આઝાદ ભારતનો સૌથી મોટો દલિત હત્યાકાંડ | બંગાળની ડાબેરી સરકારે ૭૦૦૦ દલિતોની કત્લેઆમ કરી હતી

    ૨૩-જાન્યુઆરી-૨૦૨૦   

Marichjhapi _1  
 

આઝાદ ભારતનો સૌથી મોટો દલિત હત્યાકાંડ

 
એક એવો નરસંહાર જે અંગે સાંભળી ભલભલાનાં રૂવાડાં ઊભાં થઈ જાય. એક એવો નરસંહાર જેમાં એક આખેઆખો ટાપુ દલિત શરણાર્થીઓના લોહીથી લાલ બની ગયો હતો અને આ નરસંહાર આચરાયો હતો તે પક્ષ દ્વારા જે પોતાને દલિતોનો સૌથી મોટો ઉદ્ધારક ગણાવે છે. દલિત રાજનીતિ હંમેશા તેના કેન્દ્રમાં રહી છે.
 

એક એવો નરસંહાર હતો જેણે સુંદરવનના વાઘોને આદમખોર બનાવી દીધા 

 
પશ્ચિમ બંગાળના મારીચઝાપીમાં બાંગ્લાદેશથી આવેલા દલિત શરણાર્થીઓની કત્લેઆમની આ ભયાવહ ઘટના ઇતિહાસનાં પાનાંઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. એમ કહો કે ષડયંત્રપૂર્વક આ પાનાંઓ પર લાલ શ્યાહી લગાડી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના પ્રસિદ્ધ દલિત લેખક મનોરંજન વ્યાપારી કહે છે કે આ એક એવો નરસંહાર હતો જેણે સુંદરવનના વાઘોને આદમખોર બનાવી દીધા. આઝાદ ભારતનો આ એક એવો ભીષણ નરસંહાર હતો જેમાં માર્યા ગયેલા દલિત હિન્દુ શરણાર્થીઓનો સાચો આંકડો કોઈની પાસે નથી. તત્કાલીન જ્યોતિ બસૂની કોમ્યુનિસ્ટ સરકાર મુજબ આંકડો માત્ર ૧૦ બતાવવામાં આવે છે, પરંતુ અલગ અલગ દાવાઓ મુજબ એ વખતે સાત થી દસ હજાર શરણાર્થીઓનો નરસંહાર થયો હતો. જે લોકો માર્યા ગયા હતા તેમાંના મોટાભાગના દલિત (નામશૂદ્ર) હતા.
 
 
Marichjhapi _1   

ધ બ્લડ આઇલેન્ડ... Blood Island

 
બંગાળમાં પોતાના ત્રણ દાયકાના શાસનમાં વામપંથીઓ દ્વારા જે ભય પેદા કરવામાં આવ્યો હતો તેની જ અસર છે કે માત્ર ચાર દાયકા પહેલાંની આ ખૂની ઘટના અંગે ખૂબ જ ઓછી માહિતી બહાર આવી શકી છે. અમિતાવ ઘોષના ધ હંગ્રી ટાઇડસ પુસ્તકની પૃષ્ઠભૂમિમાં આ જ નરસંહાર છે. આ સિવાય બંગાળના આનંદ બજાર અને સ્ટેટમેટ જેવાં અખબારોમાં તે સમયે આ ઘટનાનું એકાદ વિવરણ જરૂર મળે છે, પરંતુ આ તમામમાં આ ભીષણ નરસંહારનું પ્રામાણિક વિવરણ જાણીતા પત્રકાર દીપ હાલદરના પુસ્તક ધ બ્લડ આઇલેન્ડમાં મળે છે. જે આ વર્ષે જ પ્રકાશિત થયું છે. દીપ હાલદર દ્વારા આ નરસંહારમાં જીવિત બચી ગયેલા કેટલાક લોકો અને આ ઘટના સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોક મારફતે રૂવાડાં ઊભાં કરતું વિવરણ રજૂ કરાયું છે.
 

Marichjhapi _1   મારાચઝાપી નરસંહારમાં બચી ગયેલા ડાબેથી જ્યોતિમોર્ય મંડલ તથા સંતોષ સરકાર
 

લગભગ ૭૦૦૦ પુરુષો, મહિલાઓ અને બાળકોની હત્યા કરી દેવામાં આવી 

 
પુસ્તકમાં એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ૧૪થી ૧૬ માર્ચ, ૧૯૭૯ની વચ્ચે આઝાદ ભારતમાં માનવ અધિકારોનું સૌથી ભયાનક ઉલ્લંઘન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ૧૦,૦૦૦થી વધુ લોકોને મારીચઝાપી ટાપુ પરથી મારી મારી બેદખલ કરી દેવાયા. બળાત્કાર, હત્યાઓ અને ત્યાં સુધી કે ઝેર આપી લોકોને મારી નાખવામાં આવ્યા. સમુદ્રમાં લાશો વહાવી દેવામાં આવી. લગભગ ૭૦૦૦ પુરુષો, મહિલાઓ અને બાળકોની હત્યા કરી દેવામાં આવી.
જાણીને આશ્ચર્ય થશે કે જે વામ મોર્ચાની સરકારે હિન્દુ શરણાર્થીઓને શોધી શોધી ગોળીએ દીધા તે જ વામમોર્ચાની સરકારે તેઓને અહીં વસવા પ્રોત્સાહિત કર્યા હતા, પરિણામે હિન્દુ નામશૂદ્ર શરણાર્થી વામ મોર્ચાને પોતાના ભગવાન માનવા લાગ્યા હતા. વામદળોના ઇશારે ખાસ કરીને રામ ચેટર્જી જેવા નેતાઓના કહેવા પર આ નામશૂદ્ર શરણાર્થીઓ દડકારણ્યથી અહીં સુંદરવનના મરીચઝાપી બેટ પર વસ્યા હતા. તેઓએ પોતાની મહેનતના જોરે આ દલદલી ટાપુને રહેવા યોગ્ય બનાવ્યો. ખેતી શરૂ કરી, માછલી પકડવા લાગ્યા અને ધીરે ધીરે સુખી થવા લાગ્યા.
  
 
Marichjhapi _1  
દલિત હિન્દુ શરણાર્થી 
 

વામપંથી પોલીસ દ્વારા અસહાય શરણાર્થીઓનો નરસંહાર શરૂ કરવામાં આવ્યો 

 
પરંતુ સત્તામાં આવ્યા બાદ એ જ વામપંથી લોકોને આ શરણાર્થીઓ બોજ લાગવા લાગ્યા. એક મીડિયા રિપોર્ટનું માનીએ તો જાન્યુઆરી, ૧૯૭૯માં મારીચઝાપી ટાપુ પર બાંગ્લાદેશથી આવેલા લગભગ ૪૦,૦૦૦ હિન્દુ શરણાર્થી હતા. અચાનક તત્કાલીન વામ મોર્ચા સરકારે તેઓને વન્ય કાયદાનો હવાલો આપી બેટ ખાલી કરવાનો ફતવો આપ્યો. ૨૬ જાન્યુઆરી, ૧૯૭૯માં આખા બેટ અને તેની આસપાસના વિસ્તારમાં ધારા ૧૪૪ લગાવી દેવામાં આવી અને આખા ટાપુને ૧૦૦ મોટર બોટ થકી ઘેરી લેવામાં આવ્યો. ખોરાક સહિત જીવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુના પુરવઠાને રોકી દેવામાં આવ્યો અને અહીં પીવાના પાણીના એક માત્ર સ્રોત્રમાં ઝેર ભેળવી દેવામાં આવ્યું. તેના પાંચ દિવસ બાદ એટલે કે ૩૧ જાન્યુઆરી, ૧૯૭૯માં વામપંથી પોલીસ દ્વારા અસહાય શરણાર્થીઓનો નરસંહાર શરૂ કરવામાં આવ્યો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ એ પોલીસ ગોળીબારમાં ૧૦૦૦થી વધુ લોકોનાં મોત થયાં, પરંતુ સરકારી દસ્તાવેજોમાં બે જ મોત બતાવવામાં આવ્યા.
 

પરિણામે સુંદરવનના વાઘોને માનવમાંસની લત લાગી 

 
માધ્યમોના અહેવાલો મુજબ હાઈકોર્ટના આદેશ પર છેક ૧૫ દિવસ બાદ લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની આપૂર્તિ માટે એક ટીમ ત્યાં પ્રવેશી શકી હતી. આ ટીમમાં જાણીતા કવિ જ્યોતિર્મોય દત્ત પણ હતા. તેઓ કહે છે કે તેઓએ ભૂખથી માર્યા ગયેલા ૧૭ લોકોની લાશો જોઈ હતી. આમ છતાં ૩૦,૦૦૦ જેટલા શરણાર્થીઓ હજુ પણ તે બેટ પર હતા. મે ૧૯૭૯માં તેઓ પર અત્યાચારનો બીજો રાઉન્ડ શરૂ થયો. તેઓને મારી ભગાવવા આ વખતે પોલીસ સાથે વામપંથી કેડર પણ પહોંચી. ૧૪-૧૬ મે દરમિયાન અહીં જાન્યુઆરી માસથી પણ ભયાનક કત્લેઆમ ચાલી. બ્લડ આઇલેન્ડમાં આ ઘટનાનું રૂવાડાં ઊભું કરતું વર્ણન થયું છે. અહીંનાં મકાનો અને દુકાનો ફૂંકી મારવામાં આવ્યાં. હજારો મહિલાઓ સાથે બળાત્કાર થયા. સેંકડો લોકોની હત્યા કરી લાશોને પાણીમાં ફેંકી દેવામાં આવી અને જે બચી ગયા તેઓને ઘેટાં - બકરાંની માફક ટ્રકોમાં ઠાંસી દૂધકુડી કેમ્પમાં મોકલી દેવામાં આવ્યા. આ પુસ્તકમાં મનોરંજન વ્યાપારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, લાશોને જંગલના અંતરિયાળ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવી. પરિણામે સુંદરવનના વાઘોને માનવમાંસની લત લાગી ગઈ.
 
આવા હત્યાકાંડને વામપંથીઓ દ્વારા ખૂબ જ ષડયંત્રપૂર્વક દબાવી દેવામાં આવ્યું અને મતબેન્કની લાલચે કોંગ્રેસ પક્ષે પણ આ હત્યાકાંડમાં ઝાઝો રસ દાખવ્યો ન હતો, પરિણામે આજે પણ આ હત્યાકાંડ એક રહસ્ય બની રહ્યો છે.