વિચિત્ર ઋતુ ચાલે છે એવું કહેવાનો જીવ નથી ચાલતો, પણ શિયાળો આવી રીતે...

    ૦૩-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |
 
moon_1  H x W:
 

કશી અધૂરપ નહીં, કેવળ મધુરપ... પોષી પૂનમનો ચંદ્ર...

સાંજે ફાર્મહાઉસમાં યોજાતી રોટલા-કઢી-ખીચડીની પાર્ટીઓ જમવા કરતાં જીવવાની મઝા શોધનારાઓની મહેફિલ વધારે હોય છે. 

 
વિચિત્ર ઋતુ ચાલે છે એવું કહેવાનો જીવ નથી ચાલતો, પણ શિયાળો આવી રીતે આવનજાવન કરતા પહેલાં નહોતો જોયો. સવારે ઠંડી, બપોરે ગરમી અને પાછી સાંજે ઠંડી એવી ત્રિસ્તરીય ઋતુનો ઠાઠ અને ઠસ્સો સમજવો મુશ્કેલ છે. સવારે વસાણા પછી હૂંફાળા તડકામાં જીવન કશીક ઊર્જા પામતું અને પાછી સાંજે ભરાવદાર શાકભાજીઓ અને ઘી-નીતરતી ખીચડીને લીધે જમાવટ થતી. આજે બધું બદલાયું છે. એની ફરિયાદ નથી, પણ એની વઢકણી સાસુ જેવી બદલાતી મુદ્રાથી સતત સાવધાન રહેવું પડે છે. બીજી તરફ સામાજિકતા કરવટ બદલી રહી છે, વોટ્સ-એપ અને સોશિયલ મીડિયાને લીધે સર્કલોના પરિઘ બદલાણા છે. સગા અને પડોશીઓ સિવાયની મંડળીઓનો મહિમા જામ્યો છે. ગમે તેની (ગમે એટલે પસંદ હોય તેવા જ) સાથે સાંજ ગાળવાની મજા જામવા લાગી છે. વોટ્સએપ કે ફેસબૂકના મિત્રોની ટોળીઓ હવે ફોન-કમ્પ્યુટરને બદલે ઊંધિયા પાર્ટીમાં મળે છે. પશ્ચિમના પવનો તણાવ જ ઊભો કરે છે તેનું અગોતરું મારણ શોધવા બધા નીકળી પડ્યા છે. સાંજે ફાર્મહાઉસમાં યોજાતી રોટલા-કઢી-ખીચડીની પાર્ટીઓ જમવા કરતાં જીવવાની મઝા શોધનારાઓની મહેફિલ વધારે હોય છે. જગત જોઈને આવેલા એન.આર.આઈ. મિત્રો આ વાતને વધુ તીવ્ર બનાવે છે. જીવનમાં હસવું છે કે `હસી નાખવું' છે. એવી ભાવના તીવ્રતર થતી જાય છે. આવી કો'ક મિત્રોને મહેફિલાયેલા આકાશને આંગણે લટકાવી ઊંઘી જઈએ એનું ઊંડાણ સાવ અનોખું હોય છે. રજાઈ આખી પૃથ્વીને આઘી હડસેલે અને પોષ મહિનાની ઠંડીના લેપ લગાડેલી બારીઓ ધ્રૂજ્યા સિવાય ઊભી રહે તે નાનોસૂનો વૈભવ નથી. ક્યારેક પવનના સુસવાટા સંભળાય, આટલી ઝડપે ભેંકાર રાત્રે હીટ અને રન જેવી ઘટનાનો અજંપો છાંટતો આ પવન શું કરશે એનો વિચાર પણ રજાઈના રાજમહેલમાં ના આવે ત્યારે વહેલી પરોઢે ઊઠવાની પણ એક મઝા છે. આકાશનો એક એવો ભાગ જે લલાટ જેવું લાગે તેના પર `ફુલ સાઈઝ'ના ચાંલ્લા જેવો ચંદ્ર શોભી રહ્યો છે.
 
 
moon_1  H x W:  

પોષી પૂનમના ચંદ્રનાં પોષકકિરણોનું લિસ્સું અજવાળું જોવું ગમે છે 

 
પોષી પૂનમના ચંદ્રનું એકચક્રી શાસન જોવા જેવું હોય છે. જ્યાં લગ્ન પતી ગયું છે એવા અડધા છૂટેલા મંડપને અઢેલીને બેઠેલા કન્યાના ઘર પર સમયની જેમ પથરાયેલી થાકેલી રોશનીને સુવાડવા મથતો હોય એવું લાગે છે. ઝાડ પર ભરાયેલા તડકાનાં પ્રેત ભાગી ગયાં છે તેવી ઝાડની ડાળ પર પોષી પૂનમના ચંદ્રનાં પોષકકિરણોનું લિસ્સું અજવાળું જોવું ગમે છે. કોઈ મોટા અવકાશયાત્રીની જેમ સ્વેટર, મફલર અને ટોપી પહેરીને હીંચકા પર બેસું છું. ધોધમાર અજવાળાથી છલકાયેલા ચાંદનીના એક તળાવના કિનારાની છાલક જેવી ભાષાનું ફેલાઈ જવું કશી વેદના નથી આપતું. નાનકડા બગીચાનો રજવાડી વૈભવ ડોલી રહ્યો છે, મોગરાનું મૌન તો આખા દિવસ પર છવાયેલું રહે છે. એક પ્રૌઢ જેવો લાગતો ગુલાબનો છોડ પેલી ઝૂકેલી વેલને જાણે કે સંભળાવી રહ્યો છે, `તારા રૂપની પૂનમનો પાગલ એકલો...' ધીરે ધીરે ચંદ્ર આથમવાની દિશા તરફ ઝૂકે છે, એક એકાકી ઝાડ જાણે હાથ ફેલાવીને તેડી લેવા આતુર બનીને હાથ ફેલાવીને ઊભેલી વૃદ્ધા જેવું લાગે છે. સામેથી સવારના અજવાળાની ટશરો ફૂટવા લાગી છે, લિસ્સા રોડ પર ચાંદની અને આ વહેલી સવારનું કાચું અજવાળું એક સંગમ રચે છે, રસ્તાની ચમકતી ગ્લો મારતી ચામડી જાણે ક્લીન શેવ્ડ યુવાનના તાજી કરેલી દાઢીની એવી અનુભૂતિ રેલાવે છે કે તમે નવા દિવસના આગમનની તાજપ અનુભવો. ચંદ્ર હવે ઝાંખો પડી ગયો છે, છાપું ખોલીએ એ પહેલાં તો ચંદ્ર એના અજવાળાના મંડળને લઈને નીકળી પડે છે અને એક નવા દિવસની કૂંપળો એક કવિતા ઉચ્ચારે છે.
 

moon_1  H x W:  
 

નગરના રસ્તાઓ પર વરઘોડાઓનો એક રંગીન ટ્રાફિક જામ જોવા મળે છે 

 
જો કે દિવસ તો તડકાની તીણી ભાષાથી છોલાયેલો રહે છે, પણ સાંજ ફરીથી સજીધજીને ઊગે છે. નગરના રસ્તાઓ પર વરઘોડાઓનો એક રંગીન ટ્રાફિક જામ જોવા મળે છે. એક જાન મંડપના દરવાજે પહોંચતાં પહેલાંના રોડડાન્સમાં ડૂબેલી છે. એના ડાન્સથી મહિલાઓની ભારેખમ સાડીઓના ઠસ્સાની કચ્ચરો હવામાં ઊડે છે, બાજુમાં ટ્રાફિક જામમાં ફસાયેલાં વાહનો તરફ ફેંકાતી આ મહિલાઓની નજરોનો નજારો આપણાં ઊભરી રહેલાં મહાનગરોના જીવનની વિરોધાભાસી વાસ્તવિકતા જેવો લાગે છે. નગરના રસ્તાઓની નિયોન લાઇટોના ઘોંઘાટિયા અજવાળામાં પેટ્રોમેક્ષ લઈને નીકળેલા વરઘોડાને એક મહિલા પોલીસ કશુંક સમજાવે છે. એ શું સમજાવે છે, તે ખબર નથી. પણ આ એકબીજામાં ભળી જતાં કૃત્રિમ અજવાળાંઓની વાત તો નહીં જ હોય.
 
હું ફરીથી પાતળા પડેલા પોષ મહિનાની એક વધુ રાતને ઓઢીને ઊંઘી જાઉં છું. સવારે આવીને માર્ક ટવેન મને આવું કશુંક કહે છે "Give every day the chance to become the most beautiful of your life." અને હું મને કહું છું, ચાલ, સૂરજને મળવા જઈએ, ચાલ, જીવનને કળવા જઈએ... ફરી એકવાર રાતે પેલા ખિસ્સામાં હાથ નાંખીને ઊભેલા ચંદ્રને જોવો છે, પૂરા હૈ ચંદ્રમા, રાત પૂરી હર દિન હૈ એક કહાની પૂરી... કશી અધૂરપ નહીં, માત્ર મધુરપ.