સરહિન્દ કિલ્લો | ધર્મ માટે સરહિન્દના કિલ્લામાં ગુરુ ગોવિંદસિંહના પૌત્રોનું બલિદાન

    ૦૨-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
sirhind battle _1 &n
 
 
આજે ગુરૂ ગોવિંદસિંહની જયંતિ પ્રસંગે આવો યાદ કરીએ  ધર્મ માટે સરહિન્દના કિલ્લામાં ગુરુ ગોવિંદસિંહના પૌત્રોનું બલિદાનની એ કથા...
 
ઈ. સ. 1704માં ક્રૂર-બર્બર બાદશાહ ઔરંગઝેબ અને ગુરુ ગોવિંદસિંહ સામે ભયંકર લડાઈ થઈ. ગુરુ ગોવિંદસિંહના શીખ સૈનિકોએ અપ્રતિમ લડાઈ લડી - એક-એક સૈનિકે દસ-દસ મુગલ સૈનિકોને મહાત કર્યા અને બલિદાન આપ્યું. આ વખતે શીખ ગુરુ ગોવિંદસિંહજીનો પરિવાર વિખૂટો પડી ગયો હતો. તેમના બે નાના સિંહ બાળ જેવા બે પૌત્રોને બચાવવા દાદીમાએ બીજા ગામમાં આશરો લીધો ત્યાં ચોર કોટવાલને દંડે એવો ઘાટ થયો. 6 અને 8 વર્ષના એમના પૌત્રોને સરહિન્દના કિલ્લામાં વજીરખાને દીવાલમાં જીવતા ચણાવી દીધા. ગુનો એટલો કે એમણે ઇસ્લામ કબૂલ ન કર્યો. પ્રસ્તુત છે - ધર્મ - પંથ - પરિવારના સ્વાભિમાન - ઝનૂનની ઇતિહાસની અમર કથા.
 
શીખ ગુરુ ગોવિંદસિંહજી ભારતીય ઇતિહાસના એક એવા મહાન રાષ્ટ્રીય નાયક છે કે એમનું જીવન પ્રત્યેક ભારતીયનું માથું ગર્વથી ઉન્નત કરી દે છે. તેમના આદર્શ પિતાશ્રી ગુરુ તેગબહાદુરજીએ કાશ્મીરી હિન્દુઓની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું અને એ કાર્યથી તેઓ હિન્દની ચાદર કહેવાયા. ઇસ્લામિક કટ્ટરપંથી ઔરંગઝેબ જેવા બાદશાહોએ દુનિયાના ઇતિહાસમાં ક્રૂરતા અને નિર્દયતાની નવી મશાલની પ્રથા પાડીને ભારતના રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કરી રહેલા શીખ ગુરુઓ અને તેઓના અનુયાયીઓનું બર્બર અને ક્રૂર દમન કર્યુ. આવા બર્બર દમન છતાં પણ શીખોનો અપ્રતિમ પ્રતિરોધ દબાયો નહીં.
 

sirhind battle _1 &n 
 
ડિસેમ્બર, 1704નું આ પ્રકરણ છે, જોકે આ તવારીખને બીજી કોઈ તારીખ હોવાનું પણ કહેવાય છે, પરંતુ 300 વર્ષ પહેલાં ભારત માતાના બે સપૂતો જોરાવરસિંહ અને ફતેહસિંહે દુનિયાના ઇતિહાસમાં બલિદાનનો એક એવો ડંકો વગાડ્યો કે દરેક ભારતીયને અભ્યાસ-હૃદયંગમ અને તેમના બલિદાન સામે મસ્તક ઝુકાવવા લાગણીવશ બનવું જ પડે.
 
ઔરંગઝેબના ક્રૂર શાસનમાં જૂઠનું જ ચલણ હતું, જ્યારે મોગલ સેના આનંદપુર સાહબ પર જીત મેળવી શકતી નહોતી અને કિલ્લાની અંદર ગુરુ ગોવિંદસિંહના પરાક્રમી શીખોના વાળ પણ વાંકા થઈ શકતા નહોતા ત્યારે ઔરંગઝેબે કુરાનના સોગંદ ખાઈને ગુરુ ગોવિંદસિંહજીને સંદેશો મોકલાવ્યો, જો તેઓ આનંદપુર સાહેબનો કિલ્લો છોડી દે તો તેઓ આખા હિન્દુસ્તાનમાં ગમે ત્યાં બેરોકટોક જઈ શકશે. ગુરુ ગોવિંદસિંહજીને ઔરંગઝેબની દાનત પર શક ગયો, પરંતુ એમના સહયોગી શીખોએ કહ્યું કે ઔરંગઝેબે કુરાનના સોગંદ ખાઈને ચિઠ્ઠી લખી છે માટે આપણે આપણો પ્રવાસ ચાલુ રાખીને કિલ્લાની બહાર નીકળી જઈએ. ગુરુ ગોવિંદસિંહે આ વાત અચકાતાં અચકાતાં માની અને જેવા તેઓ શીખ સેના સાથે બહાર આવ્યા કે મુગલ સેના તેમના પર તૂટી પડી.
 

sirhind battle _1 &n 
 
સિરસા નદીના કિનારે ભયંકર યુદ્ધ થયું. દરેક શીખે અસાધારણ વીરતા બતાવીને શહીદ થતા પહેલાં દસ-દસ મોગલ સૈનિકોને મારી નાખ્યા. યુદ્ધની એક વિશ્ર્વાસઘાતી અચાનક બનેલી આ ઘટનાથી ગુરુ ગોવિંદસિંહનો પરિવાર એકબીજાથી વિખૂટો પડી ગયો અને તેમના બે નાના રાજકુંવરો જોરાવરસિંહ અને ફતેહસિંહ તેમનાં દાદીમા ગુજરીજી સાથે બીહડનાં જંગલો તરફ નીકળી પડ્યા. એ ભયંકર જંગલમાં ચાલતાં ચાલતાં રસ્તામાં કેટલાય ઝેરી સાપ અને વાઘ તથા સિંહ તેમને રસ્તામાં મળ્યા, પણ તેઓ ડર્યા નહિ, કે તે હિંસક જીવોએ પણ તેમને કાંઈ કર્યંુ નહીં. તેઓ સતત વાહેગુરુનું નામ જપતા રહ્યા અને શ્રી ગુરુ ગ્રંથ સાહેબની વાણીનો પાઠ કરી રહ્યા હતા. દાદીમા ગુજરી તેમના એ બંને પૌત્રોને સિંહણની જેમ સાચવીને જઈ રહ્યાં હતાં, કે ક્યાંક કોઈ ગામ આવે અને આશરો મળી જાય તો સારું. ત્યાં ગુરુ ગોવિંદસિંહજી સાથે તેમના બે મોટા કુંવરો અજીતસિંહ અને જુઝારસિંહ સિરસા નદી પસાર કરીને રાતના સમયે રોપડ નગરમાં રોકાયા અને સવાર પડતાં ચમકૌરના કિલ્લામાં પહોંચ્યા.
 
વિધિની વિડંબણા તો જુઓ, ભારતની રક્ષા અને ધર્મની ધજા માટે ગુરુ ગોવિંદસિંહજીનો આખો પરિવાર યુદ્ધભૂમિમાં હતો, વયોવૃદ્ધ માતા ગુજરી તેમના-છ અને આઠ વર્ષના પૌત્રોને યુદ્ધ અને શત્રુઓની ભયંકર દ્ષ્ટિથી બચાવવા આશરો શોધી રહ્યાં હતાં. એક રાત્રે કુમ્મા નામના પાણી પીવડાવનારને ત્યાં આશરો મળ્યો અને ઊગતી સવારે એમનો એક પહેલાંનો ગંગૂ નામનો નોકર એને ત્યાં આગ્રહ કરીને લઈ ગયો. આખો દિવસ તેઓ ચાલીને ગંગૂના ઘરે પહોંચ્યા. આખો દિવસ રસ્તામાં આ નાના રાજકુંવરો દાદીને પોતાના પિતાજી અને બે ભાઈઓ અંગે પૂછતા રહ્યા. સામાન મૂકીને દાદી અને બંને પૌત્રો સાંજની પ્રાર્થના કરીને સૂઈ ગયાં તો રાત્રે કંઈક ખખડાટ થયો, માતા ગુજરી જાગી ગયાં અને જોયું તો ગંગૂ એમના સામાનમાંથી સોનાના સિક્કા ચોરીને બહાર નીકળી રહ્યો હતો, પણ તે ચૂપ જ રહ્યાં અને સવારે તેને પૂછ્યું તો અકળાઈને જોર જોરથી બોલવા લાગ્યો, એક તો મેં મારા ઘરમાં આશરો આપ્યો અને મને જ ચોર કહો છો? અને ચિલ્લાતો ચિલ્લાતો શહેરના કોટવાલ પાસે ફરિયાદ કરવા ગયો. આમ પોતાના જ એક દેશવાસીએ પોતાના જ દેશની રક્ષા કરનાર મહાપુરુષોની સામે વિશ્ર્વાસઘાત કરી એમની સામે કલંક ઊભું કર્યુ. એ ગામના ચૌધરીએ સિપાહીઓને મોકલીને મોરિંડાના સૂબેદારને જાણ કરી ગંગૂના ઘરે લાવ-લશ્કર લઈને પહોંચ્યા અને માતા ગુજરી અને બંને રાજકુંવરોને પકડીને સરહિન્દના સૂબેદાર વજીરખાન પાસે લઈ ગયા. વજીરખાને તેમને સરહિન્દની એક મિનારા જેવી ઇમારતમાં રાખવાનો હુકમ કર્યો. બીજા દિવસે વજીરખાને બંને પુત્રોને તેમની સામે લાવવા હુકમ કર્યો. ખૂંખાર-અમાનવીય મુસ્લિમ સૂબેદાર સામે એ પૌત્રોને મોકલતાં દાદી ગુજરીજીના દિલમાં શું વીત્યું હશે એ કલ્પ્ના કરવી રહી અને દાદીમાએ ખૂબ વિરોધ કર્યો. એમના છ-આઠ વર્ષના સિંહબાળ જેવા પૌત્રોને સૂબેદાર પાસે લઈ જવા માટે પણ મોરિંડાના સૂબેદારે ખોટું આશ્ર્વાસન આપ્યું કે બાળકોને એકવાર બતાવીને અહીં પાછા લઈ આવીશ.
 

sirhind battle _1 &n 
 
પરંતુ બાળકો તો એકવાર ગયા તે ગયા જ. જતાં જતાં એ નાના કુમારોએ પોતાનાં દાદીમાને કહ્યું, ‘‘આ તુર્ક તો હંમેશાં આપણા દુશ્મન રહ્યા છે. એમનાથી કોઈ બચાવ નહિ થાય માટે અમને સૂબેદારના દરબારમાં જવા દો.’’ દાદીએ સિપાઈઓને પૂછ્યું પણ ખરું કે આ ‘‘આ નાના બાળકોએ તો કોઈ ગુનો કર્યો નથી તો એમને કેમ ત્યાં લઈ જાવ છો? અને એમના પૌત્રોને કહ્યું હંમેશાં યાદ રાખજો કે તમારા પિતા ગુરુ ગોવિંદસિંહજી છે અને તમારા દાદાજી ગુરુ તેગ બહાદુરજી હતા, ભલે ને ગમે તે થઈ જાય, પણ એમની પાઘડીને ડાઘ લાગવા દેતા નહીં.’’
 
સરહિન્દના સૂબેદારે બંને રાજકુમારોને માનસિક ત્રાસ આપવા કહ્યું કે તમારા બંને મોટા ભાઈઓ (અજીતસિંહ અને જુઝારસિંહ) ચમકૌરની લડાઈમાં મરી ગયા છે. હવે તમારો જીવ બચાવવા તમારી પાસે એક જ રસ્તો છે અને એ તમે કબૂલ કરી લો. બંને કુમારોએ હિમ્મતથી કહ્યું કે અમારા પિતાદશમેશ હજુ જીવે છે. અકાલ પુરુષ તેમની રક્ષા કરી રહ્યા છે. શું કોઈ તોફાનમાં પર્વત ડગ્યા છે? શું ક્યારેય કોઈ પોતાની મુઠ્ઠીમાં ચાંદા-સૂરજને લઈ શકે છે? વજીરખાને એમને ખૂબ લાલચો આપી અને કહ્યું કે જો તેઓ ઇસ્લામ કબૂલ કરી લેશે તો ખૂબ મોટી મિલકત આપવામાં આવશે, બાદશાહ ઔરંગઝેબ એમને ઇલકાબ આપશે. એના જવાબમાં એ કુંવરોએ કહ્યું કે અમે મૃત્યુથી ડરતા નથી અને અમારા પંથની રક્ષા કાજે અમે અમારો પ્રાણ પણ આપી દઈશું, પરંતુ ઇસ્લામ કબૂલ કરીશું નહીં. અમે ગુરુ ગોવિંદસિંહ, ગુરુ તેગ બહાદુર અને ગુરુ હરગોવિંદસિંહજીના વંશજો છીએ.
 
વજીરખાનના મલેર કોટલાના નવાબને કહ્યું કે, ગુરુ ગોવિંદસિંહજી સાથે લડાઈમાં તમારા ભાઈ અને ભત્રીજા માર્યા ગયા હતા. હવે તમે આ બંને બાળકો પાસેથી એનો બદલો લઈ શકો છો, ત્યારે નવાબ મલેર કોટલાએ કહ્યું કે ના, આ બાળકો ખૂબ નિર્દોષ છે, તમે એમને છોડી દો. બદલો લેવો હશે તો એમના પિતા પાસેથી લઈશું, ત્યારે વજીરખાને ખૂંખાર કાજી (ગિલજાઈ કૌમ)ને કહ્યું કે હવે તું આમને સજા આપ. સૂબેદારના કાજીએ વારંવાર ઇસ્લામ કબૂલ કરવા બાળકોને સમજાવવા પ્રયત્ન કર્યો છતાં એ સિંહની જેમ ગર્જના કરતા રહ્યા અને માન્યા જ નહિ એટલે વજીરખાને એમને જીવતા ને જીવતા દીવાલમાં ચણી લેવાનો હુકમ કર્યો. સરહિન્દના એક કિલ્લામાં એક જગ્યા પર રાજકુમારોને જીવતા ને જીવતા દીવાલમાં ચણવાનું કામ કાજીએ કર્યંુ. જલ્લાદ એક પછી એક ઈંટ મૂકતો હતો અને પૂછતો હતો કે ઇસ્લામ કબૂલ છે કે નહીં? બંને કુમારો નીડરતાથી તેનો ઇન્કાર કરતા હતા, ત્યાં માતા ગુજરી બેહાલ દશામાં હતા. પોતાના બાળકો-પૌત્રો ને જાલિમોની જાળમાં જોતી હોય અને એક શ્ર્વાસ પણ આરામથી લઈ શકે એવી કોઈ મા - કે દાદી દુનિયામાં હોઈ શકે ? શહેરના એક શેઠ ટોડરમલે માતા ગુજરીને આવીને જ્યારે આ ખરાબ સમાચાર આપવાની કોશિશ કરી તો માતા ગુજરી પણ તડપતાં તડપતાં ઢળી પડ્યાં.
ટોડરમલ વજીરખાન પાસે ગયા અને નાના રાજકુમારોના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી માગી. વજીરખાને એની નૃશંસતા બતાવતાં કહ્યું કે એમના અંતિમ સંસ્કાર માટે જેટલી જમીન જોઈએ એટલી જમીન ઢાંકી શકાય એટલી સોના મહોરો આપવી પડશે. ટોડરમલે પોતાની જિંદગીભરની બધી જ કમાણી વજીરખાનને આપી દીધી અને એ રાજકુમારો - સાહેબજાદાઓનાં પાર્થિવ શરીર તથા માતા ગુજરીના પણ અંતિમ સંસ્કાર કર્યા. 

કેવી રીતે પહોંચશો ?

રાજ્ય : પંજાબ

શહેર : ફતેગઢ સાહિબ
ફતેગઢ સાહિબની સૌથી નજીકનું હવાઈ મથક ચંદીગઢ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, જે ફતેગંજ સાહિબથી એક કલાકના અંતરે છે, જે નવી દિલ્હી, બેંગલોર, મુંબઈ, ગોવા, અમદાવાદ સહિતનાં એરપોર્ટ સાથે સંકળાયેલું છે. ફતેગઢ સાહિબથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન ફતેગઢ સાહિબ સિટી અને શ્રી હિન્દ ટાઉન છે. ચંદીગઢથી ફતેગઢ સાહિબ બાય રોડ 43 કિ. મી. અંતરે પડે છે. પંજાબના દરેક મહત્ત્વનાં બસ સ્ટેશન પરથી રાજ્ય સરકારની પરિવહનની બસો તેમજ ખાનગી વાહનો દ્વારા અહીં પહોંચી શકાય છે. ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદનાં રેલવે સ્ટેશનો પરથી પણ ચંદીગઢ, લુધિયાણા સુધીની રેલવે મળી રહે છે.
 
- તરૂણ વિજય