પાથેય । ‘પિતાજી, ભગવાન તમને જોઈ રહ્યો છે. કારણ કે તમે જ મને કહ્યું હતું કે...

    ૧૭-સપ્ટેમ્બર-૨૦૧૯   

   

ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન 

 
એક વ્યક્તિ ગામમાં પોતાની પત્ની અને બાળક સાથે રહેતો હતો. તે હંમેશા પોતાના દીકરાને કહેતો કે જીવનમાં સત્યનું ખૂબ જ મહત્ત્વ છે. તેનાથી જરૂરી અન્ય કોઈ જ વસ્તુ નથી. ખેડૂત પરિવાર સત્યના માર્ગે ચાલી ખુશી-ખુશી જીવન વિતાવી રહ્યો હતો. એક વર્ષે ગામમાં અતિ ભારે વરસાદ પડ્યો, પરિણામે પેલા ખેડૂતના પાકને ભારે નુકસાન થયું.
 
ખેડૂત પોતાના દીકરા સાથે પોતાના ખેતરે પહોંચ્યો. તેણે જોયું કે તેનો પાક લગભગ નાશ થઈ ગયો હતો. જ્યારે બાજુના ખેતરના પાકને કાંઈ ઝાઝું નુકસાન નહોતું થયું. પેલા ખેડૂતના મનમાં લાલચ જાગી, તેણે તેના દીકરાને કહ્યું, ‘બેટા, હું આ ખેતરમાંથી થોડું અનાજ અને જરૂરી સામાન લેતો આવું છું. તું અહીં જ ઊભો રહેજે અને કોઈ દેખાય તો તરત જ મને બૂમ પાડજે. પેલા બાળકે માથું હલાવ્યું અને ખેતરના બહારના રસ્તે ઊભો રહી ગયો. હજી તો ખેડૂત ખેતરમાંથી અનાજ ચોરવા જ જાય છે, ત્યાં તો તેના દીકરાએ બૂમ પાડી, પિતાજી જલદી ભાગો. કોઈ આપણને જોઈ રહ્યું છે. આ સાંભળી ખેડૂત બધો સામાન ત્યાં જ છોડી ભાગ્યો અને તેના દીકરા પાસે આવી ગયો, પરંતુ તેણે જોયું કે ત્યાં તો કોઈ જ નથી. ખેડૂત ખિજાયો, ‘આવા સમયે પણ મજાક ? કહે જો કોણ મને જોઈ રહ્યું છે ?’ ખેડૂતના દીકરાએ કહ્યું, ‘પિતાજી, ભગવાન તમને જોઈ રહ્યો છે. કારણ કે તમે જ મને કહ્યું હતું કે તેની નજર બધે જ હોય છે, તેની નજરથી કોઈ બાબત બચી શકતી નથી.’ આટલા નાના બાળકની આટલી મોટી વાત સાંભળી ખેડૂત અવાક થઈ ગયો. તેણે પોતાના દીકરાને ગળે લગાવીને કહ્યું, ‘બેટા, ‘આજે તેં મને એક પાપ કરવાથી બચાવી લીધો.’
 
ક્યારેક ક્યારેક અબૂધ બાળકો આપણને એવી વાત શીખવી જાય છે, જે મોટા મોટા સંતો પણ શીખવી શકતા નથી. કદાચ આજ કારણે દાયકાઓ પહેલાં પ્રસિદ્ધ લેખક વિલિયમ વર્ડ્ઝવર્થે લખ્યું હતું કે, ‘ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મૅન’.