જમ્મુ-કાશ્મીર સમસ્યા જવાહરલાલ નહેરુથી માંડી નરેન્દ્ર મોદી સુધી...

    ૨૪-જાન્યુઆરી-૨૦૨૦   

kashmir_1  H x
 
 
આ ઘટના છે તા. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૯૧ની. હિન્દી સાપ્તાહિક પાંચજન્યના એક સંવાદદાતાએ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના એક વરિષ્ઠ સંવાદદાતા હામિદને ત્યાં ચાલતા અલગતાવાદી તોફાનો બાબતે પ્રશ્ન પૂો તો તેના જવાબમાં હામિદે કહ્યું કે, હિન્દુસ્તાનની સરકાર કમજોર છે. પાકિસ્તાન સરકાર અમારી ગતિવિધીઓને મજબૂતીથી દબાવી દેશે, એટલા માટે અમે હિન્દુસ્તાન સાથે લડી રહ્યા છે. આવો બીજો એક અભિપ્રાય પણ જોઈએ. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહને પોતાના પુસ્તક My frozen turbulence in Kashmir માં લખ્યું છે કે, કાશ્મીરની સમસ્યા કેન્દ્રની ઢીલી નીતિનું ફરજંદ છે. આ બન્ને વિધાનોની સત્યતા તપાસવા માટે આપણે આજે આઠ પ્રકરણોવાળી એક સત્યકથા જોઈએ.
 
જમ્મુ-કાશ્મીરની ગૂંચ જાતે જ પાડ્યા પછી તેને ઉકેલવા આ દેશની પ્રત્યેક સરકારોએ પ્રયત્નો કર્યા છે. પણ દેશહિતની દૃષ્ટિએ મક્કમ નિર્ણયો લેવાની ક્ષમતા ન હોવાના કારણે ગૂંચ ઉકેલવી તો બાજુમાં રહી બલ્કે અલગાવવાદીઓના હોંસલા બુલંદ થતા ગયા છે.
 

પ્રકરણ ૧ : વડાપ્રધાન નહેરુજીના સમયમાં

 
kashmir naheru_1 &nb 
 
સૌ પ્રથમ વડાપ્રધાન નહેરુજીએ કાશ્મીરની આંતરિક સમસ્યાને સંયુક્ત રાષ્ટ સંઘ (UNO)માં લઈ જઈ આ ઘટનાને આંતરરાષ્ટીય સ્વરૂપ આપી દેવાની ભયંકર ભૂલ કરી તેનાથી અલગાવવાદીઓની ગલત માંગને ખૂબ મોટો આધાર મળી ગયો. તે બાદ ૩૭૦મી કલમનો બંધારણમાં ઉમેરો કરીને આ દેશમાં બે વડાપ્રધાન, બે ધ્વજ અને બે વિધાનની રચના કરી અલગતાવાદીઓને ખૂબ મોટો ફાયદો કરી આપ્યો. વધુમાં જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલય પછી નહેરુજીએ મહારાજા હરિસિંહના હાથમાંથી સત્તાનાં સૂત્રો લઈ ડોગરા શાસનને મુસ્લિમ શાસનમાં તબદીલ કરવાની મહત્ત્વાકાંક્ષાવાળા શેખ અબ્દુલ્લાના હાથમાં વહીવટનાં સૂત્રો સોંપી ભારે અહિતનું કામ કર્યું. તે પછી પણ નહેરુજીએ કાશ્મીર વિશે અવારનવાર નિવેદનો કર્યાં જેનો એક્ટિવિસ્ટ અરુંધતિ રૅાયે ભરપૂર ઉપયોગ કરી સમસ્યાને વિકૃત કરી નાખી. બુકર પ્રાઇઝ વિનર અરુંધતી રૅાયે તા. ૨૧-૧૦-૨૦૧૦ના રોજ દિલ્હીમાં યોજાયેલ `આઝાદી ધ ઓનલી વે' ના કાર્યક્રમમાં નિવેદન કર્યું કે કાશ્મીર કદી ભારતનું અંગ હતું જ નહીં. તેણે કરેલા દેશહિત વિરોધી આ નિવેદન બદલ મેજિસ્ટ્રેટના આદેશ મુજબ પોલીસે અરુંધતી સામે એફઆઈઆર નોંધી તો અરુંધતિએ કહ્યું, જો મારી સામે કેસ ફાઈલ કરી શકાતો હોય તો નહેરુજી સામે પણ આ જ કારણોસર કેસ દાખલ કરી શકાય. અરુંધતીએ ૧૯૪૭થી ૧૯૫૫ સુધીના એક ડઝન જેટલાં સત્તાવાર જાહેર નિવેદનો ટાંક્યાં, જેમાં નહેરુજીએ સ્વીકાર્યું હતું કે, કાશ્મીરને કોની સાથે જોડાવું તે તો કાશ્મીરની જનતાએ જ નક્કી કરવાનું છે. અરુંધતીએ પત્રકાર પરિષદમાં માંગણી કરી કે નહેરુજી સામે મરણોત્તર કેસ દાખલ કરવો થવો જોઈએ.
 
નહેરુજીએ શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનાવ્યા, પરંતુ શેખ અબ્દુલ્લા ભારત વિરોધી રૂખ પર ઊતરી ગયા. ખુફિયા વિભાગના મોટા મોટા અધિકારીઓએ ભારતવિરોધી અને દેશદ્રોહી કહી શકાય તેવાં શેખનાં કરતૂતોના પુરાવા નહેરુજીને બતાવ્યા ત્યારે જ નહેરુજીએ ૧૯૫૩માં શેખને હિરાસતમાં લીધા.
 

પ્રકરણ : ૨ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સમયમાં


kashmir indira gandhi_1&n 
 
૧૯૭૫માં શેખ અબ્દુલ્લાએ ઇન્દિરાજીની સાથે રાજનૈતિક સોદો કર્યો, પરિણામે મીર કાસિમને હટાવી શેખ અબ્દુલ્લા ફરી કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા. પણ સત્તામાં આવતાં તેઓ ફરીથી અલગતાનો રાગ આલાપવા માંડ્યો.
 
ઇન્દિરાજીની સાથે બનાવટ કરી અને ફરીથી વિઘટનવાદી નેશનલ કોન્ફરન્સ પૂનર્જીવિત કરી. અલબત્ત ઇન્દિરાજીએ ૧૯૭૭માં શેખની સરકાર ગિરાવી દીધી. પરંતુ શેખના મૃત્યુ બાદ શેખના જેવા જ અલગતાવાદી પુત્ર ડો. ફારુખને જમ્મુ-કાશ્મીરની ગાદીએ બેસાડ્યા. પરંતુ સત્તા આવતાં જ ૧૯૮૨માં ડૅા. ફારુખે વિધાનસભામાં એક વિધેયક પસાર કરાવ્યું, જેનો ઉદ્દેશ હતો ૧૯૪૭માં અને તે પછી પાકિસ્તાનમાં ચાલ્યા ગયેલા કાશ્મીરી મુસલમાનોને પાછા બોલાવી તેમને કાશ્મીરમાં વસાવવા. જો આમ થાય તો પીઓકેના કાશ્મીરમાં અને પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓ પણ વર્તમાન કાશ્મીરમાં ઘૂસી જાય. આનો ભારે વિરોધ થયો. અલબત્ત ૧૯૮૪માં ડો. ફારુકની સરકારને પણ ગિરાવી દેવામાં આવી. પણ તે પછી કોંગ્રસે શેખ અબ્દુલ્લાના જમાઈ ગુલામ મહંમદ શાહને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનાવ્યા. તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તેઓ ખુલ્લેઆમ જાહેરમાં બોલ્યા કે, તેઓ સૌપ્રથમ મુસલમાન છે અને ત્યાર બાદ બીજું બધું. તેમણે જનમત સંગ્રહ કરી કોની સાથે જોડાવું તે નક્કી કરવાના અધિકારની માંગ કરી. તેમણે જાહેરમાં એવું પણ કહ્યું કે, ૧૯૪૬ની લડાઈ (હિંદુઓને કાશ્મીરમાંથી ભગાવો) હજી ખતમ થઈ નથી. આ મુખ્યમંત્રીના શાસનકાળમાં જ ૧૯૮૬માં કાશ્મીર ઘાટીમાં લગભગ ચાલીસ જેટલાં મંદિરોને તોડવામાં આવ્યાં. અનંતનાગમાં હિન્દુઓનાં ઘર અને દુકાનોને લૂંટવામાં આવ્યાં કે આગને હવાલે કરવામાં આવ્યાં.
 

પ્રકરણ : ૩ વડાપ્રધાન રાજીવ ગાંધીના સમયમાં


kashmir rajiv gandhi_1&nb 
 
૧૯૮૬માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ ફરી એ જ અલગતાવાદી ડો. ફારુખ સાથે સમજૂતી કરી. ૧૯૮૭ની ચૂંટણીમાં બોગસ વોટ નાખી ચૂંટણી જીતી કોંગ્રેસ+નેશનલ કોંગ્રેસની સરકાર તો બની પણ કાશ્મીરની જનતામાં ભારે ઉદાસીનતા છવાઈ ગઈ, કારણ કે આતંકવાદીઓની બોલબાલા ફરી શરૂ થઈ ગઈ. મુખ્યમંત્રી ડો. ફારુકને આતંકવાદને દબાવવાનો કોઈ રસ નહતો. તેથી કાશ્મીરમાં આઝાદીના નારા બેરોકટોક સંભળાવા લાગ્યા. ડો. ફારુકે ૧૯૮૯માં રાષ્ટની મુખ્ય ધારામાં લાવવાના બહાને ૨૩ ખૂંખાર આતંકીઓને જેલમુક્ત કરી દીધા અને જુલાઈ-ડિસેમ્બરના સમયગાળામાં ૨૦૦ જેટલા આતંકવાદીઓને માફીનું નાટક કરી છોડી મૂક્યા.
 

પ્રકરણ : ૪ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંઘના સમયમાં


kashmir vishvanath_1  
 
૨ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ વિશ્વનાથ પ્રતાપસિંઘ દેશના વડાપ્રધાન બન્યા. તેમનીજ સરકારના ગૃહમંત્રી અને કાશ્મીરના વતની તેવા મુફ્તિ મહંમદ સૈયદના સમયમાં બે ઘટનાઓ બની. (૧) તેમની પુત્રી ડો. રૂબિયાનું આતંકવાદીઓ દ્વારા અપહરણ અને (૨) મુખ્યમંત્રી ડો. ફારુખે કાશ્મીર ઘાટીના ૪૫ જેટલા આતંકવાદીઓને છોડી દીધા. આ બે ઘટનાઓથી કાશ્મીરના આતંકવાદીઓની હિંમત લગાતાર વધવા માંડી. તેના પરિણામે આશરે ત્રણ લાખ જેટલા કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવું પડ્યું. અનેક હિન્દુ કાશ્મીરી મહિલાઓ ઉપર બળાત્કાર અને બર્બરતા આચરાઈ. `ભારતીય કુત્તો બાહર જાઓ', `હિન્દુસ્તાન મુર્દાબાદ', `કાશ્મીર માંગે આઝાદી' જેવા દેશવિરોધી નારા લાગવા લાગ્યા. ભારતીય તિરંગાધ્વજ સળગાવવામાં આવ્યા. પાકિસ્તાનનું ઓપરેશન `ટોપાક' આ સમયમાં શરૂ થયું. (ઓપરેશન ટોપાક એટલે કાશ્મીરના વતનીઓ દ્વારા જ આતંક ફેલાવવો).
 

પ્રકરણ : ૫ વડાપ્રધાન નરસિંહરાવના સમયમાં


kashmir pv narasinh rav_1 
 
૨૧ જૂન, ૧૯૯૧ના દિવસે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા. તેમણે ફરી પાછા જૂના, જાણીતા અને ખરડાયેલા ડો. ફારૂખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનાવ્યા. નરસિંહરાવે તેમના સમયમાં કાશ્મીરની શાંતિ માટે સર્વદલીય સંમેલન બોલાવ્યું. આ સંમેલનમાં બધા પક્ષના અગ્રણીઓને બોલાવ્યા, પણ જમ્મુ-કાશ્મીરના ગવર્નર જગમોહનને જ ન બોલાવ્યા. વધુમાં તેમણે કાશ્મીરમાંથી વિસ્થાપિત થયેલા ત્રણ લાખ જેટલા હિન્દુ પંડિતોના કોઈ પ્રતિનિધિને પણ ન બોલાવ્યા. વધુમાં નરસિંહરાવે કુખ્યાત પૂજાસ્થળ વિધેયક પાસ કરાવ્યું. આ વિધેયક પ્રમાણે ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ પહેલાં પૂજાસ્થાનો (મંદિર+મસ્જિદ) જે સ્થિતિમાં હોય તે જ સ્થિતિમાં રાખવાં. (કે જેથી રામલલ્લા મંદિર પછી કાશી અને મથુરાના મંદિરો માટે આંદોલન ન થાય.) પણ આશ્ચર્યની વાત એ હતી કે આ વિધેયકમાં જમ્મુ-કાશ્મીરને બાકાત રાખવામાં આવ્યું. ખરેખર તો આ વિધેયકની જરૂર જમ્મુ-કાશ્મીરમાં હતી કારણ કે ત્યાં ૧૯૪૭થી આજ દિન સુધી ૩૫૦થી પણ વધુ મંદિરોને નષ્ટ કરવામાં આવ્યાં છે.
 

પ્રકરણ : ૬ અટલજીની સરકારના સમયમાં


kashmir atalaji_1 &n 
 
જનસંઘની સ્થાપના કાળથી કલમ-૩૭૦ને દૂર કરવાનો સમાવેશ પાર્ટીએ પોતાના સંકલ્પપત્રમાં જ કરેલો અને આ મુદ્દે જ જનસંઘ પ્રમુખ શ્યામાપ્રસાદ મુખર્જીને કાશ્મીરની ધરતી પર શહાદત વહોરવી પડેલી. શ્યામાપ્રસાદ પછી અટલજીએ આ મુદ્દાને સંસદમાં સતત ગુંજતો રાખેલો. અટલજીએ ૩૦ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ કલમ ૩૭૦ને સમાપ્ત કરવાની બાબતે નીચે પ્રમાણેનો સંકલ્પ લોકસભામાં દોહારાવ્યો હતો. ઇસ સભા કી રાય હૈ કી જમ્મુ-કાશ્મીર રાજ્ય કી વર્તમાન અસંગત સ્થિતિ કા અંત કિયા જાના ચાહિયે, જિસ મેં યહ રાજ્ય ભારત કા અભિન્ન અંગ હોતે એ ભી ઇસ કા અલગ સંવિધાન હૈ, અલગ રાજ્યાધ્યક્ષ હૈ અૌર અલગ ઝંડા હૈ, ઔર ઇસ રાજ્ય કો પૂર્ણ રૂપ સે ભારત કે અન્ય રાજ્યોં કે સમાન લાયા જાના ચાહિયે અૌર ઇસ પ્રયોજનાર્થ યહ સભા સિફારિશ કરતી હૈ કી સભી આવશ્યક કાર્યવાહિયાં, જૈસે કી અનુચ્છેદ ૩૭૦ કા નિરાકરણ તુરંત આરંભ કિયા જાય. આ પ્રસ્તાવ પર બે દિવસ સુધી લોકસભામાં ગરમાગરમ ચર્ચા ચાલી જેમાં લગભગ બધા રાજનૈતિક પાર્ટીઓના સાંસદોએ ભાગ લીધો. શ્રી અટલબિહારી વાજપાઈએ પોતાના પ્રસ્તાવ પર શરૂ થયેલી ચર્ચામાં બોલતાં કહ્યું હતું કે, પં. જવાહરલાલ નહેરુ, પૂર્વ વિદેશ મંત્રી શ્રી ચાગલા, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બખ્શી ગુલામ મહંમદ અને શ્રી સાદિક જેવા નેતાઓએ પણ ૩૭૦ની કલમને અસ્થાયી બતાવી હતી અને આ દેશને આશ્વાસન આપ્યું હતું કે કલમ ૩૭૦ને જલદીથી સમાપ્ત કરવામાં આવશે. હવે ૧૯૯૮માં અટલજી વડાપ્રધાન બન્યા. કલમ-૩૭૦ને હટાવી દેવાની ગમે તેટલી તીવ્ર લાગણી હોવા છતાં ૨૪ પક્ષોના ટેકાથી ચાલતી આ સહિયારી સરકારમાં ભાજપા સિવાય બાકીના સહયોગી પક્ષોનો ટેકો ન હોવાથી કલમ-૩૭૦ને રદ કરવા બાબતે અટલ સરકાર અસહાય હતી. અટલજીને પોતાની પાર્ટીની આસ્થા સમાન આ ત્રણેય મુદ્દા કલમ-૩૭૦, રામજન્મભૂમિ અને સમાન સિવિલ કોડને શીતાગારમાં મૂકી દેવા પડ્યા હતા માત્ર ગઠબંધન ધર્મ નિભાવવા માટે.
 

પ્રકરણ : ૭ વડાપ્રધાન મનમોહનસિંહના સમયમાં


kashmir manamohan_1  
 
૧૩ ઓગસ્ટ, ૨૦૧૦ના રોજ કાશ્મીરની સ્થિતિનો તાગ મેળવવા તેમણે ઇન્ટરલોક્યુટરની નિમણૂક કરી. આ સમિતિમાં ત્રણ સભ્યોની નિમણૂક કરવામાં આવી, જેમાં દિલીપ પડગાંવકર, એમ.એમ. અન્સારી અને મહિલા સભ્ય રાધાકુમારનો સમાવેશ હતો. રાધાકુમાર પાક્કાં સામ્યવાદી અને દિલ્હીની જામિયા મિલિયાં યુનિવર્સિટીના એક પીસ સેન્ટરના ડાયરેક્ટર પણ રહી ચૂકેલ, તેમણે કાશ્મીરની મુલાકાતનો રિપોર્ટ આપ્યો કે કાશ્મીરની આઝાદીની ચર્ચા કરવા માટે બંધારણમાં સુધારો કરવેો. કાશ્મીરની આઝાદીનો રોડમેપ બનાવવા ચર્ચા કરવી. બંધારણમાં ૪૦૦ જેટલા સુધારા થયા છે તો જમ્મુ-કાશ્મીરની આઝાદી માટે પણ રસ્તો નીકળી શકે. કમિટી સભ્યોએ ભાગલાવાદીઓને છોડી મૂકવા અને સરહદ પારના આતંકીઓને પાછા લાવવાની વાત પણ કરી. દિલીપ પડગાંવકરે ભલામણ કરી કે આમાં પાકિસ્તાનને સામેલ કર્યા સિવાય આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ નથી. એમ કહી તેમણે આંતરરાષ્ટીય દખલગીરીને નિમંત્રણ આપ્યું અને આ નિવેદન ત્યારે પ્રસિદ્ધ થયું જ્યારે અમેરિકી રાષ્ટપતિ ઓબામા ભારત યાત્રાએ આવવાના હતા. મનમોહનસિંહના સમયમાં જ કાશ્મીરમાં આર્મી જવાનો પર માનવઅધિકાર ભંગના ૧૫૧૪ જેટલા કેસ કરવામાં આવ્યા. જેમાંથી ૧૪૭૩ એટલે કે ૯૭ ટકા કેસો ખોટા સાબિત થયા, એવું બ્રિગેડિયર સંજય વર્માએ જણાવેલું. આવા ખોટા આરોપો મૂકી આર્મીનો મોરલ તોડવાના પ્રયત્નો પણ મનમોહનસિંહ સરકારમાં થયા. સપ્ટેમ્બર, ૨૦૧૦માં સરકારે મોકલેલ સર્વપક્ષિય ડેલિગેશને તો આર્મીના તમામ પાવર્સ લઈ લેવાની ભલામણ કરી. ઉપરાષ્ટપતિ હમિદ અન્સારી કમિટીએ પણ છેલ્લાં વીસ વર્ષોથી બહાર રહેતા આતંકીઓને પાછા લાવવા, તેમને માફી આપવા અને સૈન્ય કાર્યવાહીમાં મૃત્યુ પામેલા આતંકીઓના પરિવારોને સરકારી સહાય આપવાની ભલામણ કરી. આ તમામ સૂચનો અને ભલામણો અલગતાવાદીઓની હિંમત વધારનાર હતા.
 

પ્રકરણ : ૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં


kashmir modi_1   
 
કાશ્મીરના લાલચોકમાં તિરંગો ફરકાવવા માટે ૧૯૯૨માં ડૅા. મુરલીમનોહર જોશીએ એકતા યાત્રા કાઢી ત્યારે યાત્રાના સંયોજક શ્રી નરેન્દ્રભાઈ મોદી કાશ્મીરની વિકટ સ્થિતિનો તાગ મેળવી ચૂક્યા હતા. સૌને યાદ હશે કે સંયુક્ત રાષ્ટ સંઘે (UNO) એ વિવાદિત ક્ષેત્રોની યાદીમાંથી કાશ્મીરનો મુદ્દો રદ કરી નાખ્યો હતો તેથી ૧૩ નવેમ્બર, ૨૦૧૦ના રોજ ભારત સરકારે UNOના આ નિર્ણયને આવકાર્યો હતો. આ પછી તો તરત જ કલમ-૩૭૦ રદ થવી જ જોઈએ. તેથી જ ૨૦૧૩ના ડિસેમ્બરમાં જમ્મુની જાહેર સભામાં મોદીજીએ પડકાર ફેંક્યો હતો કે બંધારણની કલમ-૩૭૦ બાબતે રાષ્ટીય કક્ષાએ જાહેર ચર્ચા થવી જોઈએ. પણ જ્યારે ૨૦૧૯માં સ્પષ્ટ બહુમતી સાથે ફરીવાર કેન્દ્રમાં ભાજપાની સરકાર બની ત્યારે દાયકાઓથી સેવેલું સપનુ સાકાર કરવાની સોનેરી તક આવી અને ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના શુભ દિને કલમ-૩૭૦ રદ થતાં વિશેષ જોગવાઈઓ પણ રદ થઈ. આમ ભારતીય ઇતિહાસમાં અને ભારત રાષ્ટના બંધારણમાં આ યશગાથા સુવર્ણ અક્ષરે લખાશે.
 

અને છેલ્લે... 

 
તા. ૮ ઓક્ટોબર, ૨૦૧૦ના `ગુજરાત સમાચાર' દૈનિકનો તંત્રીલેખ યાદ આવે છે. તંત્રીલેખમાં લખાયું હતું કે, કાશ્મીરને લોકશાહીનું કેન્સર જ કહી શકાય. તેને કોબાલ્ટ ટ્રિટમેન્ટ આપવાની જરૂર છે. તેની સાઇડ ઇફેક્ટ ગમે તે પડે પણ તે સમસ્યાને ધરમૂળથી બાળી શકે છે. અને બિલકુલ આ જ ઢગથી અત્યંત મક્કમતાપૂર્વક કલમ ૩૭૦ને જ્યારે દૂર કરવામાં આવી ત્યારે સમગ્ર દેશ આશ્ચર્યયુક્ત આનંદમાં ગરકાવ હતો. તા. ૧૨ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ યોજાયેલા લવ-કુશ મહાસંમેલનમાં પાટીદાર શિરોમણી એવોર્ડથી સન્માનિત થયેલા સાહિત્યકાર, કટાર લેખક, પદ્મશ્રી ગુણવંત શાહે પોતાના પ્રવચનમાં ખૂબ લાગણી સભર શબ્દોમાં આ ઘટનાને બિરદાવતા કહેલું કે, મેં એક પુસ્તક લખ્યું છે. જે દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થયું ત્યારે આ પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો અને જ્યારે કાશ્મીરની ૩૭૦ની કલમ રદ થઈ ત્યારે એ પુસ્તકનું છેલ્લું પાનું લખ્યું છે જેનું નામ આપ્યું છે સ્ટોપ પ્રેસ. હું માનતો જ ન હતો કે અમારા જીવતે જીવ આ કલમ રદ થાય... આ તો બહુ મોટુ પરાક્રમ છે. સરદાર પટેલના આશીર્વાદ મળે તેવું આ પરાક્રમ છે.
 
સાચે જ સરદાર પટેલનો આત્મા આજે પરમ તૃપ્તિ અનુભવતો હશે. અસ્તુ