શું ઇરાન-અમેરિકા ઝઘડો વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે?

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

iran us_1  H x
 

સુલેમાની...અને અંતે એને ફૂંકી માર્યો. 

 
દુનિયાના મધ્ય - પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ સ્ફોટક બની છે. ઈરાનના અત્યંત લોકપ્રિય અને દુનિયાના કુખ્યાત જનરલ કાસિમ સુલેમાનીને ડ્રોન હુમલા દ્વારા ફૂંકી મારીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધનો પાયો ખોધો તેવું વાતાવરણ છે. સુલેમાનીનો ટ્રેક રોકોર્ડ બેશક ખરાબ હતો. ૨૦૦૨થી ઈરાનમાં ક્રાંતિકારી પરંતુ યુરોપ, અમેરિકા અને ભારતની ષ્ટિએ બળવાખોર, ઉદ્દામવાદી અને ત્રાસવાદી માનસિકતા ધરાવતા સુલેમાનીએ અનેક આતંકવાદી હુમલાઓને અંજામ આપેલા. ૨૦૧૨માં દિલ્હીમાં એક ઇઝરાયેલી રાજદૂત પર થયેલા હુમલાનું પગેરુંય તેના સુધી પહોંચેલું તો જર્મની, બેંગકોક, જ્યોર્જીયા, લેબેનોન, સીરિયા વગેરેમાં થયેલી મોટી આતંકવાદી ઘટનાઓમાં પણ જનરલ સુલેમાનીનો હાથ હોવાની દહેશત છે. અમેરિકા વિરુદ્ધ છેલ્લા છ મહિનાથી તેણે મોરચો માંડેલો. સાઉદી અરેબિયાની આરામકો રિફાઈનરી પર થયેલા હુમલા માટે અમેરિકાએ સુલેમાની પર આળ મૂકેલું. તેણે અમેરિકી ઓઇલ ટેન્કરો પર હુમલા કરાવ્યા, પંદર દિવસ પહેલાં જ રોકેટ લોન્ચર છોડીને એક અમેરિકન કોન્ટ્રાક્ટરની હત્યા કરાવેલી અને નાતાલની ઉજવણી દરમિયાન બગદાદની અમેરિકી એલચી પર હુમલો કરવાનો પ્રયાસ કરેલો. આ ઘટના ઊંટની પીઠ પરનું આખરી તણખલું સાબિત થઈ, અમેરિકાને લાગ્યું સુલેમાની હવે હદ વટાવી ચૂક્યો છે અને અંતે એને ફૂંકી માર્યો.
 

હવે તો એ નોબલ શાંતી પુરસ્કારના દાવેદાર છે ?

 
 
આ હત્યાના અત્યંત ભારે પ્રતિઘાતો ઈરાનમાં પડ્યા, સમગ્ર દેશ એક અવાજે અમેરિકા સામે બદલાની માંગણી કરતાં ઈરાને બગદાદ નજીક અમેરિકન છાવણી પર ૨૪ મિસાઈલો છોડીને અમેરિકી એરબેઝને છિન્ન-ભિન્ન કરી નાંખ્યો. છેલ્લાં સમાચાર મુજબ ઇરાને ભૂલથી યુક્રેનના પેસેન્જર વિમાનને તોડી પાડ્યું, જેમાં ૧૭૬ નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. ૧૯૭૬થી આવા ઘણા વિમાનો તોડી પડાયા તેમાં ૧૩૨૨ લોકોએ જાન ગુમાવ્યા (વગર લડાઈએ ?) સુલેમાની પરનો હુમલો ઇરાનના એરપોર્ટની બહાર કરાયો હોવાથી ઇરાકે પણ નારાજ થઈ ઈરાકમાં રહેલા અમેરિકી સૈનિકોને પાછા બોલાવી લેવાનો પત્ર પાઠવી અમેરિકાને ભીંસમાં મૂક્યું. પણ બધી જ વખતે આકરો પ્રતિભાવ આપવા માટે પંકાયેલા ટ્રમ્પે આ વખતે માત્ર `ઓલ ઈઝ વેલ' એટલું જ ટવિટ કર્યુંએ ય ભેદભરમ ઊભા કરનારું છે હવે તો એ નોબલ શાંતી પુરસ્કારના દાવેદાર છે ?
 
સાઉદી અરેબિયા-ઈરાન જેવા દેશો વર્ષોથી વોશિંગ્ટનના આશ્રિતો જેવા બની ગયા અને ઇજિપ્ત - સીરિયા જેવાં આરબ રાષ્ટ્રો ઈઝરાયેલનો વિરોધ કરતાં રહ્યાં પરંતુ આ નવા યહૂદી રાષ્ટ્ર કેવળ વોશિંગ્ટનના ટેકાને કારણે આરબો અને અન્ય મુસ્લિમ દેશોના પ્રચંડ વિરોધ વચ્ચે પણ અડિખમ ઊભું રહી શક્યું અને આજે પણ આ કારણે જ અડીખમ ઊભું છે.
 

iran us_1  H x  
 

યુદ્ધના નિયમોનું પાલન 

 
ઈરાન જેવો એક નાનકડો અને લશ્કરી અને આર્થિક રીતે અમેરિકાથી સાવ નબળો દેશ ઈરાન વિશ્વ મહાસત્તા ગણાતા અમેરિકાને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો છે. પેન્ટાગોને એવી ય વાત કરી છે કે ઈરાન પર કોઈ પણ સૈન્ય કાર્યવાહી કરતા પહેલાં અમે યુદ્ધના નિયમોનું પાલન કરીશું. પરંતુ ટ્રમ્પ પર કોઈ પણ એક્શન સમજી વિચારીને કરવા બાબતે પોતાના દેશમાંથી ય પ્રેશર ઊભું થયું છે.
 

વિશ્વમાં ભારતની વધતી શક્તિ 

 
દુનિયાનું અર્થતંત્ર નબળું પડતું બચાવવા અને યુદ્ધ અટકાવવા રાષ્ટ્રસંઘ સહિત વિશ્વભરના નેતાઓએ પોતાના પ્રયાસો આરંભી દીધા છે. ભારત ખાતેના ઈરાની એમ્બેસેડર અલી ચેગોનીએ એવું ય કહ્યું કે, અમેરિકા - ઈરાન વચ્ચે તણાવ ઘટાડવામાં ભારત કોઈ પહેલ કરશે તો તેનું સ્વાગત કરીશું. અર્થાત્ મધ્યસ્થ માટેની આ વિનંતી વિશ્વમાં ભારતની વધતી શક્તિનો વધુ એક પુરાવો છે.
 
ભારતને અમેરિકા અને ઈરાન બંને સાથે ઉમદા સંબંધો છે. ઈરાન પહેલેથી જ ભારતનું મિત્ર છે. ઈરાન પાસેથી આપણે સારા ભાવે તથા રૂપિયાના ચલણથી ઓઈલ આયાત કર્યું છે. છતાં અમેરિકી મંજૂરીને કારણે અન્ય દેશો પાસેથી મોંઘું તેલ ખરીદવું પડે છે. ઈરાનનું ચાબહાર બંદર વિકસાવવા સહિત અનેક પ્રોજેક્ટમાં ભારતની ભાગીદારીય ખરી.
 

તો ભારતને ય સહન કરવું પડે 

 
ભારતનો જીડીપી સતત ઘટી રહ્યો છે અને ફુગાવો વધી રહ્યો છે. સુલેમાનીની હત્યા સાથે જ ક્રૂડ ઓઈલના ભાવમાં ત્રણ ટકાનો વધારો થઈ ચૂક્યો છે. ડોલરની સામે રૂપિયો એકાએક ૬૩ પૈસા ઘસાઈ ગયો ગયો, સોનું ચાર મહિનાની ટોચે પહોંચી ગયું અને વિદેશી મૂડીરોકાણકારોએ ઈન્ડિયન બોન્ડસમાં રોકાણ અંગે શિથિલતા જાહેર કરી. યુદ્ધ થાય તો ઇરાક, ઈરાન અને ખાડીના દેશોમાં વસતા ૮૦ લાખ ભારતીયોની સલામતીનો પ્રશ્ન સૌથી વધુ પેચીદો બનશે. સદ્દામ હુસ્ોનના સમયમાં યુદ્ધ થયું ત્યારે ભારતે એર ઈન્ડિયાની ફ્લાઈટસ દ્વારા ૧.૧૦ લાખથી વધારે લોકોને ઇરાકમાંથી એર લિફ્ટ કરીને સ્વદેશ પહોંચાડેલાં, અત્યારે અખાતની આ ચિનગારી ભડકો બને તો લેવાદેવા વગર ભારતને ય સહન કરવું પડે.
 

આ કટોકટી મહાયુદ્ધ સુધી ન પહોંચે એ જ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક છે

 
 
ઉક્તિ છે કે `યુદ્ધસ્ય કથા: રમ્યા:'. માત્ર યુદ્ધની વાતો રોમાંચક લાગે છે, યુદ્ધ કદી રોમાંચક હોઈ શકે નહીં. એક મોટા યુદ્ધથી માત્ર યુદ્ધ કરનારા દેશો જ નહીં સમગ્ર વિશ્વના લોકોએ કોઈ ને કોઈ રીતે તેનાં માઠાં પરિણામો ભોગવવાં પડતાં હોય છે. ઈરાન-અમેરિકા વચ્ચેની આ કટોકટી મહાયુદ્ધ સુધી ન પહોંચે એ જ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક છે.