આત્મહત્યાથી દેહ મટશે. દેહાભિમાન નહીં મટે. મહાન આત્મહત્યા કરવી હોય તો...

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu_1  H 
 

અશ્રુજળથી ધોવાયેલો પ્રેમ સનાતન શુદ્ધ હોય છે

 
જૂની વાત છે. માઈડાસ નામનો રાજા હતો. સોના પાછળ એ ગાંડો હતો. એકવાર ભગવાન એને પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તો રાજાએ માગ્યું કે હું જેને સ્પર્શું એ સોનું થઈ જાય. તથાસ્તુ કહી દેવ અશ્ય થઈ ગયા.
 
રાજા તો મહેલની દરેક વસ્તુને સ્પર્શવા લાગ્યો. દરેક વસ્તુને સોનું થતું જોઈ એ હરખાતો રહ્યો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં આખો દિવસ ખાવા-પીવાનું ભાન ન રહ્યું પણ સાંજે એ જમવા બેઠો ત્યારે જમવાની દરેક ચીઝ સોનું બનવા માંડી. કશું ખાઈ ન શક્યો. દુખી દુખી થઈ ગયો. સામેથી એની દીકરી દોડતી આવી, એ હજુ એને કૈંક કહે એ પહેલાં તો એને ભેટી પડી અને એ પણ સોનાની થઈ ગઈ. એનું દુખ પરાકાષ્ઠાએ પહોચ્યું. હવે એને સમજાયું કે લાલચથી મોટો શ્રાપ કોઈ નથી અને માનવશરીરથી મોટું વરદાન કોઈ નથી. સોનાની લાલચમાં વહાલસોયી દીકરી ગુમાવી બેઠો.
 
ગીતાના ન્યાયે શુભ શ્રવણ મરણને પણ મહોત્સવ બનાવી દે છે. એટલે જ શ્રુતિપરાયણનું મહાત્મ્ય છે. `મરણ હૈ મીઠા. મરો, હે જોગી, મરો, મરણ હૈ મીઠા' એવી જ રીતે તુલસીદાસ કહે છે કે મૃત્યુ મનોહર છે. ગોરખનાથ પાસે એક વ્યક્તિ આવ્યો અને કહ્યું કે બાબા, મારે આત્મહત્યા કરવી છે.
 
ગોરખે કહ્યું કે કરો, આરામથી કરો. પેલો માણસ આશ્ચર્યમાં ગરક થઈ ગયો. તેણે કહ્યું કે જેટલા સાધુસંતોને આત્મહત્યાની વાત કરી તો એ સૌએ મને સમજાવ્યો અને રોક્યો. તમે તો ઊલટાનું પ્રોત્સાહન આપો છો. ત્યારે ગોરખે કહ્યું કે આત્મહત્યાથી દેહ મટશે. દેહાભિમાન નહીં મટે. મહાન આત્મહત્યા કરવી હોય તો મારી પાસે બેસી જા. મારી સાથે આવી જા. હું બતાવીશ કે મરણ મીઠું છે.
 
દરેકને એક દિવસ તો મરવાનું જ છે. પણ મૃત્યુ મોહક બને એ અગત્યનું છે.
 
મૃત્યુને પણ મનોહર બનાવે એ સાધુ. શબ્દ પવિત્રતમ શબ્દોમાંથી એક સાધુ મુખ્ય શબ્દ છે. સાધુ બ્રાહ્મણ નથી, સાધુ ક્ષત્રિય નથી, સાધુ વૈશ્ય નથી, સાધુ ઉપેક્ષિત નથી. સાધુ બધા વર્ણોથી પર છે. આપણે ત્યાં એક પ્રવાહી પરંપરા છે કે અવતારોના જન્મની ભૂમિ પૂજવામાં આવે છે. તુલસીના વિનયના આ પદનું ચિંતન કરવું જોઈએ. કોઈએ તુલસીને પૂછ્યું કે તમે સાધુ છો ? તો એમણે જવાબ આપ્યો કે હું સાધુનો સ્વભાવ ગ્રહણ કરું, એક પળ માટે પણ મારામાં સાધુતા આવી જાય તો એ ય ઘણું છે જેમ વીજળીને ચમકારે મોતીડાં પરોવી લઈએ. રામચરિત માનસ પર મહારાષ્ટ્રના સંતનું બહુ મોટું વિવેચન છે માનસ પીયૂષ. તેઓ જ્યારે આ પદ ગાતા ત્યારે ચોધાર આંસુઓ રડતા હતા.
 
`સાધુ સાધુ કરિ બ્રહ્મ બખાના' ... મીરાંભાઈને નામે પણ પદ છે - બેની મારે ભાગ્યે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ... માનસ હોવું એ ભાગ્યની વાત છે અને સાધુ હોવું એ બડભાગ્ય છે. સાધુને ક્યારેય સાધન ન બનાવવા, કેમ કે એ આપણું સાધ્ય છે. અવસ્થા અને વ્યવસ્થા વચ્ચેનો સેતુ એટલે સાધુ. આજે વિશ્વને એવા સાધુની જરૂર છે કે જે અધ્યયનશીલ પણ હોય અને ભજનશીલ પણ હોય. જેમના જીવનમાં વન અને ભુવનનો સમન્વય હોય. અરણ્યકાંડના આરંભમાં શિવના શબ્દો છે કે હે ભવાની, રામના ગુણ અતિશય ગૂઢ છે. યાજ્ઞવાલ્ક્યજી પણ એ જ કહે છે કે ભારદ્વાજજી, આપે રામતત્ત્વ સમજવા માટે પણ સજ્જતા કેળવવી પડશે.
 
અરણ્યકાંડનો પહેલો પ્રસંગ પુરુષધર્મનો છે. અહીં નારીધર્મની વાત છે પણ પ્રથમ પુરુષધર્મની વાત આવે છે. જે પરમાત્મા પર બધું છોડી દે છે એને પરમાત્મા કહે છે - `યથેચ્છસિ તથા કુરુ'. સાધકે પાણી થઈ જવું જોઈએ. સદગુરુ જ્યાં લઈ જાય ત્યાં વહેવું જોઈએ. ચિત્રકૂટમાં ભરતે સર્વસમર્પણ કરીને કહી દીધું કે પ્રભુ, આપનું મન જે નિર્ણયમાં પ્રસન્ન હોય એ કરો, આપનો નિર્ણય અમારા મનને અનુકૂળ નહીં હોય તો પણ આપને કઠોર નહીં કહીએ. પ્રેમમાં કદી દબાણ ન હોવું જોઈએ. મુક્તિ એ પ્રેમની પૂર્વશરત છે.
 
- આલેખન : હરદ્વાર ગોસ્વામી