આવો શિક્ષક ક્યારેય સાધારણ હોઈ શકે ખરો?

    ૦૫-સપ્ટેમ્બર-૨૦૧૯

 
 

સાધારણ કભી શિક્ષક નહીં હોતા!

 
આ ધરતી પર અવતરેલી પ્રત્યેક વ્યક્તિનું જીવન વિશિષ્ટ હોય છે. કષ્ટો અને અનુભવોથી ભરપૂર હોય છે. સાદું, સીધું, સરળ નથી હોતું. જીવનનાં થોડાં વર્ષો તો સંઘર્ષમય હોય છે જ. જીવનના કંટકમય માર્ગમાંથી રસ્તો શોધવો એ શિક્ષણનું પરિણામ છે.
 
દુ:ખદ એ છે કે અત્યારના જનજીવનમાં શિક્ષણ ડિગ્રી, કારકિર્દી અને કમાણી સાથે સઘન રીતે જોડાયેલું છે, જીવન સાથે સમગ્રતાથી નહીં. પદ અને પૈસો જીવનનાં મહત્ત્વનાં અંગો છે એ સાચું, પણ સમગ્ર જીવન નહીં. ખરેખર તો શિક્ષણ માનવીના જીવનને ઘડે છે, જીવનનાં સઘળાં અંગોને સ્પર્શે છે, તેથી શિક્ષણને ખંડ-ખંડમાં જોવાને બદલે સમગ્રતાથી... અખંડપણે જોવું જોઈએ.
 
માનવજીવનને ઘડનારા આવા મહાન અને અસાધારણ તત્ત્વ શિક્ષણ સાથે જે વ્યક્તિ જોડાય તે સાધારણ તો ન હોઈ શકે, ન હોવી જોઈએ. જે વ્યક્તિના દૃષ્ટિક્ષેત્રમાં ‘શિક્ષણ’ આ રીતે સમાયેલું હોય, સચવાયેલું હોય તેણે જ શિક્ષક બનવું જોઈએ. શિક્ષકનું અસાધારણપણું જળવાઈ રહે તે ખૂબ મહત્ત્વનું છે. એની દૃષ્ટિમાં પ્રત્યેક બાળક એક વિદ્યાર્થી તરીકે જ માત્ર નહીં, ભવિષ્યના ઉત્તમ માનવી તરીકે ગોઠવાવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીને Degree (પદ) અને Dignity (ગરિમા) બંને આપવાં જોઈએ.
 
આવું ત્યારે જ સંભવે જ્યારે શિક્ષક આદર્શ વાચક, ઉત્તમ ચિંતક અને પવિત્ર સાધક હોય. શિક્ષણકાર્ય એના માટે વ્યવસાય નહીં, વ્રત હોય. શિક્ષણનું સાધ્ય ઉત્તમ મનુષ્યોનું નિર્માણ છે. તેથી શિક્ષક એનો સાધક બનવો જોઈએ અને જીવન-નિર્માણ એની સાધના. આમ થાય તો સમાજજીવન અને રાષ્ટ્ર સમૃદ્ધ બને. મનુષ્ય સમગ્ર સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ અને ચાલકબળ છે. એની ગુણવત્તાના આધારે સૃષ્ટિ ધબકે છે.
 
માનવજીવનનું કેન્દ્રબિન્દુ શિક્ષણ છે અને સૃષ્ટિનું કેન્દ્રબિન્દુ માનવ છે. તેથી શિક્ષણ કેટલું મહત્ત્વનું તત્ત્વ છે એ સમજી શકાય તેમ છે.
 
શિક્ષણપ્રક્રિયા દ્વારા વ્યક્તિનું ઊર્ધ્વીકરણ અપેક્ષિત છે. વિચાર-વાણી-વ્યવહારને જો ઊર્ધ્વીકરણનો સ્પર્શ થયો હશે તો અધ:પતનને કોઈ સ્થાન નથી. અને આવું થશે તો નૈતિકતા અને જીવનમૂલ્યોના જતનની ચિંતા નહીં કરવી પડે. વ્યક્તિ-વ્યક્તિના ઊર્ધ્વીકરણમાં જ સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ નિહિત છે. શિક્ષણની પ્રક્રિયામાં ઊર્ધ્વીકરણની વાત વિચારવી એ જ શિક્ષણના ઘડવૈયાઓનું સૌથી મહત્ત્વનું કાર્ય હોઈ શકે.
 

 
 
 
આ સંકલ્પનાને આધારે હવે શિક્ષકના શબ્દચિત્રની કલ્પના કરીને એનું આલેખન કરીએ?
શિક્ષકનું કાર્ય વિષયશિક્ષણ નહીં, જીવનશિક્ષણ હોવું જોઈએ.
શિક્ષક પ્રેરક અને માર્ગદર્શક હોવો જોઈએ.
શિક્ષક પ્રયોગશીલ અને અધ્યયનશીલ હોવો જોઈએ.
શિક્ષક કર્મશીલ, ઊર્જાવાન અને પ્રભાવી હોવો જોઈએ.
શિક્ષક વિદ્યાર્થીને લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિથી મુક્ત રાખે એવો હોવો જોઈએ.
 
શિક્ષક વિદ્યાર્થીને શિક્ષણનો વ્યવહારમાં વિનિયોગ (application) કેવી રીતે કરવો તે શીખવે, અને કેળવણી શબ્દની સાર્થકતા સમજાવે એવો હોવો જોઈએ. કેળવણીની વ્યાખ્યા કરતાં એક ચિંતકે કહ્યું છે, ‘રોટલો કેવી રીતે રળવો તે શીખવે તેનું નામ શિક્ષણ અને રોટલાના દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તે શીખવે તેનું નામ કેળવણી.’
ખરો શિક્ષક એ જે વિદ્યાર્થીને મારે નહીં, લાલચ ન આપે, અપમાનિત ન કરે, રોકટોક ન કરે, વાણી પર સંયમ રાખે અને વિદ્યાર્થીને અસીમ સ્નેહ કરે.
 
શિક્ષક એ વિદ્યાર્થીનો વાલી પણ છે.
માર્શલ મેક લુહાન નામના શિક્ષણવિદે કહ્યું છે - શિક્ષક માતાપિતાનું Extension છે.
 
શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. અધ્યયન એનું વ્યસન બનવું જોઈએ.
 
પાઠ્યક્રમોનાં ઢોલનગારાં વચ્ચે જીવન-ઘડતરની ધીમી મધુર બંસરી વિસરાઈ ન જાય તે શિક્ષકે જોવાનું છે.
શિક્ષકે પોતાના વિદ્યાર્થીને સમગ્રતાથી જાણવો જોઈએ.
 
જીવન-ઘડતરને સ્વતંત્ર વિષય તરીકે ન ગણવો જોઈએ. એ પરોક્ષ વિદ્યાનો વિષય છે... એટલે કે મુખ્ય વિષયો ભણાવતી વેળાએ જ મૂલ્યશિક્ષણ સમાવી લેવું એમાં જ શિક્ષકની કુશળતા છે.
 
વિષયને ન્યાય આપવા માટે તેનું વિસ્તૃતીકરણ, સમજૂતી, દૃષ્ટાંત, પુનરાવર્તન અને પ્રશ્ર્નોત્તરી અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના ચહેરા ઉપર જ શિક્ષકના વર્ગકાર્યનો પ્રતિધ્વનિ આલેખિત હોય છે.
 
દરેક વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકનો સમદૃષ્ટિ-ભાવ અપેક્ષિત છે. હોશિયાર વિદ્યાર્થી પ્રત્યે અનુરાગ નહીં અને નબળાની ઘૃણા કે અવગણના નહીં.
 

 
 
જ્યાં સુધી શિક્ષકમાં સંશોધનાત્મક અભિગમ વિકસતો નથી ત્યાં સુધી શૈક્ષણિક પ્રવૃત્તિનો આત્મા પ્રદીપ્ત થતો નથી. આખરે અભ્યાસક્રમમાં જે પણ સામગ્રી ઉપલબ્ધ છે તે એક દૃષ્ટિએ તો પૂર્વ સંશોધનોનો સાર જ છે.
 
સમાજ શિક્ષકમાં અત્યુચ્ચ પ્રકારનું અનુશાસન જોવા ઇચ્છે છે. શિક્ષકે આત્માનુશાસનના સ્તર સુધી પહોંચવું જોઈએ.
સર્વ યોગ્યતાઓ હોવા છતાં જેનામાં કદી ગુરુતા-ગ્રંથિ એટલે કે અભિમાન ન આવી જાય એ જ સાચો ગુરુ છે.
શિક્ષકનો નૈતિક અને આધ્યાત્મિક વિકાસ સતત ચાલુ રહેવો જોઈએ. જે શિક્ષક શતદલ કમલની જેમ ભીતરથી નિરંતર વિકસતો નથી એ આગળ જતાં કૃત્રિમતાનો ભોગ બને છે.
 
શિક્ષકે પોતાનાં વાણી-વર્તનથી વર્ગમાં ભારતીય સંસ્કૃતિની મહેક પ્રસરાવવાની છે. આ અભ્યાસક્રમનો નહીં, જીવનક્રમનો ભાગ છે, જેને કારણે આખો સમાજ ટકી રહ્યો છે. આવો મહાન ભારતીય સંસ્કૃતિનો વારસો અને વૈભવ નવી પેઢીના હૃદય સુધી પહોંચાડવો જોઈએ.
 
પરીક્ષા, તુલના અને સ્પર્ધા - આ ત્રણ દૂષણોથી વિદ્યાર્થીને યથાસંભવ બચાવી રાખે એ કુશળ શિક્ષક.
 
સમાજજીવનમાં ‘શિક્ષક’ એક એવી વ્યક્તિ છે જેની પાસેથી સમાજની અસીમ અપેક્ષાઓ છે. શિક્ષકની નજરમાં વિદ્યાર્થીને એક આદર્શ માનવ બનાવવાનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. એણે એવા વિદ્યાર્થીઓ ઘડવાના છે, જેમાં -
શરીરમાં શક્તિ, હૃદયમાં ભક્તિ, વૃત્તિમાં વિજય અને સ્વભાવમાં અનુશાસન હોય.
 
આમ, શિક્ષકે આદર્શ મનુષ્યોની ખેતી કરવાની છે.
 
આવો શિક્ષક ક્યારેય સાધારણ હોઈ શકે ખરો?
 
...અને સાધારણ માનવી આવો શિક્ષક બની શકે ખરો?