અફઘાનિસ્તાનમાં છેલ્લાં ૧૯ વર્ષથી લડી રહેલું અમેરિકા હવે કેમ હાંફી ગયું? અમેરિકાએ ઘણું ગુમાવ્યું છે

    ૨૧-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 

અમેરિકા-તાલિબાન સમાધાન ભારતના હિતમાં નથી

 
અફઘાનિસ્તાનમાં છેલ્લાં ૧૯ વર્ષથી લડી રહેલું અમેરિકા હાંફી ગયું છે ને હવે પોતાના સૈનિકોને પાછા બોલાવી લેવા માંગે છે. આ માટે કતારની મધ્યસ્થીમાં કટ્ટરવાદી મુસ્લિમો એવા તાલિબાન સાથે લાંબા સમયથી મંત્રણા ચાલે છે. આ મંત્રણા જે રીતે આગળ વધતી હતી એ જોતાં બહુ જલદી અમેરિકા અને તાલિબાન વચ્ચે સમાધાન થઈ જશે એવું લાગતું હતું પણ ગયા અઠવાડિયે થયેલા એક આતંકવાદી હુમલાના કારણે બધા પ્રયત્નો પર પાણી ફરી વળ્યું.
 
અમેરિકા અને તાલિબાન એ વાત પર સહમત હતાં કે તાલિબાન સાથે સમજૂતી થયા બાદ પણ અમેરિકાના ૮૬૦૦ સૈનિકો અફઘાનિસ્તાનમાં રહેશે અને તાલિબાન અલ કાયદા સાથે સંબંધો ખતમ કરી નાંખશે. બંને પક્ષ યુદ્ધવિરામ જાહેર કરે અને પછી તાલિબાન અફઘાનિસ્તાનની સરકાર સાથે મંત્રણા કરીને સરકારની રચના સહિતની શરતો નક્કી કરે એવું ગોઠવાયું હતું. કાબુલમાં થયેલા આતંકવાદી હુમલામાં એક અમેરિકન સૈનિક મરાયો એ સાથે જ આ ગોઠવણ પડી ભાંગી ને મંત્રણા પણ રદ થઈ ગઈ.
 

અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પાછું કેમ ખેંચી લેવા માંગે છે ?

 
અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના લશ્કરને પાછું ખેંચવા બેબાકળું બન્યું છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર ૨૦૦૧થી માર્ચ ૨૦૧૯ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકાને ૭૬૦ અબજ ડોલર જેટલો લશ્કરી ખર્ચ થયો છે. છેલ્લાં ૧૯ વર્ષમાં અમેરિકા અફઘાનિસ્તાનમાં ૨૩૦૦ સૈનિકો ગુમાવી ચૂક્યું છે અને આશરે ૨૦,૫૦૦ સૈનિકો વિકલાંગ બનીને અફઘાનિસ્તાનથી વતન પરત ફર્યા છે. આ મુદ્દો અમેરિકામાં ટ્રમ્પ માટે માથાનો દુખાવો બન્યો છે તેથી ટ્રમ્પ ખસી જવા તૈયાર જ છે. એ માટે તે તાલિબાનની દરેક શરત સ્વીકારવા તૈયાર હતા.
 

 
 
ટ્રમ્પે આ માથાના દુખાવાથી છુટકારો મેળવવા ગયા સપ્ટેમ્બર મહિનામાં ઝાલમાય ખલિલઝાદની અફઘાનિસ્તાનમાં અમેરિકાના દૂત તરીકે નિમણૂક કરી હતી. નિમણૂકના તુરંત બાદ તેમણે અફઘાન તાલિબાન સાથે વાતચીત શરૂ કરી દીધી હતી. અમેરિકા પહેલાં તાલિબાન અફઘાનિસ્તાનની સરકાર સાથે મંત્રણા કરે તેવો આગ્રહ રાખતું હતું પણ તાલિબાન અફઘાનિસ્તાન સરકારને અમેરિકાના હાથની કઠપૂતળી ગણાવે છે તેથી તેઓ સરકાર સાથે કોઈ મંત્રણા કરવા તૈયાર નહોતા. અમેરિકાએ તેમની વાત માનીને સીધી મંત્રણા કરવા માંડી પછી તાલિબાને અમેરિકા સાથેની મંત્રણામાં અફઘાનિસ્તાન સરકારને પણ સામેલ કરવાની જીદ પકડી.
 
અમેરિકા અફઘાનિસ્તાન સરકારને ગણતરીમાં લેતું જ નથી. તેનું કામ પોતાના ઇશારે વર્તવાનું છે એવું જ માને છે. પોતે સીધી મંત્રણા કરે પછી અફઘાન સરકારને સામેલ કરવામાં તેને ગૌરવ હણાતું લાગતું હતું પણ અફઘાનિસ્તાનમાંથી ખસી જવા અમેરિકા એ હદે બેબાકળું બન્યું છે કે, તેમણે આ વાત પણ સ્વીકારી લીધી. ટ્રમ્પના આગ્રહથી બધું તૈયાર હતું ને કરારને અંતિમ રૂપ આપવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેરીલેન્ડના કેમ્પ ડેવિડ ખાતે તાલિબાન કમાન્ડર મવલાવી હિબતુલ્લાહ અખુંદઝાદા તથા બીજા નેતાઓને મળવાના હતા. આ બેઠકમાં અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘની પણ હાજર રહેવાના હતા. જે રીતે વાત આગળ વધતી હતી એ જોતાં બધું ગોઠવાઈ ગયેલું લાગતું હતું પણ અચાનક જ તેમાં ડખો પડી ગયો. ગયા અઠવાડિયે કાબુલમાં તાલિબાને હુમલો કર્યો. આ હુમલામાં અમેરિકાના એક સૈનિક સહિત ૧૨ જણા માર્યા ગયા ને ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે ચાલી રહેલી મંત્રણા તો સ્થગિત કરી જ દીધી છે પણ મેરીલેન્ડના કેમ્પ ડેવિડ ખાતે તાલિબાન સાથે યોજાનારી બેઠક પણ રદ કરી દીધી.
 

 
 

અમેરિકા-તાલિબાનના પરસ્પર આક્ષેપો

 
ટ્રમ્પના આ નિર્ણયથી બગડેલા તાલિબાને આકરા શબ્દોમાં તેમને ઝાટકી કાઢ્યા. તાલિબાને એવું કહ્યું કે, ટ્રમ્પે આ નિર્ણયથી પોતાની વિશ્ર્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે અને અમેરિકાનો આ નિર્ણય અવિશ્ર્વસનીય છે. તાલિબાનના રાજકીય બાબતોના પ્રવક્તા સુહૈલ શાહીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેટલાક દિવસ પહેલાં અમેરિકા સાથે કરાર કરવાનો નિર્ણય લેવાયો હતો અને આ કરારની નકલો બંને પક્ષોના નેતાઓને મોકલી દેવાઈ હતી. આ કરારની શરતો પર બધા સહમત હતા અને તેના પર સહી કરવાનું પણ નક્કી થયું. એ વાત પર પણ સહમતિ સધાઈ હતી કે, કતાર તાલિબાન-અમેરિકા વચ્ચેના સમાધાનની જાહેરાત કરશે પણ ટ્રમ્પે ટ્વિટ કરીને મંત્રણા રદ કરવાની જાહેરાત કરીને અમેરિકાની વિશ્ર્વસનીયતાને નુકસાન પહોંચાડ્યું છે અને હવે તેમના પર ભરોસો કરવો મુશ્કેલ છે.
 
સામે અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ તાલિબાન પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે દાવો કર્યો કે, અમેરિકા સમાધાન માટે તૈયાર છે પણ જ્યાં સુધી તાલિબાન પોતાની પ્રતિબદ્ધતા ના બતાવે અને આતંકવાદ બંધ ના કરે ત્યાં સુધી વાત આગળ નહીં વધે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પાંચ હજાર સૈનિકો હટાવવા માટે સૈદ્ધાંતિક રૂપે તૈયાર હતું અને એ માટે તાલિબાન પાસે તેમણે કેટલીક વાતોની ગેરંટી માંગી હતી. પોમ્પિયોએ આ મુદ્દે કશું કહ્યું નથી પણ આતંકવાદી હુમલા પછી તાલિબાનની વાતો પર કેટલો વિશ્ર્વાસ કરવો એ સવાલ છે એવું તેમણે ચોક્કસ કહ્યું.
 
અમેરિકા અને તાલિબાન અત્યારે એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. આ આક્ષેપબાજી ક્યાં સુધી ચાલશે તે ખબર નથી પણ અત્યારે તો અફઘાનિસ્તાનમાં તાલિબાનને ફરી સત્તા મળે એ વાત ઘોંચમાં પડી ગઈ છે. છેલ્લા એક વર્ષથી તાલિબાન જે રીતે વર્તતું રહ્યું છે એ જોતાં હવે ફરી ટ્રમ્પ આકરી શરતો પછી જ મંત્રણા માટે તૈયાર થશે એ નક્કી છે. એક બાજુ અમેરિકા સાથે મંત્રણા કરી રહેલું તાલિબાન બીજી બાજુ અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટો કર્યા કરે છે. આતંકવાદી હુમલા પણ કરે છે. અમેરિકા તેને સત્તા સોંપવા તૈયાર છે છતાં તાલિબાન લશ્કરી પગલાં ભરીને સત્તા કબજે કરવા પણ મથ્યા કરે છે.
 
તાલિબાનના આવા બેવડા વલણના કારણે ટ્રમ્પનું મગજ ફટક્યું છે અને તેમણે મંત્રણા જ બંધ કરી દેવાનો નિર્ણય લીધો.
શાંતિ પ્રક્રિયા બન્ને પક્ષોની મજબૂરી
 
ટ્રમ્પ છટકેલી ખોપડી છે તેથી તેમણે મંત્રણા રદ કરી દીધી પણ શાંતિ કરાર અમેરિકા અને તાલિબાન બંનેની મજબૂરી છે એ જોતાં આ અબોલા બહુ લાંબા નહીં ચાલે. ટ્રમ્પે ફરી અમેરિકાના પ્રમુખ બનવું હોય તો પોતાના લશ્કરને પાછું લાવવું પડે ને તાલિબાને સત્તા મેળવવી હોય તો અમેરિકા સાથે સમાધાન કરવું પડે. આ સંજોગોમાં સમાધાન થશે એ નક્કી છે પણ આ સમાધાન ના થાય એ ભારતના ફાયદામાં છે. તેનું કારણ અત્યારે અફઘાનિસ્તાનમાં ભારતનાં હિત અને તાલિબાનની કટ્ટરવાદી માનસિકતા છે. ભારત અફઘાનિસ્તાનમાં સંખ્યાબંધ પ્રોજેક્ટમાં સામેલ છે અને ભારતે જંગી રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનની સંસદને પણ ભારતના સહયોગથી બનાવાઈ છે ને બીજા ઘણા પ્રોજેક્ટ ભારતે હાથ ધર્યા છે. તાલિબાન ફરી સત્તામાં આવે તો એ બધું ખોરવાઈ જાય. તાલિબાનનો ઝુકાવ પાકિસ્તાન તરફ વધારે છે તેથી પાકિસ્તાનના ઇશારે ભારત-અફઘાનિસ્તાનના વ્યાપારને રોકી દે એવું બને. બીજું એ કે, પાકિસ્તાન અફઘાન આતંકીઓનો ઉપયોગ કાશ્મીરમાં કરી શકે છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાનું લશ્કર હટાવીને તાલિબાનને મજબૂત કરે તો અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો પ્રભાવ વધે. પાકિસ્તાન તાલિબાનનો ઉપયોગ ભારત સામે કરે ને તેના કારણે આપણને નુકસાન થાય.
આ સંજોગોમાં બંને વચ્ચે સમાધાન ના થાય એ જરૂરી છે.