…તો આ કારણે અભિનંદનનું વિમાન POK માં પહોંચી ગયું હતુ!

    ૨૬-સપ્ટેમ્બર-૨૦૧૯

 

પુલવામાંના આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને એયરસ્ટ્રાઈક કરી હતી. આ એયરસ્ટ્રાઈકના જવાબમાં પાકિસ્તાને પણ તેના યુદ્ધ વિમાનો ભારતીય સરહદ પર મોકલ્યા હતા. પાકિસ્તાનના આ વિમાનોને ભારતીય સીમાથી દૂર રાખવા ભારતીય વાયુસેનાના જવાનોએ પણ જોરદાર કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન ભારતનું એક વિમાન પીઓકેમાં ક્રેશ થઈને પડ્યુ હતુ. આ વિમાનમાં વિંગ  કમાન્ડર અભિનંદન વર્ધમાન હતા. જે પાકિસ્તાનના કબજામાં આવી ગયા હતા. પણ તેમને સકૂશળ છોડાવી લેવામાં આવ્યા. આજે ફરી તેઓ વાયુસેનામાં જોડાઈ ગયા છે.
 
આ બધી વાત આજે કરવાનું કારણ એ છે કે આ ઘટના સંદર્ભે થોડી વાતો બહાર આવી હતી. બધાના મનમાં પ્રશ્ન હતો કે વિંગ કમાન્ડર સાથે આ ઘટના ઘટી કઈ રીતે? આ સંદર્ભે વાત એવી બહાર આવી છે કે પાકિસ્તાની વિમાનોને ભારતીય સરહદથી દૂર રાખવા વાયુસેના દ્વારા જે કાર્યવાહી થઈ રહી હતી તે દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદનને કંટ્રોલ રૂમમાંથી રેડિયો સંદેશ મોકલવામાં આવી રહ્યો હતો પણ આ સંદેશ તેમના સુધી પહોંચી રહ્યો ન હતો. કંટ્રોલરૂમમાંથી અભિનંદનજીને ગો કોલ્ડ…ગો કોલ્ડ…એટલે કે પાછા આવો…પાછા આવો..એવો સંદેશ મોકલવામાં આવ્યો હતો પણ તેમને આ સંદેશો મળ્યો ન હતો. અભિનંદનના મિગ-૨૧ વિમાનની રેડિયો સિસ્ટમ જામ હોવાને કારણે આવું થઈ રહ્યું હતું. બાલાકોટ એયરસ્ટ્રાઈક પછી વાયુસેનાના ઉપ-પ્રમુખે કેન્દ્ર સરકારને આ સંદર્ભે એક રીપોર્ટ મોકલ્યો છે જેમાં આ ઓપરેશનની વિગતે વાત કરવામાં આવી છે.
 
મહત્વની વાત એ છે કે આ રીપોર્ટ આવ્યા પછી કેન્દ્ર સરકારે તેના પર ધ્યાન આપ્યુ છે અને આવુ બીજીવાર ન બને તે માટે કાર્યવાહી કરી છે. આ માટે સુરક્ષા વિભાગ દ્વારા એક યોજનાને મંજૂર કરવામાં આવી છે. જે અંતર્ગત DRDO (Defence Research and Development Organization) એક એવું સોફ્ટવેર બનાવી રહ્યું છે જેનાથી યુદ્ધ વિમાનમાં બેઠેલા પાયલોટ અને કંટ્રોલરૂમ વચ્ચેના રેડિયો સિગ્નલને જામ નહી કરી શકાય.