તરણેતરનો મેળો । ઇતિહાસ અને વર્તમાન । તમે જે જાણવા માંગો છો એ બધુ જ

    ૦૩-સપ્ટેમ્બર-૨૦૧૯
 
 
ત્રિનેત્રેશ્ર્વર મંદિરનાં પૂજારી પૂ. છગનગીરી બાપુ ઇતિહાસ કહે છે તરણેતરના મેળે, ત્રિનેત્રેશ્ર્વરના મંદિરમાં ત્રણ પેઢીની સેવા
 
સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ,ચોથ,પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. આવો આ મેળા વિશે જાણીએ…
 
ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં છેલ્લા ૭૦થી પણ વધુ વર્ષથી પૂજારી તરીકે સેવા આપતાં પૂ. છગનગીરીબાપુની ખાસ મુલાકાત સાધના ટીમે લીધી. ૧૨ વર્ષની ઉંમરથી ૮૨ વર્ષ સુધી તરણેતર સાથે જોડાયેલા પુજારીજીએ તરણેતરનાં ઐતિહાસિક મહાત્મ્યને ઊજાગર કર્યું. તેમની ત્રીજી પેઢી એટલે કે પૌત્ર શ્રી પ્રકાશગીર પણ આજે મંદિરમાં સેવા આપે છે.
 

 
 

તરણેતર નામ કેમ પડ્યું ?

 
તરણેતરનો મેળો ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતા થતા તરણેતર થઈ ગયુ પણ ખરેખર ત્રિનેત્રેશ્ર્વર છે. પાંચાલ વિસ્તાર છે. સૌરાષ્ટ્ર પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિકલ્પ હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાળ વિસ્તાર છે.
 
પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમમાં બહુ મોટુ મહત્ત્વ છે. સ્ક્રંધ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૮ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૭ કમળ થઈ ગયા અને છેલ્લુ એક કમળ ખૂંટ્યું ત્યારે તેમણે પોતાનું જમણુ નેત્ર શિવજી ઉપર ચડાવ્યું. ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયાં અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્ર્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં તરણેતર નામ પડ્યું.
બીજી વખત કણ્વ મુનિનાં ભક્તિનાં પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્ર્વર મંદિરમાં સ્થાપિત છે.
 

 
 

પાંચાળની પૌરાણિક કથા

 
પાંચાળ પૌરાણિક કથાઓનું ઘર છે. પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા છે. જે ભૂમિને પવિત્ર ભૂમિ માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવ-દેવતાઓના વાસ છે. સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં ફેલાણી. આ વિસ્તારમાં એટલે માલધારીઓનો વસવાટ પ્રાગૈતિહાસિક કાળથી રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે.
 
પૌરાણિક કથા અનુસાર દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડમાં જ પ્રતિબિંબ જોઈ અર્જુને માછલીની આંખ વીંધી હતી. તેથી દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ પાંચાલભૂમિ કહેવાય છે.
 

પિતૃતર્પણ અને ગંગાસ્નાન

 
એક વાયકા મુજબ પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે ભગવાન ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં આહ્વાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. કારણ કે આ વિસ્તારની ગરીબ પ્રજા, અહીંનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે ? ગંગાજીના અવતરણને નિમિત બનાવી અને માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શ‚આત થઈ હોય એવું અનુમાન છે.
 

 
 

પાળીયાદની બાવન ગજની ધજા

 
તરણેતરના મેળાનો એક બહુ પ્રસિદ્ધ કિસ્સો છે કે, વિહામણ બાપુ કરીને પાળીયાદના એક મહંત થઈ ગયા, એ એમની જુવાનીમાં બહુ તોફાની હતા. ઘોડુ લઈને નીકળતા. વિહામણ બાપુનું સોનગઢના આપા ગોરપ્પા અને ચલાલાના આપા દાના નામના બે સંતોએ તરણેતર નજીકના જંગલમાં હૃદય પરિવર્તન કર્યું હતુ. તરણેતરનાં મંદિરમાં ખાખરીયા હનુમાનની જે જગ્યા છે ત્યાં લાવી અને ગોળ ચોખા રાંધી આખા મેળાને ખવડાવવાનો તેમને આદેશ આપ્યો. વધેલા ગોળ ચોખા પાળીયાદ લઈ જઈ સદાવ્રત આપવાનો આદેશ કર્યો હતો. એ વખતે બન્ને સંતોએ આપા વિહામણની બાવન ગજની જે પાઘડી હતી એ પાઘડીને ભગવા રંગમાં બોળી અને આપા વિહામણને આદેશ કરેલો કે તમે ધજા ચડાવી દો. ભગવાન મહાદેવના મંદિર ઉપર એમણે ધજા ચડાવી ત્યારથી ત્રિનેત્રેશ્ર્વર મહાદેવના મંદિર ઉપર પાળીયાદની ધજા ચડે છે, એનું એક અનેરું ધાર્મિક આકર્ષક પણ છે.
 

 

આ મેળો રંગનો મેળો શા માટે કહેવાય છે ?

 
અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન છુટુ મુકીને મેળામાં મહાલે છે.
 
મેળાને પણ ભૌગોલિક રીતે ત્રણ રીતે વહેંચી શકાય એમ છે. મંદિરથી પૂર્વ બાજુ જે તળાવ છે એ તળાવમાં જીવન ખીલતું હોય તેમ કમળ ફૂલો ખિલ્યા હોય છે. આપણને એમ થાય કે અહીંથી જીવન શ‚રૂ થાય છે અને એ જીવનની ગતિ તળાવનાં કાંઠે આવે એટલે યૌવન સ્વ‚પે રમવા માંડે છે. બચપણ યૌવનમાં રમે અને યૌવન બચપણમાં રમતું હોય એવું દૃશ્ય ત્યાં ખડુ થાય. થોડી ઉંમર વધે એટલે બજાર આવે. જ્યાં વ્યવહાર કરાતા હોય, ખરીદી થાય, ખરીદી કેમ કરવી એ શિખવામાં આવે, પ્રૌઢાવસ્થા ઢળતી થાય એટલે મંદિરમાં દર્શન થાય છે. દર્શન કરી અને મેળો પશ્ર્ચિમ બાજુ પૂર્ણ થાય ત્યાં રાવટીઓ હોય, ઉત્તરાવસ્થામાં રાવટીઓમાં ભજન કરી અને મેળો પૂરો થતો હોય છે. વૃદ્ધાવસ્થાનું તે સૂચક છે. આમ બાળપણ, યુવાન, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા જેવા જીવનનાં તમામ રંગો અહીં ફલીત થતા હોવાથી આ મેળાને રંગનો મેળો પણ કહે છે.
 

 
 

...મેળાની રાવટીઓએ અનેક કલાકારો આપ્યા

 
આ મેળાની વિશેષતાઓ ઘણી બધી છે, પણ સૌથી વધારે જો મેળાની અંદર કોઈ મહત્ત્વનું પાસુ હોય તો આ મેળાની રાવટીઓ છે. રાવટીઓમાં ભજન કિલ્લોલ થતા હોય. આ તરણેતરના મેળાએ ઘણા મોટા મોટા કલાકારો આપ્યા છે. હેમુ ગઢવી પણ આ મેળામાં ભજન ગાયેલા, શકિતદાન ગઢવીના સ્વ‚રૂપે જ્યારે નારાયણ સ્વામી હતા ત્યારે આ મેળાની રાવટીઓમાં ખૂબ ભજનો તેમણે ગાયેલા, કાનદાસ સ્વામીએ પણ આ મેળામાં ભજનો ગાયેલા. દેશી ભજન, દેશી લોકગીતો, સાંભળવા માટે આ મેળો એક માધ્યમ હતું. એમ કહેવાય છે કે સ્વામીનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ કવિ બ્રહ્માનંદ સ્વામી આ મેળાની અંદર લોકગીત અને લોક રાસડા લેતા યૌવનને જોઈ અને એક વૃક્ષ નીચે બેસીને એમણે જે છંદ ચર્ચરી લખ્યો એ જગપ્રસિદ્ધ છંદ છે. એ ઝાડ અત્યારે પણ બ્રહ્માનંદ સ્વામીના ઝાડ તરીકે ઓળખાય છે. પીલુડીના ઝાડની નીચે બેઠાં-બેઠાં એમણે જે કલમ ચલાવી એ આ તરણેતરના મેળાની અંદર થનગનતા યૌવનને તાદૃશ્ય કરે છે.
 

 
 

મહંતશ્રી અમરાબાપુએ યાત્રા શરૂ કરી

 
વરસો પહેલાં પાળીયાદના મહંતશ્રી અમરાબાપુ ગાડી લઈને મંદિરે પધારતા અને ધજા ચડાવવાની વિધિ કરી વિદાય થતા. આયોજકોએ એમને વિનંતી કરી કે બાપુ આપ જે ધજા ચડાવવા આવો છો એની જો આપ યાત્રા કરો એમાં આજુબાજુના ગામડાંના ઘોડેસવારો બળદગાડાવાળાને આમંત્રણ આપો તો એ લોકો પણ મેળામાં આવતા થાય ત્યારથી બાપુએ એમ નક્કી કર્યું. મેળામાં ધ્વજાની યાત્રા કરીશ, રથયાત્રા કરીશ. એમણે પોતાના તરફથી પુરસ્કાર આપવાનું શરૂ‚ કર્યું. દરેક બળદગાડાવાળાને, છત્રીવાળાને, દરેક અશ્ર્વવાળાને, રાસમંડળીને, વાદી-મદારીને, રાવણ હથ્થાવાળાને એમ જે કોઈ એ યાત્રામાં સામેલ થાય એ બધાને એ પોતાના તરફથી પુરસ્કાર આપવા માંડ્યા. એ પુરસ્કારને પ્રસાદી સ્વ‚પે સ્વીકારીને ધાર્મિકતાના આદેશથી ધીરે ધીરે મેળામાં ૨૫-૩૦ છત્રીઓ આવવા માંડી, રાસ મંડળીઓ નહીવત આવતી હતી તેને બદલે ૮-૧૦ રાસ મંડળીઓ આવવા માંડી અને એ રથયાત્રાના હિસાબે મેળામાં પાછુ લોકજીવન ધબકતું થયું.
 

 
 

ગુજરાત સરકારે મેળાને મધમધતો કર્યો

 
ગુજરાત સરકાર દ્વારા તરણેતરનાં મેળા માટે અનેક પ્રકારનાં આયોજનો કરવામાં આવે છે. યાત્રાળુઓની સુરક્ષા, સ્વચ્છતા અને આનંદપ્રમોદ માટે અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
 
પાંચાળ વિસ્તાર જો‚કા માણસોનો વિસ્તાર છે. અહીં પ્રજા ખડતલ છે, પણ રમત ગમતનું પ્રમાણ બહુ ઓછું, ગ્રામીણ રમતો એક જમાનામાં જે રમાતી એ ધીરે ધીરે ગામડાઓમાં લુપ્ત થતી ગઈ. જેને પુન:જીવંત કરવા સ્પોર્ટસ ઓથોરીટી ઑફ ગુજરાતે પહેલ કરી. તરણેતરનાં મેળામાં રસ લીધો. જેના ફલસ્વ‚પે સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓના સહયોગથી રમતોત્સવનું આયોજન કર્યું. આ ગ્રામ્ય રમતોત્સવની ખૂબ સારી અસર થઈ. ગામડાંની અંદર જે ખમીર છે, તાકાત છે. ગામડાનાં યુવાનમાં જે આત્મવિશ્ર્વાસ છે, તેને જગાડવા માટેનું બહુસ્તુત્ય પગલું આ રમતોત્સવ દ્વારા ભરાયું હતું. એનાથી મેળાના બે ફાયદા થયા એક તો મેળામાં જે વિસ્તાર હતો એ વધ્યો. બહુ વિશાળ મેદાન તૈયાર થયું અને સતત બે દિવસ સુધી રમતગમતની સ્પર્ધા થતી હોય એ બાબતે લોકોએ એટલી ઉત્સુકતાપૂર્વક રસ લીધો કે મેળાની અંદર જે એકદમ ગીચ ભીડ થતી હોય, એ બે ભાગમાં વહેંચાઈ ગઈ. બીજી વસ્તુ એ બની કે શારીરિક સંપદા, શરીર સૌષ્ઠવનું પણ મહત્ત્વ ખૂબ છે. એવું ગામડાના વિસ્તારનો જુવાન સમજતો થયો. એના કારણે ગામડામાં વ્યસનો ઉપર મર્યાદા આવી, માણસોએ વ્યસન છોડવાનું શરૂ કર્યું.
 
આ તરણેતરના લોકમેળામાં રાજ્ય સરકારે બીજું મહત્ત્વનું પગલું ભર્યું પશુ પ્રદર્શન હરીફાઈ યોજીને રાજ્યમાં પશુપાલન વિભાગ દ્વારા ૨૦૦૮ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરીફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો.
 
આમ જોવા જોઈએ તો, આ લોકમેળામાં સાચા અર્થમાં લોક સંસ્કૃતિ જીવંત રહે, લોકજીવન ધબકતું રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રયાસો થયા છે, જેના કારણે આજે તરણેતરનો આ ભાતીગળ મેળો દેશના સિમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મેળો બન્યો છે.
 

 
 
 
આ ચતુરભાઈ ધારાભાઈ દેગામા (મોડથરા) છે.  તેમનું કહેવં છે કે, આમ તો આ મેળો ચોથથી છઠ સુધી ભરાય છે, પરંતુ અહીં શ્રાવણ માસની શરૂઆતથી જ ભક્તો અને દર્શનાર્થીઓની ભીડ જામતી હોવાથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મેળા જેવું વાતાવરણ અહીં હોય છે. આ મેળો અહીં એટલો તો લોકપ્રિય છે કે આખું વર્ષ લોકો તેની રાહ જુએ છે. અહીંના સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ઋષિઓએ અહીં ગંગા અવતરણ કરાવી અહીંની પ્રજાને ધન્ય કરી છે. 
 
 
જુવો વીડિઓ....