી જાહેર કર્યા તેની અમેરિકાએ પ્રશંસા કરી છે. એ તો ઠીક, પણ પાકિસ્તાનના કાયમી સાથીદાર સાઉદી અરેબિયા અને યુએઇએ પણ કાશ્મીર મુદ્દો બંને દેશો વચ્ચેનો હોવાનું સોઈઝાટકીને કહી દીધું છે. યુએઈના વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ બિન સુલતાન અલ નાહયાને કહ્યું છે કે કાશ્મીરને મુસ્લિમોનો મુદ્દો ન બનાવો.
 

 

પરંતુ ભારતની કેટલીક પ્રજા કાશ્મીરને મુસ્લિમોનો મુદ્દો જ માને છે !

 
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી કલમ ૩૭૦ દૂર થઈ તે પછીથી ભારતના અંગ્રેજી સમાચારપત્રો અને તેમના મુસ્લિમ સંવાદદાતાઓ રોજેરોજ ત્યાં લોકો નાનીનાની હાલાકીનું દર્દજનક વર્ણન કરી કરીને બતાવી-લખી રહ્યા છે. આવું તો કાશ્મીરમાંથી હિન્દુઓને યોજનાપૂર્વક-ષડયંત્રપૂર્વક કાઢી મૂક્યા, તેમની હત્યા કરાઈ, તેમની પત્ની-દીકરી-બહેનો પર બળાત્કાર કરાયા, તેમની સંપત્તિ પચાવી પડાઈ ત્યારે પણ સમાચારપત્રો લખતાં નહોતાં - આજે પણ ઘણી જગ્યાએ હિન્દુઓને ત્રાસ પડી જ રહ્યો છે. પરંતુ તે મુદ્દે આ સેક્યુલર-લિબરલ મીડિયા મૌન સેવી લે છે.
 
તાજેતરમાં હું પીડીપીયૂમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ગયેલો. ત્યાં પત્રકારત્વના વિદ્યાર્થીઓમાંથી બેએક વિદ્યાર્થિનીઓએ કાશ્મીર મુદ્દે મારી સાથે જે ચર્ચા કરી તેનાથી મને આઘાત લાગ્યો કે કઈ રીતે સેક્યુલર મીડિયા યુવાનોનું બ્રેઇનવોશ કરી રહ્યું છે. તેમની દલીલ હતી (તેમાં એકાદ સમર્થક હતી તો પણ તેની દલીલ હતી) કે કલમ ૩૭૦ હટાવવાનું કાર્ય લોકતાંત્રિક ઢબે નથી થયું. ત્યાં માનવાધિકારોનો ભંગ થઈ રહ્યો છે. પૂર્વ મુખ્યપ્રધાનોને જેલમાં પૂરી દીધા છે. તેમાંથી એક યુવતીએ તો એવું કહ્યું કે આ મેજોરિટેરિયનિઝમ (બહુલવાદ) છે. અર્થાત્ હિન્દુઓ મુસ્લિમોને દબાવી રહ્યા છે. (બાકીના વિદ્યાર્થીઓનો આ મુદ્દે ખાસ અભિપ્રાય જ નહોતો !)
 
આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધી તો કાશ્મીરમાં લોકો મરી રહ્યા છે ત્યાં સુધીનું બોલી ગયા અને તે પણ તેમની મહત્ત્વની કોંગ્રેસ કાર્યકારિણી કે જેમાં અધ્યક્ષની (પહેલેથી નિર્ધારિત) વરણી થવાની હતી તેની બેઠક છોડીને બોલવા આવ્યા. પાકિસ્તાને તેનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્રોને પત્ર લખવામાં કર્યો.
 

 
 

પાકિસ્તાનને પરાસ્ત કરવું સહેલું છે પણ પાકિસ્તાનીપ્રેમીઓનું શું કરવું ?

 
અને એટલે જ પ્રશ્ર્ન થાય છે કે પાકિસ્તાનની જે સ્થિતિ છે તે જોતાં તે રાજદ્વારી રીતે એકલુંઅટૂલું પડી ગયું છે. પરમાણુ શસ્ત્રોની વાત જવા દઈએ તો પાકિસ્તાન ભારતની એક પણ રીતે બરાબરી કરી શકે તેમ નથી, ન આર્થિક મોરચે, ન વૈજ્ઞાનિક મોરચે, ન ટેક્નોલોજીમાં. ભારતનું ઉત્તર પ્રદેશ પણ પાકિસ્તાન કરતાં વધુ લોકોને સમાવે છે. પાકિસ્તાનમાં ૨૦ કરોડ મુસ્લિમો છે તો ભારતમાં ૧૮ કરોડ છે.
 

આ જ ચિંતાનો વિષય છે

 
ના. વસતિ ચિંતાનો વિષય નથી. માનસિકતા ચિંતાનો વિષય છે. બધા મુસ્લિમો ખરાબ નથી. બધા મુસ્લિમો પાકિસ્તાનપ્રેમી પણ નથી. એ. પી. જે. અબ્દુલ કલામ, અબ્દુલ હમીદ, મોહમ્મદ રફી, આરીફ મોહમ્મદ ખાન, ભારતનો સંયુક્ત રાષ્ટ્રોમાં મજબૂતીથી પક્ષ રાખનાર રાજદ્વારી સૈયદ અકબરુદ્દીન યાદી મોટી બને તેમ છે. તો પછી ચિંતા ક્યાં આવી? ચિંતા એ વાતે છે કે મસ્જિદોમાં-મદરેસાઓમાં પંથના નામે કટ્ટરતા ફેલાવાય છે. ચિંતા એ વાતે છે કે પોતાના પહેરવેશથી લઈને ભાષા સુધી અલગ રહેવાનું, રસ્તા પર નમાઝ પઢવાનું, અનેકાનેક પુરાવા છતાં રામમંદિર માટે સંમત નહીં થવાનું, વિદેશી આક્રાંતા બાબર, હુમાયુ વગેરેને મહાન ગણાવવાનું અને ફરીથી મોગલ સલ્તનત સ્થપાશે તેવું સ્વપ્ જોવાનું કેટલાક મુસ્લિમો માટે ચાલુ જ છે.
 
વિચાર તો કરો! ઝાકીર નાઈકને ભારતમાંથી ૨૦૧૪વાળી મોદી સરકારમાં ભાગી જવું પડ્યું અને તેણે મુસ્લિમ દેશ મલેશિયામાં શરણ લીધું, પરંતુ ત્યાં પણ તે સખણો ન રહ્યો. ત્યાં પણ તેણે હિન્દુઓ વિશે જે ટીકા કરી તેનાથી ત્યાંની સરકારે પણ તેની સામે તપાસ આદરી છે. આ એ જ ઝાકીર નાઈક છે જેને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તેના વિશાળ મેદનીવાળા કાર્યક્રમમાં જઈજઈને શાંતિદૂત કહેતા હતા. એ જેટલો સમય ભારતમાં રહ્યો તેમાં તેણે કેટલું ઝેર ફેલાવ્યું હશે!
 

 
 

તમામ રાષ્ટ્રોના મુસ્લિમો એક !

 
એક ટીવી ચર્ચામાં એક મુસ્લિમ વક્તાએ એનઆરસીનો મુદ્દો ધ્રુવીકરણનો ગણાવ્યો. તેમણે કહ્યું કે ગૃહપ્રધાન અમિત શાહ પાકિસ્તાનના અને બાંગ્લાદેશના હિન્દુઓ, જૈન, શીખો વગેરેને ભારતમાં શરણું આપવાની તો વાત કરે છે, પરંતુ બાંગ્લાદેશી ગરીબ, બેરોજગાર મુસ્લિમોને કાઢવાની વાત કરે છે. આવા વિચારવાળા આ એક વક્તા નહીં હોય. વાત એ છે કે પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી આવતા હિન્દુ, જૈન, શીખો, ખ્રિસ્તી શરણાર્થીઓ ત્યાં જે અપહરણ કે બળાત્કારપૂર્વક પંથાંતરણ કરાય છે તેનાથી ત્રાસીને અહીં આવે છે. ભારતમાં ઉદ્ભવેલા પંથોનું પિયર ભારત જ છે એટલે તેમને ક્યાંય તકલીફ પડે તો તે ક્યાં જાય? એ શરણાર્થી છે અને આ બાંગ્લાદેશી ગેરકાયદે ઘૂસણખોર છે. અને એન.આર.સી.નો મુદ્દો હિન્દુ-મુસ્લિમનો મુદ્દો છે? બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે મુસ્લિમો આવી જાય તો શું તેમનો બોજો ભારતના દરેક નાગરિક પર નહીં પડે?
અને આ દરેક નાગરિકમાં ભારતનો પ્રમાણિક અને મહેનતુ મુસ્લિમ નથી આવતો ? પરંતુ બાંગ્લાદેશના મુસ્લિમ માટે ફિકર કરતા ભારતના આવા લોકોને ભારતની અર્થવ્યવસ્થા આવા ગેરકાયદે લોકોથી ખોરવાય છે તેની ફિકર નથી. કોઈ પણ દેશ મોટા ભાગે સ્કિલ્ડ લોકોને જ પોતાને ત્યાં કામ માટે વિઝા આપે છે અને ગેરકાયદે ઘૂસી આવતા કોઈ પણને કોઈ પણ દેશ સાંખી ન લે.
 
ભારતવિરોધી અને હજુ પણ બ્રિટિશ શાસન સમયની માનસિકતામાં માનતી બીબીસી હિન્દી પર પાકિસ્તાનના લેખક વુસતુલ્લાહ ખાને લખ્યું કે વિદેશોમાંથી ભારતીયોને કાઢી મૂકવામાં આવશે ત્યારે અમિત શાહ શું કરશે? અરે ભાઈ! કોઈ પણ દેશને પોતાને ત્યાંથી ગેરકાયદે ઘૂસી આવેલાને કાઢવાનો હક છે જ. આવું કહીને તમે બાંગ્લાદેશી ઘૂસણખોરો પ્રત્યે સહાનુભૂતિ જગાવવા માગો છો? તો તમે આવી સહાનુભૂતિ પહેલાં કેમ ન રાખી? ભારતે તો પૂર્વ બંગાળ તમને આપી દીધું હતું, તમે કેમ ત્યાંના લોકો પર એટલો અત્યાચાર કર્યો કે તેઓ તમારાથી બાંગ્લાદેશ નામનો અલગ દેશ બનાવીને જુદા થઈ ગયા?
 

પાકિસ્તાન જે માનસિકતામાંથી જન્મ્યું તેનો ઉપાય જરૂરી

 
એટલે, પાકિસ્તાનને પરાસ્ત કરવું ભારત માટે ચપટીનો ખેલ કહી શકાય, પરંતુ ભારતની અંદર જે ભારતવિરોધીઓ છે, જે માનસિકતામાંથી પાકિસ્તાન જન્મ્યું તેનો ઇલાજ જરૂરી છે. વાચકોને યાદ જ હશે કે ૨૦૦૧માં સંસદ પર હુમલા પછી અટલજીની સરકારે આરપારની લડાઈની જાહેરાત કરી દીધી હતી. તે વખતે સેનાને સરહદ પર મોકલતા ત્યારે રસ્તામાં સુરંગ વિસ્ફોટ થતા. શસ્ત્રાગારમાં આગ લગાડી દેવામાં આવતી. એટલે જ તે સમયે યુદ્ધ કરાયું નહીં, પરંતુ પાકિસ્તાનને આકરો આર્થિક ફટકો તેનાથી ચોક્કસ પડ્યો, કારણ કે યુદ્ધની સ્થિતિનો ખર્ચ ભારત તો ભોગવી શકે, પરંતુ પાકિસ્તાન ન ઉઠાવી શકે. (અટલજીની સરકારની વિદાય સમયે ત્યારે જીડીપીનો દર આઠ ટકા હતો.)
 
૨૦૧૪માં મોદી સરકાર આવ્યા પછી કેટલાક સમાચાર પર ધ્યાન નહીં ગયું હોય પરંતુ બીએસએફ, સેના સહિતનાં સુરક્ષાદળોમાંથી મોટા પાયે જાસૂસો પકડાયા છે. હિન્દી ફિલ્મોમાં પણ વર્ષોથી એવી ફિલ્મો બને છે જેમાં મુસ્લિમને સારા અને હિન્દુવાદીને વિલન બતાવાય છે. તાજેતરમાં લુકાછુપીમાં લગ્ન કરાવનાર પંડિત, વરના મિત્રની મુસલમાન હોવાની જાણ થતાં, તૂ મુસલમાન હૈ? એમ પૂછીને તાકી રહે છે. તેના જવાબમાં કહે છે, ઘૂર ક્યોં રહે હો ? કિસી ઔર ગ્રહ સે આયા નહીં હૂં, સિર્ફ મુસલમાન હૂં. આનો અર્થ એ થયો કે આ દેશમાં કોઈ માત્ર મુસલમાન હોય તેમ જાણવા મળે તો સામાન્ય હિન્દુ તેની સામે નફરતથી જુએ છે. તો વધૂના પિતા જે સંસ્કૃતિરક્ષક મંચ કે એવો કોઈ પક્ષ ચલાવે છે તે તેને પૂછે છે કે તૂ મુસલમાન હૈ, ફિર અપની બહેન કી શાદી યહાં કૈસે કરા રહા હૈ ? આવો સવાલ તો કોઈ પણ હિન્દુવાદી નેતા પૂછતો જોવા મળ્યો નથી.
લૈલા, સેક્રેડ ગેમ્સ જેવી વેબસીરિઝ, મિશન મંગલ (જેમાં મહિલા વૈજ્ઞાનિકને મુસ્લિમ હોવાથી ભાડે મકાન મળતું નથી, પરંતુ તેવું તો કુંવારી હિન્દુ યુવતી સાથે પણ થતું હશે, કારણ કે અનેક લોકો માત્ર પરિવારને જ મકાન આપવા માગતા હોય છે) વગેરેમાં આવું બતાવી બતાવીને મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. આની સામે શિવસેનાના રમેશ સોલંકી નામના કાર્યકરે વાજબી રીતે જ ફરિયાદ કરી છે.
 

પણ આ માનસિકતા દૂર કરવાનો ઉપાય શું ?

 
મોટા ભાગના વિદેશોની જેમ ભારતમાં મુસ્લિમોને ડિરેડિકલાઇઝ એટલે કે કટ્ટરતાથી મુક્ત કરવા પ્રયાસ કરવા જોઈએ. મત બેન્કની પરવા કર્યા વગર તેમને તેમની ઉપાસના પદ્ધતિથી પૂજા કરવાની પૂરેપૂરી છૂટ હોવી જોઈએ પરંતુ કટ્ટરતાને સહેજ પણ પાંગરવા ન દેવાય. તે માટે મસ્જિદો-મદરેસાઓની કડક તપાસ, તેમને મળતા ભંડોળની તપાસ, તેમના શિક્ષણના અભ્યાસક્રમનું નવેસરથી ઘડતર આ બધું કરવું રહ્યું. સાથે અરુંધતી રોય, શેહલા રશીદ, બીબીસીના પત્રકારો વગેરે જે કોઈ ભારતવિરોધી તત્ત્વો ભારતમાં રહીને ભારતવિરોધી પ્રવૃત્તિ કરી આ માનસિકતાને ખાતર પૂરું પાડતાં હોય તેમને કાં તો ભારત બહાર તગેડવાં જોઈએ અથવા જેલમાં પૂરવાં જોઈએ. આ સાથે જ તમામ મુસ્લિમોને એક લાકડીએ હાંકવા ન જોઈએ. હિન્દી ફિલ્મોના સેન્સર બોર્ડે કડક થવાની જરૂર છે. માત્ર ફિલ્મો જ નહીં, ટીવી સિરિયલો, વેબ સીરીઝ, અને હમણાં જેમ રેડ લેબલની જાહેરાત આવી તે પ્રકારની જાહેરાતો પર પણ સેન્સર બોર્ડે પગલાં લેવાની જરૂર છે.
 
આ સાથે માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ સામાન્ય લોકોમાં પણ નાનપણથી જ દેશભક્તિના-રાષ્ટ્રવાદના સંસ્કાર પાંગરે, ભારત તેને પોતાની માતૃભૂમિ લાગે, તે માટે શાળાના અભ્યાસક્રમમાં જરૂરી પરિવર્તન લાવી, જરૂર પડે એક ફરજિયાત વિષય દેશ વિશેનો રાખી તે અંગેનું શિક્ષણ આપવું જોઈએ. એન.સી.સી.ને ફરજિયાત બનાવવી જોઈએ. તેનાથી શિસ્ત અને દેશભક્તિ બંને આવશે.
 
- જયવંત પંડ્યા