મહારાષ્ટ્ર-કર્ણાટક વચ્ચેના બેલગામનો બેલગામ વિવાદ સાત દાયકાથી ધૂણે છે, જાણો શું છે આ વિવાદ?

    ૧૧-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

belgum_1  H x W
 
સ્વતંત્રતા મળ્યાના સાત દાયકાથી વધુ સમય વીત્યા છતાં આજે પણ ભાષાના મુદ્દે ભારતમાં બે રાજ્યો, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે સરહદ પરના ચાર જિલ્લાની ૧૨ પંચાયતો અને ૮૬૫ ગામડાંની બાબતે કાયદેસરની લડાઈ ચાલી રહી છે. તાજેતરમાં ફરીથી આ વિવાદ ચર્ચામાં આવ્યો છે. આવો જાણીએ આ વિવાદના મૂળમાં શું છે ?
 
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે આવેલા બેલગામનો વિવાદ આમ તો સાત દાયકા જૂનો છે. એક વખત બેલગામ સરહદ વિવાદ બાબતે કર્ણાટકના મુખ્યમંત્રી યેદુરપ્પાએ કહ્યું હતું કે મહાજન આયોગ મુજબ એ સ્પષ્ટ છે કે કયો ભાગ મહારાષ્ટ્રને અને કયો ભાગ કર્ણાટકને આપવામાં આવ્યો છે. એટલે આ રીતે વિવાદ ઊભો કરવો યોગ્ય નથી. વધુમાં એમણે ગર્ભિત ચેતવણી આપતાં ઉમેર્યું પણ ખરું કે કર્ણાટકની એક ઇંચ પણ જમીન મહારાષ્ટ્રને નહીં મળે.
 
કર્ણાટકના મુખ્યમંત્રી બી. એસ. યેદુરપ્પાના વિધાનથી ભડકેલા શિવસૈનિકોએ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એમનું પૂતળું સળગાવ્યું અને એક કન્નડ ફિલ્મને સિનેમાઘરમાં ચાલતી રોકવામાં આવી. એટલું જ નહીં, કોલ્હાપુર જિલ્લાથી કર્ણાટક તરફ જતી રાજ્ય પરિવહનની બસોની સેવા બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના બે મંત્રીઓ છગન ભુજબળ અને એકનાથ શિંદેને કર્ણાટક સરકાર સાથે સરહદ વિવાદના મુદ્દે તાત્કાલિક ધોરણે વાતચીત કરીને કારગર ઉકેલ શોધવા માટેની જવાબદારી સોંપી છે.
 

belgum_1  H x W 
 

વિવાદમાં હિંસા પણ

 
આ પહેલાં, ૨૦૧૮માં મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેની બેલગામ સરહદ સંબંધિત વિવાદ ફરીથી ચર્ચામાં આવ્યો હતો. સાત દાયકા જૂનો આ વિવાદ કર્ણાટકના તત્કાલીન મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીના બેલગામ કર્ણાટકની બીજી રાજધાની બનાવવાના વિધાન પછી શરૂ થયો હતો. શિવસેનાએ તત્કાલીન મહારાષ્ટ્ર સરકારને સૂચન કરતાં કહ્યું હતું કે સરકારે બેલગામ મુદ્દે હાઈકોર્ટમાં જવું જોઈએ અને બેલગામને કર્ણાટકની બીજી રાજધાની બનાવવાના મુખ્યમંત્રીના વિધાન બદલ કર્ણાટક સરકારને અવમાનનાની નોટિસ મોકલવી જોઈએ.
 
કર્ણાટક અને મહારાષ્ટ્રને જોડતી આ સરહદી પ્રદેશમાં ભાષાવાદ એની ઉગ્રતા પર છે. ઉત્તર કર્ણાટકનાં આ વિધાનસભા ક્ષેત્રોમાં આજે પણ ચૂંટણી મરાઠી વિરુદ્ધ કન્નડ મુદ્દે લડવામાં આવે છે, જેનું એપીસેન્ટર છે મરાઠીભાષીઓની બહુમતી ધરાવતું બેલગામ, જે અત્યારે કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ પછીનું સૌથી મોટું શહેર ગણાય છે. આ ચારેય વિધાનસભા ક્ષેત્રોમાં લગભગ ૬૦ પ્રતિશત મરાઠીભાષી નિવાસી છે, જે સરહદી વિસ્તારને મહારાષ્ટ્રમાં જોડવાની તરફેણમાં આંદોલન કરી રહ્યા છે. એક તરફ મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ આ બાબતે મરાઠીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે કન્નડ રક્ષણ વેદિક સંગઠન કન્નડભાષી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બેય સંગઠનો વચ્ચેનો વિવાદ ઘણીવાર હિંસા સુધી પહોંચી ચૂક્યો છે.
 

વિવાદ સંદર્ભે મહાજન સમિતિની રચના

 
આઝાદીના તરત બાદ બેલગામ એ મુંબઈ રાજ્યનો હિસ્સો બન્યું હતું. પરંતુ ૧૯૫૬માં જ્યારે ભાષા આધારિત રાજ્યની પુર્નર્રચના થઈ ત્યારે ચારે તરફ આંદોલન શરૂ થઈ ગયાં હતાં. બેલગામને સંયુક્ત મહારાષ્ટ્રમાં ભેળવવાની માગ થઈ હતી. ત્યારે મુંબઈ શહેર ઉપર ગુજરાત પણ પોતાનો હક જમાવી રહ્યું હતું અને વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેનો દરજ્જો આપવા વિચારી રહ્યા હતા. એ સમયે એસ. એમ. જોશી, આચાર્ય અત્રે અને પ્રબોધનકાર ઠાકરે જેવા અલગ અલગ વિચારધારાઓના નેતાઓ સાથે મળીને સંયુક્ત મહારાષ્ટ્રનું આંદોલન ચલાવી રહ્યા હતા. આખરે મુંબઈને નવનિર્મિત મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની બનાવી દેવામાં આવ્યું પરંતુ બેલગામ સહિત નિપાણી, ભાલકી, બિલર, કારવાર, ધારવાડ, હુબલી જેવા મરાઠીભાષી બહુમતી પ્રાંતોને મૈસૂર રાજ્યમાં ભેળવવામાં આવ્યા જે ૧૯૭૩થી કર્ણાટક રાજ્ય તરીકે ઓળખાયું. વિવાદ સંદર્ભે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રની માંગ ઉપર ૧૯૫૭માં મહાજન સમિતિની રચના કરી, પરંતુ એનાથી કોઈ ઉકેલ આવ્યો નહીં.
 

બેલગામનું નામ પણ બદલાયું

 
આ મુદ્દાએ એટલું જોર પકડ્યું કે સ્વાતંત્ર્યસેનાની સેનાપતિ બાપટે બેલગામ સહિત ૮૬૫ ગામોને મહારાષ્ટ્રમાં જોડવા માટે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું. ત્યારે ૧૯૬૬માં કેન્દ્ર સરકારે મહાજન આયોગની રચના કરી જેણે બેલગામને કર્ણાટકમાં જ રાખ્યું પરંતુ કર્ણાટકના ૨૬૪ ગામ મહારાષ્ટ્રને આપી દીધાં. મહારાષ્ટ્ર સરકારે આ પ્રસ્તાવને નકારી દીધો. ત્યારથી આ વિવાદ આજદિન સુધી યથાવત્ ચાલી રહ્યો છે. ૨૦૦૬માં મહારાષ્ટ્ર સરકારે કર્ણાટક સરકાર વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખખડાવ્યાં છે. તરત જ કર્ણાટકે બેલગામને ઉપ-રાજધાનીનો દરજ્જો આપી દીધો અને કર્ણાટક વિધાનસભાનાં સત્રોનું આયોજન પણ શરૂ કરી દીધું. એટલું જ નહીં, બેલગામનું નામ બદલીને કન્નડ ભાષા મુજબ બેલગાંવી કરી દીધું, જેના કારણે પણ આંદોલનો થયાં. કર્ણાટકમાં મુસ્લિમ આબાદી પણ મોટા પ્રમાણમાં છે છતાં સ્થાનિક તથા આસપાસના રાજ્યવિસ્તારમાં મઠોનું વર્ચસ્વ સામાજિક રાજકીય સમીકરણોને ખાસ્સું પ્રભાવિત કરે છે. લિંગાયત મઠ, વીર શૈવ મઠ અને એ સિવાયના અલગ અલગ સમુયદાયના મઠોનો સમાજ ઉપરાંત રાજનૈતિક પરિશ્ય અને ચૂંટણીમાં પણ ભારે પ્રભાવ રહે છે. તુમકુરમાં સિદ્ધગંગ મઠ, શ્રૃંગેરી મઠ અને ઉડ્ડપી મઠની સાથોસાથ હુબલી મુરાસવીર અને સિદ્ધરુદ્ધ મઠ એમાં પ્રમુખ છે.
 
વિસ્તારની હદ ભલે કર્ણાટકમાં ગણાતી હોય કે આવતી હોય, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના પ્રતિનિધિ તરીકે દરેક રાજકીય પક્ષ ખાસ શોધીને મરાઠી ઉમેદવારને પોતાના તરફથી ચૂંટણીમાં ઉતારે છે. આજે પણ બેલગામ નગરપાલિકામાં કુલ ૫૮માંથી ૩૩ નગરસેવકો મરાઠીભાષી છે. એક સમયે કર્ણાટક વિધાનસભામાં પોતાના સાત વિધાનસભ્યો ધરાવતી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિનું વર્ચસ્વ ક્રમશ ઓછું થઈ રહ્યું છે.
 
- પરીક્ષિત જોશી