ભીષ્મપિતામહના ઇચ્છામૃત્યુનું રહસ્ય વાંચો માત્ર ૨ મિનિટમાં...

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

Bhishma Pitamah_1 &n 
 
 
(પોષ માસ - મોક્ષગતિ માસ નિમિત્તે)
(જીવનપર્યંત અખંડ બ્રહ્મચર્ય - પ્રતિજ્ઞાનું પાલન કરનાર મહાભારતના યુદ્ધના અજેય યોદ્ધાની મૃત્યુપળ)
ભીષ્મપિતામહનું ઇચ્છામૃત્યુ - મોક્ષગતિ - ધર્મોપદેશ
 

ભીષ્મપિતામહના ઇચ્છામૃત્યુનું રહસ્ય 

 
પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું ધર્મયુદ્ધ ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. કુરુક્ષેત્રના આ યુદ્ધમાં અનેક મહારથીઓ હતા, પણ એકેય ભીષ્મને હરાવી શકે તેમ ન હતા. કૃષ્ણ એક માત્ર એવા હતા જે ભીષ્મને હરાવી શકે, પણ કૃષ્ણએ યુદ્ધમાં હથિયાર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કરી હતી. હવે ! કૌરવ સેનાપતિ ભીષ્મને હરાવવાની સમસ્યા ઊભી થઈ. કરવું શું ? પાંડવો, તેમાં ખાસ અર્જુનને ચિંતા થવા માંડી. તેથી અર્જુને તેના રથના સારથિ શ્રીકૃષ્ણને આ અંગે પૂછ્યું, હે ત્રણે કાળના જ્ઞાતા વિરાટ સ્વરૂપ પ્રભુ ! ભીષ્મપિતામહના મૃત્યુનું રહસ્ય શું છે ? તેમનો પરાજય કેવી રીતે કરી શકાય? શ્રીકૃષ્ણે કહ્યું, હે ધનંજય ! યુદ્ધનો આજે ૧૦મો દિવસ છે. તમે પાંડવો ભેગા મળી તેમની પાસે જાઓ. તેમના પરાજયનું કારણ જાણો. તે તમને હણશે નહીં. તેવી પૂર્વશરતથી અધર્મી એવા કૌરવોના સેનાપતિ બન્યા છે. તેમને વિનંતી કરો ! શ્રીકૃષ્ણની સૂચના પ્રમાણે યુધિષ્ઠિરની આગેવાની હેઠળ પાંડવો ભીષ્મપિતામહ પાસે ગયા. તેમણે પૂછ્યું, હે હસ્તિનાપુરની ધરોહર ! ભીષ્મપિતામહ ! ન છૂટકે અધર્મનો પક્ષ લઈ યુદ્ધમાં અમારી સામે તમે છો, તે અમારા માટે ચિંતા ઉપજાવે છે. આપના મૃત્યુનું રહસ્ય શું છે તે જણાવો.
 
ભીષ્મપિતામહે હસતાં હસતાં તેમના મૃત્યુનું રહસ્ય જણાવતાં પોતાના જીવનનો ઘટનાક્રમ વર્ણવતાં જણાવ્યું, હે પાંડુપુત્રો! મારા પિતા શાંતનુ હસ્તિનાપુરના રાજા હતા. મારી માતા ગંગાનો, પિતા શાંતનુ સાથે મેળાપ થયો. મારી માતાનું  આઠમું સંતાન વસુસ્વરૂપે હતો. મારી માતાએ મને બૃહસ્પતિ પાસે ચાર વેદ તથા ધનુર્વેદ ભણાવ્યા. દેવોના રાજા ઇન્દ્રએ પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર આપ્યાં. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામે ધનુર્વિદ્યા શીખવી. મારી માતાએ મને સર્વગુણસંપન્ન તથા યુદ્ધમાં અજેય - અપરાજિત બનાવી પિતા શાંતનુને સોંપ્યો. પિતાએ મને હસ્તિનાપુરની ગાદીએ બેસાડ્યો હતો. મારામાં સર્વગુણસંપન્ન દૈવીશક્તિઓ હોવાથી મારું નામ દેવવ્રત પાડ્યું હતું.
 
સમગ્ર ચિંતામાંથી મુક્ત થઈ મારા પિતા ગંગા નદીમાં સ્વૈરવિહાર કરતા હતા તે વેળાએ મત્સ્યગંધા સત્યવતીના મોહપાશમાં બંધાયા. સત્યવતીના પિતાએ તેમની પુત્રીથી જે સંતાનો થાય તેમને જ હસ્તિનાપુરની રાજગાદી સોંપવી એવી પ્રતિજ્ઞાનો પ્રસ્તાવ મૂક્યો. પિતા શાંતનુ આ પ્રસ્તાવથી દુઃખી થવા લાગ્યા અને બીમાર પડ્યા. પિતાનું આ દુઃખ મારાથી સહન થયું નહીં. હે પાંડુપુત્રો ! આ વેળાએ મારામાં અપાર દૈવીશક્તિ પ્રગટી. પિતાની સુખાકારી માટે મેં સત્યવતીના પિતા નિષાદરાજને વચન આપ્યું અને પ્રતિજ્ઞા કરી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ. સત્યવતીનાં સંતાનો જ હસ્તિનાપુરની ગાદી સંભાળશે. હું તેમની તથા હસ્તિનાપુરની રક્ષા કરીશ. નિષાદરાજને વચન આપી હું સત્યવતીને રથમાં બેસાડી હસ્તિનાપુર લાવ્યો હતો. મારા પિતા સત્યવતીને નિહાળી સાજા થવા માંડ્યા. મારા પિતાએ મારી ભીષણ (ભીષ્મ) પ્રતિજ્ઞાથી પ્રસન્ન થઈ મને વરદાન આપ્યું, હે મારા નિષ્પાપ પુત્ર ! જ્યાં સુધી તું જીવવા ઇચ્છીશ ત્યાં સુધી મૃત્યુ તારો વાળ પણ વાંકો કરી નહીં શકે. તારી સ્વીકૃતિ લઈને જ તે તારા પર પોતાનો પ્રભાવ પાડી શકશે. આમ કહી ભીષ્મપિતામહે પાંડવોને તેમના ઇચ્છામૃત્યુનું રહસ્ય સંભળાવ્યું. દેવવ્રતમાંથી ભીષ્મ નામ શાથી થયું તે જાણી પાંડવોને પણ પિતા-પિતામહ તથા પ્રપિતામહ અંગે જાણવા મું. ભીષ્મપ્રતિજ્ઞા તથા ભીષ્મના ઇચ્છામૃત્યુનું રહસ્ય મહાભારત ગ્રંથમાં ભગવાન વેદવ્યાસે અભૂતપૂર્વ રીતે વર્ણવ્યું છે.
 

Bhishma Pitamah_1 &n 
 

બાણશય્યા અને ભીષ્મની મોક્ષગતિ

 
મહાભારતના યુદ્ધનો દસમો દિવસ હતો. અર્જુને ભીષ્મપિતામહના મૃત્યુનું રહસ્ય જાણ્યું. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થવાને આઠ દિવસ બાકી હતા. સૂર્યનારાયણ દક્ષિણાયનમાં હતા. પોષ માસ શરૂ થયો હતો. કૌરવો તથા પાંડવોની છાવણીઓમાંથી મોટાભાગના યોદ્ધાઓ વીરગતિને પામ્યા હતા. કૌરવોનો પરાજય નિશ્ચિત જણાતો હતો. શ્રીકૃષ્ણએ અર્જુનને પ્રેરણા આપી કે, ભીષ્મપિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન છે અને યુદ્ધ પૂર્ણ થવાનું બાકી છે. તો બાકીના દિવસોમાં ભીષ્મને શય્યાની આવશ્યકતા પડશે, તેથી તેમના માટે બાણશય્યાનું નિર્માણ થાય. અર્જુનનાં બાણોથી ભીષ્મપિતામહ બાણશય્યા પર ઇચ્છામૃત્યુને ભેટવા સૂતેલા હતા. તેમની મોક્ષગતિ પૂર્ણતાને આરે હતી. અર્જુન પિતામહને બાણશય્યા પર સુવડાવી તેમની સેવામાં બેસી ગયો. ત્યાં બાણગંગા પ્રગટ કરી પિતામહની તૃષા છિપાવી છે. ભીષ્મપિતામહે મૌન ધારણ કર્યું છે.
 
શ્રીકૃષ્ણ તથા યુધિષ્ઠિર ભીષ્મજી પાસે પહોંચ્યા. ભગવાન વ્યાસ, મહર્ષિઓ, કૃપાચાર્ય, ઋષિમુનિઓની મંડળીઓ બાણશય્યા પર સૂતા ભીષ્મને ચારે બાજુ વીંટળાઈને બેસી ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણે વાતનો આરંભ કર્યો પિતામહ ! બાણોના પ્રહારથી બાણશય્યા પર સૂવાનું કષ્ટ સહન કરવું પડતું તો નથી ને ? કેમ કે માનસિક દુઃખથી શારીરિક દુઃખ વધારે પ્રબળ હોય છે. શરીરમાં એક કાંટો ભોંકાઈ જાય તો તે ભારે કષ્ટ આપે છે ત્યારે તમે તો બાણોના સમૂહ પર રહ્યા છો તેની વેદના વિશે તો કહેવાના શું? તેમ છતાં તમારા વિશે આવી વાત કહેવી ન જાેઈએ, કેમ કે તમે જાણો છો કે પ્રાણીઓનાં જન્મ-મરણ થતાં રહે છે. તેથી આ કષ્ટને દૈવનું વિધાન સમજી તમે ગભરાઓ એવા નથી. તમે તો દેવતાઓને જ્ઞાન આપો તેવા મહાન જ્ઞાની છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ તમને ષ્ટિગોચર છે. શ્રીકૃષ્ણએ વધુમાં કહ્યું, હે તાત ! તમારું અખંડ બ્રહ્મચર્ય તથા તમારી ભીષ્મ પ્રતિજ્ઞા ચિરંજીવ રહેશે. ત્રણે લોકમાં સત્યવાદી, ધર્મપરાયણ, શૂરવીર તથા મહાપરાક્રમી શાન્તનુનંદન ભીષ્મ સિવાય બીજા કોઈને જાણ્યા નથી, જે બાણશય્યા પર સૂઈને પોતાના તપોબળથી તથા પિતાના આશીર્વાદથી શરીરને માટે સ્વાભાવિક મૃત્યુને રોકવા સફળ થયા હોય.
 
શ્રીકૃષ્ણની વાણી સાંભળી બાણશય્યા પર સૂતા ભીષ્મે સહેજ માથું ઊંચું કર્યું અને બે હાથ જોડી કૃષ્ણની સ્તુતિ કરી.
ભીષ્મજીએ કહ્યું, વાસુદેવ ! તમારા દર્શનથી મારા શરીરની બળતરા, મનનો મોહ, થાક, વ્યાકુળતા વગેરે દૂર થઈ ગયાં છે. જનાર્દન ! તમારી પ્રેરણાથી ધર્મ અંગેનું જ્ઞાન હું પામી ગયો છું. હું દેશ, જાતિ અને કુળના ધર્મોને જાણું છું. મારી આ સ્થિતપ્રજ્ઞ અવસ્થા તથા ઉપદેશ આપવા લાયક બુદ્ધિનો પ્રવેશ મારી આ બાણશય્યાને શોભાવે છે.
 
હે ગોવિંદ ! તમારી આજ્ઞાની રાહ જાેઈને ઇચ્છામૃત્યુને ભેટવાની પળોમાં મારા પુત્રો તથા પ્રપુત્રો અને સમગ્ર સંસારને જીવનનું રહસ્ય તથા રાજધર્મનો ઉપદેશ આપવાની ઇચ્છા રાખું છું. મારા જ્યેષ્ઠ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછવા માટે આહ્વાન કરું છું. હે યોગેશ્વર ! તમારી આજ્ઞાથી યુધિષ્ઠિરને મારી સમીપ લાવો. ત્યાર બાદ યુધિષ્ઠિર, બાણશય્યા પર સૂતેલા ભીષ્મપિતામહની સમીપ આવે છે. યુધિષ્ઠિર ભીષ્મને પ્રશ્ન કરે છે : પિતામહ ! ધર્મના જ્ઞાતા એવું માને છે કે રાજાનો ધર્મ શ્રેષ્ઠ છે. તેથી મને રાજધર્મનો ઉપદેશ આપો. રાજાના ધર્મોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધાનો સમાવેશ થાય છે. જેમ ઘોડાને કાબૂમાં રાખવા માટે લગામ અને હાથીને વશ કરવા માટે અંકુશ છે, તે જ પ્રમાણે સમસ્ત સંસારને મર્યાદામાં રાખવા માટે રાજધર્મ દોરડાનું કામ કરે છે.
 
ભીષ્મપિતામહે કહ્યું, યુધિષ્ઠિર ! વિશ્વવિધાતા શ્રીકૃષ્ણ અને ઋષિમુનિઓ તથા બ્રાહ્મણો દ્વારા વેદ, ઉપનિષદ તથા તમામ પ્રકારના સંસ્કારોથી વર્ણવાયેલા સનાતન ધર્મનું વર્ણન કરું છું તે તમે સાંભળો જેનાથી રાજધર્મનું સંપૂર્ણ જ્ઞાન થશે.
 
ભીષ્મએ કહ્યું, હે રાજન ! રાજાએ સર્વ પ્રથમ પ્રજાને પ્રસન્ન રાખવી આવશ્યક છે. રાજાએ વિજય માટે હંમેશા પુરુષાર્થ કરવો. સત્યપરાયણ રહેવું. તેણે મન પર કાબૂ રાખવો. રાજાએ કદી ધૈર્ય છોડવું નહીં. ક્રોધ તથા વેરવૃત્તિ રાજાના શત્રુઓ છે. રાજાએ મનથી પણ ધનસંગ્રહ તથા સ્વાર્થવૃત્તિથી સંસારના પ્રલોભનોમાં રહેવું નહીં. સ્થિતપ્રજ્ઞ થઈ સાધુભાવથી પ્રજાની સેવા કરવી. ભોગવિલાસ તથા પાખંડીઓથી દૂર રહેવું. ધર્મની રક્ષા કરવા અસુરોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત કરવી.
 
બાણશય્યા પર સૂતેલા ભીષ્મ યુધિષ્ઠિર તથા મુમુક્ષોને સનાતન ધર્મનો ઉપદેશ આપતાં શ્રીકૃષ્ણ તરફ ષ્ટિ ફેરવે છે. શ્રીકૃષ્ણ ભીષ્મનો ઇશારો સમજે છે. શ્રીકૃષ્ણ સમજી ગયા કે હવે ભીષ્મની ઇચ્છામૃત્યુની પળ નજીક છે. શ્રીકૃષ્ણ ભીષ્મની નજીક આવી તેમનાં ગુણગાન કરે છે. શ્રીકૃષ્ણે ભીષ્મને તેમના દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. કૃષ્ણએ કહ્યું, પુરુશ્રેષ્ઠ ! ભારત ! તમે મારા ભક્ત છો. તમે સરળ સ્વભાવના છો. તમે જિતેન્દ્રિય, તપસ્વી, સત્યવાદી, દાની તથા પરમપવિત્ર છો. તમારી સેવામાં મારો દિવ્યલોક પ્રસ્તુત છે. ત્યાં જઈને પાછું સંસારમાં આવવું પડતું નથી. હવે તમારા જીવનના કુલ છપ્પન દિવસ શેષ છે. ત્યાર બાદ તમે શુભકર્મોનાં ફળસ્વરૂપ ઉત્તમ લોકમાં જશો. જુઓ, આ દેવતાઓ અને વસુઓ વિમાનમાં બેસીને આકાશમાં અશ્ય રૂપે રહીને સૂર્ય ઉત્તરાયણ થતાં તમારા આવવાની વાટ જોઈ રહ્યા છે.
 
શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં કરતાં બાણશય્યા પર સૂતેલા ભીષ્મ શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપ જેનાં દર્શન માત્ર અર્જુનને થયાં હતાં તે નિહાળી શ્રીકૃષ્ણનું ધ્યાન ધરે છે. યુદ્ધમધ્યે અર્જુનને ઉપદેશમાં કહેલાં વચનોનું સ્મરણ કરે છે.
 
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહણાતિ નરોડપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥
(ગીતા અ. ૨, શ્લોક ૨૨)
 
નૈનં છિદન્તિ શસ્ત્રાણિ
નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં કલેદયન્ત્યાપો
ન શોષયતિ મારુતઃ ॥
 
(ગીતા અ. ૨, શ્લોક ૨૩)
 
અંતે ભીષ્મપિતામહ માતા ગંગાજીનું સ્મરણ કરી, શ્રીકૃષ્ણ શરણમ્ના મંત્રોચ્ચારથી આદ્યશક્તિ મા ભગવતીના તેજોમય સ્વરૂપમાં સૂર્યનારાયણના ઉત્તરાયણના દિવસે પોષ માસ મોક્ષ માસમાં મોક્ષગતિના માર્ગે બ્રહ્મલીન થયા.
 
- જયંતિકાબેન જોષી