ઓસ્ટ્રેલિયાની ભીષણ આગ કુદરતી સંતુલન ખોરવાય તો શું થાય ?

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

Australia fires_1 &n
 
ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગ બૂઝવાનું નામ નથી લેતી અને આ આગની ભયાવહતા વધી રહી છે તેના કારણે હવે તો જંગલ બહારના વિસ્તારો પર પણ ખતરો વધી રહ્યો છે. આ આગના કારણે જાનમાલનું તો નુકસાન થઈ જ રહ્યું છે પણ બીજી પણ કેટલીક એવી સમસ્યાઓ અથવા તો આડઅસરો સર્જાઈ છે કે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. સૌથી મોટી સમસ્યા કુદરતે બનાવેલું સંતુલન ખોરવાઈ ગયું તે છે ને સ્થિતિ એ થઈ ગઈ છે કે, ઓસ્ટ્રેલિયાની સરકારે ૧૦ હજાર જંગલી ઊંટોની હત્યા કરવાનો આદેશ આપવા માટે મજબૂર થવું પડ્યું છે. ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગના કારણે કરોડોની સંખ્યામાં વન્યજીવો મોતને ભેટ્યા છે અને આ આંકડો વધતો જ જાય છે. અત્યાર સુધીમાં બહાર પડાયેલા આંકડા પ્રમાણે ૫૦ કરોડ કરતાં વધારે પ્રાણીઓ આગના કારણે મોતને ભેટ્યાં છે.
 

૧૦ હજાર જંગલી ઊંટોને મારવાનો આદેશ

 
આ સંજોગોમાં ખરેખર તો સરકાર પ્રાણીઓને બચાવવા માટે પ્રયત્ન કરે પણ તેના બદલે અહીં તો સરકાર સામેથી જંગલી ઊંટોને મારવાનો આદેશ આપી રહી છે કેમ કે આ જંગલી ઊંટો માણસોના વિસ્તારોમાં ઘૂસીને આતંક મચાવી રહ્યા છે ને માણસોના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય એ રીતે વર્તી રહ્યાં છે. જંગલમાં લાગેલી આગના કારણે ઊંટો ભાગીને શહેરો તરફ વળી રહ્યાં છે. ઊંટોને પાણી બહુ પીવા જોઈએ અને એ તેમને સરળતાથી મળતું નથી તેથી લોકોનાં ઘરોમાં સુધ્ધાં ઘૂસી જાય છે. ઓસ્ટ્રેલિયામાં વસતી બહુ ઓછી છે તેથી લોકો છૂટાછવાયા રહે છે.
 

Australia fires_1 &n 
 
જંગલી ઊંટો આ મકાનોની બહાર રહેલી ટાંકીઓમાંથી તો પાણી પી જ જાય છે પણ એ.સી. સહિતનાં ઉપકરણોમાં તોડફોડ કરીને પણ પાણી પી જાય છે. તેના કારણે શહેરી વિસ્તારોમાં પાણીની તંગી ઊભી થઈ રહી છે ને પાણી વિના લોકો ના જીવી શકે તેથી ઓસ્ટ્રેલિયાની સરકાર પાસે તેમને મારવા સિવાય બીજો વિકલ્પ નથી. શહેરી વિસ્તારમાં ઘૂસેલાં મોટા ભાગનાં ઊંટો પાણી પીવા માટે ફાંફાં મારે છે ને તેના કારણે સરોવર સહિતના પાણીના સ્રોત પાસે પહોંચે છે. સરોવરો ઊંડાં હોય છે તેથી ઊંટો તેમાં પડીને મરી જતાં હોવાથી તે પાણી પણ પ્રદૂષિત થઈ જાય છે. આ પ્રદૂષિત પાણી લોકો વાપરી શકતા નથી. તેથી મજબૂરીવશ ઊંટોને મારવાનું પગલું ભરવું પડ્યું છે. તેવું ઓસ્ટ્રેલિયન સરકાર જણાવે છે.
 

શહેરો તરફ ઊંટોનું આક્રમણ

 
અત્યારે ઓછા પ્રમાણમાં ઊંટો શહેરો તરફ ભાગી રહ્યાં છે પણ દિવસો જશે તેમ તેમ તેમની સંખ્યા વધશે કેમ કે જંગલના અંદરના વિસ્તારો તો સાવ સાફ થઈ ગયા છે. આ વિસ્તારોમાં રાખ સિવાય કંઈ બચ્યું નથી તેથી ઊંટોને પાણી મળવાનું નથી. આ સ્થિતિમાં બચી ગયેલાં ઊંટો શહેર તરફ ભાગીને આવશે. આ ઊંટો મોટાં ટોળાંમાં હોય છે તેથી સામાન્ય લોકો પાસે તેમનો સામનો કરવાની તાકાત જ ના હોય. તેના કારણે સરકારે અનિચ્છા છતાં દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં ૧૦ હજાર જંગલી ઊંટોની હત્યા માટેનો આદેશ આપીને પાંચ દિવસનું ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર નિશાનબાજો નીચે દોડી રહેલાં ઊંટોનો શિકાર કરી રહ્યા છે.
 

Australia fires_1 &n 
 

દર વર્ષે ઊંટોની સંખ્યા બમણી થઈ જાય છે

 
ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય લેવો પડ્યો તેનું બીજું પણ કારણ છે. મધ્ય ઓસ્ટ્રેલિયામાં આ જંગલી પ્રજાતિના ૧૨ લાખથી પણ વધારે ઊંટો વસે છે. દર વર્ષે જંગલી ઊંટોની વસ્તી લગભગ બમણી થઈ જાય છે. આ ઊંટો દર વર્ષે એક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે અને તેના કારણે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ પણ વકરે છે. મોટા પ્રમાણમાં જંગલ હોવા છતાં આ સમસ્યાનો ઓસ્ટ્રેલિયા સામનો કરી રહ્યું છે ત્યારે હવે તો જંગલવિસ્તાર મોટા પ્રમાણમાં નાશ પામ્યો છે ત્યારે શું હાલત થાય તેની કલ્પના કરી જુઓ. આ કારણે પણ જંગલી ઊંટોની વસ્તીને નિયંત્રિત રાખવી જરૂરી લાગે છે તેવું સરકારી પ્રવક્તા જણાવે છે.
 
ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગે બીજી એક મહત્વની બાબત તરફ પણ આપણું ધ્યાન દોર્યું છે. આપણે વરસોથી સાંભળીએ છીએ કે જંગલો નાશ પામી રહ્યાં છે અને તેના કારણે માણસોની મુશ્કેલીઓ વધી રહી છે. જંગલો નાશ પામી રહ્યાં હોવાથી કયા કયા પ્રકારની તકલીફો પડી રહી છે તેની વાતો પણ આપણે વરસોથી સાંભળીએ છીએ પણ ઓસ્ટ્રેલિયામાં તો વધારે જંગલો હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. બહુ મોટા વિસ્તારમાં આ જંગલવિસ્તાર છે તેથી આગે પણ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું ને તેના કારણે કોઈએ કલ્પના પણ ના કરી હોય એવી ભયાનક ખુવારી થઈ છે.
 

Australia fires_1 &n 
 
ઓસ્ટ્રેલિયાની આગે કુદરતે બનાવેલું સંતુલન ખોરવાય તો શું થાય તેનું ટ્રેલર આપણ બતાવ્યું છે. જંગલો નાશ પામે તો ત્યાં રહેતાં પ્રાણીઓ શહેરી વિસ્તારો માટે કેવો મોટો ખતરો બની શકે તેનો અનુભવ ઓસ્ટ્રેલિયનો કરી રહ્યા છે.
 
આપણે વિચારવાની બાબત એ છે કે આવું કેમ થયું ને તેનો જવાબ એ છે કે, માત્ર વધારે વૃક્ષો કે વધારે જંગલ વિસ્તાર હોય એ પૂરતું નથી પણ તેનું જતન કરવું પણ જરૂરી છે. જંગલમાં શું ચાલી રહ્યું છે એ ધ્યાન રાખવું પડે ને તેના પર ચાંપતી નજર રાખવી પડે. બાકી ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ ફાટી નીકળી એવું થઈ જાય ને વાત કાબૂ બહાર જતી રહે. મોટા જંગલમાં નાની ચિનગારી પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ભારે તબાહી વેરી શકે એ અત્યારે આપણે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગમાં જોયું ને એ પહેલાં પણ જોયું છે. આ સ્થિતિ ના થાય એ માટે સરકારી તંત્રે તો સતર્ક રહેવું જ પડે પણ લોકોએ પણ સતર્ક રહેવું પડે. જરાક ચૂક થાય તો તેની મોટી કિંમત ચૂકવવી પડે જે અત્યારે ઓસ્ટ્રેલિયનો ચૂકવી રહ્યા છે.
 
- જય પંડિત