જમ્મુ-કાશ્મીર અને આચાર્ય અભિનવ ગુપ્તને ઓળખીએ

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૦

Abhinavagupta_1 &nbs
 
 
રત્નગર્ભા કાશ્મીરે પ્રાચીનકાળથી જ વિશ્વને અસંખ્ય અણમોલ રત્નોની ભેટ આપી છે, જેઓએ પોતાના અધ્યાત્મ જ્ઞાન, સાધનાની પરાકાષ્ઠા અને પ્રત્યક્ષ અનુભવના આધારે સમગ્ર વિશ્વને નવી દિશા આપી છે. કાશ્મીરમાં અનેક મત પંથ જન્મ્યા અને વિકસ્યા, અનેક પરિવર્તન પણ આવ્યાં, છતાં તેના પુરાણ અસ્તિત્વને મિટાવી ન શક્યા. આચાર્ય અભિનવ ગુપ્ત આ શ્રેણીની એક અતિ મહત્ત્વપૂર્ણ કડી છે.
 

ભારતના એક મહાન દાર્શનિક અને સાહિત્ય સમીક્ષક 

 
આચાર્ય અભિનવ ગુપ્ત ( Abhinavagupta ) ભારતના એક મહાન દાર્શનિક અને સાહિત્ય સમીક્ષક હતા. તેઓ શૈવદર્શનના પ્રખર વિદ્વાન હતા. આચાર્ય અભિનવ ગુપ્ત અદ્વૈત આગમ અને પ્રતિભિત્તા દર્શનના પ્રતિનિધિ આચાર્ય હોવાની સાથે સાથે જ્ઞાન-વૈવિધ્યનો સમાવેશ પણ છે. ભારતીય જ્ઞાન અને સાધનાની અનેક ધારાઓ અભિનવ ગુપ્તના વિરાટ વ્યક્તિત્વમાં આવી મળે છે અને એક સશક્ત ધારામાં પ્રવાહિત થાય છે. આચાર્ય અભિનવ ગુપ્તે તે સમયના અનેક મૂર્ધન્ય આચાર્ય ગુરુઓ પાસેથી જ્ઞાન અને દીક્ષા લીધી હતી. પોતાના પિતા નરસિંહ ગુપ્ત પાસેથી વ્યાકરણની શિક્ષા લીધી તો આચાર્ય લક્ષ્મણ ગુપ્ત પાસેથી પ્રતિભિત્તા શાસ્ત્ર તથા જાલંધર પીઠના શંભુનાથજી તેમના કૌલ સંપ્રદાયના સાધનાગુરુ હતા.
 

કૌરવ-પાંડવ યુદ્ધને તેઓએ વિદ્યા-અવિદ્યાના યુદ્ધ તરીકે પ્રસ્તુત કર્યું છે 

 
અભિનવ ગુપ્તના પૂર્વજો કનોજ રાજદરબારના પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. તેમના પૂર્વજ અત્રી ગુપ્ત કાશ્મીરના દિગ્વિજયી રાજા લલિતાદિત્ય મુક્તપીંડના અનુરોધ થકી શ્રીનગર આવી વસ્યા હતા. તેઓનાં માતાશ્રી યોગિની વિમલાકલાનું નિધન અભિનવ ગુપ્તની બાલ્યાવસ્થામાં જ થઈ ગયું હતું. જ્ઞાનપિપાસુ અભિનવ ગુપ્તે અવિવાહિત રહી પોતાના પ્રમુખગુરુ લક્ષ્મણ સહિત કુલ ૧૯ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. તેઓએ શૈવદર્શનના પ્રત્યેક વિષય પર લખ્યું છે. લગભગ ૫૦ પુસ્તકો તેઓએ લખ્યાં હતાં. તંત્રલોક, પરાત્રિંશિકા વિવરણ, પરમાર્થસાર, તંત્રસાર, ગીતાર્થ સંગ્રહ વગેરે ગ્રંથો સહિત નાટ્યશાસ્ત્ર અને ધ્વન્યાલોક પર વિવેચનો લખી અભિનવ ગુપ્ત સામાન્ય શૈવ દાર્શનિકોમાં સૌથી આગળ નીકળી ગયા હતા. ધ્વનિને તેઓએ ચોથા આયામ તરીકે ગણાવ્યો હતો. ગીતાના ઉપદેશો અને પ્રસંગોને તેઓએ પ્રતીક રૂપે રજૂ કર્યા હતા. શૈવપંથી હોવા છતાં શિવને કોઈ કૃષ્ણ રૂપે મૂલવે તેમાં પણ તેઓને કાંઈ વાંધો ન હતો. કૌરવ-પાંડવ યુદ્ધને તેઓએ વિદ્યા-અવિદ્યાના યુદ્ધ તરીકે પ્રસ્તુત કર્યું છે.
 

એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ  

 
અભિનવ ગુપ્તના અંતિમ દિવસોમાં તેમના અનેક અનુયાયીઓ તેમને મંત્રસિદ્ધ સાધક અને સાક્ષાત્ ભૈરવનો અવતાર માની પૂજવા લાગ્યા હતા. ૭૦ વર્ષની વયે પોતાના શિષ્યો સાથે શિવસ્તુતિ કરતાં કરતાં શ્રીનગરના બડાગાઉ જિલ્લાના બીરવા ગામની એક ગુફામાં પ્રવેશ કરી ૪ જાન્યુઆરી, ૧૦૧૬ના રોજ તેઓ શિવમય થઈ ગયા હતા. તે ગુફા આજે પણ ભૈરવ ગુફા નામે હયાત છે. કાશ્મીરના પ્રાચીન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને સમયના પડકારો સાથે સમન્વયકારી નવીન રૂપે વ્યાખ્યાયિત કરનારા આ મહાપુરુષનું જીવન અને તેમનું કવન વૈચારિક કટ્ટરતાના આ યુગમાં સમગ્ર વિશ્વને ખાસ કરીને જમ્મુ-કાશ્મીરના યુવા વર્ગને માહિતગાર કરવા એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે.