તંત્રીસ્થાનેથી - આખા વિશ્ર્વનો એક જ સૂર : ચીન હવે અસહ્ય છે

    ૨૧-ઓક્ટોબર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

china_1  H x W:
 
 
લદાખ, અરુણાંચલ, સિક્કીમ, હિમાચલ, કાશ્મીરના સરહદી વિસ્તારોમાં, રણનૈતિક રીતે અત્યંત મહત્ત્વના અને સંવેદનશીલ વિસ્તારોમાં ઝડપથી સૈનિકો અને હથિયારો પહોંચાડવા ઉપયોગી એવા ૪૪ પુલોનું ઈ-લોકાર્પણ કરી, રાજનાથ સિંહે ચીન-પાકિસ્તાનની મિલીભગત તરફ આંગળી ચીંધી, ‘પાકિસ્તાન અને ચીન ભારતને રંજાડવા હવે સંયુક્ત મોડમાં આવી ગયા છે. પૂર્વથી માંડીને ઉત્તર સુધીની સાત હજાર કિલોમીટરની સરદહો પર તેમની નજર છે. પણ ભારત કોઈ પણ પ્રકારના પડકારોને પહોંચી વળવા સક્ષમ છે.
 
તાઈવાનના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે ભારતીય મીડિયાને ચીને ખુલ્લો પત્ર લખ્યો,‘તાઈવાન ચીનનું એક અવિભાજ્ય અંગ છે, ભારત તાઈવાન દિવસને મહત્ત્વ કે શુભેચ્છાઓ ન આપે.’ પ્રતિક્રિયામાં તાઈવાને ‘ગેટ લોસ્ટ’ ટ્વીટ કરી અને ભારતે ચીનની ધમકીઓને ફગાવી, તાઈવાનને રાષ્ટ્રીય દિવસની શુભેચ્છાઓ આપી. ચીન નેપાળને પણ પોતાનું ગણાવે છે, લદ્દાખના પૂર્વ વિસ્તારને એક નવા વિવાદિત કાશ્મીર તરીકે ઉપસાવવા માંગે છે, હોંગકોંગમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન અને તિબેટમાં લઘુમતીઓ પર ત્રાસ પણ ખરો. પણ ભારત ચીનની કોઈ બૂરી નીતિ ફાવવા નહીં દે.
 
સરદહો પર પ્રત્યક્ષ ઉપરાંત અમેરિકા સહિત અનેક દેશો સાથે ચીન સાઈબર વોર કરી રહ્યું છે. ચીનનું મીડિયા વોર પણ ગંભીર. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઇમ્સ’માં અને નેપાળના મીડિયામાં ભારત વિરુદ્ધ સમાચારો માટે ચીન સૌથી વઘુ નાણાં ખર્ચતું હોવાના અહેવાલો છે. ત્રીજી વોર એટલે લીગલ વોર. પોતાના દેશના આંતરરાષ્ટ્રીય કાયદાઓના હવાલાઓ આપીને, કાયદાઓમાંથી છટકબારીઓ શોધે છે.
 
દુનિયાના દેશોએ હવે ચીનને સબક શીખવાડવા કમર કસી છે. ગત જૂનમાં યુનાઇટેડ નેશન્સના પચાસ માનવ અધિકાર નિષ્ણાતોએ ચીનની બૂરી વૈશ્ર્વિક નીતિઓ વિશે એક ડોક્ટયુમેન્ટ તૈયાર કરી રજૂ કર્યો. અઠવાડિયા પહેલાં યુનાઇટેડ નેશન્સમાં ૩૯ દેશોએ ચીનની નીતિ સામે સવાલ ઉઠાવ્યા અને ઝડપથી ગંભીર પગલાંની માંગ કરી. આ દેશોની આગેવાની કરી અમેરિકા અનેક મોરચે ચીનને ઘેરી રહ્યું છે. ટ્રમ્પે કોરોના ફેલાવવા બદલ ચીનને જવાબદાર ઠેરવીને એની પાસે દંડ વસૂલવાનીય વાત કરી.
 
જમ્મુ-કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ બળતામાં ઘી હોમતાં ચીનની મદદથી જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ધારો - ૩૭૦ લાગુ કરવાનાં બણગાં ફૂંક્યાં. તે ય ચીનની કૂટનીતિનો ભાગ ચીનના વિદેશ મંત્રાલયની થિંક ટેંક ગણાતા ચાઈના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીના એક્સપર્ટ યુઆન નાનશેંગે પણ ચીનની સરકારને સાવચેત કરી છે કે, ‘જો ચીન ભારત અને અમેરિકાને ગંભીરતાથી નહીં લે તો પસ્તાશે. ચીને ‘વુલ્ફ વોરિયર ડિપ્લોમસી’ના નામે આખી દુનિયા સામે અતિઆક્રમક વલણ અપનાવ્યું છે તે જોખમી છે. ચીનના ટ્રેડ એક્સપર્ટ્સ પણ કહે છે કે, ‘ચીને ભારત સાથે છમકલાં કરી મોટો વેપાર ગુમાવ્યો છે.
 
આર્મી ચીફ બીપીન રાવતે તો કહી પણ દીધું કે,‘ચીન જો વાતચીતથી નહીં સુધરે તો યુદ્ધ સહિતના તમામ વિકલ્પો ખુલ્લાં જ છે. છેલ્લાં પાંત્રીસ દિવસમાં ભારતે દસ મિસાઈલ અને અન્ય સાધનોનાંય પરીક્ષણો કર્યાં. તાજેતરમાં જાપાનના ટોકિયોમાં મળેલી જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના ‘ક્વાડ સંગઠન’ની બેઠકમાંય ચીનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી બતાવાઈ અને ભારતે ઉત્તરી ચીનની સરહદે ૬૦ હજાર સૈનિકો તૈનાત કર્યા.
 
આગામી ૧૭મી નવેમ્બરે મળનારી બિક્સ (બાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સાઉથ આફ્રિકા)ની વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની સરમુખત્યાર શી જિનપિંગ વચ્ચે વન-ટુ-વન મંત્રણામાં કોઈ વિધેયાત્મક અને શાંતિપૂર્ણ ઉકેલ આવે તો પણ જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા તથા અનેક વિકસતાં રાષ્ટ્રોનો એક જ સૂર ‘ચીન હવે અસહ્ય છે’ અને સહુ સાથે મળી, ચીનને અનેક ક્ષેત્રે દબોચવાની તૈયારીમાં છે.