‘આંખે પાણી દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ’ આપણી ગુજરાતી લોકોક્તિઓમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘણી છે. ખૂબ જાણીતી આ લોકોક્તિને જોઈએ

    ૧૭-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ayurveda_1  H x
 
આશરે એંશી વર્ષથી પ્રચલિત આધુનિક ચિકિત્સા પદ્ધતિ પહેલાં મનુષ્ય પ્રજાતિ તો હતી જ. શું તેઓને સ્વાસ્થ્યની સમસ્યાઓ નહીં હોય? તેઓ શું કરતા હશે?
 
છેલ્લા દાયકાથી વિશ્ર્વનાં ખમતીધર ગણાતા દેશો પોતાની પ્રજાના સ્વાસ્થ્યની રક્ષાનો ખર્ચો ઉપાડવા અક્ષમ હોવાની બૂમો પાડી રહ્યા છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ એનાં કારણોનો અભ્યાસ કરી અનેક તારણો કાઢ્યાં છે. આશરે એંશી વર્ષથી પ્રચલિત આધુનિક ચિકિત્સા પદ્ધતિ પહેલાં મનુષ્ય પ્રજાતિ તો હતી જ. શું તેઓને સ્વાસ્થ્યની સમસ્યાઓ નહીં હોય? તેઓ શું કરતા હશે? આ દિશામાં આગળ વધતાં આ વિશ્ર્વ સંસ્થાના ધ્યાન પર આવ્યું કે દરેક દેશ પાસે પોતાની સ્વાસ્થ્યરક્ષક પદ્ધતિ છે. તે તે દેશોની પ્રજાને પોતાની આ પદ્ધતિ પર હજી વિશ્ર્વાસ છે. આ પ્રાચીન જ્ઞાન ખજાનાને ફંફોસતાં એવાં એવાં રત્નો મળ્યાં કે હવે વાયરો વાયો છે કે તે તે સ્થળે તે તે પદ્ધતિનાં જ મૂળને દ્ઢ કરવાં. આ સંદર્ભ આપણા ભારતવર્ષને પણ લાગુ પડે છે.
 
આપણી ગુજરાતી લોકોક્તિઓમાં સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી ઘણી છે. ખૂબ જાણીતી આ લોકોક્તિને જોઈએ -

‘આંખે પાણી’

અહીં આંખે પાણી લાવવાની નહીં આંખને પાણીદાર કરવાની વાત છે. ગુજરાતમાં ધૂળ ઊડવાથી, આંખની સફાઈ ન જાળવવાથી થતો રોગ ‘તાપોડિયા’ ઘણો પ્રચલિત હતો. રોજ જોવાતાં છસોથી આઠસો દરદીમાં લગભગમાં તે મળતો. તે પછી કાળક્રમે શહેરમાં આવવાનું બન્યું તો અહીંના યુવાધનમાં પણ તાપોડિયા મળ્યા. તે ફક્ત આંખનો રોગ માત્ર નથી અંધત્વનું મહત્ત્વનું કારણ પણ છે. તેનો ઉપાય છે નિયમિત રીતે સ્વચ્છ પાણીનો આંખમાં છંટકાવ. આપણે ત્યાં સવારે દાતણ કર્યા પછી મોંમાં પાણીનો કોગળો ભરી હાથમાં સાદું પાણી લઈ તેની બંને આંખ પર છાલક (મોતિયો ઉતરાવેલા, આંખના નંબર ઉતારવા માટે કરેલા શસ્ત્રકર્મ અને ઝામરના દરદીઓ માટે આ પ્રયોગ નથી) મારવી. આવી વીસ છાલક રોજ મારવી.
 
ઘણાંને તેથી નાકમાંથી ચીકણું પાણી આવે છે. તે શરદી નથી થઈ પણ નાકની આજુબાજુ રહેલી જગ્યામાં જામેલો કફ છૂટો પડ્યો. તેને નાક સાફ કરી દૂર કરવો અને નવશેકા ગાયનાં ઘીનાં છ-છ ટીપાં બંને નસકોરામાં પાડવાં. કફ દૂર થઈ આંખની દ્ષ્ટિ સુધરશે. બહેનો પહેલાં ડાબા નસકોરામાં અને ભાઈઓ પહેલાં જમણા નસકોરામાં ટીપાં પાડે. ગળામાં આવે એટલે થૂંકી નાંખે અને બંને કાનમાં રૂ રાખે. સવારે કાનમાં રાખેલું રૂ સાંજે કાઢી વ્યવસ્થિત કચરાપેટીમાં નાખવું. એક વ્યક્તિનું વપરાયેલું રૂ બીજાએ ન વાપરવું. આ રૂ રાખવાનો મૂળ હેતુ કાનમાં હવા ન જવા દેવાનો છે.
 
આપણે ત્યાં શહેર હોય કે ગામ-બહાર જતા પહેલાં, બહારથી આવીને, જમવા બેસતા પહેલાં, તથા જમીને અને પ્રાર્થનામાં બેસતા પહેલાં અને સૂતા પહેલાં હાથ, પગ, મોં ધોઈને આંખે છાલક મારવાની આદત આબાલવૃદ્ધને રહેતી. એને ફરી તાજી કરીએ. આજના કોમ્પ્યુટર યુગમાં પ્રકાશિત પદાર્થ સામે કલાકો સુધી એકટક બેસી રહેવામાં આંખોની દ્ષ્ટિશક્તિ પર અસર પડે છે. દ્ષ્ટિશક્તિ જાળવવા આંખોને અવારનવાર આરામ આપવો પડે છે. દર અડધા કલાકે ઊભા થઈ, આંટો મારી આંખ પર બે છાલક સાદા પાણીની મારી મોંને ટર્કીશ (રૂંછાદાર ખરબચડો) ટુવાલથી લૂછી ફરી કાર્યારંભ કરતાં સ્વાસ્થ્ય સુરક્ષિત રહે છે. ખૂબ નાની, સરળ, બિનખર્ચાળ આ દ્ષ્ટિ જાળવણીની પદ્ધતિમાં લાંબા ગાળે અનેક ફાયદા છે.
 
મહર્ષિ સુશ્રુત કહે છે -
 
‘વ્યર્થો લોકોયં તુલ્ય રાત્રિદિવાનાં પુંસાં અંધાનાં વિદ્યમાનેપિવિત્તે’.

‘દાંતે લૂણ’

લૂણ એટલે નમક. આજનાં બાળકોને દરિયાઈ મીઠાની ખબર નથી. બધે રાસાયણિક પદ્ધતિઓ ઉપયોગી નથી હોતી. ક્યારેક સ્વાસ્થ્યને જોખમી પણ હોય છે. પૂજ્ય બાપુએ જે નમકની મુઠ્ઠી ભરી વિદેશી સામ્રાજ્યનાં મૂળમાં પૂળો મૂક્યો, તે લૂણની જ વાત કરીએ. સવારે દાતણ કરાય છે. દાતણમાં વપરાતા વિવિધ વૃક્ષોની કુમળી ડાળીમાં કડવો લીમડો, બોરસલી, દેશી (ભારતીય) બાવળ, વડ સામાન્ય રીતે વપરાય છે. તે દરેકમાં દાંત, દાંતના મૂળ, પેઢાંને મજબૂત કરવાં, મોંની ચામડીનું સ્વાસ્થ્ય જાળવવું અને ચેપોને દૂર કરવાના ગુણો છે. ભારતીય ચિકિત્સા પદ્ધતિ ચેપી રોગોને ઓળખે છે. તેમના નિવારણમાં માને છે.
 
પાયાની વાત એ છે કે જીવનપદ્ધતિ જ એવી હોય કે જીવાણુ વિષાણુ છેટા રહે. આપણે કશું ખાઈએ, પીએ કે તરત તેને પચાવવા મોંમાંથી લાળ સ્રવે. આ લાળને આપણા પાચન સાથે સીધો સંબંધ છે. પાચનશક્તિ નબળી હોય તેમને તાંતણા જેવી ચીકણી લાળ આવે છે. આ લાળ સૂક્ષ્મ જીવોનું પોષણ છે. એક વાર દાંત હાલ્યા એટલે સ્વાસ્થ્ય જોખમાયું. તેથી જમવાની થાળીમાં ચપટી મીઠું પીરસાતું. ગૃહિણી પોતાનાં ભરચક્ક કામો વચ્ચે સ્વાસ્થ્યરક્ષક વાતો વગર બોલે કરતી તેનો આ ઉત્તમ દાખલો. ઘરનાં વડીલો બાળકોને સાથે રાખી જમતાં અને પછી આ નમક લઈ દાંતે મંજન કરતાં. સવાર-સાંજ બે વાર નમક મોંમાં ફરતું. દાંત-પેઢાં વચ્ચે, બે દાંત વચ્ચે, દાંતની આગળ પાછળ કે ઉપર કીટાણુ કે મેલ ક્ષારને લીધે જામી શકતા નથી. મોં ચોખ્ખું રહેતું. વાસ ન આવતી અને પાચન સારું રહેતું. મોંની પ્રસન્નતા, આરોગ્ય વ્યક્તિના સ્વભાવ સાથે સંબંધ રાખે છે.

‘પેટ ન ભરવું ચારે ખૂણ’

જઠર કે આમાશય આપણી બંધ કરેલી મુઠ્ઠી જેટલું છે. આ જઠરના ચાર ભાગ હોવાનું આચાર્ય ચરક કહે છે. આ ચાર ભાગમાં એક ભાગ અન્ન, બે ભાગ જેવા તરલ પદાર્થો ભરવા અને એક ખાલી રાખવો. અહીં કોથળી જેવા આમાશયની રચના એવી છે કે ખાધેલા અન્નનું વલોણું થાય છે. ઓછું ખાવાથી અશક્તિ નથી આવતી. અપોષણ પણ નથી ઊભું થતું. પચાસ ગ્રામ રાઇસ કરતાં એક ચમચો સીઝેલા ભાતમાં ઘી નાખી લેતાં વધુ પોષણ મળશે.
દાંતથી નખ ન કાપીએ, હોય જંતુ ને મેલ
દાબીને નખ ન કાપતા, થાશે જોવા જેવો ખેલ.