એકત્રીસમી ડિસેમ્બરે રાત્રે ફેસબૂકમાં જે પોસ્ટ મૂકી તે વાંચી-જોઈને બ મિત્રોના ફોન આવ્યા. મેં લખ્યું હતું, મળીએ, મઝા કરવી હોય તો જ મળજો આ મારું કન્વિક્શન છે, એક સંકલ્પ છે. પોઝિટિવિટી. સકારાત્મકતા જ ઉપાય છે, જેની ઉપાસના સહજ રીતે કરી છે, થતી રહી છે. કોઈને નુકસાન પહોંચાડવું અથવા સીધા કરી દઈશું કે ફીટ કરી દઈશું એવા શબ્દો એની મેળે જ આઘા રહ્યા છે. પ્રત્યેક નવા વર્ષે કે ઉત્સવે કે જન્મદિને કે લગ્નદિવસે આવા સંકલ્પોથી જ ઊર્જા મળી છે. સદ્નસીબ એ છે કે આવા મિત્રો મા જ કર્યા છે, જે કોઈ નેગેટિવ લોકો હતા તે રોકેટ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી જેમ જેમ છૂટુ પડવા માંડે અને એક એક ભાગ છૂટા પડે એવી રીતે આવા લોકો ખરી પડ્યા છે. શ્રી વિનોદ ભટ્ટે મને એક ઇરેઝર કહેતાં રબ્બર (મન-રબ્બર) આપ્યું જેનાથી ઘણાં બધાં નામ ભૂંસી નાંખ્યાં. મનમાં જગા થઈ અને જીવનમાં નવો અવકાશ મો. હેડબેગેઝ વિના મુસાફરી કરવાનો આનંદ સાવ અલગ જ હોય છે.
બીજી તરફ `સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન' તરફ જાગૃતિથી આગળ વધવાનો પણ આનંદ હાથ લાગ્યો. ક્ષિતિજો સાથે ઓળખાણ વધી. શબ્દોના સાન્નિધ્યમાં જગત અલગ રીતે પ્રગટ થયું. વિશ્વસાહિત્ય સવારનાં કિરણોને ઓળાવવા આવી જ જાય. નિશાળે જતી દીકરીના વાળ ઓળી આપે એવી રીતે આ શબ્દો ઊતરી આવે અને રીતસર અસ્તિત્વને તરબતર કરવા માંડે એનો આહ્લાદ પામવા જેવો છે. આ ૨૦૨૦નો પહેલો ઉઘાડ શું ખોલી આપે છે. ઓલ્ગા તોગારતુકના નોબેલ પ્રાઇઝના સ્વીકાર-પ્રવચનના પડઘા સંભળાય છે. ઓલ્ગા આ પ્રવચનને શીર્ષક આપે છે, કોમળ કથક (ટેન્ડર નેરેટર). ઓલ્ગા પોતાની `મા'ને એક કોમળ કથાકાર એટલે કે વાર્તા કહેનાર કહે છે. એની પાર્શ્વભૂ કશીક આવી છે, હજી ઓલ્ગા જન્મી નથી, પણ એની મા સગર્ભા છે, એ સગર્ભાનો એક ફોટો ઓલ્ગા જુએ છે. ઓલ્ગાને લાગે છે એની `મા'એ ફોટામાં ઉદાસ લાગે છે. ઓલ્ગા એની `મા'ને આ ફોટાને વળગેલી ઉદાસીનું કારણ પૂછે છે `મા' કહે છે, બેટા, ં તને મિસ કરતી હતી... !! તરુણી ઓલ્ગા ફરી પૂછે છે, મા, મિસ તો તેને કરાય જે તારી આસપાસ હોય.. હું જન્મી પણ નહોતી. તો તું મને મિસ કેવી રીતે કરી શકે ? અદભુત પ્રશ્ન, બાળકની જિજ્ઞાસામાંથી ઊઠેલો પ્રશ્ન, એક પ્રમાણમાં નાસ્તિક કહી શકાય એવી સ્ત્રીને એની પુત્રીએ પૂછેલો પ્રશ્ન. `મા' એ કહ્યું, તું નહોતી, પણ તારી હાજરી હતી. એક કાલ્પનિક નહીં, પણ આત્મા થકી તારી ફીલ હતી. આ વાર્તા એ કોમળતમ ભાવોની કથા હતી. એક મહાલેખિકાની માનો જવાબ ઓલ્ગાના મસ્તિષ્કમાં ચોંટી ગયો. એને સરસ લાગ્યું, એ એની માની મનઃસ્થિતિને પામવા મથવા લાગી. એક ક્ષણ માટે આપણે ઓલ્ગાને અહીં ઊભી રાખી પેલા આપણા પ્રિય લેખક વક્તા યુવલ નોવાહ હરારીને યાદ કરીએ જેણે એક મોટી ઘોષણા કરી, આ જગત જાતજાતની સ્ટોરીઓનો મહાસાગર છે. ધર્મ એક સ્ટોરી છે, અને આ ડોલરની નોટ એ પણ એક સ્ટોરી છે. અહીં ઓલ્ગાની વાત, હરારીની સ્ટોરી થિયરી અને આજનું વાસ્તવ સમજીએ. જગત એક નવી અવસ્થામાં છે.
વીકિપીડિયાના પ્રાદુર્ભાવ પછી અપેક્ષા હતી કે આ સર્વજ્ઞાનસંગ્રહનો એક મહાસાગર બની જશે. પણ એવું ના થયું.
ઓલ્ગા એના પ્રવચનમાં ઉલ્લેખે છે કે આશા એવી હતી કે ટેકનોલોજીના આવા વિશ્વવ્યાપી પ્રભાવથી જગત એકત્ર થઈ જશે, એકઠુ થઈ જશે. સુખની ચાવી હાથ લાગી હોય તેવો આનંદ હતો, પણ એ છેતરનારો વિશ્વાસ નીકો. માણસ વધુ વહેંચાઈ ગયો, વિખરાઈ ગયો. માહિતીને વાર્તામાં ફેરવતાં ફેરવતાં એને ફિક્શનનું કાલ્પનિક-તત્ત્વને ઉઠાવી ફેક-વિશ્વની રચના કરવામાં રસ પડવા લાગ્યો. ટેકનોલોજીના આ નવા અવતારની ઝડપને કારણે માહિતીના આ સૂર્યકિરણની ઝડપથી પ્રસરવાની નવ્ય-તાકાતે માણસને નવી તમસ-ચપળતા બક્ષી. ફેક-ન્યૂઝ અને માર્કેટીંગના કેફમાં ભાષાએ પણ એની પવિત્રતા અને અર્થાવલંબન ખોવા માંડી. ભાષાને એની અર્થસંહિતા સાથે સહિતતા લાગે ત્યારે સાહિત્યની જરૂર ઊભી થશે. માર્કેટીંગને કારણે ભાષાનો ઉપયોગ જે નથી તે છે ઠસાવવા માટે થવા લાગ્યો. આથી ભાષાના દુરુપયોગને કારણે ભાષાના દૈનંદિન પિણ્ડમાં એક પ્રકારની શ્વાસની દુર્ગંધ જેવા બાહ્ય અને કેન્સર જેવા આંતરિક રોગોનાં લક્ષણ દેખાવા લાગ્યાં. વાર્તા કહેનારાઓએ માહિતીના ઢગલાઓને કલાત્મક રીતે ગોઠવવાની કલા હસ્તગત કરી ત્યારે હવે સાહિત્યની કસોટી શરૂ થાય છે. શું સાહિત્ય એ મનુષ્યના ચૈતન્યનું પરિરક્ષક છે ? શું સાહિત્ય જીવનના અનુભવોને રજૂ કરવામાં કોઈ લક્ષ્ય અભિપ્રેત છે ? પ્રશ્નો સાથે આ બીજા દાયકાનું છેલ્લું વર્ષ ઊગ્યું છે.
અહીં સીતાંશુભાઈના જ્ઞાનસત્ર (૨૦૧૯)ની પૂર્વસંધ્યાએ શબ્દો પ્રસ્તુત બને છે. સાહિત્યે કેવા સ્વરૂપમાં એના ભાવકો સમક્ષ જવાનું છે ? પ્રજાના અનુભવો અને સાહિત્ય ક્યાં મળે છે ? આ સંગમનું સામૈયું કરવા કોણ ઊભા છે અને કેવી રીતે પ્રજાનું ચૈતન્ય અને સર્જકની ઊર્જા મળે છે, એકમેકમાં ભળે છે. એનો જવાબ આવતીકાલે અને આજે અને અત્યારે રચાનારા સાહિત્યમાં પડઘાશે. જીવનને અને ટેકનોલોજીથી રચાઈ રહેલા નવ્ય-વાસ્તવને ભાષા સુધી લાવવું છે. એ એક મોટી તક છે અને પડકાર પણ છે. બે હજાર વીસના આ શતસહસ્ર કિરણો જે શબ્દ ચણવા એક પક્ષીની અદાથી ઊતરી આવ્યા છે તેને આવકારવા બહાર નીકળીએ એ પહેલાં આપણી ભાષાનું પોત અને લાગણીઓની બેલેન્સશીટ તરફ એક નજર નાખવી જોઈએ. આવતીકાલનો સૂરજ આપણને કશું પૂછે એ પહેલાં...