કોરોનાથી બચવા તમે આડેધડ ઉકાળા પીવો છો? જો જવાબ હા હોય તો આ લેખ તમારા માટે છે!

    ૦૧-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

corona virus and kadha_1&
 
મુંબઈના જાણીતા એન્ડો-ક્રાઈનોલોજિસ્ટ ડૉ. તેજલ લાઠીયાએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વૈદ્યકીય સલાહ વિના પોતાની રીતે જ આડેધડ લેવામાં આવી રહેલાં ઔષધોની આડઅસરોનો ઘટસ્ફોટ કર્યો છે. એપોલો અને ફોર્ટિસ આ બંને સુપ્રસિદ્ધ હોસ્પિટલ્સમાં સેવારત ડૉ. તેજલ લાઠિયાને ડાયાબિટીસના તેમના વર્ષો જૂના રુગ્ણોએ કેટલાંક અસામાન્ય લક્ષણો અને સમસ્યાઓની ફરિયાદ કરી. વિવિધ પરીક્ષણો પછી તેમના ધ્યાનમાં આવ્યું કે તે લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું હોવાથી આ સમસ્યાઓ ઉદ્ભવી હતી. ડૉ. લાઠીયાની તપાસમાં એ લોકોએ જણાવ્યું કે, કોરોનાથી રક્ષણ માટે વોટ્સએપ યુનિવર્સિટીમાં પીરસાયેલા અધકચરા જ્ઞાનથી દોરવાઈ જઈને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તેઓ અનેક પ્રકારના ઔષધોપચાર પોતાની મેળે જ કરી રહ્યા હતા. આમ, કોરોનાથી માનસિક રીતે ભયભીત થઈને વૈદ્યકીય સલાહ વિના લેવામાં આવેલાં ઔષધોના અતિરેકની આડઅસરો આ ઋગ્ણોમાં જોવા મળી હતી.
 
ડૉ. લાઠિયાએ જણાવ્યું હતું કે વૈદ્યકીય સલાહ વિના લેવામાં આવેલાં ઔષધો અને વિટામિન ડીની ગોળીઓના અતિરેકથી શરીરનું આંતરિક સંતુલન ખોરવાય છે, જેથી ઊલટી ઉબકા, તંદ્રાવસ્થા, ડિહાઈડ્રેશન, વિસ્મરણ અને અસ્વસ્થતા ઇત્યાદિ સમસ્યાઓ જન્મે છે. ઈમ્યુનીટી વધારવા માટે વિટામિન ડીની એક ગોળી સપ્તાહમાં એક જ વાર લેવાની સલાહ ડૉક્ટર્સ આપતા હોય છે, પરંતુ વોટ્સએપ યુનિવર્સિટીમાં પીરસાયેલા અધકચરા જ્ઞાનથી દોરવાઈ જઈને આ લોકોએ આ પ્રમાણ કરતાં સાત ગણી ગોળીઓ લીધી હતી, એટલે કે રોજ એક ગોળી મહિના સુધી લીધે રાખી હતી, જેને કારણે તંદ્રાવસ્થા, ઊલટી ઉબકા, વિસ્મરણ જેવી સમસ્યાઓ ઉદ્ભવી હતી. સામાન્ય રીતે વિટામિન ડીનું પ્રમાણ 150ng/ml થઈ જાય તો પણ આ સમસ્યાઓ થાય છે, જ્યારે મારા આ રુગ્ણોમાં આ પ્રમાણ 348nh/ml એ ભયાવહ સ્તરે પહોંચ્યું હતું તેથી તેઓમાં આ સમસ્યાઓ જોવા મળી હતી. સદ્ભાગ્યે આ સમયસર ધ્યાનમાં આવ્યું તેથી તેઓ વિઘાતક અસરોથી બચી ગયા એમ ડૉ. લાઠિયાએ જણાવ્યું હતું.
 

 
ડૉ. લાઠિયા જેવી જ ચિંતા કોચિન, કેરળના ડૉ ફિલીપ્સ પણ વ્યક્ત કરે છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં પીરસાયેલી અધકચરી અને આધારવિહીન જાણકારીને અનુસરનારા તેમના અનેક રુગ્ણોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી હતી. તેમની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેઓએ મહિનાઓ સુધી મેથી દાણાનું અતિશય સેવન કર્યું હતું. ડૉ ફિલીપ્સ કહે છે કે ઈમ્યુનિટી વધારવા માટે, વૈદ્યકીય સલાહ વિના મેથીદાણાનું અતિશય સેવન કરવાને કારણે આ રુગ્ણોનું લોહી અતિશય પાતળું થઈ ગયું હતું. આયુર્વેદિક ઔષધીય ગુણો ધરાવતી મસાલીયાની વસ્તુઓ આડેધડ લેવામાં આવે તો તેનાં દુષ્પરિણામો આવી શકે છે તે સૌએ ધ્યાનમાં રાખવું જોઈએ. મેથી, હળદર, મરી, સૂંઠ કે પછી હોમિયોપથિક દવાઓ પણ વૈદ્યકીય સલાહ વિના લાંબા સમય સુધી લેવી જોઈએ નહીં એવી સલાહ ડૉ ફિલીપ્સ આપે છે.
 

corona virus and kadha_1& 
 
ડૉ. ફિલીપ્સ અને ડૉ. લાઠિયાએ તેમના નિયમિત રુગ્ણોમાં જોવા મળેલી અસામાન્ય સમસ્યાઓની કરેલી વાત દેશભરના અનેક ડૉક્ટર્સ કરી રહ્યા છે. જાહેરાતો કે સોશ્યલ મીડિયામાં વાયરલ થતી વાતો ઉપર વિશ્ર્વાસ મૂકીને લોકો ઈમ્યૂનીટી વધારવા માટે જાતજાતના અખતરા કરે છે અને મહિનાઓ પછી હવે તેનાં દુષ્પરિણામો દેખાઈ રહ્યાં છે. વૈદ્યકીય સલાહ વિના ઘરગથ્થુ ઉપાયો પણ દીર્ઘકાળ સુધી ચાલુ રાખવા જોઈએ નહીં. રુગ્ણની શારીરિક અને માનસિક પ્રકૃતિને આધારે ડૉક્ટર કે વૈદ્ય ઔષધોપચાર નિશ્ર્ચિત કરે છે તેથી તેની આડઅસરો થતી નથી.
 
 
કોરોના સંક્રમણ સામે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વોટ્સએપ યુનિવર્સિટીમાં કે સોશ્યલ મીડિયામાં પીરસાયેલા, ફોરવર્ડ કરેલા આધાર વિહીન અજ્ઞાનને અનુસરવાને બદલે સૌએ ભારત સરકારના આયુષ મંત્રાલયે આ સંદર્ભે બહાર પાડેલી માર્ગદર્શિકાને અનુસરવું જોઈએ. આ માર્ગદર્શિકામાં ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક, યુનાની તથા હોમિયોપથિક ઔષધોની જાણકારી અને તેના સેવનની વિધિ દર્શાવવામાં આવી છે, ઉપરાંત યોગાસનો, ધ્યાન, પ્રાણાયામ ઇત્યાદિ વિશે અધિકૃત જાણકારી આપવામાં આવી છે. દેશભરના આ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આયુષ મંત્રાલયની વેબસાઇટ ઉપર આ માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. તો હવે વોટ્સએપ યુનિવર્સિટીને કરો રામરામ અને ઈમ્યુનિટી વધારવા માટે અનુસરો કેવળ આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અને વૈદ્યકીય સલાહ.