સરદાર પટેલે ગુજરાતના વિકાસનું કેવું સ્વપ્ન જોયું હતું? વાંચો તેમના જ શબ્દોમાં

    ૩૧-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

sardar patel_1   

સરદાર પટેલ અને ગુજરાત

 
ગુજરાતના સ્થાપ્ના દિને સરદાર વલ્લભભાઈની ગુજરાતના વિકાસ માટે કેવી અપેક્ષા હતી? કેવી કલ્પ્ના હતી? ગુજરાતના સર્વાંગી વિકાસનું કેવું સ્વપ્ન હતું? ગુજરાતીઓ પાસે કેવી આશા સેવી હતી? શાસકો અને વહીવટકર્તાઓ પાસે કેવી અપેક્ષા રાખી હતી? એ અંગે ગુજરાતની ધરતી પર વ્યક્ત થયેલા એમના વિચારો, એમનાં વક્તવ્યો એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કર્યા છે...
 
ગુજરાતના સ્થાપ્ના દિને સરદાર વલ્લભભાઈની ગુજરાતના વિકાસ માટે કેવી અપેક્ષા હતી? કેવી કલ્પ્ના હતી? ગુજરાતના સર્વાંગી વિકાસનું કેવું સ્વપ્ન હતું? ગુજરાતીઓ પાસે કેવી આશા સેવી હતી? શાસકો અને વહીવટકર્તાઓ પાસે કેવી અપેક્ષા રાખી હતી? એ અંગે ગુજરાતની ધરતી પર વ્યક્ત થયેલા એમના વિચારો, એમનાં વક્તવ્યો એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કર્યા છે, જે વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ એટલા જ પ્રેરણાદાયી છે.
 
આપણે એવું સ્વરાજ્ય ઇચ્છીએ છીએ કે જેમાં સૂકા રોટલાને અભાવે સેંકડો માણસો મરતા નહિ હોય.
ભરૂચ : તા. 31-5-1921
 
લોકસેવકો, દેશભક્તોની સ્વતંત્રતા જોખમમાં હોય પણ દારૂ પીનારા અને દારૂ વેચનારાઓની સ્વતંત્રતાનું રક્ષણ કરવા ખાસ કાળજી રાખવામાં આવે એવી સ્થિતિ ગુજરાતમાં નહિ હોય.
ભરૂચ : તા. 1-6-1921
 
મારી આશા ગુજરાતીઓ ઉપર છે. દેશમાં ચોમેર અંધકાર અને નિરાશા ફેલાયેલાં હોય તે વખતે અનેક મુશ્કેલીઓ વચ્ચે ત્યાગ અને બલિદાનનો પ્રચંડ વાયુ ફેલાવી ગુજરાતે દેશને દોરવણી આપી છે.
અમદાવાદ : તા. 22-7-1923
 
અમદાવાદના લોકોને દસ-પંદર લાખ રૂપિયા આપીને તેમનાં મકાન ઊભા કરવામાં ટેકો આપશો, પણ ખેડૂતનું ઝૂંપડું ઊભું નહિ થાય તો જાણજો કે તમારા બંગલા નથી રહેવાના.
અમદાવાદ : તા. 8-8-1927
 
સરકાર પોતાની આર્થિક સ્થિતિ તંગ હોવાની બૂમ પાડે છે. પણ તેના વહીવટના લખલૂટ ખર્ચામાં ઘણી દિશામાં કાપકૂપ થઈ શકે તેમ છે. એમાંનું કશું કરવામાં આવતું નથી.
સુરત : તા. 6-7-1927
 
હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લોહી વહે છે. જ્યાં જ્યાં ખેડૂતને દુ:ખ પડે છે ત્યાં મારું દિલ દુભાય છે. સરકારી દફતરમાં ખેડૂત આબરૂદાર, ઇજ્જતદાર લેખાશે ત્યારે જ તેનો દહાડો વળશે.
 
સાચું ખેડૂતનું સ્વરાજ્ય સ્થાપવાના અખતરામાં ગુજરાત મને સાથ આપે તો આખા દેશનું સ્વરાજ્ય આપણે સહેલાઈથી સ્થાપી શકીએ.
 
રાજ્યની ઊપજનો આધાર મોટેભાગે ખેડૂતો ઉપર રહેલો છે. ખેડૂતો જ રાજ્યના પોષક છે. એવા ખેડૂતોની પાયમાલી કરનાર રાજ્ય જાણ્યે-અજાણ્યે રાજ્યની ઇમારતના પાયા ખોદે છે.
 
ખેડૂત ડરીને દુ:ખ વેઠે એની મને શરમ આવે છે. ખેડૂતને રાંકડા મટાડી ઊભા કરું ને ઊંચે માથે ફરતા કરું, એટલું કરીને મરું તો મારું જીવ્યુંસફળ માનું.
 
ખેડૂતની કર ભરવાની શક્તિ ઉપર નજર રાખી જમીન મહેસૂલ નક્કી કરી શકાય, પરંતુ તેનો ઉપયોગ ખેડૂતના કલ્યાણ અર્થે જ થવો જોઈએ.
 
બારડોલી : 1928
 
પ્રધાનો રાજ્યની તિજોરીના ટ્રસ્ટી છે, માલિક નથી. એ નાણાં પ્રજાના કલ્યાણ અર્થે વપરાવાં જોઈએ. રાજ્ય વૈભવને શોભતો ખર્ચ ભલે થાય, પણ એની મર્યાદા હોવી જોઈએ.
અમદાવાદ : તા. 1-4-1929
 
હિન્દુસ્તાનનું દુ:ખ, ગુજરાતનું દુ:ખ, કાઠિયાવાડનું દુ:ખ આગેવાનોના અભાવનું નથી, આગેવાનો અનેક થઈ પડ્યાનું છે. દુ:ખ સિપાઈગીરીના અભાવનું છે.
નવજીવન : તા. 7-4-1929
 
વકીલ અને કોર્ટની પાસે જવું તેના કરતાં જમરાજાને ત્યાં જવું બહેતર છે. દુનિયામાં ભગવાનને નામે જેટલાં જૂઠાણાં અદાલતોમાં બોલાય છે તેટલાં બીજે ક્યાંય બોલાતાં નહિ હોય. એ અદાલતો અને શરાબખાનાં શેતાનનાં ઘરો છે.
નવજીવન : તા. 29-9-1929
 
અમદાવાદ તો ગુજરાતનું હૃદય કહેવાય. અહીંથી ગુજરાતમાં શુદ્ધ લોહી વહેવું જોઈએ. અહીંથી ખુશબો નીકળવી જોઈએ.
અમદાવાદ : જુલાઈ, 1931
 
તમારી (મસ્કતી માર્કેટ) પાસે મેં સેવાનાં ઘણાં કામ લીધાં છે અને તમારું મહાજન સુંદર અને વ્યવસ્થિત છે. તમે તો તમારા ઝઘડા પણ મહાજનથી પતાવો છો એ સૌથી સરસ વાત છે. આવાં મંડળો હિંદુસ્તાનમાં બહુ ઓછાં છે.
અમદાવાદ : જુલાઈ, 1931
 

sardar patel_1   
 
ગુજરાતમાં ત્રણચાર શહેર બાદ કરતાં બાકીની બધી મ્યુનિસિપાલિટીઓ તેમનું રોજના સામાન્ય વહીવટનું ખર્ચ પરાણે ચલાવી શકે છે. લોકલ બોર્ડની સ્થિતિ તો એથી પણ વધારે ખરાબ છે. આથી મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડના સભાસદની જગ્યાએ માન મરતબાની કે સ્વાર્થ સાધવાની ઉમેદથી જવું એ પાપ છે. સેવાધર્મનું એ સ્થાન છે. ગરીબ અને કર ભરનારાઓનાં નાણાંના વહીવટના ટ્રસ્ટી બની બેસવું એ ભારે જવાબદારીનું કાર્ય છે.
પ્રજાની સંમતિ કે ટેકા સિવાય રાજ્ય ચાલી શકતું નથી. રાજ્યમાં જાગ્રત પ્રજામત હોય તો એ આખા હિન્દુસ્તાનને પદાર્થપાઠ આપશે.
 
શિહોરી પ્રજામંડળની વાર્ષિક સભામાં :
તા. 25-6-1936
 
પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકેના મારા કેટલાક રાજ્યોના અનુભવ દરમિયાન એક-બે વસ્તુઓ મારા જોવામાં આવી છે. ઉમેદવારને એકવાર ધારાસભામાં પ્રવેશ મળી જાય છે એટલે હોદ્દાઓ લઈને બેસી જાય છે અને વફાદાર રહેતા નથી. આપણા (ગુજરાત) ઉમેદવારોમાં એવો એક પણ નથી. લાંબાં ભાષણો કરતાં આવડે તેમનો જ ધારાસભામાં બેસવાનો હક છે એમ નથી. એવા બહુ બોલે તેમાંના ઘણાંનો ભરોસો ઓછો છે. જ્યાં પાકી વફાદારી એ જ મુખ્ય વસ્તુ છે ત્યાં બહુ બોલકાઓની આપણને જરૂર નથી.
સુરત : તા. 6-11-1936
 
લાંચરુશવતથી મત આપવો એ મહાપાપ છે. આપ્નારે પણ સમજવું રહ્યું કે એવા લોકો પૈસા પણ લેશે છતાં મત તો બીજાને જ આપશે.
 
ચૂંટણીમાં કોઈ અધિકારીને દબાણ કરવાની સત્તા નથી. કોઈપણ અધિકારી કે પોલીસ કે ગમે તે તેમાં દખલ કરે કે દબાણ પહોંચાડતો જોવામાં આવે તો તેનું નામ લખી લેજો.
સુરત : તા. 6-11-1936
 
ગુનો પકડવા માટે પોલીસની મદદ લેવી એના કરતાં ગુના થતા અટકાવવા એમાં આપણી શોભા છે. આમ કરશો તો જ પ્રધાનોનો દીવો જોરથી બળવાનો છે. નહીંતર ડબો ગુલ થવાનો છે.
માંડવી : તા. 7-9-1937
 
ક્ષ પ્રજા રાજ્યની જ ભૂલો જોયા કરે તેથી કંઈ નહિ વળે. તેણે પોતાનો ધર્મ પણ પાળવો જોઈએ. આપણું કર્તવ્ય ન કરીએ ને કેવળ રાજ્યની ખણખોદ જ કર્યા કરીએ તો એ બરાબર નથી.
રાજપીપળા : તા. 25-12-1937
 
કમનસીબે આજે એક વર્ગ એવું માનતો થઈ ગયો છે કે છાપામાં લેખો લખવાથી ઝટ નેતા થઈ શકાય. પબ્લિસિટી કર્યાથી આગળ વધી શકાય. પ્લટફાર્મ પર ચડીને ભાષણ કરવાથી મહાન નેતા થઈ શકાય અને ગમે તે મંડળ કાઢી તેના મંત્રી કે પ્રમુખ બન્યાથી મોટી ખુરશી પર બેસી શકાય. પરંતુ એ તો બધા પડવાના રસ્તા છે. જે માણસ સિપાઈગીરી નથી જાણતો તે સેનાપતિ નથી થઈ શકતો. 
ગૂજરાત વિદ્યાપીઠ : તા. 19-12-1939
 
હું અંગ્રેજ સરકાર સાથે લડ્યો છું અને લોકોને લડાવ્યા છે પણ આજે બીજો સૂર કાઢું છું, કારણ અત્યારે મહાસાગરમાં મંથન ચાલી રહ્યું છે. તેમાંથી રતન કાઢવાનું છે. ગોરસ વલોવી એમાંથી માખણ કાઢવાને બદલે વલોવ્યા જ કરીએ તો ગોરસી ફૂટી જાય અને ફુવડ ગણાઈએ.
વડોદરા : તા. 16-4-1947
 
કામ કર્યા વિના નેતાગીરી લેવાની કોશિશ થઈ રહી છે. જે મળે તે ઝપાટાબંધ વહેંચી લેવાની દાનત અને પેરવી હશે તો તે પચવાનું નથી.
સુરત : તા. 16-4-1947
 
આજે ગુજરાતી વાણીમાં ન્હાનાલાલનું લાલિત્ય છે. સરદાર વલ્લભભાઈનું જોમ ને અસરકારકતા છે, ને મહાત્માજીની પ્રેરણાત્મકતા છે. કેટલાક કહે છે કે ગુજરાતીઓએ રાજકારણમાં હાથ નાખ્યો ત્યારથી હિન્દુસ્તાનનું નખ્ખોદ ગયું. એમને ક્યાં ભાન છે કે આ ગુજરાતીઓને લીધે જ આજે હિન્દ જગતમાં પૂજાય છે.
1942 - કનૈયાલાલ મુનશી
 
(આ લેખ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી દિનશા પટેલે સાધનાના ૧૧ ઓગષ્ટ ૨૦૧૨ના સરદાર પટેલ વિશેષાંકમાં લખ્યો છે તે ટૂંકાવીને સાભારસહ અહીં રજૂ થયો છે…)