હવે બ્રિટનના ગૃહમંત્રી પણ ગુજરાતી...!

    ૧૦-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

nri_1  H x W: 0
 
બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં હાઉસ ઓફ કોમન્સની ૮૫૦ બેઠકો પર પ્રથમ વખત સૌથી વધુ ૧૫ ભારતીયોએ ચૂંટાઈને ઇતિહાસ સર્જ્યો. મુખ્ય પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી અને લેબર પાર્ટીમાંથી ૭-૭ સભ્યો ચૂંટાયા, જ્યારે એક સભ્ય લિબરલ ડેમોક્રેટ્સમાંથી ચૂંટાયા છે. હવે બ્રિટનની સંસદમાં બે ટકા સભ્યો મૂળ ભારતીયો છે, અને તેના ગૃહમંત્રી પણ ગુજરાતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતીય મૂળનાં પ્રીતિ પટેલને ગૃહમંત્રી, આલોક શર્માને કેબિનેટ મંત્રી અને ૠષિ સુનોકેને ટ્રેઝરીના મુખ્ય સચિવ બનાવ્યા. ૠષિ સુનોકેએ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદ તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતા પર હાથ મુકી શપથ લીધા.
 
બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં સૌ પ્રથમ ભારતીય તરીકે ૧૮૯૨માં દાદાભાઈ નવરોજી ચૂંટાયેલા. તેઓ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ સાંસદ હતા. થોડાંક વરસો પહેલાં ભારતીય મૂળના લતાબહેન પટેલ લંડનમાં બ્રેન્ટનાં મેયર બનેલાં અને ઉપલા ગૃહમાં લૅાર્ડ ભીખુ પારેખ અને લૅાર્ડ મેઘનાથ દેસાઈએ સ્થાન પામ્યા. ભારત અને બ્રિટનના સમાજકારણ, શિક્ષણ અને રાજકારણમાં છેલ્લાં ત્રણ દાયકાથી બહુ સંસ્કૃતિવાદ, લઘુમતીના અધિકારો, બિનસાંપ્રદાયિક સહિષ્ણુ સમાજરચના વિષયક લૅાર્ડ ભીખુ પારેખના પ્રદાનોથી તેઓ વિશ્વના અગ્રણી પોલિટીકલ થિયરીસ્ટ તરીકે ગણના પામ્યા.
 
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પગપેસારા પછી જહાજના નાવિકો તરીકે ભારતીયો મુંબઈ, ગોવા, કોચીન, મદ્રાસ વગેરેથી જઈ બ્રિટનમાં વસ્યા. ત્યારબાદ આફ્રિકન દેશોમાંથી તથા ભારતથી ગયેલ ભારતીયોનો સમૂહ હાલ બ્રિટનની મોટી લઘુમતી છે. બ્રિટનની કુલ ૬ કરોડ ૭૫ લાખ જેટલી વસ્તીમાં ૧૫ લાખ ભારતીય મૂળના લોકો છે. અનેક મતદાર ક્ષેત્રમાં તે અસરકારક લઘુમતી (બમતી) હોવાને કારણે બ્રિટનની ચૂંટણીઓ માટે મહત્ત્વના છે. ૨.૬૨ લાખ કરોડ ડોલરની જીડીપી ધરાવતા બ્રિટનની કુલ વસ્તી ૬.૨૫ કરોડ પર હવે ચૂંટાયેલા ૧૫ ભારતીયો નેતૃત્વ કરી વિકાસમાં સહભાગી બનશે એ આનંદનો અવસર. જો જો
 
બ્રિટનમાં આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટી જીતી છે. ભારતીય મૂળના લોકો મૂળે બ્રિટનની લેબર પાર્ટીના સમર્થક, પરંતુ લેબર પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી બાબતે ભારત સરકારના નિર્ણયનો વિરોધ કર્યો તેથી બ્રિટનમાં વસતા અન્ય ગુજરાતીઓ અને પંજાબી સમુદાયના લોકો લેબર પાર્ટીથી નારાજ થઈ કન્ઝર્વેટિવ પાર્ટી તરફ વળ્યા. ચૂંટણીપ્રચાર દરમિયાન બોરિસ જોન્સન લંડનના સ્વામિનારાયણ મંદિરે જાય અને તેમના સાથી કેરી સેમંડસે લાલ રંગની સાડી પહેરે એ આનંદોત્સવ. બોરિસ જોન્સને તેમના વક્તવ્યમાં બાંયધરી આપેલી કે, મારી પાર્ટી સત્તામાં આવશે તો જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાબતે માફી માંગશે અને બ્રિટનની સ્કૂલોમાં અપાતા શિક્ષણમાં ભારતીયો પર બ્રિટિશ રાજ વખતે થયેલા અત્યાચારોની ઘટનાઓ ય સમાવાશે. બોરિસ જોન્સનના આ વક્તવ્યએ ખાસી ચર્ચા જગવેલી. એ ય ઉલ્લેખનીય કે બોરિસ બ્રેક્ઝિટના મુદ્દે રાષ્ટ્રને એકજૂથ કરવામાં સફળ રહ્યાં છે.
 
માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભારતીય મૂળના લોકોનો ડંકો વાગી રહ્યોછે અને નેતૃત્વ કરી રહ્યા છે. પ્રથમ ભારતીય અમેરિકન રાજદૂત રિચર્ડ રાલ વર્માએ ભારત અમેરિકા વચ્ચે અસૈન્ય પરમાણુ સમજૂતીમાં અહમ્ ભૂમિકા નિભાવી. ભારતીય મૂળના બોબી ઝિંદાલ અમેરિકાના લૂસિયા પ્રાંતના ગવર્નર રહ્યા, કમલા પ્રસાદ બિસેસર ૧૩ લાખની વસ્તી અને ૨૨.૪૪ બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતા ત્રિનિદાદ અને ટોબૈગોના સાતમા અને પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂક્યાં છે અને અગાઉ એટર્ની જનરલ. ૧૨ લાખની વસ્તી અને ૩૧ બિલિયન ડૅાલર અર્થવ્યવસ્થા ધરાવતા મોરેશિયસના પ્રથમ મુખ્યમંત્રી, વડાપ્રધાન અને છઠ્ઠા ગવર્નર રહેલા શિવસાગર રામગુલામે હિન્દી ભાષા અને ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ કામ કર્યું. તેમના કાળમાં હિન્દી શિક્ષણનું સ્તર ખાસ્સું ઊંચુ ગયેલું. મોરેશિયસમાં જ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બન્ને પદોને શોભાવનારા બીજા ભારતીય એટલે અનિરુદ્ધ જગન્નાથ. દક્ષિણ અમેરિકાના ગયાના દેશના સૌથી મોટા નેતાઓમાંના એક એવા છેદી ભરત જગન ત્યાંના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બનેલા. ભારતીય મૂળના દેવન નાયર સિંગાપુરના રાષ્ટ્રપતિ રહ્યા અને સિંગાપુરમાં નેશનલ ટ્રેડ યુનિયનની સ્થાપના કરીને ડકો વગાડ્યો. સિંગાપુરના જ રાષ્ટપતિ રહેલા બીજા ભારતીય એસ. આર. નાથને પ્રવાસી ભારતીયોને અત્યંત સન્માન અપાવ્યું અને મહેન્દ્રપાલ ચૌધરીએ ફિજીના વડાપ્રધાન પદને શોભાવીને પ્રથમ ભારતીય તરીકે નામના કરી.
 
વિદેશની મહાકાય કંપનીઓના સીઈઓ તરીકે ય ભારતીયોનો દબદબો રહ્યો છે, જેની રેવન્યુ અનેક દેશોના જીડીપી કરતાં વધારે છે તેવા વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન અને વિશ્વભરમાં ૮૫ હજાર જેટલા કર્મચારીઓ ધરાવનાર ગૂગલના સીઈઓ સુંદર પીચાઈ ભારતના છે. ૧૦૦થી વધુ દેશોમાં જેની શાખાઓ, ૧ લાખથી વધુ કર્મચારીઓ અને ૪૫ બિલિયન ડોલરનો વાર્ષિક વેપાર ધરાવતી માઇક્રોસોફ્ટના સીઈઓ પણ ભારતીય સત્ય નડેલા, વિશ્વના ૨૦૦ દેશોમાં બે લાખથી વધુ કર્મચારીઓ ધરાવતી અમેરિકન કપની પેપ્સીકોના પૂર્વ સીઈઓ ઇન્દ્રા નુઈ, સમગ્ર દુનિયામાં ખ્યાતનામ સાઈબર સિક્યુરીટી કપની, જેના ૧૫૦થી વધુ દેશોમાં ૬૦ હજાર કર્મચારીઓ છે અને દેશ વિદેશના સાઈબરને લગતા અનેક પ્રોબલેમ્સનું સોલ્યુશન કરે છે તેવી પાલોઆલ્ટો નેટવર્ક કપનીના સીઈઓ ભારતીય નિકેશ અરોરા, ૧૨૦ દેશોમાં કર્મચારી ધરાવતી અને એક સમયે મોબાઈલની બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં છવાઈ જનાર નોકિયા કપનીના સીઈઓ ભારતીય રાજીવ અરોરા અને એડોબ સિસ્ટમના સીઈઓ શાંતનુ નારાયણ જેવા અનેક ભારતીય સીઈઓનો જે તે દેશના આર્થિક વિકાસમાં બહુ મોટો ફાળો છે. તેમના નેતૃત્વ હેઠળની કંપનીઓનો વેપાર એ દેશના જીડીપીને ઊંચો રાખવામાં ઊંચો ગ્રાફ ધરાવે. ૩૨ કરોડની વસ્તી અને ૨૨ ટ્રિલિયન ડૅાલરની ઇકોનોમી ધરાવતા અમેરિકાની વિશાળકાય કપનીઓનું નેતૃત્વ કરનાર ભારતીયો હોય ત્યારે છાતી ગજ ગજ ન ફૂલે તો જ નવાઈ.
 
વિશ્વમાં ચોમેર ભારતીયો ફેલાયેલા છે. તેમનો દબદબો ય ખાસ્સો, ઉદ્યોગો, શિક્ષણ, સમાજકારણ, રાજકારણ વગેરેમાં ઉચ્ચ નેતૃત્વ નિભાવે છે. સાથે જ તેમના ભારતીય મૂળના શહેર / સ્કૂલ / યુનિવર્સિટી કે ત્યાંની જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલો બાંધી ઋણમુક્ત થઈ. માતૃભૂમિ કાજે યોગદાન આપે છે. જ્ઞાન-વિજ્ઞાન-રાજકારણ ક્ષેત્રે બિનનિવાસી ભારતીયોની આ વૈશ્વિક છબી યે ભારતને ખૂબ ગૌરવ અપાવતું રહે તેની સાથે ભારતની વૈશ્વિક તાકાત સહિયારા પ્રયત્નોથી વધે તે જ અભ્યર્થના.