માનસમર્મ । મોહનો ક્ષય થાય એ જ મોક્ષ । મોરારિબાપુ

11 Jan 2020 15:19:57

moraribapu_1  H
 
 
બહુ જૂની વાત છે. એક વણિકના ઘરમાં ચોર આવ્યો. વણિક જાગ્યો એટલે ચોર થાંભલા પાસે છુપાઈ ગયો. ચોરને જોઈ વણિક ગભરાયો પણ ડર્યો નહીં અને ઉપાય વિચારવા લાગ્યો. શેઠાણીને જગાડીને કહ્યું કે મને માતાજી સપનાંમાં આવ્યાં અને કહ્યું કે કાલે સૂતરના ભાવ વધવાના છે તો ઘરમાં જેટલું સૂતર હોય એ કાઢ. શેઠાણીએ સૂતરનો ઢગલો કર્યો.
 
વણિક એક પછી એક આંટી થાંભલા સાથે વીંટવા લાગ્યો અને સાથે ચોર પણ બંધાતો ગયો. ચોરને એમ કે હમણાં વણિક સૂઈ જશે એટલે સૂતરને તોડવામાં વાર શી..! વણિક બહુ તાંતણ બળિયું બોલતો જાય અને સૂતર વીંટતો જાય. વણિકે આંટી એટલી બધી મારી કે ચોર હલી ન શક્યો. વણિકે બૂમબરાડા પાડ્યા અને પાડોશી ભેગા થઈ ગયા અને ચોર પકડાઈ ગયો.
 
બળ કરતાં બુદ્ધિનું માહાત્મ્ય વધુ છે. સમયસૂચકતા બહુમૂલ્ય છે. મારી કથા હાલતી, ચાલતી અને બોલતી ગંગા છે. ગંગામાં બ્રહ્મ વહે છે. ગંગા પવિત્ર છે. લોટીમાં લાવો એ પણ એટલી જ પાવન. સંભાળતાં આવડે તો એ લોટીમાં પણ ગંગાનો ઘુઘવાટ સંભળાશે. એ લોટીનાં પણ સામૈયાં કરાય છે. ઉત્તમ હોય એનું સ્વાગત થવું જ જોઈએ. મારી વ્યાસપીઠ પણ જે પણ ઉત્તમ હશે એનું સ્વાગત કરવા તત્પર છે. એક સારો વિચાર પણ મારે મન ઉત્સવ છે.બુદ્ધને જ્યારે નગરવધૂએ ભિક્ષા માટે નિમંત્રિત કર્યા અને કહ્યું કે આપ ચાતુર્માસ કરો. તો બુદ્ધે કહ્યું હતું કે આજે તો તારી પાસે આવનારા ઘણા છે, તારા ઝાંઝરના ઝણકારમાં દુનિયા ડૂબી જાય છે અને તારા કદમોમાં સમ્રાટોનાં મુકુટમણી પડી જાય છે, પરંતુ બધા જ્યારે તારો સાથ છોડી દે ત્યારે તું મારી પાસે આવજે. હું તને સ્વીકારીશ. કથાના જાહેર મંચ પરથી કહું છું કે રામે અહલ્યાનો ઉદ્ધાર ન કર્યો હોત તો મોરારીબાપુ કથા ન કરતા હોત. માણસ માત્ર ભૂલને પાત્ર. પરમતત્ત્વ સિવાય પૂર્ણ કોણ છે ? મારી વ્યાસપીઠને જે કોઈ મહોબત કરે છે એમને મારી વિનંતી છે કે સર્વનો સ્વીકાર કરો. પતીતને પાવન કરે એ રામકથા. કોઈ અંતિમ પર પહોંચતા પહેલાં વિચાર કરો. વિવેકાનંદે કહ્યું છે કે હદથી વધારે માત્રા વધી જાય છે એ બધું વિષ બની જાય છે.
 
મધ્યકાળના સમયમાં પૂર્વમાં જયદેવ, ચંડીદાસ, વિદ્યાપતિ, ઉત્તરમાં કબીર, સુરદાસ, તુલસીદાસ, પશ્ચિમમાં નરસિંહ, મીરાં, અખો અને દક્ષિણમાં જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ વગેરેના અભિવ્યક્તિના રસ્તા ભલે જુદા હતા, પણ પરમતત્ત્વને પામવાની મંઝિલ એક હતી. લાઓત્સે કહે છે, દુશ્મનોની છાવણીમાં કે જેમ સતર્ક રહેવું પડે એવી રીતે બુદ્ધપુરુષ જાગૃત રહે છે. યોગીઓને સૂવું પોસાય નહીં. બુદ્ધપુરુષ વર્તમાનનો પર્યાય છે. ન અતીત, ન ભવિષ્ય. Only Present tense. સાચી રચનામાંથી એક શબ્દ પણ આડોઅવળો ન કરી શકાય બાપ.. ગંગાસતીને પ્રણામ કરી હું ગાઉં છું... શીલવંત સાધુને વારેવારે નમીએ પાનબાઈ, જેનાં બદલે નહીં વર્તમાન રે... વર્તમાન જેવી મજા નથી. એ જ સાચો આનંદ અને અવધૂતી. સાદગી અવધૂતીનું પ્રથમ લક્ષણ છે. આડંબર હોય ત્યાં અવધૂતી ના હોય. લાઓત્સે કહે છે કે ગુરુ ખીણ છે. પથ્થર પડ્યો, ઝરણું આવ્યું, કોયલ આવી... સર્વનો સ્વીકાર. તુલસીને શું જરૂર હતી કે શાસ્ત્રના સમાપનમાં નગરસ્ત્રીને યાદ કરે... અહીં સર્વના સ્વીકારની વાત છે...
 
ગનિકા અજામલિ બ્યાધ ગીધ ગજાદખિલ તારે ઘના ।
જાકી કૃપા લવલેસ તે મતમિંદ તુલસીદાસ હું ॥
 
આવા આવા લોકોને તાર્યા છે રામે. એટલા માટે જ તુલસી કહે છે કે રામ સમાન પ્રભુ નાહીં કહુ. કોઈને નાના ન ગણવા જોઈએ. એ અપૂર્ણ એટલા માટે છે, એનામાં પૂર્ણતા સૂતી છે. વિનયપત્રિકામાં એક પંક્તિ છે `બીટપ મધ્ય પુતરિકા' જેમ દરેક પથ્થરમાં એક મૂર્તિ છે એમ દરેક ઝાડમાં એક પૂતળી છે. સદગુરુ રૂપી પીંછી મળે એટલે સફેદ કાગળ પણ મેઘધનુષ્ય થઈ જાય છે. ઓશો કહે છે તેમ સવાલ પામવાનો નથી, સવાલ ઓળખવાનો છે. ઈશ્વર કીડીના પગમાં ઝાંઝર પણ સાંભળે છે અને અઝાન પણ સાંભળે છે...
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી
hardwargoswami@gmail.com 
Powered By Sangraha 9.0