કાશ્મીરની ભૂગોળ જમ્મુ-કાશ્મીર-લદ્દાખની `જમીની' હકીકત

    ૩૧-જાન્યુઆરી-૨૦૨૦

jammu kashmir laddakh_1&n
 
હમણાં સુધી જમ્મુ-કાશ્મીર લદ્દાખ સાથે એક રાજ્ય હતું. એક રાજ્ય હોવા છતાં ભૌગોલિક રીતે તેના ૩ ભાગ હતા. હવે એ ત્રણમાંથી લદ્દાખને તો અલગ કરી દેવાયું છે. જમ્મુ-કાશ્મીર બન્ને ભેગાં છે, પરંતુ ભૂગોળ અને સંસ્કૃતિની રીતે એકબીજાથી અલગ પડે છે. અહીં જમીની હકીકત એટલે જમ્મુ-કાશ્મીર-લદ્દાખની ભૂગોળની કથા પ્રસ્તુત છે...
 
આપણે જેનું એક સાથે નામ લઈએ છીએ અને એક જ ગણીએ છીએ એ જમ્મુ-કાશ્મીર એકબીજાથી સાવ અલગ છે. કુદરતી વિભાજનની વાત કરીએ તો પીર પંજાલ નામની કદાવર પર્વતમાળાનો કેટલોક ભાગ કાશ્મીરને જમ્મુથી અલગ પાડે છે. પંજાબની ઉત્તર તરફનો ભાગ એટલે કાશ્મીર ખીણ-ઘાટી, દક્ષિણ તરફનો ભાગ એટલે જમ્મુ. જમ્મુથી ઉત્તર-પૂર્વ અને કાશ્મીરથી પૂર્વ દિશાએ આવેલો પ્રદેશ એટલે લદ્દાખ.
 
એક રીતે જોવા જઈએ તો લદ્દાખનો જમ્મુ-કાશ્મીર સાથે કંઈ મેળ છે જ નહીં. જમ્મુમાં થોડા મેદાની પ્રદેશ છે, સરહદી વિસ્તારમાં પર્વતમાળા છે, તો કાશ્મીર ખીણમાં નામ પ્રમાણે ચો-તરફ ડુંગરમાળા, વચ્ચે ખીણ જેવી ભૂગોળ છે. તેનાથી અલગ લદ્દાખ ઊંચાઈ પર આવેલો અને પ્રમાણમાં સપાટ પ્રદેશ છે. કાશ્મીર ખીણમાં મુસ્લિમ વસતી (૯૦ ટકાથી વધારે) છે, જમ્મુ વિસ્તારમાં હિન્દુ (૬૦ ટકાથી વધારે) છે, તો લદ્દાખમાં બૌદ્ધધર્મીઓ વસે છે. ભૂગોળ ઉપરાંત લદ્દાખની સંસ્કૃતિ પણ સાવ જુદી છે.
 

jammu kashmir laddakh_1&n 
 
ભારતના નકશામાં આપણે જે મુગટના સ્થાને કાશ્મીર જોઈએ છીએ એ આખું કાશ્મીર (ભારતનું હોવા છતાં) ભારત પાસે નથી. જે નકશો આપણે જોઈએ છીએ એ બ્રિટિશરોએ પાડેલા ભાગલા વખતનો છે. એ વખતે ભારતને મળેલું કાશ્મીર ૨,૨૨,૨૩૬ ચોરસ કિલોમીટરનું કદાવર રાજ્ય હતું. પરંતુ ૧૯૪૭-૪૮, ૧૯૬૫, ૧૯૬૨ અને ૧૯૭૧માં ભારતે અમુક પ્રાંત ગુમાવ્યો (થોડોક મેળવ્યો પણ ખરો). એટલે આજે ભારત પાસે રહેલું, ભારતના કબજાનું કાશ્મીર ૧.૩૯ લાખ ચોરસ કિલોમીટર જેટલું છે. પાકિસ્તાને ૧૯૪૭-૪૮માં જીતી લીધેલું કાશ્મીર છે એ ૭૮ હજાર ચોરસ કિલોમીટરનું છે. પાકિસ્તાન તેને `આઝાદ કાશ્મીર' કહે છે, જ્યારે આપણે તેને `પાકિસ્તાન કબજાનું કાશ્મીર (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર-પીઓકે)' કહીએ છીએ.
 
આ તો જમ્મુ-કાશ્મીરની પશ્ચિમ સરહદની વાત થઈ. કાશ્મીરની પશ્ચિમે પાકિસ્તાન છે, તો પૂર્વે ચીન છે. પૂર્વ તરફનો ૩૭ હજાર ચોરસ કિલોમીટરનો એક સરહદી વિસ્તાર અક્સાઈ ચીન તરીકે ઓળખાય છે. એ ચીનના કબજામાં છે, જે તેણે ૧૯૬૨ના યુદ્ધ વખતે જીતી લીધો હતો. એ ઉપરાંત કાશ્મીરના ઉત્તર છેડે પાકિસ્તાને જીતેલા પ્રદેશમાંથી પાંચ હજાર ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ચીનને પાકિસ્તાને આપી દીધો છે. એ રીતે જમ્મુ-કાશ્મીર રાજ્ય રાજકીય ઇચ્છશક્તિના અભાવે, પરદેશી આક્રમણના કારણે અને અંગ્રેજોની ભાગલા પાડો-રાજ કરોની નીતિને કારણે અનેક ટુકડામાં વહેંચાઈ ગયું છે. ટુકડાનો પરિચય મેળવીએ..
 

જમ્મુ


jammu kashmir laddakh_1&n 
 
રાજ્યનું આ શહેર શિયાળુ પાટનગર છે પણ તેની હાલત કોઈ સામાન્ય તાલુકામથક જેવી છે એમ કહેવામાં કશું ખોટું નથી કે સાત દાયકામાં જમ્મુ-કાશ્મીરની કોઈ સરકારે જમ્મુ શહેરના વિકાસમાં ધ્યાન આપ્યું નથી. તાવી નદીના કાંઠે વિકસેલું શહેર ઊંચુંનીચું ભૂપૃષ્ઠ ધરાવે છે અને અમુક રસ્તા એવા સાંકડા છે કે સામ-સામાં બે વાહન આવી જાય તો પણ ટ્રાફિકનો ખડકલો થઈ શકે એમ છે. જમ્મુ શહેર, જમ્મુ જિલ્લાનો ભાગ છે અને જમ્મુ-કાશ્મીરનું બીજા નંબરનું મોટું શહેર છે. નજીકમાં વૈષ્ણોદેવી મંદિર, પટનીટોપ હિલ સ્ટેશન સિવાય અહીં ખાસ કોઈ પ્રવાસન સ્થળ વિકસ્યાં નથી.
 

વેલી-ખીણ-ઘાટી-કાશ્મીર


jammu kashmir laddakh_1&n 
 
કાશ્મીર ખીણ જેને કહેવામાં આવે એ માંડ આખા રાજ્યનો ૧૨ ટકા હિસ્સો રોકે છે. પરંતુ બધા વિવાદનું મૂળ એ ૧૨ ટકા જેટલો જ પ્રાંત છે. કેમ કે આતંકવાદનું એ કેન્દ્ર છે. ખીણની દક્ષિણે પીર પંજાલ પર્તમાળા છે, તો ઉત્તરે હિમાલય શરૂ થઈ જાય છે. પંજાલ એ હિમાલયનો જ નોખો પડેલો ફાંટો છે. એ બન્ને પર્વતમાળા વચ્ચે હોવાથી કાશ્મીર પ્રદેશ ઘાટી તરીકે ઓળખાય છે. આખો વિસ્તાર ૩૦-૪૦ કિલોમીટર પહોળો અને સવાસોથી વધારે કિલોમીટર લાંબો છે. સામાન્ય રીતે ખીણ જમીનથી નીચેના ભાગમાં હોય. પણ કાશ્મીર ખીણ સમુદ્રસપાટીથી પાંચ હજાર ફીટની સરેરાશ ઊંચાઈએ છે. છતાં બન્ને તરફ ડુંગરમાળથી સુરક્ષિત હોવાથી વેલી નામે ઓળખાય છે.
 

નોખુ, અનોખું લદ્દાખ

 
લદ્દાખમાં બૌદ્ધ ધર્મીઓ રહે છે, માટે આતંકીઓને જે સ્થાનિક મદદ જોઈએ એ મળે નહીં. એટલે લદ્દાખ બધી રીતે શાંત પ્રદેશ રહ્યો છે. શાંત હોવાને કારણે પ્રવાસીઓનાં ધાડેધાડાં હવે લદ્દાખમાં રખડપટ્ટી કરવા ઊતરી પડે છે.
 

jammu kashmir laddakh_1&n 
 
દિલ્હીથી કોઈ પ્રવાસી વિમાન દ્વારા લેહ સુધી જાય તો આછો-પાતળો ખ્યાલ આવે કે લદ્દાખ આખા ભારતથી મૂઠી ઊંચેરો પ્રદેશ છે. લદ્દાખ એ મૂળ લા દ્વાગ્સ શબ્દમાંથી અપ્રભંશ થયેલો છે. એ શબ્દોનો મતલબ ઊંચા રસ્તા અને પહાડોની ભૂમિ એવો થાય છે.
 
આ ત્રણ ભાગ ઉપરાંત કાશ્મીર વર્ષમાં બે વખત પાટનગર બદલતું એકમાત્ર રાજ્ય છે. કાશ્મીરને અલગ પાડતી એક ભૂગોળ એટલે ઉત્તર છેડે આવેલો સિઆચેન વિસ્તાર. સિઆચેન કાશ્મીરના સૌથી ઉત્તર છેડે આવેલી ભારતીય લશ્કરની પોસ્ટ પ્લસ પહાડી વિસ્તાર છે. સિઆચેન નામની હિમનદી ત્યાં વહે છે. સિઆચેનના હિમપહાડો પર 17થી લઈને 20 હજાર ફીટની ઊંચાઈએ ભારતીય લશ્કરી ચોકીઓ આવેલી છે. સિઆચેન એવી ભૂમિ છે, જ્યાં સ્થિર બાંધકામ શક્ય નથી. રોડ-રસ્તો તો બાંધી શકાય એવી કલ્પના પણ ન થાય. એટલે ત્યાં પહેરો ભરતા સૈનિકોને રોજ રોજ રાશન-પાણી વાયુસેનાના કદાવર ટ્રાન્સપોર્ટ વિમાનો અથવા હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવામાં આવે છે.
 
ત્યાં કોઈ બાંધકામ નથી એટલે વિમાન લેન્ડ ન થઈ શકે પરંતુ હવામાંથી જ સામાન નીચે ફેંકે. એ સામાન નીચે રહેલા સૈનિકોએ મેળવી લેવાનો. ધારો કે સામાન બરફમાં ખૂંપી જાય તો સીધું-સામાન ગયા ખાતે સમજી લેવાનું. ઊંચાઈ પર હવા અત્યંત પાતળી હોવાથી હેલિકોપ્ટર પણ ત્યાં લાંબો સમય ઊભાં ન રહી શકે. એ બધી મુશ્કેલીઓ વચ્ચે રોજ રોજ સામાન તો પહોંચાડવો જ પડે.
 

jammu kashmir laddakh_1&n 

નદીકાંઠે પથરાયેલું રાજ્ય

 
આમ તો રાજ્યમાં નદીઓ હોય, પણ કાશ્મીરમાં નદીઓની સંખ્યા વધારે છે એટલે નદીકાંઠે રાજ્ય ફેલાયેલું છે એમ કહી શકાય. હિમાલયમાંથી નીકળતી કાશ્મીરની મોટા ભાગની નદીઓ પાકિસ્તાનમાં જાય છે. એ પછી છેવટે અરબ સાગરમાં પહોંચે છે. મોટી નદીઓ પૈકી સિંધુ, જેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાન વાપરે, જ્યારે સતલજ, રાવી, બિયાસનું જળ ભારતના ફાળે છે. આ મોટી નદીઓ ઉપરાંત ઉત્તરમાં બર્ફીલી ભૂમિમાંથી નીકળતી હિમનદીઓ, લદ્દાખમાં નુબ્રા, શ્યોક જેવી શિયાળામાં થીજી જતી નદીઓ, જમ્મુમાં વહેતી બારમાસી નદીઓનો પાર નથી. આ રીતે પહેલી નજરે એક લાગતું રાજ્ય અનેક ભૌગોલિક વૈવિધ્યથી બનેલું છે.
 
- મીના ગજ્જર