મનસમર્મ । જે સહજ છે તે સબળ છે । મોરારિબાપુ

    ૦૪-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

moraribapu karuna_1 
 
મધ્ય આફ્રિકામાં આદિવાસીઓની એક વસાહત છે. ત્યાં બે ઝૂંપડાં વચ્ચેનું અંતર કિલોમીટર કે માઈલોમાં નથી મપાતું, કારણ કે લંબાઈની વિભાવના જ ત્યાં હજી વિકાસ નથી પામી. હજી આજે પણ ત્યાં ભૌતિક અંતર માપવા માટે અંતરના સંબંધનો એકમ વપરાય છે. ફલાણો માણસ નજીક રહે છે એમ આદિવાસી કહે તો એનો અર્થ એટલો જ કે તે માણસ મને ગમે છે. આવો ગમતો માણસ પચ્ચીસ-ત્રીસ માઈલ દૂર રહેતો હોય તો ય નજીક ગણાય. નહીં ગમતો માણસ ગામને છેડે રહેતો હોય તો પણ આદિવાસી કહેશે, એ બહુ દૂર રહે છે.
 
જેમ માણસ સાથે સંબંધ ઓછો તેમ તે દૂર અને સંબંધ વધારે તેમ તે નજીક. વાત નવાઈ લાગે તેવી છે પણ અવાસ્તવિક નથી. મુંબઈમાં રહેતો પડોશી પણ, પ્રેમસગાઈ નથી હોતી ત્યારે કેવો દૂર રહેનારો બની જાય ! તમારે ત્યાં આવવાનું ઘણીવાર વિચારું છું પણ સમય નથી મળતો એવું કોઈકને કહીએ છીએ ત્યારે હકીકત એ હોય છે કે તમારે ત્યાં આવી પડવાનો ઉમળકો નથી. કોઈ પોતાની પ્રિયતમાને આવું કહે ખરું ? ત્યારે ચર્ચગેટથી બોરીવલી દૂર નથી ગણાતું. તે જ રીતે એક જ બેડરૂમમાં અડખેપડખે સૂતેલાં પતિ-પત્ની વચ્ચે ક્યારેક માઈલોનું છેટું નથી હોતું ?
 
આ શબ્દો છે પ્રખર વિચારક ગુણવંત શાહના. આપણે સંબંધની સહજતા ગુમાવી છે એટલે સબળતા પણ ગુમાવી છે. મારી એક કથાનો વિષય જ સહજ હતો. ઝેન કથાઓમાં, ઝેનની વાતોમાં સહજતાનો ઘણો મહિમા છે; સાવધાનીનો ઘણો મહિમા છે. રામ સહજ છે. કૃષ્ણ તો એના કરતાં પણ વધારે સહજ છે. શિવ એનાથી પણ વધારે સહજ છે. રામ એટલે સત્ય. સત્ય સહજ હોવું જોઈએ. સત્યની શાળાઓ હોતી નથી. કૃષ્ણ પ્રેમ છે. પ્રેમ પણ સહજ હોવો જોઈએ. પ્રેમની પાઠશાળા ન હોય. શિવ કરુણા છે. કરુણાના ક્લાસીસ ન હોય. ઝેન પરંપરામાં કહેવાયું છે કે કરુણા આસક્તિમુક્ત હોવી જોઈએ. જેના પર કરુણા કરી છે એના પર આસક્તિ ન રાખો. નહીંતર બંધાઈ જશો. સ્વાભાવિક રીતે જે ક્ષણ આવે એમાં જીવી લો. નહીંતર પછી એના ગયાનો અફસોસ રહેશે. એક ક્ષણ પછીની ક્ષણ અતીતમાં ચાલી જાય છે. નવી ક્ષણનું આમંત્રણ આવી જાય છે, પરંતુ એ બંને વચ્ચેની એક ક્ષણ એવી છે જેને જીવે એ સાચો માનવી. આપણે અસહજ થતા જઈએ છીએ. એ અધર્મ છે. માનસમાં કહેવાયું છે કે...
 
સંકર સહજ સરુપ સમ્હારા । લાગિ સમાધિ અખંડ અપારા ।
સંભુ સહજ સમરથ ભગવાના । એહિ બિવાહ સબ વિધિ કલ્યાના ॥
 

moraribapu karuna_1  
 
માનસનો અર્થ છે હૃદય. આપણે સૌ જાણીએ છીએ કે હૃદય સહજ હોય તો જ આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. હૃદય એની સાહજિક ગતિ ચૂકે ત્યારે ક્યારેક માણસ મૃત્યુ પણ પામે છે. હું ક્યારેય ઉપદેશ આપતો નથી. પણ મારા શ્રોતાઓ સાથે સહજ સંવાદ કરું છું. હું કથાને મહાએકાંત સમજું છું. સમૂહમાં પણ એકલા પડતાં આવડે એ યોગીની કક્ષાએ પહોંચી શકે છે. હરીન્દ્ર દવે કહે છે તેમ મેળો આપો તો એક માનવીની સંગ અને એકલતા આપો તો ટોળે. ઉત્તમ સહજતા ધ્યાનમાં મળે છે અને ધ્યાનનું ચરમ શિખર શિવ જેવું બીજું કોઈ નથી. શિવનું ધ્યાન ફળ માટે નથી. સહજ ધ્યાન છે. આપણે ધ્યાન કરીએ છીએ તો ફળ ઇચ્છીએ છીએ. ધ્યાનને ગોસ્વામીજીએ રસ કહ્યું છે. રસ માણસને જડ થવા દેતો નથી. આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે કે...
 
ઉત્તમા સહજાવસ્થા । મધ્યમા ધ્યાનધારણા ।
 
આપણે ત્યાં એક યોગનું નામ છે સહજયોગ. કબીરસાહેબનું સાધો સહજ સમાધિ અદભુત વક્તવ્ય છે. મહાદેવથી મોટો કોઈ ગુરુ નથી અને ધ્યાની નથી. ધ્યાનમૂલં ગુરુ, પૂજામૂલં ગુરુ, મંત્રમૂલં ગુરુ, મોક્ષમૂલં ગુરુ... આપણે જે કઈ બોલીએ એ સહજ અને સાચું બોલીએ. નો બોલ ન ફેંકવો જોઈએ. એમ કરવાથી રન પણ જશે, વધુ મહેનત પડશે અને સામેવાળાને સિક્સરનો ચાન્સ મળશે. બેકલ ઉત્સાહીના શેર સાથે સહજ સમાપન કરીએ.
 
સાદગી, શ્રૃંગાર હો ગઈ, આયનો કી હાર હો ગઈ ।
 
- આલેખાન : હરદ્વાર ગોસ્વામી