ભૂતિયું ઘર એક સરસ વાંચવામાં મજા પડે તેવી બાળવાર્તા...

    ૧૩-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

bal varata_1  H

 

એક હતી ખિસકોલી. એણે એક ઝાડ હેઠળ ઘર કર્યું. ઘરને સરસ રીતે શણગાર્યું. ઘર જોઈ ગલબા શિયાળનું મન લલચાયું. એ કહે, આવા ઘરમાં ખિસકોલી રહે એ શોભે નહીં, આમાં હું રહું તો ઘર પણ શોભે અને હું પણ
શોભું !
 
એ સમયે ખિસકોલી ખેતરમાં મગફળી વીણવા ગઈ હતી, તેથી ઘરમાં કોઈ હતું નહીં. ગલબાએ તે જ ઘડીએ ઘરમાં ધામા નાખ્યા.
 
થોડી વાર પછી ખિસકોલી આવી. આંગણામાં પગ દેતાં જ તેને ખબર પડી કે ઘરમાં કોઈ છે એટલે એણે બૂમ પાડી, એ...ઈ, ઘરમાં કોણ છે ?
 
શિયાળે કહ્યું, કોણ, તે હું છે, ગલબો શિયાળ - ઘરનો માલિક.
ખિસકોલીએ કહ્યું, આ મારું ઘર છે, તું નીકળ મારા ઘરમાંથી !
ગલબાએ કહ્યું, ઘર મારું છે, હું મારા ઘરમાંથી નહીં નીકળું.
 
ખિસકોલીએ કહ્યું, તું ચોર છે, તું બદમાશ છે, તું ખોટી રીતે મારા ઘરમાં ઘૂસી ગયો છે. હું કાજીને ફરિયાદ કરીશ.
ફરિયાદ કાલે કરતી હો તો આજે કર ! મને એનો વાંધો નથી. ગલબાએ કહ્યું.
 
એટલામાં ત્યાં થઈને એક કૂકડો નીકળ્યો.
 
તરત ખિસકોલીએ બૂમ મારી, એ...ઈ કાજી સાહેબ, એ...ઈ કાજી સાહેબ ! અમારો ન્યાય કરો !
 
કૂકડાએ નજીક આવી કહ્યું, બોલ, શી ફરિયાદ છે ?
 
ખિસકોલીએ કહ્યું, આ ઘર મારું છે, પણ એક બદમાશ એ બથાવીને બેસી ગયો છે. આપ હુકમ કરી મારા ઘરમાંથી એને કાઢો !
કૂકડાએ રુઆબથી કહ્યું, હમણાં કાઢું ! હું હુકમ કરું એટલી વાર. હું કોઈની બદમાશી નહીં ચાલવા દઉં. બોલતાં બોલતાં એ જુસ્સામાં આગળ વધ્યો અને ઘરના આંગણામાં આવી ઊભો ને બોલ્યો, એ... બદમાશ, સાંભળ. હું કાજી તને હુકમ કરું છું કે મારી સામે અબઘડી હાજર થા !
 
ગલબો શિયાળ ઘરના બારણામાં આવી ઊભો.
 
કૂકડો એને જોઈ મનમાં કહે, ઓહ, આ તો ગલબો મિનિસ્ટર છે ! એની સામે હુકમ કરવામાં ભારે જોખમ ! નોકરી જાય અને કદાચ જીવ ખોવાનો વારો આવે !
 
તેણે કહ્યું, ખિસકોલી બાઈ, તમે કહો છો કે આ ઘર તમારું છે, પણ હું અત્યારે નજરોનજર જોઉં છું કે ઘરમાં ગલબોજી રહે છે. તો જે ઘરમાં તમે રહેતાં નથી એ ઘર તમારું કેવી રીતે હોઈ શકે ?
 
ખિસકોલીએ રોતાં રોતાં કહ્યું, સાહેબ, ઘર મારું છે. હું સાચું કહું છું, આ ઘર મારું છે.
 
કૂકડાએ ગલબાને પૂછ્યું, આ વિશે આપનું શું કહેવું છે ?
 
ગલબાએ કહ્યું, હું આ ઘરમાં રહું છું એ આપ નજરે જુઓ છો, પછી મારે કંઈ કહેવાનું રહેતું નથી.
 
કાજી કૂકડાએ ચુકાદો આપ્યો, જેમ ખેડે તેનું ખેતર અને મારે તેની લાઠી. તેમ ઘરમાં જે રહે તેનું ઘર ! જેનો કબજો તેનું ઘર ! ખિસકોલીની ફરિયાદ કાઢી નાખવામાં આવે છે.
 
ચુકાદો જાહેર કરી કાજીસાહેબ ચાલ્યા ગયા.
 
ગલબો હાશ કરી ઘરમાં સૂવા ગયો.
 
ખિસકોલી ડૂસકાં ભરતી ત્યાંથી ચાલી નીકળી. એને રડતી જતી જોઈ ઝાડ પર બેઠેલા કપિ વાનરે એને પૂછ્યું, બહેન, તમે શા માટે દુ:ખી થઈને રડો છો?
 
ખિસકોલીએ કહ્યું, દુનિયામાં ગરીબનું કોઈ બેલી નથી, ભાઈ !
 
કપિએ કહ્યું, કોઈ જ નથી એવું તો કેમ કહેવાય બહેન ? સૂરજ હજી ઊગે તો છે !
 
હવે ખિસકોલીએ રડતાં રડતાં પોતાની બધી વીતક વાત કરી.
 
એ સાંભળી કપિ વિચારમાં પડી ગયો. બીજી ડાળ પર એક કાગડો બેઠેલો હતો.
 
કપિએ એને પૂછ્યું, ખિસકોલીની વાત તમે સાંભળી ?
 
કાગડાએ કહ્યું, હા, મને એની વાત સાચી લાગે છે.
 
કપિએ કહ્યું, તો સાચું લાગે છે એટલું કહીને આપણાથી છૂટી જવાય નહીં...
 
નહીં જ. એને એનું ઘર પાછું મળે એવું કરવું જોઈએ. કાગડાએ કહ્યું.
 
સામે ગલબો શિયાળ છે. કપિએ કહ્યું.
 
હા, સામે જૂઠ અને પ્રપંચ છે. કાગડાએ કહ્યું.
 
આ બે જણ વચ્ચે પછી ખાનગી મસલત ચાલી. તેમણે એક રણનીતિ નક્કી કરી અને તે પ્રમાણે કામ શરૂ કરી દીધું.
 
***
 
કાજીની કોરટમાં જીત્યા પછી ગલબો ખૂબ આનંદમાં હતો. તે ઘરમાં સૂવા ગયો, પણ બેહદ ખુશીને લીધે એ સૂઈ શક્યો નહીં. એ ઘરના ઊંબરામાં આવીને બેઠો. ખિસકોલીની કેવી દુર્દશા થાય છે એ જોવાનું એને મન હતું.
 
એટલામાં એણે રસ્તે જતા કોઈ બે જણને વાતો કરતાં સાંભળ્યા.
 
એક જણ કહેતો હતો, પે...લું ઘર જોયું ?
 
બીજાએ કહ્યું, હા, જોયું ! શું છે એનું ?
 
એ ભૂતિયું ઘર છે, એમાં ભૂત રહે છે. એક રાત પણ કોઈ એમાં રહી શકતું નથી. ઘર ફક્કડ છે, આરામ માટે સારું છે, પણ કોઈ જરી ઝોકું ખાય તો ભૂત તરત એને બોચીમાંથી પકડે છે અને મારી ખાય છે.
 
બાપ રે, મને કોઈ મફત આપે તોયે આવા ઘરમાં હું ન રહું !
 
ગલબાએ બહાર નજર કરી. જોયું તો એક હતો વાંદરો ને બીજો હતો કાગડો.
 
એ લોકોના ચાલી ગયા પછી ગલબો કહે, હું કંઈ આવા ભૂતબૂતમાં માનતો નથી. ભૂતને નજરે દેખું તોયે માનું નહીં એવો હું બુદ્ધિવંતો છું.
 
આમ, કેટલોક વખત વીતી ગયો. અચાનક કંઈ અવાજ સાંભળી ગલબાએ રસ્તા ભણી નજર કરી. જોયું તો એક તેતર અને એક કબૂતર વાતો કરતાં જતાં હતાં.
 
તેતરે ખિસકોલીવાળું ઘર દેખાડી કહ્યું, આ ઘર વેચવાનું છે, બહુ સસ્તામાં મળે એમ છે. મારો વિચાર એ લેવાનો છે. તમારી શી સલાહ છે ? મિત્ર તરીકે તમે સાચી સલાહ આપજો !
 
કબૂતરે ઘર સામે જોઈ કહ્યું, ઊંહું ! ઊંહું !
 
તેતરે કહ્યું, કેમ ઊંહું !
 
કબૂતરે કહ્યું, મને પણ તારી જેમ એ ઘર ખરીદવાનો વિચાર આવેલો, એટલે મેં તપાસ કરી તો મને માલૂમ પડ્યું કે એ ભૂતિયું ઘર છે. એમાં એક બ્રહ્મરાક્ષસ રહે છે. ત્યાં કોઈ રાત રહી શકતું નથી. કહે છે કે માણસ જરી ઊંઘવાનું કરે તો તરત બ્રહ્મરાક્ષસ આવીને એને બોચીમાંથી પકડે છે ને મારી ખાય છે !
 
બાપ રે ! તેતર ફફડી ગયું. સારું થયું તમે મને ચેતવ્યો ! આમ વાતો કરતાં કરતાં તેઓ ચાલી ગયા.
ગલબો મનમાં કહે, હેં, શું આ ભૂતિયું ઘર છે ? એમાં બ્રહ્મરાક્ષસ રહે છે ? બ્રહ્મરાક્ષસ તો ભૂત કરતાંયે ભૂંડો !
એ ભયથી ફફડી ગયો, પણ ગલબો બહાદુર હતો. કહે, હું ઊંઘીશ જ નહીં, પછી બ્રહ્મરાક્ષસ મને શું કરવાનો છે ?
મનમાં આવું બોલ્યો ખરો, પણ એને ઊંઘવું હતું, પરાણે આંખો ઉઘાડી રાખી બેઠો હતો.
 
ગલબાએ કબૂતર અને તેતરની વાતચીત બરાબર સાંભળી હતી. સાંભળીને એ ફફડી ગયો હતો. બુદ્ધિવંતો હોવાનો એનો ફાંકો ઊતરી ગયો. એ મોટેથી બોલ્યો, નક્કી આ ઘર ભૂતિયું છે. કબૂતર-તેતર એને ભૂતિયું કહે છે એટલે એ ભૂતિયું છે જ. વળી, ભૂત ભેગો બ્રહ્મરાક્ષસ પણ છે. બ્રહ્મરાક્ષસ તો ભૂત કરતાંયે ભૂંડો !
 
એ મોટેથી બોલી ઊઠ્યો, છી ! આવા ઘરમાં હું નહીં રહું, ભલે ખિસકોલી અહીં રહે ને મરે ! એ મરે એ જ લાગની છે.
તે જ ઘડીએ એણે ઘર છોડી દીધું.
 
વાંદરો અને કાગડો ઝાડ પર બેઠાં બેઠાં ગલબા પર નજર રાખી રહ્યા હતા. ગલબો મોટેથી બોલ્યો તે તેમણે સાંભળ્યું હતું અને એને ઘર છોડી ભાગી જતો જોયો હતો. તેતર, કબૂતર બધાં એમનાં મિત્રો હતાં. બધાંએ મળીને ગલબાને બિવડાવી ભગાડવાની યુક્તિ ગોઠવી હતી અને તે બરાબર પાર પડી હતી.
 
ખિસકોલી તો હજી ઝાડની નીચે લમણે હાથ દઈને બેઠી હતી. અચાનક એણે વાંદરાનો અવાજ સાંભળ્યો, ખિસકોલીબહેન, ખુશ થાઓ ! તમારું ઘર ખાલી છે - ગલબો ભાગી ગયો, હવે ફરી એ નહીં આવે ! ચાલો, અમે તમને તમારે ઘેર લઈ જઈએ !
ખિસકોલી એટલી ભયભીત હતી કે ગલબો ઘર ખાલી કરી ગયો છે એ વાત એના માન્યામાં ન આવી. એ હેં હેં કરતી રહી અને વાંદરો, કાગડો, તેતર, કબૂતર, સસલું, હરણ બધાં સરઘસાકારે ગોઠવાઈ ગયાં - કોઈ પીપૂડી ફૂંકે, કોઈ નગારી વગાડે, કોઈ શરણાઈ બજાવે !
 
જોવા જેવો ખેલ થયો. ખિસકોલીને લઈને સરઘસ ચાલ્યું, ને ખિસકોલીના ઘરે પહોંચ્યું.
 
ઘર ખાલી જોઈ ખિસકોલીના આનંદનો પાર ન રહ્યો. સઘળે આનંદ આનંદ થઈ રહ્યો.