શું બાંગ્લાદેશી ઘૂસણખોરો પછી રોહિંગ્યા મુસલમાનોને સાભાર પરત મોકલવામાં આવશે?

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

Rohingya conflict_1  
 

રોહિંગ્યાઓને પાછા મોકલવાનો નિર્ણય દેશહિતમાં

 
કેન્દ્રની ભાજપા સરકારે એક પછી એક નક્કર પગલાં ભરીને દેશમાં સુધારાની પ્રક્રિયા આગળ ધપાવી છે અને તેના ભાગરૂપે હવે રોહિંગ્યા મુસ્લિમોને ભારત બહાર ધકેલવાની પ્રક્રિયા હાથ ધરી છે. કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્રસિંહે એલાન કર્યું છે કે હવે પછી કેન્દ્ર સરકાર રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો હાથ પર લેશે અને રોહિંગ્યા મુસલમાનોને તેમના દેશ ધકેલવાની પ્રક્રિયા હાથ ધરશે. નવા સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) એક્ટ હેઠળ રોહિંગ્યાઓને નાગરિકતા મળવાની નથી તેથી તેમને ભારતમાં નહી રહેવા દેવાય. સિંહે તો રોહિંગ્યા મુસ્લિમો બંગાળમાં ઘૂસ્યા અને સંખ્યાબંધ રાજ્યો પસાર કરીને છેક ઉત્તરમાં જમ્મુ સુધી કઈ રીતે પહોંચી ગયા તેની પણ તપાસ કરવાની જાહેરાત કરી છે.
 
આ જાહેરાત મહત્ત્વની છે કેમ કે રોહિંગ્યા મુસ્લિમો ભારત માટે ખતરનાક બનતા જાય છે અને તેના કારણે દેશની સલામતી સામે પણ ખતરો છે. રોહિંગ્યા મુસ્લિમો મૂળ મ્યાનમારના રખાઈન પ્રાંતના છે પણ મ્યાનમાર તેમને સંઘરવા તૈયાર નથી. મ્યાનમારમાં બૌદ્ધ ધર્મીઓ સાથે તેમને બાપે માર્યાં વેર છે તેના કારણે મ્યાનમારમાં એ લોકોથી રહેવાય એમ નથી. બૌદ્ધધર્મીઓ અને રોહિંગ્યા મુસ્લિમો વચ્ચે લાંબા સમયથી ડખા ચાલતા હતા પણ ૨૦૧૨માં આ ઝઘડો વકર્યો ને મોટા પાયે રમખાણ મચી ગયાં.
 

Rohingya conflict_1  
 
બૌદ્ધધર્મીઓએ રોહિંગ્યાઓને પકડી પકડીને ઠમઠોર્યો. પરિણામે એ લોકો મ્યાનમારથી હોડીઓમાં બેસી બેસીને ભાગ્યા ને એશિયાના ઘણા દેશોમાં ઘૂસી ગયા. ભારતમાં પણ ઘણા રોહિંગ્યા ઘૂસી ગયેલા ને આપણે ઘણા બધાને તગેડી મૂકેલા પણ એ છતાં ગમે તે રીતે ચાલીસેક હજાર રોહિંગ્યા મુસ્લિમો આપણે ત્યાં ઘૂસી ગયા હતા. આ રોહિંગ્યા મુસ્લિમો જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને આસામમાં આવીને જામી ગયા છે. આ વણનોતર્યા મહેમાનોનું શું કરવું તેની ગડમથલ લાંબા સમયથી ચાલતી હતી પણ કોંગ્રેસને આ મુદ્દે કશું પણ કરવામાં રસ નહોતો તેથી કશું ના થયું. બાંગ્લાદેશી ઘૂસણખોરો જામી ગયેલા એ રીતે રોહિંગ્યા પણ જામી ગયા.
 

Rohingya conflict_1  
 
કેન્દ્રમાં ભાજપ સરકાર આવી પછી તેમણે નક્કી કર્યું કે રોહિંગ્યા મુસલમાનોને સાભાર પરત કરવા ને મ્યાનમાર પાર્સલ કરી દેવા. મોદી સરકારના આ નિર્ણય સામે બે રોહિંગ્યા નાગરિકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ત્યારે સુપ્રીમ કોર્ટે મોદી સરકારનો જવાબ માગ્યો હતો. કેન્દ્ર સરકારે એ વખતે જ રોહિંગ્યાઓને ભારતમાં ના રાખી શકાય તે માટે પાંચ કારણો આપેલાં. આ કારણો પ્રમાણે, રોહિંગ્યા મુસ્લિમો આપણા નાગરિકો નથી તેથી તેમને પોષવાની જવાબદારી સરકારની નથી. રોહિંગ્યા મુસ્લિમોમાંથી કેટલાક પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ને ઇસ્લામિક સ્ટેટ જેવાં આતંકવાદી સંગઠનોના પીઠ્ઠુ છે.
 
તેમના છેડા આતંકવાદીઓ સાથે અડકેલા છે ને તેમના કારણે ભારતમાં સલામતી સામે મોટો ખતરો છે તેથી તેમને અહીં રાખી શકાય તેમ નથી. રોહિંગ્યા અમારા માથે આવી પડેલા ગેરકાયદેસર વસાહતી છે તેથી તેમને સંઘરવા અમારી ફરજ નથી. ભારતના આ વલણ સામે યુનાઈટેડ નેશન્સે વાંધો લીધેલો પણ મોદી સરકારે તેની સામે પણ મક્કમ વલણ દાખવેલું.
આ મક્કમ વલણ કેન્દ્ર સરકારે જાળવ્યું છે અને રોહિંગ્યા મુસ્લિમોને તેમના દેશ પાછો મોકલવાની પ્રક્રિયા શરૂ કરીને દેશહિતમાં મહત્ત્વનું પગલું ભર્યું છે. આ પ્રક્રિયા ઝડપથી પતે એ દેશના હિતમાં છે. કેન્દ્ર સરકારની મક્કમતા જોતાં એવું થશે તેમાં શંકા નથી.