સુલેમાનીના ખાત્મા પછી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો ખતરો દેખાઈ રહ્યો છે...!

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

us iran_1  H x
 
અમેરિકા અને ઇરાક વચ્ચે લાંબા સમયથી તણાવનો માહોલ છે. આ માહોલમાં ૩૧ ડિસેમ્બરે ઇરાકના બગદાદમાં આવેલા અમેરિકન દૂતાવાસ પર હુમલો થયેલો. હુમલાખોરોએ ભારે તોડફોડ કરી હતી અને આગ પણ લગાડી દીધી હતી. આ હુમલો કરવા પાછળ ઈરાનના પીઠ્ઠુ જેવાં કટ્ટરવાદી પરિબળો જવાબદાર હતાં એ સ્પષ્ટ છે. અમેરિકા અત્યારે ઇરાક અને સીરિયામાં કટ્ટરવાદી શિયા સંગઠન કટૈબ હિઝબોલ્લાહનાં ઠેકાણાંનો નાશ કરવા હવાઈ હુમલા કરી રહ્યું છે. તેનો વિરોધ કરવાના નામે બધા ભેગા થયેલા ને તેમાં કટ્ટરવાદી પણ ભળી ગયા. તેમણે મોટો ભડકો કરાવી દીધો.
 
આ ઘટનાને હજુ ૪૮ કલાક પણ ન હોતા થયા. ત્યાં ઇરાકના બગદાદ એરપોર્ટ પર તાજેતરમાં રોકેટ હુમલો થયો ને તેમાં ૮ લોકોનાં મોત થયાં. ઇરાક જેવા આતંકગ્રસ્ત દેશમાં ૮ લોકોનાં મોત થયાં એ ઘટનાની સામાન્ય રીતે કોઈ નોંધ પણ ના લે પણ આ ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. તેનું કારણ એ કે, આ હુમલામાં ઈરાનની કુદ્સ સેનાના વડા જનરલ કાસીમ સુલેમાની અને ઇરાકના પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (PMF)ના કમાંડર અબુ મહદી અલ-મુન્હદિસ પણ પતી ગયા. પીએમએફના પ્રવક્તાએ સત્તાવાર રીતે કરેલી કબૂલાત પ્રમાણે આ હુમલામાં તેમના પાંચ સૈનિકોનાં પણ મોત થયાં. આ હુમલાની જવાબદારી સત્તાવાર રીતે કોઈએ નથી લીધી પણ હુમલો અમેરિકા તરફથી થયો છે એ કહેવાની જરૂર નથી. પીએમએફએ પણ આ હુમલા પાછળ અમેરિકા અથવા ઇઝરાયલનો હાથ હોવાનો દાવો કર્યો છે. આ હુમલા પછી ફરી એક વાર અમેરિકા અને ઇરાક વચ્ચે યુદ્ધના ભણકારા વાગવા માંડ્યા છે અને આખી દુનિયામાં તણાવનો માહોલ છે.
 

us iran_1  H x  
 

ઈરાન અમેરિકા જંગના મૂળમાં સુન્ની-શિયા વિવાદ

 
અમેરિકા અને ઇરાક વચ્ચેના જંગના મૂળમાં વિશ્વમાં વરસોથી ચાલી રહેલો શિયા વર્સિસ સુન્નીઓનો ઝઘડો જવાબદાર છે. વિશ્વમાં મુસ્લિમોની કુલ વસતીમાં ૮૫ ટકા સુન્ની છે જ્યારે ૧૪ ટકા શિયા છે. અન્ય મુસ્લિમ એક ટકાની આસપાસ છે. વિશ્વમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા દેશોમાં ઈરાન અને ઇરાક બે દેશો જ એવા છે કે જ્યાં શિયાઓની બહુમતી છે. બાકીના બધા દેશોમાં સુન્નીઓની બહુમતી છે. સાઉદી અરેબિયા આ દેશોનું આગેવાન છે. સુન્નીઓ વધારે કટ્ટરવાદી છે અને દુનિયાભરમાં માત્ર સુન્નીઓનું શાસન સ્થપાય તે માટે જિહાદના નામે ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓને પણ આ દેશો પોષે છે પણ ઈરાન તેમને ગણકારતું નથી. ઈરાનના કારણે વિશ્વમાં શિયાઓ ટકી ગયા છે. સાઉદી સહિતના દેશો ઈરાનને સીધા પહોંચી વળતા નથી તેથી અમેરિકાને ચાવી મારીને ઈરાનને સીધું કરવા ને શિયાઓનો સફાયો કરવા ઉધામા કરે છે. આ દેશો અમેરિકાને પોતાના દેશોમાં બિઝનેસ કરવા દે છે ને સુરક્ષાની જવાબદારી પણ તેને માથે નાંખીને અમેરિકાને અબજો ડોલર આપ્યા કરે છે. અમેરિકા માટે આ સોદો ફાયદાનો છે તેથી તે આરબ દેશોને ખંખેરીને ઈરાનને હેરાન કરે છે.
 

us iran_1  H x  
 

ઇરાક પર કબજો જમાવાની હોડ

 
અમેરિકા અને ઈરાન વચ્ચેના જંગમાં અત્યારે ઇરાક અને સીરિયા રણભૂમિ છે. અમેરિકાએ પોતાનાં હિતો સાચવવા પહેલાં ઈરાનમાં શાહને સાધેલા. શાહને અમેરિકા મદદ કરતું એટલે તે અમેરિકાના પીઠ્ઠુ તરીકે વર્તતા. શિયા ધર્મગુરુ આયાતોલ્લાહ ખોમૈનીએ ૧૯૭૭માં બળવો કરાવીને શાહને ભગાડીને ઇસ્લામનું શાસન સ્થાપ્યું. અમેરિકાએ શિયાઓની બહુમતી ધરાવતા બીજા દેશ ઇરાકમાં સુન્ની સદ્દામ હુસૈનને ગાદી પર બેસાડીને ઈરાનની સામે તેમને ભિડાવી દીધા હતા. વરસો લગી ચાલેલા યુદ્ધમાં બંને દેશ ખુવાર થયા પણ ઈરાને મચક ના આપી. બીજી તરફ સદ્દામે અમેરિકા સામે જ શિંગડાં ભેરવ્યાં એટલે છેવટે અમેરિકાએ તેમને ખતમ કર્યા. ત્યારથી ઇરાકમાં અંધાધૂંધી છે ને ઇરાક પર કબજો કરવા અમેરિકા તથા ઈરાન બંને મથ્યા કરે છે. કટૈબ હિઝબોલ્લાહને પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ જેવાં સંગઠનોને આગળ કરીને ઈરાન ઇરાક પર કબજો કરવા મથે છે. અમેરિકાએ પોતાના માણસ એવા બરહામસાલિહને પ્રમુખપદે બેસાડ્યા છે પણ ઈરાન સમર્થિત લશ્કરી સંગઠનો સામે એ ઝીંક ઝીલી શકતા નથી. તેના કારણે અમેરિકા છાસવારે ઈરાનનાં સમર્થક સંગઠનોનાં થાણાં પર હુમલા કરાવ્યા કરે છે ને તેના કારણે યુદ્ધ થવાનો ખતરો વધતો જાય છે.
 

us iran_1  H x  
 
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં એ ખબર નથી પણ બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જે રીતે તડાફડી ચાલી રહી છે એ જોતાં બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ જાય તો નવાઈ નહીં. અમેરિકાના નજીકના સાથી એવા સુન્ની મુસ્લિમ રાષ્ટ્રો પણ એવું જ ઇચ્છે છે. અમેરિકાને પણ ઈરાનના ક્રુડ ઓઇલના ભંડારો પર કબજો કરવામાં રસ છે તેથી એ પણ હુમલો કરી નાંખે તો નવાઈ નહીં. અમેરિકાએ ભૂતકાળમાં આ રીતે ઘણા દેશોને નિશાન બનાવ્યા છે પણ ઈરાનના કિસ્સામાં એ ફાવે કે કેમ તેમાં શંકા છે. તેનું કારણ એ કે, ઈરાન પણ તાકતવર છે ને પરમાણુ મહાસત્તા છે. અમેરિકાના લાખ ધમપછાડા છતાં ઈરાને ખાનગીમાં પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં છે. અમેરિકા આક્રમણ કરી દે એ સંજોગોમાં પોતાના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ જાય તો ઈરાન પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતાં પણ ખચકાય તેમ નથી એ જોતાં આ પ્રકારનું યુદ્ધ થાય તો તેના કારણે દુનિયા પર પણ મોટો ખતરો ઊભો થઈ જાય.
 
અમેરિકા અને ઈરાન વચ્ચે આ રીતે છ મહિના પહેલાં પણ તણાવ પેદા થઈ ગયેલો. જૂન મહિનામાં ઈરાને અમેરિકાનું માનવરહિત ડ્રોન તોડી પાડ્યું પછી બંને દેશ સામસામે આવી ગયા હતા. ઈરાનના હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર સાઇબર એટેક શરૂ કરી દીધા હતા. અમેરિકાએ ઈરાનનાં ત્રણ ઠેકાણાં પર હવાઈ હુમલા કરવાની તૈયારી પણ કરી લીધી ને ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હલ્લાબોલ કરી દેવા ફરમાન કરી દીધેલું. ટ્રમ્પને સદબુદ્ધિ સૂઝી એટલે હુમલાની દસ મિનિટ પહેલાં જ તેમણે હુમલો કરવાની ના પાડી દીધી તેના કારણે યુદ્ધ થતાં રહી ગયું હતું.
 
હવે ફરી એ જ ખતરો સામે આવીને ઊભો રહી ગયો છે.
 
-જય પંડિત