બાળકને ઉલ્ટી થતી હોય, ઉધરસ હોય, કબજિયાત, ઝાડા,પેટમાં દુઃખતું તો આયુર્વેદ જણાવે છે આ ઉપાય

    ૦૭-ઓક્ટોબર-૨૦૨૦
કુલ દૃશ્યો |

ayurved_1  H x
 
 
લોકોપયોગી આયુર્વેદ...
 
સમય સાથે કદમ મિલાવીએ તો જ ઉપયોગિતા ટકે એ ભારતીય ચિકિત્સા શાસ્ત્રે અપનાવ્યું. ભારત સરકારે સમયની માંગને ઓળખી, વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ પોતા ઉપર પડી રહેલા આર્થિક બોજા અને નિષ્ફળતા સ્વીકારી દરેક દેશની પરંપરા તપાસી, સરવાળે સ્વાસ્થ્ય વિભાગ અંતર્ગત ‘AYUSH‘ વિભાગ એટલે કે આયુર્વેદ, યોગ, યુનાનિ, સિદ્ધ અને હોમિયોપથી એમ સંકલિત વિભાગ શરૂ કરાયો. આ વિભાગ અંતર્ગત અનેક સુંદર કામો થયાં અને કોરોનાના આ કપરાકાળમાં લોકઉપયોગી કામ થઈ પણ રહ્યા છે. આ વિભાગે આયુર્વેદીય અને લોકપ્રચલિત અનુભવોનું સંકલન કરી બને તેટલો પ્રચાર-પ્રસાર કરાવ્યો. એવી એક નાનકડી પુસ્તિકાનું નામ છે ‘આયુર્વેદિક હોમ રેમેડીઝ ફોર કોમન એઇલમેન્ટ્સ’. એની વાત પછી પણ હાલ જાણીએ બાળકોના કેટલાંક રોગ અને તેના ઘરેલું ઉપચાર વિશે…
 

બાળરોગોમાં શરદી - ઉધરસમાં :

 
# 1 થી 2 ગ્રામ સમ્મિલિત ચૂર્ણ - કાળાં મરી, લીંડીપીપર અને સૂંઠને એટલા જ મધમાં મેળવી દિવસમાં બેથી ત્રણ વાર ચટાડવું. (આપણને તે ત્રિકુટ તરીકે બજારમાં મળે છે. બાળકની ઉંમર પ્રમાણે ચણોઠીથી બોર જેટલા પ્રમાણમાં ચૂર્ણ લેવું ઉપયોગી થાય.)
 
# લસણની ફોલેલી એક કળીને ઉકાળેલા પાણીમાં લસોટી તેમાં એક આખી ભરેલી ચમચી સાકર સાથે લસોટી દિવસમાં બે વાર ચટાડવું. (લસણને વારંવાર સૂંઘાડવું, લસણ અજમાની પોટલી નાક પાસે રાખવી)
 
# એકથી બે ચમચી હળદર મધમાં સારી રીતે કાલવી દિવસમાં ત્રણ વાર ચટાડવું. (કફ ઠસાઈ ગયો હોય તો ચપટી નમક ઉમેરી શકાય. બાળક મધ ચાટી શકે તેવી સ્થિતિ ન હોય તો ગરમ પાણીમાં મેળવી ચમચી ચમચી પાવું.)
 

ઊલટી :

 
# બાળકને ઊલટી થાય ત્યારે ડર્યા વગર એ સમજવું કે શા કારણથી થઈ. ઊલટીમાં નીકળેલા પદાર્થ પરથી કારણ સરળતાથી જાણી શકાય છે.
# એલચી દાણા (એકથી બે એલચીના) લઈ સહેજ શેકી ખાંડી બારીક ચૂર્ણ કરી લેવું. તેને મધ સાથે દિવસમાં ત્રણ વાર ચટાડવું.
 
# લીંબુનો રસ (તાજો) અડધીથી એક ચમચી ઉકાળી ઠંડા થયેલા એક ચમચો પાણીમાં બેથી ત્રણ ચપટી સમુદ્રી મીઠું (સબરસ વાટીને વાપરીએ તો વધુ સારું) દિવસમાં બેથી ત્રણ વાર પાવું.
 
# દર કલાકે એક ચમચો તાજા લીંબુના રસમાં સાકર મેળવી પાવું.
 

પેટનો દુખાવો (નાભિની આજુબાજુ)

 
# બાળક ખૂબ રડે અને રડતાં રડતાં પેટને અડે, ઊંધું પડી જાય, ખાવાનું ન ખાય, સંડાસ પેશાબ કદાચ અટકે અને પેટ ફૂલેલું જણાય તો પેટનો દુખાવો જાણવો.
 
# અજમો પા ચમચી લઈ ઝીણો વાટી લઈ સહેજ હૂંફાળા પાણી સાથે દર કલાકે, પેટનો દુખાવો મટે ત્યાં સુધી આપવું.
 
# ચપટી હીંગને ગરમ કરેલા પાણી (એક ચમચો)માં ઓગાળી નાભિમાં રેડવું અને આસપાસ લેપ કરવો. (હીંગને પાણીમાં ઓગાળી બે - બે ટીપાં અડધા અડધા કલાકે પાવાથી કરમિયાં, વાયુ રોકાવો, અપચો થયો હોય તે દૂર કરી આપે છે. મોટાઓમાં પણ.)
 

ઝાડા (પાણી જેવા વારંવાર થતા ઝાડા)

 
# બીલાં (બીલીનું ફળ)નો ગર્ભ બેથી ત્રણ ગ્રામ પાણી સાથે મેળવી સવાર-સાંજ પાવું (સાથે ચરીમાં મગનું પાણી, ચોખાનું ઓસામણ, લીંબુ પાણી ચાલુ રાખવાં).
 
# દાડમ દાણા, તે ન મળે તો દાડમની છાલને પાણીમાં લસોટી પાંચથી દસ ગ્રામ જેટલા પ્રમાણમાં સવાર-સાંજ મધ સાથે પાવું.
 
# ચણોઠીથી પા ચમચી જેટલા જાયફળના ચૂર્ણને ગરમ કરેલા પાણીમાં લસોટી દિવસમાં બેથી ત્રણ વાર પાવું.
કબજિયાત (તકલીફ સાથે કઠણ ઝાડો થવો, ઝાડો નિયમિત ન થવો)
 
# હરડે અને સંચળ (કાળું મીઠું) સરખા ભાગે પથ્થર પર ઘસારો કરવો. બાળકની ઉંમર પ્રમાણે અડધી ચમચીથી એક ચમચા સુધી માત્રામાં પાણી સાથે દિવસમાં બેથી ત્રણ વાર પાવું.
 
નોંધ – આ માત્ર આયુર્વેદને લગતી માહિતી છે. અમારો હેતું યોગ્ય માહિતી આપના સુધી પહોંચાડવાનો છે. એટલે કોઇ પણ ઉપાય કરતા પહેલા એકવાર વૈદ્યની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે આયુર્વેદમાં લેવાતી ઔષધિની માત્રા મહત્વની છે. જે માત્રા વ્યક્તિની ઉમર અને તેની તાસિર પ્રમાણે વૈદ્ય નક્કી કરી શકે.