બાય ૨૦૧૯ ! ગરમી, વરસાદ, ઠડીની ભયંકરતા ૨૦૨૦માં નહીં...!

    ૦૩-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

byby 2019_1  H
 
બધી જ મોસમમાં વાતાવરણની ભયંકરતા એ ૨૦૧૯ની વિશેષતા. વિનાશ ચોપેર અને વધારાનો બંગાળની ખાડી, અરેબિયન સાગરના ચક્રાવાતો ના કારણે. વિશ્વ હવામાન સંસ્થાના ડિસેમ્બરના અહેવાલમાં ભારતને હવામાન પરિવર્તનના વધતાં જતાં જોખમો માટેનો પાંચમો સૌથી સંવેદનશીલ દેશ જાહેર કર્યો. જૂન-જુલાઈના હિટ વેવ દેશમાં છેલ્લા ત્રણ દાયકામાં આવેલા સૌથી લાંબા અને ભયાનક હતા, જેમાં ૨૦૦થી વધુ લોકો મોતને ભેટ્યા. તેમાં ફ્રાંસ, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૯માં વહેલાં અભૂતપૂર્વ ગરમ મોજાંઓ વિશેય ઉલ્લેખ છે. ભારતની અરધા કરતાંય વધારે વસ્તી જૂન-જુલાઈના હિટ વેવથી અસરગ્રસ્ત થઈ સ્પેનના મેડ્રિડમાં યોજાયેલા હવામાન શિખર સંમેલન મુજબ લગભગ બે દાયકા પછી દિલ્હીનું તાપમાન જૂન મહિનામાં ૪૮ ડિગ્રી અને રાજસ્થાનના ચુરુનું તાપમાન ૫૦.૮ ડિગ્રીએ પહોંચ્યું. જે એ મહિનાનનું વિશ્વનું સૌથી ઊંચું તાપમાન હતું. ઉત્તર ભારતમાંય આ સમયગાળા દરમિયાન ૪૪થી ૪૮ ડિગ્રી તાપમાન રહ્યું. હિટ વેવ અને ગરમીને કારણે ૧૯૯૨થી ૨૦૧૫ દરમિયાન ભારતમાં ૨૨૫૬૨ લોકો મોતને ભેટ્યા છે. ફોરેસ્ટ સર્વેના રીપોર્ટ મુજબ પાછલા એક જ વર્ષમાં જંગલમાં લાગેલી આગમાં ૧૧૩.૭૪ ટકાનો વધારો, ૧ લાખ ૮૮ હજાર ૬૭૪ જગાએ જંગલમાં આગ લાગી.
 
ગરમીને કારણે ભારતભરમાં ચોમાસું ત્રણ અઠવાડિયાં જેટલું પાછું ઠેલાયું, પણ વરસાદ પડ્યો ત્યારે એણેય ચોમેર વિનાશકતા વેરી. બિહારથી મહારાષ્ટ્ર, બંગાળથી કેરળ અને ગુજરાતથી ઉત્તર પ્રદેશનાં રાજ્યોમાં ભારે પૂરથી તબાહી સર્જાઈ. પુણેના આબોહવા વિભાગ્ો ૫૬૦ ભારે વરસાદની ઘટનાઓ નોંધી, કોઈ ચોક્કસ સ્થળે ૨૪ કલાકમાં ૧૫૦થી ૨૦૦ મિમી વરસાદ, જે ૧૯૭૧ પછીનો સૌથી વધુ. ઓક્ટોબરમાં દક્ષિણ-પશ્ચિમમાં પાછલાં ૨૫ વર્ષોમાં ભારતમાં સૌથી વધુ વરસાદ પડ્યો. ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ ભારે પૂરને કારણે ૨૦૧૯માં ભારતભરમાં ૨૧૨૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. ૨૨ રાજ્યોના ૩૪૭ જિલ્લાઓના ૨૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩૯ લોકો અને બીજા ક્રમે પશ્ચિમ બંગાળમાં ૨૨૭ લોકો મૃત્યુ પામ્યા.
 
કુદરતની કરામત એ જ કે આટલો વરસાદ હોવા છતાં મહારાષ્ટ્રના વિદર્ભ જેવો ભારતનો અન્ય ૧૦ ટકા ભાગ દુષ્કાળગ્રસ્ત હતો. એક વર્ષમાં સાત ચક્રવાતોએ ય ભારતને ઘમરોળ્યું, જેમાં ઓરિસ્સાના ફેની અને અન્ય ચાર ચક્રવાતો ૧૯૦૨ પછીનાં સૌથી ભયાનક. હિન્દ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે ઊઠેલાં ચક્રવાતો અસામાન્ય. આ બધુંય બન્યું આબોહવા પરિવર્તન અને સમુદ્રની ઉષ્ણતાને કારણે.
 
ગરમી અને વરસાદ જેમ ઉત્તરીય વિસ્તારોમાં આ વરસે શિયાળોય કેટલાય વિક્રમો તોડી ગયો. ડિસેમ્બર - ૧૯નો મહિનો દિલ્હીનો આ સદીનો બીજા નંબરનો સૌથી ઠંડો મહિનો નોંધાયો, આ મહિને મહત્તમ તાપમાન ૧૯.૮૪ ડિગ્રી રહ્યું. ઉત્તર ભારતના અન્ય ભાગોય આ વરસે ખૂબ થીજેલા રહ્યા. સીમલા, કુલુ મનાલી જેવાં સ્થાનો પર બરફને કારણે રસ્તાઓ સંપૂર્ણ બંધ રાખવા પડ્યા.
 
બદલાતી આબોહવાને કારણે ભારતને ૨૨૫ બિલિયન ડોલરનું કુલ નુકસાન થયું છે. આ આંકડાઓ અને ભારતની સ્થિતિનો સરવાળો કરીને તારણ કાઢી શકાય કે આવનારાં વર્ષોમાં હવામાનની પરિવર્તનશીલતા વધશે અને તેનું કારણ માનવની કેટલીક પ્રવૃત્તિઓ અને પર્યાવરણની જાળવણી બાબતે ઘટતી જાગૃતિ છે.
 

byby 2019_1  H  
 
વાતાવરણમાં આવેલા આ ભયાનક અને વિનાશક ફેરફારો સૂચવે છે કે ભારત વાતાવરણમાં સૌથી ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે એ હકીકત પરથી ભારતે હવે જરાય સંતોષ લેવાની જરૂર નથી. ક્લાઇમેટ ચેન્જ આ સદીનો સૌથી મોટો પ્રશ્ન છે. કુદરતની અનેક લાલ બત્તીઓ છતાંય આપણે હજુ એમ જ માની રહ્યા છીએ કે કુદરત હજુ આપ્યા જ કરશે. પણ શફી ઈનામદારના નાટક `બા રીટાયર્ડ થાય છે'ની જેમ, કુદરત પણ હવે રીટાયર્ડ થાય છે. કુદરતને આપણે રિટાયર કરવી નથી. તેની જાળવણીની કચાશ જ આ વિનાશ નોંતરે. વૈશ્વિક ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્રત્યે આંધળી દોટ અને વિકસીત દેશોનો કુદરત પ્રત્યે અણછાજતો વ્યવહાર પાપડી ભેગી ઇયળને બફાવે.
 
યુનાઇટેડ નેશન્સની મહેનત છતાં મુડીવાદી તથા અન્ય દેશો પરનો પર્યાવરણ જાળવણી બાબતે પ્રભાવ ઓછો જ છે. યુએન કોન્ફરન્સના રીપોર્ટ મુજબ વિશ્વના સરેરાશ ૩૦૦ કરોડ લોકો ગરમીના કારણે ઉદભવતી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ગરમી, ઠડી, વરસાદથી પ્રભાવિત વાતાવરણના નુકસાન માત્ર વ્યવસ્થા સંબંધિત નથી. માનવમૃત્યુ, પશુઓનાં મૃત્યુ, માંદગી, દવા ખર્ચ, જંગલોનું ધોવાણ, સમુદ્રની સપાટી ઉપર જવી અને વ્યાપક અસરો વિશ્વને નબળું બનાવે છે. દેશના ડાવોસ, સ્વીટઝર્લેન્ડની બેઠકો હોય કે સાર્ક, ૬-૮ હોય કે ૯.૨૦, પોતાના દેશના સ્વાર્થથી ઉપર ઉઠી, વિશ્વ ચિંતા જ્યાં સુધી રાજનેતાઓ નહીં કરે, સાચા નિર્ણયોના અમલ નહીં થાય ત્યાં સુધી વિનાશ રોકવો તો દૂર, વધતો જશે.
 
ચીનની સરકારે પ્રદૂષણને રોકવા માટે યુદ્ધના ધોરણે કાર્ય આરંભ્યુ હતું અને માત્ર ચાર વર્ષની અંદર પ્રદૂષણમાં ૩૫ ટકાનો ઘટાડો નોંધાયો. એ માટે ચીને નવા કાયદાઓ બનાવ્યા, એનો કડક અમલ થાય તેનું ધ્યાન રાખ્યું, વાહનોની સંખ્યા પર અંકુશ, કુદરતી ગેસનો ઉપયોગ જેવા અનેક રસ્તાઓ અપનાવ્યા. થોડાં સમય પહેલાં ૧૬ વર્ષની સ્વીડીશ ચળવળકાર ગ્રેટાથનબર્ગે ય યુ.એન.માં પર્યાવરણ જાળવણી વિશે અભૂતપૂર્વ ભાષણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું. શું આપણેય નવા કાયદાઓ, નવી નીતિઓ ઘડીને આપણા પર્યાવરણનું રક્ષણ ના કરી શકીએ ? યુ.એન.ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે સ્વીકાર્યું છે કે, પર્યાવરણ બચાવવા મામલે હવે `પોઇન્ટ ઓફ નો રીટર્ન'ની ઘડી નજીક આવી ગઈ છે. આપણે એ ઘડીઓને પાછી ઠેલીએ. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દૂર કરવા બનતા તમામ પ્રયત્નો કરીએ. તો જ ૠતુઓ એના સમય મુજબ આવન-જાવન કરશે, તો જ કુદરતનું વિનાશક રૂપ દૂર થશે અને આપણે આ પૃથ્વી પર શાંતિથી શ્વસી શકીશું.