પાકિસ્તાન તેના ભારથી જ તૂટી પડશે કેમ કે...

    ૦૬-જાન્યુઆરી-૨૦૨૦
કુલ દૃશ્યો |

pakistan_1  H x
 
 
પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ છે તેવી વાતો આપણે લાંબા સમયથી સાંભળીએ છીએ પણ હવે આ વાતને સત્તાવાર રીતે સમર્થન મળ્યું છે. આતંકવાદીઓને મળતી આર્થિક મદદ પર નિયંત્રણ રાખવા માટે વૈશ્વિક સ્તરે ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) નામની એજન્સી કામ કરે છે. પાકિસ્તાન આતંકીઓને મદદ કરે છે તેથી ભારત લાંબા સમયથી પાકિસ્તાન પર પ્રતિબંધ મૂકવા આ એજન્સી પર દબાણ કર્યા કરે છે. આ એજન્સી પણ પાકિસ્તાનથી નારાજ છે ને પાકિસ્તાન આતંકવાદને પોષે છે એ તેણે સ્વીકાર્યું છે. પાકિસ્તાનને સુધરી જવા માટે સમય પણ આપ્યા કરે છે.
 

પાકિસ્તાનનું અર્થતંત્ર સાવ પડી ભાંગશે કેમ કે... 

 
આ આંતરરાષ્ટિય એજન્સીએ ગયા વર્ષે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું હતું. ગ્રે લિસ્ટમાં એવા દેશો સામેલ છે, જેમણે મની લૉન્ડ્રિંગ અને આતંકવાદી સંગઠનોને મળનારી આર્થિક મદદ પર નિયંત્રણ લાવવામાં બેદરકારી દાખવી હોય. પાકિસ્તાન પર એ રીતે ભારે દબાણ છે. આ દબાણ વધારીને આ એજન્સીએ જાહેર કર્યું છે કે, હવે પછીના ચાર મહિનામાં કોઈ પરિણામ નહીં આવે તો પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી દેવાશે. સાથે સાથે તેણે તાત્કાલિક રીતે પાકિસ્તાનને કેમ બ્લેક લિસ્ટેડ નથી કરાયું તેની સ્પષ્ટતા પણ કરી છે. આ સ્પષ્ટતા મુજબ એફએટીએફ પાકિસ્તાનને બ્લૅક લિસ્ટ કરે તો પહેલાંથી જ ભિખારી બની ગયેલા પાકિસ્તાનનું અર્થતંત્ર સાવ પડી ભાંગશે કેમ કે તેને આંતરરાષ્ટીય સ્તરેથી કોઈ આર્થિક મદદ મળી શકશે નહીં. દુનિયાનો કોઈ દેશ તેની સાથે વેપાર નહીં કરે કે રોકાણ નહીં કરે. દુનિયાની કોઈ નાણા સંસ્થા તેને મદદ નહીં કરે કે લોન નહીં આપે.
 
એફએટીએફએ પાકિસ્તાનની ખરાબ હાલતની વાત પર સત્તાવાર રીતે મંજૂરીની મહોર મારી પણ તેના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરેખર શું છે તેની ખબર પડતી નથી. વાસ્તવમાં પાકિસ્તાનની સ્થિતિ વધારે ખરાબ છે ને પાકિસ્તાને પોતાના બંદરને ગિરવે મૂકીને નાણાં મેળવવાં પડે એવા દિવસો આવી ગયા છે.
 

૯૭ અબજ ડોલરનું દેવું 

 
પાકિસ્તાનના માથે અત્યારે ૯૭ અબજ ડોલરનું દેવું છે. ભારતીય રૂપિયામાં ગણો તો લગભગ સાત લાખ કરોડ રૂપિયા થાય. પાકિસ્તાનનો રૂપિયો સાવ ગગડી ગયો છે. એક અમેરિકન ડોલર સામે પાકિસ્તાનના રૂપિયાની કિંમત ૧૬૨ રૂપિયા છે. આર્થિક વિકાસ દર માત્ર ૩.૩ ટકા છે ને આવતા વર્ષે ઘટીને ૨.૪ ટકા થઈ જશે. રોજગારી તો છે જ નહીં ને બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજોના ભાવ બેફામ વધ્યા છે. ડુંગળી અને ટામેટાં જેવી સામાન્ય ચીજો પણ કિલોના ૧૦૦ રૂપિયાના ભાવને પાર કરી ગઈ છે. વીજળી મોંઘી છે અને બીજી ચીજોના ભાવ પણ આસમાને છે. ફુગાવો વધીને ૯ ટકા પર પહોંચી ગયો છે તેથી લોકોને બે છેડા ભેગા કરવામાં પણ ફાંફાં પડી રહ્યાં છે. પાકિસ્તાનમાં ઉત્પાદન ઠપ્પ છે ને સામે વિદેશથી ચીજો મંગાવ્યા જ કરવી પડે છે. તેના કારણે વ્યાપાર ખાધ ૩૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. માથાદીઠ આવક ૧૪૦૦ ડોલરની આસપાસ છે ને વિશ્વમાં છેક ૧૪૮મા સ્થાને છે.
 

pakistan houbara bustard_ 
 

સરકારે થોડાક રૂપિયાના બદલામાં શાહી પરિવારને શિકારની મંજૂરી આપી 

 
પાકિસ્તાનની આર્થિક હાલત કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી આવે કે ઈમરાન ખાન સરકારે બહેરીનના રાજા શેખ હમાદ બિન સલમાન ઉલ ખલિફાના પરિવાર સહિતના કાફલાને લુપ્ત થતા સોન ચિરૈયા એટલે કે ઘોરાડ નામના નિર્દોષ પક્ષીઓના શિકારને મંજૂરી આપી છે. શાહી પરિવારના સાત સભ્યોને પાકિસ્તાનમાં સો-સો સોન ચિરૈયાના શિકારની મંજૂરી અપાઈ છે. પાકિસ્તાનમાં હોઉબારા બસ્ટર્ડ (ઘોરાડની એક પ્રજાતિ-સોન ચિરૈયા) સંરક્ષિત પક્ષી છે ને તેની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. તેના શિકાર પર પણ પ્રતિબંધ છે પણ સરકારે થોડાક રૂપિયાના બદલામાં શાહી પરિવારને શિકારની મંજૂરી આપી છે. આ મંજૂરીના બદલામાં. ઇમરાન સરકારને માત્ર બે કરોડ રૂપિયા મળવાના છે. પાકિસ્તાન પાસે નાણાં જ નથી તેથી બે કરોડ રૂપિયાના બદલામાં આ મંજૂરી આપી દેવાઈ છે. આ પહેલાં બહેરીનના રાજાને પણ આ રીતે મંજૂરી અપાઈ હતી. તેના કારણે પાકિસ્તાનની ભારે મજાક પણ ઊડી રહી છે. પાકિસ્તાને પક્ષીઓના શિકાર કરીને કમાણી કરવાના દિવસો આવી ગયા એવા કટાક્ષ ભરપૂર પ્રમાણમાં થઈ રહ્યા છે.
 

પાકિસ્તાનને લૂંટ્યું  

 
ઈમરાન ખાન આર્થિક સંકટને પહોંચી વળવા મથે છે પણ મેળ પડતો નથી. ઈમરાન આખી દુનિયામાં કટોરો લઈને ભીખ માગતો ફરે છે પણ કોઈ પાકિસ્તાનને મદદ કરવા તૈયાર નથી. ઈમરાને ધનિકો પર કરવેરો નાંખ્યો છે ને લોકો સ્વૈચ્છિક રીતે પોતાની કાળાં નાણાંની જાહેરાત કરે તેવી યોજના જાહેર કરી હતી. આ યોજનાને ધાર્યો પ્રતિસાદ ના મળતાં પાકિસ્તાનની હાલત વધારે બગડી છે. અમેરિકાને બતાવી દેવા માટે પાકિસ્તાન ચીનના પડખામાં ભરાયું હતું. ચીને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના નામે પાકિસ્તાનને લૂંટ્યું તેમાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે પાકિસ્તાનની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી છે. પાકિસ્તાન આગળ વધી પણ શકતું નથી ને ચીનને ના પણ કહી શકતું નથી તેના કારણે તેની હાલત વધારે ખરાબ થતી જાય છે.
 

સ્થાનિક ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે 

 
પાકિસ્તાનમાં આતંકવાદના કારણે વિદેશી રોકાણકારો આવવા તૈયાર નથી. ઊલટાનું સ્થાનિક ઉદ્યોગો પણ બંધ થઈ રહ્યા છે, કેમ કે વીજળી ને પાણી જેવી પાયાની જરૂરિયાતો આપવાની પણ પાકિસ્તાન સરકારની તાકાત નથી. પાકિસ્તાન પાસે જ્યાં ખનિજો અને બીજી કુદરતી સંપત્તિ છે ત્યાં આતંકવાદીઓ અડિંગા જમાવીને બેઠા છે તેથી એ સંપત્તિ પણ કોઈ કામની નથી.
 

પાકિસ્તાન કશું કરી શકે તેમ નથી. 

 
પાકિસ્તાને આતંકવાદને પોષવાની લ્હાયમાં પોતાની આ હાલત જાતે જ કરી છે. અત્યારે જે સ્થિતિ છે તે જોતાં પાકિસ્તાન કશું કરી શકે તેમ નથી. એફએટીએફએ તેને ચાર મહિના આપ્યા છે પણ ચાર મહિનામાં તે કશું કરી શકે તેવી સ્થિતિ નથી તે જોતાં પાકિસ્તાન ગમે ત્યારે તેના ભારથી જ તૂટી પડશે એ નક્કી છે.
 
- જય પંડિત